Market Summary 14 July 2021

માર્કેટ સમરી

 

ભારતીય બજાર આઉટપર્ફોર્મન્સ જાળવવામાં સફળ

એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે બુધવારે ભારતીય બજાર પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી 15877ની દિવસની ટોચ દર્શાવી 15854ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ તેજી જળવાય હતી. બેંકિંગ, ઓટો, એફએમસીજી અને રિયલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે ફાર્માએ મજબૂતી જાળવી હતી.

મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ સૂચકાંકો નવી ટોચ પર

લાર્જ-કેપ્સ બેન્ચમાર્ક નિફ્ટી 15900ના અવરોધને પાર કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. બુધવારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.45 ટકા અથવા 45 પોઈન્ટ્સના સુધારે 10236ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે દરમિયાન તેણે 10260ની ટોચ દર્શાવી હતી. નિફ્ટી મીડ-કેપ્સ પણ 0.23 ટકા સુધરી 27623 પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 27690ની ટોચ દર્શાવી હતી. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જોવા મળી હતી. કુલ ટ્રેડેડ 3378 કાઉન્ટર્સમાંથી 1797 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1444 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આવ્યું હતું.

ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડ્યો

 

યુએસ ડોલર સામે બે દિવસના સુધારા બાદ રૂપિયામાં સપ્તાહના ત્રીજા સત્ર દરમિયાન નરમાઈ જોવા મળી હતી. રૂપિયો અગાઉના 74.49ના બંધની સરખામણીમાં ગ્રીનબેક સામે 74.57ના સ્તરે નબળો ખૂલ્યો હતો. જ્યાંથી વધુ ગગડી 74.65ના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે બજારમાં મજબૂતી પાછળ સુધરી 74.52 પર જોવા મળ્યો હતો અને આખરે 9 પૈસા નીચે 74.58ના સ્તરે બંધ રહ્યો હતો. ફોરેક્સ વર્તુળોના મતે સરકાર નિકાસ વૃદ્ધિ પર વેગ આપવા માગે છે અને તેથી આરબીઆઈ રૂપિયાને સપોર્ટ આપવા માટે બજારમાં દરમિયાનગીરીથી દૂર રહે છે. રૂપિયામાં નરમાઈ પાછળ છેલ્લા કેટલાક સત્રોમાં દેશમાંથી નિકાસ થતી કૃષિ પેદાશોના ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જે સ્થાનિક સ્તરે ઈન્ફ્લેશનને વેગ આપી શકે છે.

 

 

આઈપીઓમાં 14 વર્ષો બાદ સૌથી ઊંચું ફ્રેશ ફંડ ઊભું કરાયું

ઝોમેટોના મોટા આઈપીઓને ગણનામાં લેતાં 2021માં ફ્રેશ ઈક્વિટી મારફતે આઈપીઓમાં 14 વર્ષો બાદ સૌથી ઊંચું ફંડ ઊભું કરવામાં આવ્યું છે. ચાલુ કેલેન્ડરમાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશેલાં આઈપીઓમાં કંપનીઓએ ફ્રેશ ઈક્વિટી કેપિટલ મારફતે રૂ. 19300 કરોડ એકત્ર કર્યાં છે. જેમાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના રૂ. 9000 કરોડનો સમાવેશ થાય છે. અગાઉ કેલેન્ડર 2007માં કંપનીઓએ આઈપીઓમાં ફ્રેશ હિસ્સા મારફતે રૂ. 32102 કરોડ ઊભા કર્યાં હતાં. જોકે ત્યારબાદ સેકન્ડરી માર્કેટમાં તેજીના અભાવે પ્રાઈમરી માર્કેટ પણ મોટી એક્ટિવિટીથી દૂર રહ્યું હતું. ચાલુ કેલેન્ડરમાં પેટીએમ પણ ફ્રેશ શેર્સ મારફતે રૂ. 12000 કરોડ એકત્ર કરે તેવી ધારણા છે. જેને જોતાં 2007નો વિક્રમ તૂટવાની શક્યતા છે. હજુ કેલેન્ડરને પૂરા થવાને પાંચ મહિનાથી વધુ સમય બાકી છે અને ઘણી કંપનીઓ આઈપીઓ લાવવા માટે પાઈપલાઈનમાં છે.

 

ઈન્ફોસિસના જૂન ક્વાર્ટર નફામાં વાર્ષિક 23 ટકા વૃદ્ધિ

 

કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4233 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 5195 કરોડનો નફો

 

 

દેશમાં બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસ ટેક્નોલોજીએ જૂન ક્વાર્ટરના નફામાં વાર્ષિક ધોરણે 22.7 ટકા વૃદ્ધિ દર્શાવી છે. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4233 કરોડની સામે ચાલુ વર્ષે રૂ. 5195 કરોડનો નફો નોંધાવ્યો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તેણે 2.3 ટકા નફા વૃદ્ધિ દર્શાવી છે. ગયા માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5076 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 17.87 ટકાનો વધારો થયો હતો.

 

બુધવારે બજાર પૂરું થયા બાદ કંપનીએ જાહેર કરેલા પરિણામ મુજબ જૂન ક્વાર્ટરમાં તેની આવક રૂ. 27896 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23665 કરોડ પર હતી. માર્ચ 2020 ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવક 6 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. માર્ચ ક્વાર્ટમાં તેણે રૂ. 26311 કરોડની આવક નોંધાવી હતી. કંપનીનો નફો બજારની અપેક્ષાથી ઓછો જોવા મળ્યો હતો. જેની અસર ગુરુવારે કંપનીના શેરના ભાવ પર જોવા મળી શકે છે. માર્કેટ એનાલિસ્ટ્સ કંપનીના નફામાં વાર્ષિક ધોરણે 27-30 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યાં હતાં. અગાઉ કંપનીએ નાણાકિય વર્ષ 2021-22 માટેના ગાઈડન્સમાં 13-15 ટકા રેવન્યૂ ગ્રોથ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે કંપનીના સીઈઓ અને એમડી સલીલ પારેખે જણાવ્યું હતુંકે તેમણે જૂન ક્વાર્ટરમાં છેલ્લા દાયકાનો સૌથી ઊંચો ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીઈ કોન્સ્ટન્ટ કરન્સી બેઝીસ પર વાર્ષિક ધોરણે 16.9 ટકા અને ત્રિમાસિક ધોરણે 4.8 ટકાનો ગ્રોથ દર્શાવ્યો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનું એબિટ માર્જિન 23.7 ટકા વધ્યું હતું. જે એક વર્ષ અગાઉ 22.7 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. ત્રિમાસિક ધોરણે એબિટ માર્જિન ડિસેમ્બર ક્વાર્ટરના 24.5 ટકાની સરખામણીમાં 0.8 ટકા ઘટાડો દર્શાવતું હતું. જૂન ક્વાર્ટરમાં ડોલર રેવન્યૂ વાર્ષિક ધોરણે 21.2 ટકા વધી 378.2 કરોડ ડોલર રહી હતી. ત્રિમાસિક ધોરણે તે 4.7 ટકા વધી હતી. કંપની 2021-22માં 35000 ફ્રેશર્સની નિમણૂંક કરશે. જોકે જૂન ક્વાર્ટરમાં કંપનીનો એટ્રિશન રેટ વધી 13.9 ટકા રહ્યો હતો. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 10.9 ટકા પર હતો.

 

 

ટેક્સટાઈલ કંપનીઓનું ઉન્માદ ઊભો કર્યાં વિના 187 ટકા સુધીનું રિટર્ન

 

એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં બજારમાં લિસ્ટેડ 82 કંપનીઓમાંથી 81 ટેક્સટાઈલ કંપનીઓના શેર્સમાં સાયલન્ટ સુધારો

 

14 ટેક્સટાઈલ શેર્સનું 100 ટકાથી વધુ જ્યારે 35 કંપનીઓના શેર્સનું 50-100 ટકાની રેંજમાં રિટર્ન

 

 

 

શેરબજારમાં લિસ્ટ થવામાં અગ્રણી પરંતુ લાંબો સમયથી બજારે નજરઅંદાજ કરેલાં ટેક્સટાઈલ કંપનીઓના શેર્સ માં ‘સાયલન્ટ’ તેજી જોવા મળી છે. ચાલુ નાણાકિય વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ મહિના દરમિયાન ટેક્સટાઈલ શેર્સે 187 ટકા સુધીનું તીવ્ર વળતર નોંધાવ્યું છે. રોકાણકારોનો મોટો વર્ગ કળી શકે એ પહેલાં અનેક ટેક્સટાઈલ કંપનીઓના શેર્સ તેમની વર્ષો અગાઉની ટોચને પાર કરી નવી ટોચ પર પહોંચ્યાં છે. તેમણે બજારના અન્ય સેગમેન્ટ્સની સરખામણીમાં નોંધપાત્ર ચડિયાતો દેખાવ દર્શાવ્યો છે.

 

એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં બીએસઈ ખાતે લિસ્ટેડ ટેક્સટાઈલ સેગમેન્ટની કંપનીઓના દેખાવ પર નજર નાખીએ તો કુલ 82 કંપનીઓમાંથી 81 કંપનીઓએ પોઝીટીવ દેખાવ દર્શાવ્યો છે. જેમાં 14 કાઉન્ટર્સે 100 ટકાથી લઈ 187 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે 35 કંપનીઓના શેર્સે 50 ટકાથી લઈ 100 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું છે. 82માંથી કુલ 78 કંપનીઓએ 14 ટકાથી ઊંચો સુધારો નોંધાવ્યો છે. આમ સમગ્ર સેગમેન્ટમાં એક બ્રોડ બેઝ તેજી જોવા મળી છે. માત્ર એક કંપનીએ 13 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. અભ્યાસમાં ગણતરીમાં લીધેલો સમયગાળો શેરબજાર માટે અનિશ્ચિતતાઓથી ભરેલો રહ્યો હતો અને બેન્ચમાર્ક નિફ્ટી આ સમયગાળામાં માત્ર 6 ટકાનું રિટર્ન સૂચવી રહ્યો છે. જ્યારે અન્ય કોઈ સેક્ટરલ શેર્સે વ્યાપક રીતે આ પ્રકારનો દેખાવ નથી દર્શાવ્યો. ત્યારે ટેક્સટાઈલ કંપનીઓની તેજીથી બહાર અળગું કેવી રીતે રહ્યું તેને લઈને બજાર નિરીક્ષકો પણ આશ્ચર્ય અનુભવી રહ્યાં છે. આ માટે જોકે કેટલાક મજબૂત કારણો તેઓ દર્શાવી રહ્યાં છે. તેમના કહેવા મુજબ ટેક્સટાઈલ કંપનીઓ બજારમાં લિસ્ટ થનારા સેગમેન્ટમાં સૌથી આગળ હતી. જોકે તેઓ ક્યારેય રોકાણકારોને રિટર્નથી નવાજી શકી નહોતી. તેમજ બજાર મોટાભાગની ટેક્સટાઈલ કંપનીઓના મેનેજેમેન્ટ પર હજુ પણ વિશ્વાસ મૂકી શકતું નથી. હાલમાં જોવા મળેલી તેજી માત્રને માત્ર ટેક્સટાઈલ કંપનીઓ માટે જોવા મળી રહેલી સારી બિઝનેસ સાઈકલના ભાગરૂપ છે. જેમાં સ્થાનિક યાર્ન કંપનીઓને તેમની પ્રોડક્ટ્સ માટે પ્રિમીયમ ભાવ મળી રહ્યાં છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે તેમના નિકાસ માર્જિન પણ ખૂબ ઊંચા છે. આમ આગામી કેટલાક ક્વાર્ટર્સ માટે તેમની કામગીરી સારી જળવાય રહેવાની શક્યતા છે. અગાઉ ટેક્સટાઈલ કંપનીઓના શેર્સમાં તેજીની સાઈકલ ખૂબ જ અલ્પજીવી નીવડી છે અને તેથી રોકાણકારો ઊંચા ભાવે શેર્સમાં ફસાઈ ગયાનું બન્યું છે. જેમને એક્ઝિટ માટે એકાદ દાયકો લાગ્યો હોય તેવું જોવા મળ્યું છે. ટેક્સટાઈલ કંપનીઓની કામગીરીમાં સાતત્ય જોવા મળશે તો રોકાણકારો ફરી આ સગમેન્ટ તરફ પાછા વળી શકે છે. તાજેતરમાં એક જાણીતા રોકાણકાર ડોલી ખન્નાએ દિપક સ્પીનર્સ નામની સ્પીનીંગ કંપનીમાં એક ટકો ઈક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. જેની પાછળ અન્ય રોકાણકારોમાં પણ ટેક્સટાઈલ ક્ષેત્ર પર નજર દોડાવી શકે છે.

 

 

એપ્રિલ મહિનાથી ટેક્સટાઈલ શેર્સનો દેખાવ

 

સ્ક્રિપ્સ             માર્ચ 2020નો બંધ(રૂ.)   બજારભાવ(રૂ)   વૃદ્ધિ(%)

નાહર સ્પીનીંગ             104.05 298.95 187.31

ગોકાક                       78.05  220.45 182.45

જેબીએફ ઈન્ડ.              14.70   37.10   152.38

પ્રિકોટ                        108.10  260.30 140.80

નાહર ઈન્ડ.                  44.10   99.00  124.49

સિયસિલ                      186.40 417.00 123.71

સૂર્યાલક્ષ્મી કોટન          29.50  63.50  115.25

નાગરિકા એક્સપોર્ટ         15.30   32.65  113.40

લક્સ ઈન્ડ.                  1748    3699   111.57

દામોદર ઈન્ડ.              23.90  49.60  107.53

કિટેક્સ                      98.75  204.05 106.63

નીતીન સ્પીનીંગ           80.75  163.30 102.23

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage