માર્કેટ સમરી
બજારમાં સાવચેતી વચ્ચે રેંજ બાઉન્ડ ટ્રેડ
ગુરુવારે 15915ના સ્તરને પાર કરીને બ્રેકઆઉટ દર્શાવ્યાં બાદ ભારતીય બજાર શુક્રવારે મોટાભાગનો સમય રેંજ બાઉન્ડ ટ્રેડમાં જોવા મળ્યું હતું. ફાર્મા અને રિઅલ્ટી સિવાય બજારને ખાસ સપોર્ટ જોવા મળ્યો નહોતો. આઈટી કાઉન્ટર્સમાં ઊંચાં મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બેંકિંગમાં પણ નરમાઈ જોવા મળી હતી. મેટલ્સમાં સ્થિરતા હતી. રિઅલ્ટીમાં ખરીદી જોવા મળી હતી અને અગ્રણી કાઉન્ટર્સ તેમની ટોચ પર પહોંચ્યાં હતાં. નિફ્ટીએ 15923ના સ્તરે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. આમ માર્કેટ માટે 16000નું સ્તર એટલું આસાન નથી જણાતું. વૈશ્વિક બજારો પણ ડલ જોવા મળતાં હતાં અને તેથી તેમનો સપોર્ટ નહોતો મળી શક્યો.
દેશમાં પેટ્રોલનું વેચાણ મહામારી અગાઉના સ્તરે પહોંચ્યું
જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયાના સમયગાળા દરમિયાન દેશમાં પેટ્રોલનું વેચાણ 2019માં સમાનગાળાની સરખામણીમાં 3.44 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન 10.3 લાખ ટન પેટ્રોલનું વેચાણ નોંધાયું હતું એમ ઉદ્યોગનો ડેટા સૂચવે છે. આમ તે કોવિડ અગાઉના સ્તરને પાર કરી ગયું હતું. અગાઉ ઓક્ટોબર 2020 દરમિયાન પણ પેટ્રોલનું વેચાણ મહામારી અગાઉના સ્તરે જોવા મળ્યું હતું. જોકે પાછળથી ફરી સંક્રમણો વધ્યાં હતાં અને એપ્રિલમાં માગમાં ઘટાડો નોંધાયો હતો. ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો આયાતકાર અને વપરાશકાર દેશ છે. જ્યાં ઈંધણનો વપરાશ વધવો એ ઓઈલ માર્કેટ માટે પોઝીટીવ બાબત છે. ઓપેકે ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ, ચીન અને ભારત ખાતે માગમાં વૃદ્ધિ પાછળ આગામી વર્ષે ઓઈલની માગ ઊંચી જોવા મળે તેવી અપેક્ષા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો જોકે છેલ્લા બે ટ્રેડિંગ સત્રો દરમિયાન સાધારણ નરમાઈ દર્શાવવા સાથે 73 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
તત્વ ચિંતન ફાર્માનો આઇપીઓ પ્રથમ દિવસે 4.50 ગણો છલકાયો
વડોદરા સ્થિત તત્વ ચિંતન ફાર્મા કેમનો આઈપીઓ પ્રથમ દિવસે જ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો છે. તે 4.50 ગણો છલકાયો છે અને રોકાણકારોએ 1.46 કરોડ ઇક્વિટી શેર્સ માટે બીડ કરી છે, જેની સામે આઇપીઓનું કદ 32.61 લાખ ઇક્વિટી શેર્સ છે. સ્પેશિયાલિટી કેમિકલ કંપનીમાં નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 1.13 ગણો જ્યારે કે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સનો હિસ્સો 50 ટકા સબસ્ક્રાઇબ થયો છે. કંપનીનો આઈપીઓ 20 જુલાઇના રોજ બંધ થશે. તેનું કદ રૂ. 500 કરોડ છે અને પ્રતિ શેર રૂ. 10ની ફેસ વેલ્યુ છે. પ્રાઇઝ બેન્ડ રૂ. 1,073-1,083 છે. કંપનીએ 15 જુલાઈએ એન્કર બુકના રૂ. 150 કરોડ ઊભા કર્યાં હતાં.
ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબ સહિતના ફાર્મા શેર્સ નવી ટોચ પર
ફાર્મા શેર્સમાં સપ્તાહના આખરી દિવસે ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ ડિવિઝ લેબોરેટરી, આલ્કેમ લેબ, સિન્જિન ઈન્ટરનેશનલ જેવા કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ડિવિઝ લેબનો શેર રૂ. 4772ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 3.26 ટકાના સુધારે રૂ. 4758ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે આલ્કેમનો શેર પમ રૂ. 3558ની ટોચ બનાવી રૂ. 3351ની ટોચ પર બંધ રહ્યો હતો. સિન્જિન ઈન્ટરનેશનલનો શેર 9 ટકા જેટલો સુધરી રૂ. 668ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 14715.15ની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યાં બાદ 1.16 ટકા સુધરી 14635.05ના સ્તરે બંધ રહ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં તે 24 ટકા જેટલો સુધારો દર્શાવે છે. જેની સરખામણીમાં બેન્ચમાર્ક નિફ્ટી 9 ટકા જેટલી વૃદ્ધિ સૂચવે છે. નિફ્ટી ફાર્મામાં સમાવિષ્ટ મોટોભાગના કાઉન્ટર્સે શુક્રવારે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જેમાં સિપ્લા, સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા જેવા અગ્રણી શેર્સનો સમાવેશ થાય છે.
પેટીએમના વિક્રમી IPOમાં બર્કશાયર હાથવે, રતન ટાટા સહિતના રોકાણકારો એક્ઝિટ લેશે
કંપનીએ રૂ. 16600 કરોડના આઈપીઓ માટે કરેલા ફાઈલીંગમાં વર્તમાન રોકાણકારો હિસ્સા વેચાણમાંથી રૂ. 8300 કરોડ ઊભા કરશે
હાલમાં કંપનીમાં 36.8 ટકા સાથે ચીનનો અલીબાબા સૌથી મોટો રોકાણકાર, જ્યારબાદ સોફ્ટબેંક વિઝન ફંડ 19.6 ટકા હિસ્સો ધરાવે છે
ભારતીય પ્રાઈમરી બજારમાં સૌથી મોટું કદ ધરાવતી ઓફર એવા પેટીએમના આઈપીઓમાં વર્તમાન રોકાણકારો બમ્પર રિટર્ન સાથે એક્ઝિટ લેવાની તૈયારી કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. આવા રોકાણકારોમાં વોરેન બૂફે સ્થાપિત બર્કશાયર હાથવેથી લઈ રતન ટાટા જેવા અગ્રણી ઉદ્યોગપતિનો સમાવેશ થાય છે. પેટીએમની માલિક કંપની વન97એ ફાઈલ કરેલા રૂ. 16600 કરોડનું મૂલ્ય ધરાવતાં આઈપીઓમાંથી રૂ. 8300 કરોડ એટલેકે 50 ટકા હિસ્સો આ રોકાણકારોની ઓફર-ફોર-સેલનો હશે. જ્યારે બાકીનો 50 ટકા હિસ્સો ફ્રેશ ઈક્વિટીનો રહેશે. દેશમાં પ્રાઈમરી માર્કેટના ઈતિહાસમાં ઝોમેટો બાદ પેટીએમ પણ ફ્રેશ ઈક્વિટી મારફતે તગડી રકમ ઊભી કરશે. અગાઉ 2011માં પીએસયૂ કોલ ઈન્ડિયાએ આઈપીઓ મારફતે રૂ. 15000 કરોડની વિક્રમી રકમ ઊભી કરી હતી.
કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સમક્ષ ફાઈલ કરેલા પ્રોસ્પેક્ટ્સમાં કંપનીના રોકાણકારો તેમની પાસેના કેટલા હિસ્સાનું વેચાણ કરશે તેની વિગતો આપવામાં આવી નથી. જોકે ઈસ્યુ મારફતે ઊભી થનારી કુલ રકમનો અડધો હિસ્સો એક્ઝિટ થનારા રોકાણકારોનો હશે એમ વર્તુળો જણાવે છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા તેમની પાસેનો 14.6 ટકા હિસ્સો પણ આઈપીઓમાં વેચવાનું વિચારી રહ્યાં હોવાનું જાણવા મળે છે. કંપનીના વિવિધ રોકાણકારો પર નજર નાખીએ તો ચીનની અલીબાબા પેટીએમમાં 36.8 ટકા સાથે સૌથી વધુ હિસ્સો ધરાવે છે. જ્યારબાદ માસાયોશીના પુત્રના નેતૃત્વ હેઠળનું સોફ્ટબેંક વિઝન ફંડ 19.6 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે આવે છે. કંપનીમાં શરૂઆતમાં રોકાણ કરનાર સેઈફ પાર્ટનર(હવે એલિવેશન કેપિટલ) વિવિધ ફંડ્સ મળી 17.2 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય બર્કશાયર હાથવે અને ટાટા જૂથના ચેરમેન રતન ટાટા વ્યક્તિગત ધોરણે પેટીએમમાં હિસ્સો ધરાવે છે. રતન ટાટાએ 2015માં કંપનીમાં રોકાણ કર્યું હતું. કંપની સાથે નજીકથી જોડાયેલાં વર્તુળો જણાવે છે કે ઉપરોક્ત રોકાણકારો આઈપીઓમાંથી એક્ઝિટ લે તે માટે તેમની પાસે મહત્વનું કારણ પણ છે. તેમણે કંપનીમાં જ્યારે રોકાણ કર્યું ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેઓ આટલુ સારુ વળતર મેળવશે. પેટીએમના વેલ્યૂએશન્સને જોતાં તેઓને ટૂંકાગાળામાં જેકપોટ હાથ લાગ્યો છે અને તેથી તેઓ કંપનીમાંના તેમના હિસ્સાનું વેચાણ કરે તે ડહાપણભર્યું પણ છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ કેટલાંક દિવસો અગાઉ તેમનો 5 ટકા હિસ્સો ગયા વર્ષે તેમણે સ્થાપેલાં ઈન્વેસ્ટમેન્ટ વેહીકલ વીએસએસ હોલ્ડિંગ્સ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. કંપનીએ ફાઈલ કરેલા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસમાં જણાવાયું છે કે રૂ. 8300 કરોડમાંથી રૂ. 4300 કરોડના ઉપયોગ ગ્રોથ માટે થશે. એટલેકે ગ્રાહકો અને મર્ચન્ટ મેળવવામાં કરવામાં આવશે. જ્યારે રૂ. 2000 કરોડ નવા બિઝનેસ ઈનિશ્યેટિવ્સ, એક્વિઝિશન્સ અને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉપયોગમાં લેવાશે.
ઝોમાટોનો આઇપીઓ 38 ગણો છલકાયો
ન્યૂ-એજ બિઝનેસમાં સમાવેશ પામતાં ફુડ ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર ઝોમાટોનો રૂ. 9,375 કરોડનો આઇપીઓ અંતિમ દિવસે 38.25 ગણો ભરાયો હતો. દોઢ વર્ષ બાદ બજારમાં પ્રવેશેલા મેગા આઈપીઓને તમામ કેટેગરીઝના રોકાણકારો તરફથી સારો પ્રતિભાવ સાંપડ્યો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સે ઊંચો રસ દર્શાવ્યો હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ તરફથી ઉંચી માગ વચ્ચે રિટેઇલ રોકાણકારોનો પ્રતિસાદ સામાન્ય રહ્યો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યુઆઇબી) 51.79 ગણો ભરાયો છે, જે રોકાણકારોના ત્રણેય સમૂહમાં સૌથી વધુ છે રિટેઇલ રોકાણકારો માટેનો રિઝર્વ હિસ્સો 7.45 ગણો ભરાયો હતો, જ્યારે કે નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટેનો હિસ્સો 32.96 ગણો ભરાયો હતો.. કંપનીએ પ્રતિ શેર રૂ. 72-76નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો હતો અને 27 જુલાઇએ બીએસઇ અને એનએસઇ ઉપર તે લિસ્ટ થવાની સંભાવના છે.