શેરબજારમાં સતત પાંચમા સત્રમાં સુધારો જળવાયો
નિફ્ટી 17800 પર બંધ આપવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.2 ટકા વધી 11.65ના સ્તરે
એફએમસીજી, રિઅલ્ટી, બેંકિંગ, એફએમસીજી, ઓટોમાં મજબૂતી
મેટલ, એનર્જીમાં નરમાઈ
સીસીએલ પ્રોડક્ટ્સ, નેસ્લે નવી ટોચે
ઈપ્કા, પીવીઆર નવા તળિયે
ભારતીય શેરબજારે વૈશ્વિક હરિફોને અવગણી સતત પાંચમા સત્રમાં સુધારો જાળવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 170 પોઈન્ટ્સ મજબૂતી સાથે 60301ની સપાટીએ જ્યારે નિફ્ટી 44 પોઈન્ટ્સના સુધારે 17814ની સપાટી પર બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3631 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1849 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1647 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 110 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 41 કાઉન્ટર્સ 52-સપ્તાહનું તળિયું દર્શાવતાં હતાં. 204 કાઉન્ટરે અપર સર્કિટમાં જ્યારે 117 કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.2 ટકા વધી 11.65ના સ્તરે જોવા મળ્યો હતો.
બુધવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ ફ્લેટ શરૂઆત દર્શાવ્યાં બાદ 50 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો નોઁધાવ્યો હતો. જોકે, બજાર ઝડપથી પરત ફર્યું હતું અને દિવસ દરમિયાન પોઝીટીવ બની રહ્યું હતું. સત્રની આખરમાં નિફ્ટી 17828ની ટોચ પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 10 પોઈન્ટ્સ પ્રિમીયમે 17824ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં સાત પોઈન્ટ્સના પ્રિમીયમમાં સાધારણ સુધારો દર્શાવે છે. જે લોંગ પોઝીશનમાં ઉમેરાનો સંકેત છે. ગુરુવારે એપ્રિલ સિરિઝ એક્સપાયરી જોતાં માર્કેટમાં બે બાજુની વધ-ઘટ સંભવ છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 18000ના સ્ટોપલોસ સાથે શોર્ટ જાળવી રાખવાનું સૂચન કરે છે. જ્યારે લોંગ ટ્રેડર્સે 17600ના સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં પાવર ગ્રીડ, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર, ઈન્ડસઈન્ડ બેંક, લાર્સન, એચસીએલ ટેક, એસબીઆઈ લાઈફ, એક્સિસ બેંક, તાતા મોટર્સ અને આઈશર મોટર્સ મુખ્ય હતાં. બીજી બાજુ, હિંદાલ્કો, અદાણી પોર્ટ્સ, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સમાં ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી, રિઅલ્ટી, બેંકિંગ, એફએમસીજી, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, એનર્જી નરમાઈ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો 11 ટકા સાથે જીએનએફસી સૌથી વધુ સુધર્યો હતો. આ ઉપરાંત, વોડાફોન આઈડિયા, ઈન્ડુસ ટાવર્સ, સિમેન્સ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓરોબિંદો ફાર્માનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એમસીએક્સ ઈન્ડિયા, ઈપ્કા લેબ્સ, સીજી કન્ઝ્યૂમર, એયૂ સ્મોલ ફાઈનાન્સ, પીવીઆર, શ્રીરામ ફાઈનાન્સ, આઈજીએલ, એચડીએફસી એએમસી અને તાતા કેમિકલ્સમાં ઘટાડો જોવા મળતો હતો. ત્રિવેણી ટર્બાઈન, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, સિમેન્સ, સીસીએલ પ્રોડક્ટ્સે તેમની સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે આવાસ ફાઈનાન્સિયર, પીવીઆર અને મેક્સ ફાઈનાન્સિયલે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
ગુજરાત સરકારની નવી પોલિસી પાછળ PSU શેર્સમાં ભારે ખરીદી
GSFC, GMDC અને GIPCLના શેર્સ 20 ટકાની ઉપલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં
ગુજરાત સરકારે તાજેતરમાં તૈયાર કરેલી તેના જાહેર સાહસો સંબંધી પોલિસીની પ્રતિક્રિયારૂપે પીએસયૂ કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. રાજ્ય સરકારના સાત લિસ્ટેડ સાહસોમાંથી ત્રણ સાહસોના શેર્સમાં 20 ટકાની અપર સર્કિટ્સ લાગુ પડી હતી. જ્યારે અન્ય બે પીએસયૂ શેર્સ ટકાવારીની રીતે દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે અન્ય બે કાઉન્ટર્સે 7 ટકા સુધી વૃદ્ધિ નોંધાવી હતી.
રાજ્ય સરકારે 24 એપ્રિલે પીએસયૂ સંબંધી એક ઠરાવ પસાર કર્યો હતો. જેમાં તેણે પીએસયૂ સાહસોને ડિવિડન્ડ ચૂકવણી, બાયબેક, બોનસ શેર્સ, શેર સ્પ્લિટ જેવી બાબતોને લઈ ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યાં હતાં. ગુજરાત સરકારના સાતેય લિસ્ટેડ જાહેર સાહસો પ્રોફિટ દર્શાવી રહ્યાં હોવાથી આમાંના ઘણા માપદંડોમાં તેઓ બંધ બેસે છે. જે કંપનીના રોકાણકારો માટે પોઝીટીવ બાબત બની શકે છે. સરકારના નિયમો પછી જાહેર સાહસો તરફથી રોકાણકારોને ડિવિડન્ડ પણ ઊંચું આપવાનું બનશે. જ્યારે કેટલાંક પીએસયૂ તરફથી બાયબેકની સંભાવના પણ જોવા મળી રહી છે. જે કારણે છેલ્લાં ઘણા સમયથી ડલ જોવા મળી રહેલાં ગુજરાત સરકારના પીએસયૂ કાઉન્ટર્સમાં ભારે વોલ્યુમ સાથે ઉછાળો નોંધાયો હતો. રાજ્ય સરકારના સાહસોમાં જીએસએફસી, જીઆઈપીસીએલ અને જીએમડીસીના શેર્સમાં બુધવારે 20 ટકાની અપર સર્કિટ્સ જોવા મળી હતી. જીએસએફસીનો શેર એક દિવસમાં રૂ. 25.50ના ઉછાળે રૂ. 153.30ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે જીએમડીસીનો શેર રૂ. 26.60ના ઉછાળે રૂ. 159.70ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, જીઆઈપીસીએલનો શેર પણ રૂ. 15.15ના તીવ્ર સુધારે રૂ. 91.10ની સપાટીએ ક્લોઝ દર્શાવતો હતો. આ ઉપરાંત કેમિકલ સેક્ટરની ગુજરાત આલ્કલીઝનો શેર 17.21 ટકા ઉછળ્યો હતો અને રૂ. 733.50ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે ઈન્ફ્રા કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોનેટના શેરમાં રૂ. 19ની મજબૂતી નોંધાઈ હતી અને તે રૂ. 284.60 પર બંધ રહ્યો હતો. ગુજરાત સરકારની કંપની જીએસએફસી પાસે લગભગ તમામ પીએસયૂ કંપનીઓ શેર્સ ઉપરાંત આઈડીબીઆઈ, બંધન બેંક અને મેંગ્લોર કેમિકલ જેવી કંપનીઓના શેર્સ પણ રહેલાં છે. તેની પાસે રહેલાં અન્ય કંપનીઓના શેર્સની વેલ્યૂ જ રૂ. 4218 કરોડ પર જોવા મળી રહી છે.
ગુજરાત સરકારની PSU કંપનીઓના શેર્સનો બુધવારે દેખાવ
કંપની શેરનો ભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
GSFC 153.30 20
GIPCL 91.10 20
GMDC 159.70 20
GACL 733.50 17.21
GNFC 587 10.55
GSPC 284.60 7.15
ગુજરાત ગેસ 463.40 1.0
સરકારની PSU પોલીસીની મુખ્ય બાબતો
ડિવિડન્ડઃ સરકારે પીએસયૂ કંપની માટે તેના નેટ પોફિટના લઘુત્તમ 30 ટકા અથવા નેટ વર્ષના 50 ટકા, બેમાંથી જે વધુ હોય તેને ડિવિડન્ડ તરીકે ચૂકવવાનું રહેશે. જોકે, આ લઘુત્તમ લેવલ રહેશે.
બાયબેકઃ નવી પોલિસી મુજબ ઓછામાં ઓછી રૂ. 2000 કરોડની નેટ વર્થ ધરાવતી તથા રૂ. 1000 કરોડની કેશ અને બેંક બેલેન્સ ધરાવતી કંપનીઓએ તેમના શેર્સ બાયબેક કરવાનો ઓપ્શન ઉપયોગમાં લેવાનો રહેશે.
બોનસઃ જે સ્ટેટ પીએસયૂ પાસે તેમના પેઈડ અપ ઈક્વિટી શેર કેપિટલ કરતાં 10 ગણી કે તેથી વધુ રિઝર્વ અને સરપ્લસ હશે તેમણે શેરધારકોને બોનસ શેર્સ ઈસ્યુ કરવાના રહેશે.
સ્પ્લિટઃ એક અન્ય જોગવાઈમાં સરકારે રૂ. 1થી વધુની ફેસ વેલ્યૂ ધરાવતી પીએસયૂ કંપનીએ જો શેરનો માર્કેટ ભાવ અથવા બુક વેલ્યૂ તેની ફેસ વેલ્યૂ કરતાં 50 ગણાથી વધી જાય તો શેરનું સ્પ્લિટ કરવાનું રહેશે.
હીટ વેવ્સ અને ચક્રવાત જેવી હવામાન પ્રતિકૂળતાઓનો સામનો કરી રહેલા એશિયન શેરબજારો
હવામાનમાં આત્યંતિક ફેરફારોની ઘટનાઓમાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે, જેની પાછળ બિઝનેસિસનો ખર્ચ વધી રહ્યો છે
અલ નીનોને કારણે ભારતમાં ટ્રેકટર્સ અને ટુ-વ્હીલર્સના વેચાણ પર અસર પડી શકે
એશિયન શેરબજારોમાં રોકાણારોએ હાલમાં આત્યંતિક હવામાનની ઘટનાઓનો સામનો કરવાનો બની રહ્યો છે. જેમાં ગરમીના મોજાથી લઈ પૂર જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. જે અલ નીનો સંબંધિત જોખમોમાં વૃદ્ધિ અગાઉની મુશ્કેલીઓનો સંકેત આપી રહી છે.
કુદરતી સંસાધનોથી સમૃદ્ધ ઓસ્ટ્રેલિયામાં ચાલુ મહિનાની શરૂઆતથી ન્યૂક્રેસ્ટ માઈનીંગની ટેલફેર ગોલ્ડ માઈન બંધ છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારા સ્થિત માઈન્સને સૌથી મોટા ચક્રવાતને કારણે કામગીરી બંધ કરવાના કારણે શેરનો ભાવ બે-વર્ષોથી વધુની ઊંચાઈ પરથી પટકાયો હતો. ભારે વરસાદ અને પૂરને કારણે આ વિસ્તારમાં આવેલી કોલ માઈન્સના ઉત્પાદન પર પણ અસર પડી હતી.
પશ્ચિમમાં આગળ વધીએ તો ભારત ખાતે સદીના સૌથી ગરમ જોવા મળેલા ફેબ્રુઆરી તથા ચામડીના રોગને કારણે દૂધાળા પશુઓના મૃત્યુને કારણે વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદકને ત્યાં ડેરી ઉત્પાદનમાં ભાગ્યે જ જોવા મળતો ઘટાડો નોંધાયો હતો. ઉનાળાની ટોચ દરમિયાન હીટ વેવની શક્યતાં પાછળ ત્યાં મિલ્ક ઉત્પાદક કંપનીઓના શેર્સમાં સુધારો જોવા મળ્યો છે. આત્યંતિક હવામાનને કારણે બિઝનેસિસના ખર્ચમાં હંમેશા વૃદ્ધિ જોવા મળતી હોય છે, પરંતુ હમણાંથી આવી ઘટનાઓની તીવ્રતા સતત વધી રહી છે. આ બાબત માત્ર એશિયા પૂરતી જ મર્યાદિત છે એવું નથી. વિશ્વમાં અન્યત્ર પણ આમ બની રહ્યું છે. જોકે, એશિયામાં ચાલુ વર્ષે શેરબજારો પર આ પ્રકારની ઘટનાઓની અસર વધુ પડતી જોવા મળી છે. આવી ઘટનાઓની અસરનો અભ્યાસ કરનારા એનાલિસ્ટ્સ સ્ટોક ટ્રેડર્સને એક જ સલાહ આપી રહ્યાં છે કે આવી ઘટનાઓથી અકળાવો નહિ પરંતુ તેને સ્વીકારો અને તેનો સામનો કરવા માટે તૈયાર રહો. મુંબઈ સ્થિત એક સ્ટોક રિસર્ચ એનાલિસ્ટના કહેવા મુજબ હવામાનની અનિશ્ચિતતાને જોતાં માગ અને ઉત્પાદનના અંદાજો નક્કી કરવા તથા સેક્ટર અથવા સ્ટોકને લઈને કોઈ કોલ લેવો જટિલ બની ગયું છે. જો આ પ્રકારની ઘટનાઓ નિરંકુશ બનશે તો એગ્રી અને ફૂડ ચેઈન માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
અલ નીનોનું જોખમ
પૂર્વીય પેસિફિક મહાસાગરમાં સામાન્ય કરતાં ઊંચા તાપમાનને કારણે જોવા મળતી અલ નીનો જેવી ઘટનાની શક્યતાં શેર રોકાણકારોની ચિંતામાં વધુ ઉમેરો કરે છે. અલ નીનોને કારણે એશિયા અને ઓસ્ટ્રેલિયા ખાતે ગરમ અને શુષ્ક હવામાનની શક્યતાં રહેતી હોય છે. જેને કારણે ભારતમાં અનિયમિત અને અપૂરતાં વરસાદની સંભાવના ઊભી થાય છે. ઊંચા ઈન્ફ્લેશનના સમયમાં ખરિફ વાવેતર અને ઉત્પાદન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશની ખાદ્ય સુરક્ષા માટે અનિવાર્ય બની રહે છે. અલ નીનોની આગાહી પછી થાઈલેન્ડની એગ્રીકલ્ચર સેક્ટરમાં સક્રિય કંપનીઓના શેર્સ પર રોકાણકારોનું વિશેષ ધ્યાન જોવા મળ્યું છે. જો આમ થશે તો દક્ષિણ એશિયાઈ દેશ સ્થિત એગ્રી પ્રોસેસર્સ પર પ્રતિકૂળ અસરની સંભાવના છે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સના એનાલિસીસ મુજબ ગ્રામીણ ભારતમાં ઊંચું એક્સપોઝર ધરાવતાં ભારતીય શેરો પર પણ અલ નીનોને કારણે ગંભીર અસર પડી શકે છે. જેની સરખામણીમાં શહેરી બજારોમાં કેન્દ્રિત કંપનીઓના શેર્સ પર પ્રભાવ ઓછો જોવા મળી શકે છે. એક સ્ટોકક એનાલિસ્ટે તેના સોમવારના રિપોર્ટમાં નોંધ્યું છે કે અલ નીનોને કારણે દેશમાં વરસાદની ખાધ જોવા મળી શકે છે. જે કૃષિ ઉત્પાદનમાં ઘટાડા સાથે ગ્રામીણ માગમાં ઘણા સમયથી અપેક્ષિત રિકવરીને પાછી ઠેલી શકે છે. હવામાન વિભાગે પણ ચોમાસામાં લોંગ-ટર્મ સરેરાશના 96 ટકા વરસાદની આગાહી કરી છે. જે સામાન્ય ચોમાસા દરમિયાન જોવા મળતાં 96-104 ટકા વરસાદની રેંજમાં નીચી બાજુ સૂચવે છે. એક અગ્રણી બ્રોકરેજે પણ તેની નોંધમાં અલ નીનોને કારણે ચોમાસા અને તેની પાછળ કૃષિ અર્થતંત્ર પર પડનારી પ્રતિકૂળ અસરના જોખમનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સૌથી ગંભીર અસર ટ્રેકટર્સ અને ટુ-વ્હીલર્સના વેચાણ પર જોવા મળી શકે છે એમ તેઓ જણાવે છે.
મારુતિ સુઝુકીનો નફો 43 ટકા ઉછળી રૂ. 2623 કરોડ નોંધાયો
કંપનીએ 10 લાખ યુનિટ્સ ઉત્પાદન ક્ષમતા વધારી
દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2623 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 43 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે, દલાલ સ્ટ્રીટ રૂ. 2773 કરોડના પ્રોફિટનો અંદાજ રાખી રહ્યું હતું. આમ કંપનીનો નફો અપેક્ષાથી 4 ટકા જેટલો નીચો જોવા મળ્યો હતો. બુધવારે મારુતિનો શેર 0.45 ટકા સુધારા સાથે રૂ. 8506.90ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
ટોચની કાર ઉત્પાદકે માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે આવકમાં 20 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને તે રૂ. 32048 કરોડ પર રહી હતી. ઓપરેટિંગ મોરચે એબિટા 38 ટકા ઉછળી રૂ. 3350 કરોડ નોંધાયો હતો. જ્યારે એબિટા માર્જિન 1.3 ટકા વધી 10.4 ટકા પર રહ્યાં હતાં. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં કુલ 5,14,927 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 5.3 ટકા ઊંચું હતું. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 90ના અત્યાર સુધીના સૌથી ઊંચા ડિવિડન્ડની ભલામણ કરી હતી.
2030ના ગ્રીન ટાર્ગેટ્સને ધ્યાનમાં રાખી સરકાર રિન્યૂએબલ પ્રોજેક્ટ્સની ઓક્શન ત્રણ ગણી કરશે
સરકારે ચાલુ દાયકાની આખર સુધીમાં 500 ગીગાવોટ્સ ક્લિન એનર્જી ઉત્પાદન ક્ષમતાનો ટાર્ગેટ રાખ્યો છે
સરકાર રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સની ફાળવણી માટે કરવામાં આવતી હરાજીઓની ક્ષમતા ત્રણ ગણી કરશે. કેમકે 2030 સુધીમાં ક્લિન પાવરના ટાર્ગેટ સુધી પહોંચવા માટે વધુ ઝડપી પ્રગતિની જરૂર છે. ભારત સરકારે નક્કી કરેલી નવી સમયમર્યાદા મુજબ માર્ચ 2024માં પૂરા થતાં વર્ષ દરમિયાન કુલ 50 ગીગાવોટ્સની સોલાર અને વિન્ડ પ્રાજેક્ટસ ક્ષમતાની સ્થાપના પર એગ્રીમેન્ટ્સના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જે છેલ્લાં પાંચ નાણાકિય વર્ષોમાં વાર્ષિક રીતે સરેરાશ 15 ગીગાવોટ્સની હરાજીની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો છે.
2030 સુધીમાં 500 ગીગાવોટ્સની ક્લિન એનર્જી જનરેશન ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન્સમાં ઝડપ લાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. આ ટાર્ગેટમાં હાયડ્રો અને ન્યુક્લિઅર પ્લાન્ટ્સનો સમાવેશ પણ થાય છે. ઈલેક્ટ્રિસિટી માટેની ઝડપથી વધતી માગે નવા ઈન્વેસ્ટમેન્ટની જરૂરિયાતને પાછળ રાખી દીધી છે. ભારતમાં પ્રોજેક્ટ્સને હાલમાં ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિ તથા ગ્રીન સબસિડિઝ પૂરી પાડતાં વિકસિત દેશો તરફથી સ્પર્ધાનો સામનો કરવાનો બની રહ્યો છે. મોટા પ્રમાણમાં રિન્યૂએબલ્સ પ્રોજેક્ટ્સ ડિલિવર કરવા માટે ઈન્સ્ટોલેશન્સ માટે પર્યાપ્ત જમીન અને પ્રોજેક્ટમાંથી ઉત્પાદિત વીજળીના લોંગ-ટર્મ ખરીદારની જરૂરિયાત રહે છે. આમ પ્લાનની સફળતા માટે આ પરિબળો ખૂબ મહત્વના છે. જેને પૂરા કરવામાં નિષ્ફળતા પાછળ ટેન્ડર્સ સબસ્ક્રાઈબ થઈ શકતાં નથી. એનર્જીની વધતી માગ કેટલાંક રાજ્યો માટે ઈન્સેન્ટિવ ઊભો કરી રહી છે. જેને કારણે તેઓ વર્તમાન કોલ-આધારિત ક્ષમતાને ભરપાઈ કરવા માટે નવા લોંગ-ટર્મ રિન્યૂએબલ પાવર ડિલ્સ માટે વિચારણા કરી શકે છે. આ ઉપરાંત કમર્સિયલ અને ઈન્ડસ્ટ્રીઅલ સેક્ટર તરફથી પણ કોન્ટ્રેક્ટ્સમાં રસ વધી રહ્યો છે. સરકારે નક્કી કરેલા સમયપત્રક મુજબ નાણા વર્ષના પ્રથમ બે ક્વાર્ટરમાં 15 ગીગાવોટ્સ પ્રોજેક્ટ્સનું ઓક્શન કરવામાં આવશે. જેની શરૂઆત ચાલુ મહિનાથી થશે. જ્યારે પછીના બે ક્વાર્ટરમાં 10-10 ગીગાવોટ્સ ઓફર કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની પાવર કંપનીઓ જેવીકે સોલાર એનર્જી કોર્પોરેશન, એનટીપીસી, એનએચપીસી અને એસજેવીએન સરકાર માટે ઓક્શન હાથ ધરતી હોય છે.
સરકાર માઈક્રોન ટેક્નોના સેમીકંડક્ટર પ્લાનને મંજૂરી આપવા તૈયાર
યુએસ કંપની દેશમાં એક અબજ ડોલરના રોકાણ થકી ATMP સુવિધા સ્થાપશે
વિશ્વમાં પાંચમા ક્રમની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેક્નોલોજીને ભારતમાં તેની એસેમ્બલી, ટેસ્ટીંગ, માર્કિંગ અને પેકેજિંગ(ATMP) સુવિધાની સ્થાપના માટેના પ્રસ્તાવ પર સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી શક્યતાં છે. કંપની આ માટે એક અબજ ડોલરનું રોકાણ કરવા ધારે છે. યુએસએના ઈદાહો સ્થિત કંપની સુવિધાનો ઉપયોગ વિશ્વભરમાં બનાવાતી તેની પોતાની કેટલીક વેફર્સના પ્રોસેસિંગ માટે કરશે.
ઉચ્ચ સરકારી વર્તુળોએ નામ નહિ આપતાં જણાવ્યું હતું કે કંપની તરફથી વાસ્તવમાં એક અબજ ડોલરના રોકાણની યોજના છે અને અમે તેને ટૂંક સમયમાં જ મંજૂરી આપીશું. 30.8 અબજ ડોલરની માઈક્રોન વિશ્વમાં મેમોરી અને સ્ટોરેજ ટેક્નોલોજિસમાં અગ્રણી ખેલાડીઓમાંની એક છે. તે યુએસ, જાપાન, મલેશિયા, સિંગાપુર, તાઈવાન અને ચીન ખાતે મળી કુલ 11 મેન્યૂફેક્ચરિંગ સાઈટ્સ ધરાવે છે. બીટ્સ પિલાણી ખાતે ભણેલા સંજય મેહરોત્રાના નેતૃત્વ હેઠળ માઈક્રોન છેલ્લાં એક વર્ષ ઉપરાંતથી સેમીકંડક્ટર પેકેજિંગ સુવિધા સ્થાપવા માટે વિશ્વભરમાં શોધ ચલાવી રહી હતી. ભારતની 10 અબજ ડોલરની ફ્લેગશિપ સેમીકંડક્ટર સ્કિમ ફેબ પ્લાન્ટ્સ, એટીએમપી, આઉટસોર્સ્ડ સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ(OSAT) તથા ચીપ ડિઝાઈન ફેસિલિટીઝ માટે ફાઈનાન્સિયલ ઈન્સેન્ટિવ્સ ઓફર કરે છે. OSAT એ કંપની માટે પેકેજિંગ અને ટેસ્ટીંગ સર્વિસ પૂરાં પાડે છે. જ્યારે ATMP એ કેપ્ટિવ પેકેજીંગ અને ટેસ્ટીંગ સેન્ટર્સ હોય છે. સરકાર આ બંને માટે યોગ્યતા ધરાવતી કંપનીઓને તેમના મૂડી ખર્ચનો 50 ટકા નાણાકિય સપોર્ટ ઓફર કરી રહી છે. જે ઘણા સેમીકંડક્ટર્સ ખેલાડીઓને ભારત તરફ આકર્ષી રહી છે.
સ્ટીલની આયાતમાં 45 ટકા વૃદ્ધિ નોંધાઈ
નાણા વર્ષ 2022-23માં દેશમાં સ્ટીલની આયાતમાં 45 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 70 લાખ ટન પર રહી હતી. છેલ્લાં ત્રણ વર્ષોમાં સ્ટીલની આયાતમાં જોવા મળેલી સૌથી મોટી વૃદ્ધિ હતી. સ્ટીલની આયાતમાં વૃદ્ધિનું મુખ્ય કારણ સેમી-ફિનિશ્ડ ઓફરિંગ્સના શીપમેન્ટમાં તીવ્ર વૃદ્ધિ હતું. સેમી-ફિનિશ્ડ શીપમેન્ટ્સમાં 500 ટકાના દરે વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે ફિનિશ્ડ સ્ટીલ આયાતમાં 30 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત સ્ટીલનું નેટ ઈમ્પોર્ટર બની રહ્યું છે. 2019-20માં 72 લાખ ટન સાથે દેશમાં સ્ટીલની સૌથી ઊંચી આયાત જોવા મળી હતી. જે 2021-22માં ઘટીને 48 લાખ ટન પર રહી હતી. 2022-23માં સેમીફિનીશ્ડ સ્ટીલની આયાત 10 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે 2 લાખ ટન પર જ હતી.
દેશમાં ખાંડ ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરાયો
ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ઈસ્મા)એ વર્ષ 2022-23(ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં સુગર ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કર્યો છે. તેણે અગાઉના 3.4 કરોડ ટન ઉત્પાદનના અંદાજને ઘટાડી 3.28 કરોડ ટન કર્યો છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં ઘટાડાને ધ્યાનમાં રાખી તેણે અંદાજમાં ફેરફાર કર્યો છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં ઉત્પાદનમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. તેણે વાર્ષિક વપરાશ 2.75 કરોડ ટન પર રહેશે એમ અંદાજ્યું છે. 2021-22માં દેશમાં 3.576 કરોડ ટન સુગર ઉત્પાદન જોવા મળ્યું હતું. 15 એપ્રિલ સુધીનો ડેટા જોઈએ તો દેશમાં ખાંડનું ઉત્પાદન 3.11 કરોડ ટન પર નોંધાયું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા કન્ઝ્યૂમરઃ તાતા જૂથની રિટેલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 289.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 265 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો છે. કંપનીના એબિટા માર્જિન 14 ટકા પરથી વધી 14.1 ટકા પર જોવા મળ્યાં હતાં.
મહિન્દ્રા સીઆઈઈઃ મહિન્દ્રા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 279 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 161 કરોડની સરખામણીમાં 73 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2061 કરોડની સરખામણીમાં 18 ટકા વધી રૂ. 2440 કરોડ રહી હતી.
એયૂ એસએફબીઃ સ્મોલ ફાઈ. બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 424.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 398.8 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો છે. કંપનીની ગ્રોસ એનપીએ ગયા વર્ષે રૂ. 1018.9 કરોડની સરખામણીમાં ઘટી રૂ. 981.3 કરોડ પર જોવા મળી હતી.
દાલમિયા ભારતઃ સિમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 301 કરોડની અપેક્ષા સામે રૂ. 589 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીનું વોલ્યુમ પણ 72.5 લાખ ટનની અપેક્ષા સામે 74 લાખ ટન પર જોવા મળ્યું હતું. જે વાર્ષિક ધોરણે 13.3 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
નિપ્પોન લાઈફઃ ઈન્શ્યોરન્સ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 198 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 175.6 કરોડની સરખામણીમાં 15 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 338 કરોડની સરખામણીમાં 3 ટકા વધી રૂ. 348.3 કરોડ પર જોવા મળી હતી.
મહિન્દ્રા લાઈફઃ રિઅલ્ટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 54 લાખનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે જોવા મળતાં રૂ. 137.7 કરોડના પ્રોફિટની સરખામણીમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 161.8 કરોડ સામે 58 ટકા વધી રૂ. 255.4 કરોડ પર રહી હતી.
વીએસટી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 68.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 87.2 કરોડની સરખામણીમાં 21.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 400.2 કરોડની સરખામણીમાં 3 ટકા ઘટાડે રૂ. 389 કરોડ જોવા મળી હતી.
રેલીસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 69.1 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14.1 કરોડ પર જોવા મળતી હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 507.5 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 3 ટકા વધી રૂ. 522.6 કરોડ પર જોવા મળી હતી.
મહિન્દ્રા હોલિડેઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 56.31 કરોડનો નફો જાહેર કર્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.87 કરોડની સરખામણીમાં 350 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 711.61 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 542.58 કરોડ પર જોવા મળતી હતી. કંપનીનો કોન્સોલિડેટેડ પેટ રૂ. 114 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 68 કરોડ પર હતો.
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટો લેન્ડર ટૂંક સમયમાં જ એટી-1 બોન્ડ્સ, ટીયર-2 બોન્ડ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ મારફતે મૂડી એકત્ર કરવા માટે બજારમાં પ્રવેશ કરે તેવી શક્યતાં છે. ચાલુ મહિનાની શરુમાં જ બેંક બોર્ડે ડોલર ડિનોમિનેટેડ 2 અબજ ડોલરના બોન્ડ્સ ઈસ્યુ કરવા માટે મંજૂરી આપી હતી. ગયા નાણા વર્ષે બેંકે રૂ. 40 હજાર કરોડ એકત્ર કર્યાં હતાં.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.