Categories: Market Tips

Market Summary 16/03/23

ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ મંદીને બ્રેક આપવામાં બજાર સફળ
નિફ્ટીનું બીજા દિવસે 17 હજાર નીચે બંધ
એશિયન બજારોમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.55 ટકાના ઘટાડે 16.21ના સ્તરે
બેંકિંગમાં નીચા મથાળે સપોર્ટ પાછળ બાઉન્સ
એફએમસીજી, એનર્જી, ફાર્મા, રિઅલ્ટી, ઓટોમાં મજબૂતી
મેટલ અને આઈટીમાં વેચવાલી
એનસીસી, પેટ્રોનેટ, ઝાયડસ લાઈફ નવી ટોચે
ટ્રાઈડન્ટ, ઈમામી, અવંતી ફિડ્સ નવા તળિયે
વૈશ્વિક બજારો પાછળ ભારતીય બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયેલું જોવા મળવા છતાં ગુરુવારે સ્થાનિક બેન્ચમાર્ક્સ ઘટાડાને બ્રેક આપવામાં સફળ રહ્યાં હતાં અને ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ વચ્ચે પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 79 પોઈન્ટ્સના સુધારે 57635ની સપાટીએ જ્યારે બ્રિટાનિયા 13.45 પોઈન્ટ્સ સુધરી 16986ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નીચા મથાળે ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 28 અગાઉના બંધ કરતાં સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ આનાથી વિપરીત હતી. બીએસઈ ખાતે કુલ 3640 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2139 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1387 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 370 કાઉન્ટર્સે તેમના વાર્ષિક તળિયાં બનાવ્યાં હતાં. જ્યારે 56 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ સૂચવી રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.55 ટકા ઘટાડે 16.21ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો.
બુધવારે યુએસ માર્કેટ્સ તેમના ઈન્ટ્રા-ડે લો પરથી નોંધપાત્ર રિકવરી દર્શાવી પરત ફર્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં સુધારો અપેક્ષિત હતો. જોકે તેનાથી વિપરીત મોટાભાગના એશિયન બજારો 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે તેમ છતાં ભારતીય બજાર પોઝીટીવ શરૂઆત દર્શાવી દિવસ દરમિયાન બે બાજુ વધ-ઘટ દર્શાવતું રહ્યં હતું. આખરે તે ટોકન પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 17062ની ટોચ બનાવી હતી. જ્યારે નીચે 16850નું તળિયું દર્શાવ્યું હતું. જોકે બીજા સત્રમાં તે 17 હજારની નીચે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કેશની સામે નિફ્ટી ફ્યુચર 84 પોઈન્ટ્સના પ્રિમીયમે બંધ રહ્યો હતો. જે અગાઉના સત્ર દરમિયાન જોવા મળતાં 66 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સુધારો દર્શાવતો હતો. આમ, માર્કેટમાં શોર્ટ કવરિંગના સંકેતો મળી રહ્યાં છે. જે આગામી દિવસોમાં બજારમાં સુધારાની ચાલ જાળવી શકે છે. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સ માર્કેટને લઈ ખાસ પોઝીટીવ નથી. તેમના મતે નિફ્ટીમાં બાઉન્સ ટકી શકતો નથી. જે બજારમાં વધ-ઘટે ટ્રેન્ડ મંદીનો જળવાશે તેમ દર્શાવે છે. તેઓ 16800ની નીચે વધુ તીવ્ર ઘટાડો જોઈ રહ્યાં છે. કેટલાંક એનાલિસ્ટ્સ 16800ની નીચે 15200 સુધીનો ઘટાડો બોલતાં પણ ખચકાઈ રહ્યાં નથી. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મહત્વના કાઉન્ટર્સમાં બીપીસીએલ 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, એચયૂએલ, ટાઈટન કંપની, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પોરેશન, સન ફાર્મા, બ્રિટાનિયા અને એસબીઆઈનો સમાવેશ થાય છે. બીજી બાજુ માર્કેટમાં ઘટાડો દર્શાવવામાં મેટલ શેર્સ ટોચ પર હતાં. હિંદાલ્કો 5.22 ટકા સાથે નિફ્ટી શેરમાં સૌથી વધુ ઘટ્યો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, ઈન્ફોસિસ, યૂપીએલમાં પણ નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી, એનર્જી, ફાર્મા, રિઅલ્ટી, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ અને આઈટીમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.2 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં સૌથી વધુ સુધરવામાં ગોદરેજ કન્ઝ્યૂમર ટોચ પર હતો. આ ઉપરાંત નેસ્લે, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, યુનાઈટેડ સ્પિરિસ્ટ્સ, બ્રિટાનિયામાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં બીપીસીએલ અને એચપીસીએલ છ ટકાથી વધુ ઉછળ્યાં હતાં. જ્યારે બીજી બાજુ અદાણી ગ્રીન એનર્જી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી અને એનટીપીસી પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.1 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં ડીએલએફ 4.2 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટી, ઓબેરોય પ્રોપર્ટીમાં સુધારો જોવા મળતો હતો. જોકે સનટેક રિઅલ્ટી, સોભા, બ્રિગેડ, ફિનિક્સ જેવા રિઅલ્ટી કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તે એક ટકા આસપાસ સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 3.25 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આલ્કેમ લેબ, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિન, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, બાયોકોનનો સમાવેશ થતો હતો. નિફ્ટી બેંક પા ટકા સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, પીએનબી અને ફેડરલ બેંક પોઝઈટીવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ, મેટલ શેર્સમાં ભારે વેચવાલી નીકળી હતી અને અગ્રણી કાઉન્ટર્સ 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. આઈટી ઈન્ડેક્સ પણ 0.7 ટકા નેગેટિવ જોવા મળ્યો હતો. જેમાં કોફોર્જ 2.5 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી અને ટીસીએસનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ઝી એન્ટરટેઈનમેન્ટ 9 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, બીપીસીએલ, એચપીસીએલ, ડીએલએફ, અંબુજા સિમેન્ટ્, ઓરોબિંદો ફાર્મા, પિરામલ એન્ટરપ્રાઈઝ, ગોદરેજ કન્ઝ્યૂમર, પીવીઆર, ઈન્ડુસ ટાવર્સ, નેસ્લેમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, મધરસન સુમી 11 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત હિંદાલ્કો, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, એનએમડીસી, સેઈલ, ઈન્ડસઈન્ડ બેંક, ક્યુમિન્સ, હિંદુસ્તાન એરોનાટિક્સ, વેદાંતમાં નરમાઈ જોવા મળતી હતી. એનસીસી, ઝાયડસ લાઈફ અને પેટ્રોનેટ એલએનજીએ નવી ટોચ દર્શાવી હતી. જ્યારે જ્યુબિલિઅન્ટ ફાર્મોવા, ટ્રાઈડન્ટ, ઈમામી, અવંતી ફિડ્સ, લક્ષ્મી ઓર્ગેનિકે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું.

રિલાયન્સ રૂ. 15 લાખ કરોડના M-Cap નીચે ટ્રેડ થયો
ગુરુવારે કંપનીનો શેર ઈન્ટ્રા-ડે રૂ. 2202.20નું વાર્ષિક લો બનાવી રૂ. 2225.90 પર બંધ રહ્યો
વાર્ષિક રૂ. 2856.15ની ટોચ સામે કંપનીના શેરમાં 22 ટકાનો ઘટાડો
એપ્રિલ 2022માં રૂ. 19.07 લાખ કરોડના સર્વોચ્ચ માર્કેટ-કેપની સરખામણીમાં એમ-કેપ લગભગ રૂ. 4 લાખ કરોડનું ધોવાણ
અમદાવાદ
શેરબજારમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લાં છ ટ્રેડિંગ સત્રોમાં કંપનીનો શેર 9 ટકા ગગડી ચૂક્યો છે. ગુરુવારે ઈન્ટ્રા-ડે ધોરણે કંપનીનો શેર એક તબક્કે રૂ. 15 લાખ કરોડના માર્કેટ-કેપ નીચે ટ્રેડ થયો હતો. જ્યાંથી સાધારણ પરત ફરી રૂ. 15.05 લાખ કરોડના એમ-કેપ પર બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર ઈન્ટ્રા-ડે રૂ. 2202.20નું વાર્ષિક લો બનાવી રૂ. 2225.90 પર બંધ રહ્યો હતો. જે વાર્ષિક ધોરણે રૂ. 2856.15ની ટોચ સામે કંપનીના શેરમાં 22 ટકાનો ઘટાડો સૂચવે છે.
અગાઉ કંપનીનો શેર 8 માર્ચ 2022ના રોજ રૂ. 2181ના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યારબાદ ગુરુવારે તે આ સ્તર નજીક ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે અગ્રણી વૈશ્વિક એનાલિસ્ટ્સ તરફથી શેરમાં રૂ. 2900-3100 સુધીના ટાર્ગેટ્સ આપવામાં આવ્યાં છે ત્યારે બીજી બાજુ શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેલેન્ડરની શરૂમાં માર્કેટ વર્તુળોનું માનવું હતું કે બેન્ચમાર્કને નવી ટોચ પર લઈ જવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગેવાની લેશે. જોકે આનાથી વિપરીત શેરનો ભાવ સતત ઘસાઈ રહ્યો છે. ગુરુવારે તળિયાના ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 14.94 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીએ 28 એપ્રિલ 2022ના રોજ રૂ. 19.07 લાખ કરોડનું સર્વોચ્ચ માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. જે સ્તરેથી માર્કેટ-કેપમાં લગભગ રૂ. 4 લાખ કરોડનું ધોવાણ થઈ ચૂક્યું છે. કંપનીમાં પ્રમોટર હિસ્સો 50 ટકાથી સહેજ ઊંચો જોતાં પ્રમોટર્સ વેલ્થમાં પણ રૂ. 2 લાખ કરોડ આસપાસનું ધોવાણ નોંધાયું છે એમ કહી શકાય.
છેલ્લાં ત્રણ મહિનાની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર માર્કેટની સરખામણીમાં 14 ટકાનું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સમાં આ સમય દરમિયાન 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સ જીઓએ મંગળવારે પોસ્ટપેઈડ ફેમિલી પ્લાન્સ જીઓ પ્લસ લોંચ કર્યો હતો. જેમાં ચાર જણાનું પરિવાર મહિના માટે ફ્રીમાં સર્વિસનો ટ્રાયલ લઈ શકે છે. રૂ. 399 સાથે પ્લાનની શરૂઆત થાય છે. કંપનીએ ઈન્ડિયન પ્રિમીયર લીગ(આઈપીએલ)ની શરૂઆત અગાઉ પ્લાન લોંચ કર્યો છે. રિલાયન્સ સમર્થિત વાયાકોમ 18 ટુર્નામેન્ટના અધિકાર ધરાવે છે અને જીઓ સિનેમા એપ્સ પર તે ફ્રી ઓફર કરશે. પોસ્ટ પેઈડ સેગમેન્ટમાં જીઓ ધીમી વૃદ્ધિ દર્શાવી રહ્યું છે અને આ પગલું તેને ભારતી સામે મજબૂત સ્પર્ધા ઊભી કરવામાં સહાયરૂપ બનશે એમ માનવામાં આવે છે. પોસ્ટપેઈડ સબસ્ક્રાઈબર્સમાં ગ્રોથને કારણે ભારતીને એવરેજ રેવન્યૂ પર યુઝર(આર્પૂ)ને ઉપર લઈ જવામાં સહાયતા મળી છે. જે જીઓ પોસ્ટપેઈડ સેગમેન્ટમાં પાછળ જોવા મળે છે. ઉપરોક્ત પ્લાન મુખ્યત્વે વોડાફોન આઈડિયાના પોસ્ટપેઈડ બેઝને કેપ્ચર કરવાનો છે. જે અત્યાર સુધીમાં એરટેલની તરફેણમાં જતો જોવા મળ્યો છે એમ એક અગ્રણી બ્રોકરેજે તેની નોંધમાં લખ્યું છે. દરમિયાનમાં અગ્રણી બ્રોકરેજે ડિસેમ્બર ક્વાર્ટરના કંપનીના પરિણામો પછી 2022-23 અને 2024-25 દરમિયાન કંપનીના અર્નિંગ્સ અંદાજમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે. જેનું કારણ ઊંચા ઈન્ટરેસ્ટ રેટને કારણે મોંઘું ફાઈનાન્સ, અન્ય નીચી આવક અને ઊંચા ટેક્સ ચાર્જિસનો સમાવેશ થાય છે.

સેકન્ડરી માર્કેટમાં નરમાઈ પાછળ IPO ફાઈલીંગમાં 50 ટકા ઘટાડો
2021-22માં 144 કંપનીઓ સામે 2022-23માં માત્ર 66 કંપનીઓએ જ DRHP ફાઈલ કર્યું
2021-22માં રૂ. 2.7 લાખ કરોડ સામે ચાલુ વર્ષે આઈપીઓ મારફતે માત્ર રૂ. 68500 કરોડનું ઉઘરાણું

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન આઈપીઓ માટે ઓફર ડોક્યૂમેન્ટ્સ ફાઈનીંગમાં 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. 2022-23માં અત્યાર સુધીમાં માત્ર 66 કંપનીઓએ સેબીમાં તેમના ડ્રાફ્ટ રેડ હિઅરિંગ પ્રોસ્પેક્ટસ(ડીઆરએચપી) ફાઈલ કર્યાં છે. જે આંકડો ગયા નાણા વર્ષમાં 144 પર જોવા મળતો હતો. સેકન્ડરી માર્કેટમાં સતત ચઢાવ-ઉતારને જોતાં કંપનીઓમાં આઈપીઓને લઈને ઉત્સાહ ઓસર્યો હોવાનું મર્ચન્ટ બેંકર વર્તુળોનું કહેવું છે.
ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ 2021-22માં પ્રાઈમરી માર્કેટમાં વિક્રમી ભંડોળ એકત્ર કર્યાં બાદ બજારમાં યુ-ટર્ન જોવા મળી રહ્યો છે. બજારમાં વેલ્યૂએશન્સમાં ઘટાડો અને યુએસ ફેડ તરફથી સતત રેટ વૃદ્ધિને કારણે આઉટલૂક ધૂંધળું જણાય રહ્યું છે. જે કારણે જ કંપનીઓએ તેમના આઈપીઓ પ્લાન મોકૂફ રાખવા પડી રહ્યાં છે. ડીઆરએચપી એ આઈપીઓ અગાઉ ફાઈલ કરવામાં આવતું એક પ્રાથમિક પ્રોસ્પેક્ટસ હોય છે. જેમાં કંપનીના આઈપીઓ સંબંધી વિગતોનો સમાવેશ થતો હોય છે. જેમકે કંપની કેટલાં શેર્સનું વેચાણ કરશે, કંપનીની નાણાકિય વિગતો, રિસ્ક ફેક્ટર્સ વગેરેનો સમાવેશ થાય છે. ડીઆરએચપી ફાઈલ કરવું એ કંપનીના મૂડી બજારમાં આઈપીઓ સાથે પ્રવેશવાનો ઈરાદો સૂચવે છે. જોકે ડીઆરએચપી ફાઈલ કરનારી તમામ કંપનીઓ માર્કેટમાં પ્રવેશે તેવું નથી બનતું. ઘણી કંપનીઓ તેમના ડીઆરએચપીને મંજૂરી મળ્યાં બાદ માર્કેટમાં સમયસર નથી પ્રવેશતી અને તેથી તેણે ફરીવાર મંજૂરી માટે સેબીનો સંપર્ક કરવાનો થતો હોય છે.
ચાલુ નાણા વર્ષ દરમિયાન એકથી વધુ પરિબળોએ બજારમાં રોકાણકારોના વિશ્વાસને ડગાવ્યો છે. જેમાં અગ્રણી સેન્ટ્રલ બેંકર્સ તરફથી સતત રેટ વૃદ્ધિ, વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનો ડર, કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિ જેવા પરિબળોનો સમાવેશ થાય છે. તાજેતરમાં અદાણી ઘટનાએ પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર ઉપજાવી છે. આમ, પ્રમોટર્સને બજારમાં પ્રવેશવા માટે વર્તમાન સમય ઉચિત નથી જણાય રહ્યો. આનાથી ઊલટું 2021-22 દરમિયાન બજાર સતત એક દિશામાં ગતિ દર્શાવતું રહ્યું હતું. જેણે ડિલને સાકાર કરવા માટે યોગ્ય બેકગ્રાઉન્ડ પૂરું પાડ્યું હતું. જોકે ચાલુ વર્ષે સ્થિતિ બદલાઈ છે. લિક્વિડીટીની સ્થિતિ તંગ બની રહી છે. જેને કારણે પ્રાઈમરી માર્કેટ સિવાય અન્યત્ર પણ સોદાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સનો ઈનફ્લો પણ નેગેટિવ ગ્રોથ દર્શાવી રહ્યો છે.
ચાલુ નાણાકિય વર્ષના 12 મહિનાઓમાંથી ચાર મહિના દરમિયાન તો એકપણ આઈપીઓ બજારમાં પ્રવેશ્યો નહોતો. 2022-23માં આઈપીઓએ રૂ. 68,580 કરોડની રકમ ઊભી કરવામાં સફળ રહ્યાં છે. જે ગયા નાણા વર્ષે ઊભા કરવામાં આવેલા રૂ. 2.64 લાખ કરોડની સરખામણીમાં 70 ટકા ઘટાડો સૂચવે છે. જો એલઆઈસીના દેશમાં સૌથી મોટા આઈપીઓને બાદ કરીએ તો 2022-23માં આઈપીઓ તરફથી ફંડ રેઈઝીંગમાં વધુ ઘટાડો જોવા મળે છે.

છેલ્લાં 10 નાણા વર્ષોમાં DRHP ફાઈલીંગ
વર્ષ ફાઈલીંગ કરનાર કંપનીઓની સંખ્યા
2012-13 18
2013-14 10
2014-15 29
2015-16 41
2016-17 35
2017-18 67
2018-19 64
2019-20 29
2022-21 30
2021-22 144
2022-23 66

ઈક્વિટીમાં નીચા રિટર્ન પાછળ ફેબ્રુઆરીમાં SIP સ્ટોપેજ રેશિયો અઢી વર્ષની ટોચે
લોંગ-ટર્મ સરેરાશની સરખામણીમાં ફેબ્રુઆરીમાં સીપ સ્ટોપેજ રેશિયો 0.68 પર રહ્યો

ફેબ્રુઆરી મહિનામાં એસઆઈપી સ્ટોપેજ રેશિયો 27-મહિનાની 0.68ની ટોચ પર જોવા મળ્યો હતો. જે લોંગ-ટર્મ સરેરાશ 0.51ની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો હતો. એમ્ફીના ડેટાનો અભ્યાસ સૂચવે છે કે ઈક્વિટી માર્કેટમાં રિટર્ન નીચાં જળવાવાને કારણે રોકાણકારો સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી) તરફથી દૂર થઈ રહ્યાં છે. એસઆઈપી હેઠળ એકાઉન્ટ્સ ક્લોઝ થવાની સંખ્યાને એસઆઈપી સ્ટોપેજ રેશિયો કહેવામાં આવે છે.
સ્ટોપેજ રેશિયોમાં ઊંચી વૃદ્ધિ સૂચવે છે કે રોકાણકારો સાવચેત બની રહ્યાં છે. આ ઉપરાંત ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ સાથે ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં વળતર આકર્ષક બન્યું છે. જેને કારણે રોકાણકારો તે તરફ પણ વળી રહ્યાં છે. એસએન્ડપી બીએસઈની વાત કરીએ તો તેણે વાર્ષિક ધોરણે 1.3 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. કેલેન્ડરની શરૂઆતથી તે અત્યાર સુધીમાં 5.9 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યો છે. ઉદ્યોગ વર્તુળોના મતે એસઆઈપીમાં જોડાયેલાં રહેવાને માર્કેટમાં રિટર્ન સાથે મોટી નિસ્બત છે. છેલ્લાં 12-મહિનામાં માસિક ધોરણે સરેરાશ એસઆઈપી એકાઉન્ટ્સ ઉમેરો સરેરાશ 9.2 લાખ એકાઉન્ટ્સનો રહ્યો છે. ફેબ્રુઆરીમાં જોકે તે 6.6 લાખ સાથે આંઠ મહિનાના તળિયા પર રહ્યો હતો. છેલ્લાં ત્રણ મહિનાની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં 14.3 લાખ એસઆઈપી એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યાં હતાં. ફેબ્રુઆરી સતત ત્રીજો મહિનો હતો જે દરમિયાન 13 લાખ એકાઉન્ટ્સ બંધ કરાવવામાં આવ્યાં હોય. ફેબ્રુઆરી 2022માં 11 લાખ એકાઉન્ટ્સ બંધ કરાવવામાં આવ્યાં હતાં. ફેબ્રુઆરી 2023માં એસઆઈપી એકાઉન્ટ હોલ્ડર્સની સરેરાશ પોર્ટફોલિયો વેલ્યૂ 11 ટકા ઘટી રૂ. 1.1 લાખ કરોડ રહી હતી. જે ઓગસ્ટ 2021માં રૂ. 1.2 લાખ રોડની ટોચ પર જોવા મળી હતી. સીપની માસિક બુકમાં પણ એસઆઈપીમાં માસિક ધોરણે 1.2 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 13,686 કરોડ પર રહી હતી. જે સાત-મહિનામાં પ્રથમ ઘટાડો હતો.

યુએસ બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વધ-ઘટ
યુએસ બોન્ડ્સ માર્કેટમાં વોલેટિલિટી ચરમસીમાએ જોવા મળી રહી છે. છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોમાં યુએસ બોન્ડ યિલ્ડ્સમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી છે. ગયા સપ્તાહની આખરમાં 5.06 ટકાની ટોચ બનાવ્યાં બાદ છેલ્લાં 30 વર્ષોમાં સૌથી તીવ્ર ઘટાડો દર્શાવનાર 2-વર્ષીય બોન્ડ યિલ્ડ્સ 3.7 ટકા સુધી નીચે ઉતરી ગયાં હતાં. જ્યારબાદ 3.8-4.15 ટકાની રેંજમાં મોટી મૂવમેન્ટ દર્શાવતાં રહ્યાં હતાં. જેની અસરે ગોલ્ડમાં પણ ભારે વધ-ઘટ જોવા મળી હતી અને સોનું 1930 ડોલરની સપાટી પાર કરી નીચે 1911 ડોલર પર બોલાતું હતું.

વેદાંત ગ્રૂપના એક અબજ ડોલરની લોન મેળવવાના પ્રયાસો
અનિલ અગ્રવારનું વેદાંત ગ્રૂપ તેના આગામી સમયગાળાના રિપેમેન્ટ્સને પહોંચી વળવા માટે ફંડની તાતી જરૂરિયાત અનુભવી રહ્યું છે. આ માટે તેણે હવે ક્રેડિટ ફંડ્સ તરફ પણ નજર દોડાવી હોવાનું વર્તુળો જણાવે છે. જેમાં ફારાલોન કેપિટલ, ડેવિડસન કેમ્પનેર અને એરિસ એસએસજીનો સમાવેશ થાય છે. આમ કરવાનું કારણ બેંક્સ તરફથી એક અબજની લોન પર મૂકવામાં આવી રહેલી કડક શરતો જવાબદાર છે. બેંક્સ તરફથી અપેક્ષિત રેટ કરતાં 300 બેસીસ પોઈન્ટ્સ ઊંચું પ્રાઈસિંગ ઓફર થઈ રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. જે વેદાંતાની ભાવિ જવાબદારીઓમાં ઉમેરો કરશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઝી એન્ટરટેઈનમેન્ટઃ કંપની ઈન્ડસઈન્ડ બેંકને તેના લેણા ચૂકવવા માટે સહમત થઈ છે. કંપનીએ સોની જૂથ સાથેના તેના મર્જરને શક્ય બનાવવા માટે બેંકર સાથે આ તૈયારી દર્શાવી છે. વર્તુળોના મતે ઝી આગામી શુક્રવાર સુધીમાં જ બેંક સાથે 1 કરોડ ડોલર અથવા રૂ. 837 કરોડનું ડેટ ચૂકવે તેવી શક્યતાં છે. ઝી અને સોનીના મર્જરથી 10 અબજ ડોલરની મિડિયા કંપની અસ્તિત્વમાં આવશે.
ફ્રેન્કલીન ટેમ્પલ્ટનઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફ્રેન્કલીન ટેમ્પલ્ટનના ભૂતપૂર્વ અને વર્તમાન અધિકારીઓના ઘરો પર સર્ચ હાથ ધરી હતી. તેમણે એપ્રિલ 2020માં એસેટ મેનેજર તરફથી બંધ કરવામાં આવેલી છ ડેટ સ્કિમ્સમાંથી કહેવાતાં વિથ્ડ્રોઅલની તપાસ માટે આ સર્ચ કરી હતી. ગુરુવારે જેમની સામે સર્ચ હાથ ધરવામાં આવી હતી તેમાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર સંજય સાપ્રે, ભૂતપૂર્વ ઈન્ડિયા પ્રેસિડેન્ટ સંતોષ કામથ અને ભૂતપૂર્વ એપીએસી ડિસ્ટ્રીબ્યુશન બેડ વિવેક કૂડવાનો સમાવેશ થાય છે.
એસજેવીએનઃ જળવિદ્યુત કંપનીએ ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે સંયુક્ત સાહસની સ્થાપના માટે એગ્રીમેન્ટ કર્યો છે. આઈઓસી તેના રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયોને 2050 સુધીમાં 200 ગીગાવોટ્સ પર લઈ જવાનો ટાર્ગેટ ધરાવે છે.
એસબીઆઈઃ ટોચના લેન્ડરે કોલકોત્તા સ્થિત ઈપીસી કંપની સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ઈન્સોલ્વન્સી પિટિશન દાખલ કરી છે. કંપનીએ પીએનબીના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમને રૂ. 9600 કરોડ ચૂકવવાના રહે છે. ચાલુ મહિને બેંક્ટ્રપ્સી પ્રક્રિયા હેઠળ લાવવામાં આવેલું આ સૌથી મોટું એકાઉન્ટ છે. એસબીઆઈએ રૂ. 1500 કરોડ સાથે પીએનબીએ રૂ. 1600 કરોડ લેવાના બને છે.
ડીએલએફઃ રિઅલ્ટી જાયન્ટે ગુરુગ્રામ ખાતે તેના હાઉસિંગ પ્રોજેક્ટમાં ત્રણ દિવસોમાં જ રૂ. 8000 કરોડના મૂલ્યના 1137 લક્ઝરી એપાર્ટમેન્ટ્સનું વેચાણ કર્યું છે. જે અગ્રણી શહેરોમાં પ્રિમીયમ ફ્લેટ્સની મજબૂત માગ દર્શાવે છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું છે કે તેણે 25-એકરના પ્રોજેક્ટમાં પાંચ ટાવર્સમાં આ 4-બીએચકે ફ્લેટ્સ વેચ્યાં છે.
એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ કંપની સમર્થિત લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ કંપની વનવેબ 26 માર્ચે ઈસરો સાથે મળી 36 સેટેલાઈટ્સ લોંચ કરવા જઈ રહી છે. આ લોંચ શ્રીહરિકોટા સેન્ટર ખાતેથી કરાશે. ચાલુ વર્ષે વનવેબનું આ ત્રીજું લોંચ હશે.
ફેડરલ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકનું બોર્ડ રૂ. 1000 કરોડનું ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે શનિવારે મળશે.
ઓરિએન્ટ પેપરઃ કંપનીના બોર્ડે રૂ. 475 કરોડના મૂડી ખર્ચના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
સારડા એનર્જીઃ કંપનીએ છત્તીસગઢ એન્વાર્યમેન્ટ કન્ઝર્વેટીવ બોર્ડ પાસેથી તેની રોલીંગ મિલના વિસ્તરણ માટે મંજૂરી મેળવી છે.
સોના બીએલડબલ્યુઃ જીઆઈસી પ્રાઈવેટ લિમિટેડે ઓટો એન્સિલિઅરી કંપનીમાં 5.13 ટા હિસ્સાની ખરીદી કરી છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Slone Infosystems Limited IPO : Important Information

Slone Infosystems Limited IPO is set to launch on 3 May, 2024. The company initiated…

3 days ago

Sai Swami Metals & Alloys Limited IPO : Key Dates

Sai Swami Metals & Alloys Limited IPO is set to launch on 30 April, 2024.…

1 week ago

Amkay Products Limited IPO : Important Updates

Amkay Products Limited IPO is set to launch on 30 April, 2024. The company initiated…

2 weeks ago

Storage Technologies & Automation Ltd IPO (Racks & Rollers IPO) : Key Info.

Storage Technologies & Automation Ltd IPO (Racks & Rollers IPO) is set to launch on…

2 weeks ago

Shivam Chemicals Limited IPO : Key Dates

Shivam Chemicals Limited IPO is set to launch on 23 April, 2024. The company initiated…

2 weeks ago

Varyaa Creations Limited IPO : Company Information

Varyaa Creations Limited IPO is set to launch on 22 April, 2024. The company initiated…

2 weeks ago

This website uses cookies.