ઘણા લાંબા સમય થી યુએસ ફેડ દ્વારા ટેપરીંગ બાબત કોઈ નક્કર નિર્ણય લેવાવા ની રાહ જોવાઈ રહી છે. આજે અને કાલે મળનારી યુએસ ફેડરલ રીઝર્વ ની બેઠક માં આ ટેપરીંગ અંગે કોઈક ચોક્કસ નિર્ણય લેવાવા ની શક્યતાઓ વધી રહી છે.
શું છે આ ટેપરીંગ?
૨૦૦૭-૦૮ માં અમેરિકા ની સબ-પ્રાઈમ કટોકટી માં વિશ્વભર ના બજારો ધમરોળાયા હતા. સબ-પ્રાઈમ કટોકટી વખતે ૧૦૦ વર્ષ – ૧૫૦ વર્ષ જૂની અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ, લેહમેન બ્રધર જેવી મોટી મોટી સંસ્થાઓ નાદારી ને આરે પહોચી હતી. આ વિકટ પરિસ્થિતિ માં સરકારે નાણાકીય તરલતા ટકાવી રાખવા માટે યુએસ ફેડરલ રીઝર્વ ધ્વારા અમેરિકા ની સ્થાનીય સરકારો ના બોન્ડ માં ખરીદી ચાલુ રાખવાનું સૂચવ્યું હતું. બોન્ડ ની આ ખરીદી ને પગલે જ યુએસ માં વ્યાજદરો નીચા સ્તરે જળવાયેલા રહ્યા, અમેરિકા નું શેરબજાર પાંચ વર્ષ સુધી સતત વધતું રહ્યું અને મોટા દેવાઓ છતાં પણ ડોલર વિશ્વ ની અન્ય કરન્સીઓ સામે ટકી ગયો.
યુએસ ડોલર ઇન્ડેક્સ અને આપણું બજાર
ઓક્ટોબર મહિના માં અમેરિકા ની સરકાર પાસે દૈનિક કામકાજો નું ભંડોળ ખૂટી પડતા અને યુએસ ના જાહેર દેવા ની મહત્તમ મર્યાદા પૂરી થતા, સરકાર ને કામકાજો બંધ રાખવાની (ફોર્સ-શટ ડાઉન) ની ફરજ પડી હતી. આ સંજોગો માં યુએસ ફેડ જો હાલ ની આ બોન્ડ ખરીદી અટકાવે કે ધીમી પણ પાડે તો અમેરિકા નો ડોલર અને ડોલર ની અન્ય કરન્સી સામે ની તુલના બતાવતો યુએસ ડોલર ઇન્ડેક્સ મોટા ઘટાડા બતાવી શકે. આ બાબત આપણા માટે ત્યારે વધારે મહત્વ ની બની જાય છે, જયારે પાંચ વર્ષ સુધી મંદી ની લપેટ માં રહેલ આપણું અર્થતંત્ર હવે થોડે-ઘણે અંશે પાટા પર આવી રહ્યું છે. યુએસ ડોલર ઇન્ડેક્સ અને આપણા શેર બજાર નો રીલેશન આપણે નીચેના ચાર્ટ પર જોઈ શકીએ છીએ.
યુએસ ડોલર ઇન્ડેક્સ ની વધારે માહિતી થોડા સમય માં અપડેટ કરીશું.
શીતલપૂરી ગોસ્વામી