Market Summary 15/12/22

ફેડ ‘હોકિશ’ જળવાઈ રહેતાં બજારોમાં વેચવાલી નીકળી
નિફ્ટીએ 18400નો સપોર્ટ ગુમાવ્યો
ટૂંકાગાળામાં વધુ ઘટાડો જોઈ રહેલાં એનાલિસ્ટ્સ
ઈન્ડિયા વિક્સ 6.52 ટકા ઉછળી 13.73ના સ્તરે
આઈટી, મેટલ, બેંકિંગ, ઓટો સહિત સાર્વત્રિક નરમાઈ
બ્રોડ માર્કેટમાં જોવા મળેલું દબાણ
ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ વધુ 20 ટકા ઉછળ્યો
ઓરો ફાર્મા, મેટ્રોપોલીસ વર્ષના તળિયે પટકાયાં

યુએસ ફેડ તરફથી કેલેન્ડર 2022ની આખરી નીતિ સમીક્ષામાં 50 બેસીસ પોઈન્ટ્સની અપેક્ષિત વૃદ્ધિ સાથે 2023માં પણ રેટ વૃદ્ધિ જળવાય રહેવાની ટિપ્પણી પાછળ શેરબજારોમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને વેચવાલી નીકળી હતી. બીએસઈ સેન્સેક્સ 879 પોઈન્ટ્સ ગગડી 61799ની સપાટીએ જ્યારે નિફ્ટી 245 પોઈન્ટ્સ ઘટી 18145ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ માર્કેટ-બ્રેડ્થ છેલ્લાં ઘણા સપ્તાહોના તળિયા પર જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાઁથી માત્ર 7 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 43 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.52 ટકા ઉછાળા સાથે 13.73ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફેડે કેલેન્ડરમાં સતત સાતમી વાર રેટ વૃદ્ધિ દર્શાવી હતી અને બેન્ચમાર્ક રેટને 4 ટકાથી વધારી 4.5 ટકા કર્યાં હતાં. જોકે તેણે 2023માં રેટ 5 ટકાની સપાટી પાર કર્યાં બાદ ટોપ આઉટ થાય તેમ જણાવતાં બજારોનો મૂડ બગડ્યો હતો. યુએસ બજારો અડધાથી પોણા ટકા ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે એશિયન બજારો દોઢ ટકા સુધીનો ઘટાડો સૂચવતાં હતાં. ભારતીય બજારમાં ઓપનીંગ સાધારણ નરમ જળવાયું હતું. જોકે દિવસ દરમિયાન બજાર સતત ઘસાતું રહ્યું હતું અને જોતજોતામાં દોઢ ટકા જેટલું ગગડ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ગયા સપ્તાહે દર્શાવેલા 18410ના તળિયાને તોડી 18388 સુધી નીચે ઉતરી ગયો હતો. જોકે બંધ ધોરણે તેણે 18410નું સ્તર જાળવ્યું હતું. નિફ્ટી કેશ અને ફ્યુચર્સ વચ્ચેના પ્રિમીયમમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે માત્ર 30 પોઈન્ટ્સ રહી ગયો હતો. જે છેલ્લાં ઘણા સત્રોથી 100 પોઈન્ટ્સથી ઊંચું જોવા મળતું હતું. આ બાબત સૂચવે છે કે લોંગ ટ્રેડર્સે તેમની પોઝીશન લિક્વિડ કરી છે. આમ બજારમાં વધુ ઘટાડાની શક્યતાં રહેલી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં હવેનો સપોર્ટ 18000નો છે. જે તૂટશે તો 17500 સુધીનું સ્તર જોવા મળી શકે છે. બજારમાં નવી પોઝીશનથી દૂર રહેવા સાથે પ્રોફિટ મળતો હોય ત્યાં બુક કરવાની સલાહ પણ તેઓ આપે છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ, એનટીપીસી, સન ફાર્માનો સમાવેશ થતો હતો.બીજી બાજુ ટેક મહિન્દ્રા 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટાઈટન કંપની, ઈન્ફોસિસ, એચડીએફસી, આઈશર મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, આઈટીસી, તાતા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને એચડીએફસી બેંકમાં પણ 2 ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. માર્કેટમાં તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. જેમાં આઈટી અને મિડિયા સૂચકાંકો 2 ટકાથી વધુ ગગડ્યાં હતાં. જ્યારે મેટલ, બેંક, રિટેલમાં 1 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો. પીએસઈ, ફાર્મા અને એફએમસીજી પણ નરમાઈ દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ સવારના ભાગમાં મજબૂતી સાથે ખૂલી 4617ની ટોચ દર્શાવી વેચવાલી પાછળ ગગડ્યો હતો અને 4465ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે કેટલીક નાની પીએસયૂ બેંક્સ પોઝીટીવ બંધ દર્શાવી રહી હતી. જેમાં આઈઓબી 7 ટકા ઉછળા સાથે બંધ રહ્યો હતો. યૂકો બેંક પણ 7 ટકા ઉછળ્યો હતો. બેંક ઓફ મહારાષ્ટ્ર અને પીએનબી પણ ગ્રીન ઝોનમાં જોવા મળતાં હતાં. બીજી બાજુ જેકે બેંક 6 ટકા પટકાઈ હતી. બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને એસબીઆઈ પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. પ્રાઈવેટ બેંકિંગમાં એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક બેંક એક ટકાથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ 3 ટકા, એલટીઆઈ માઈન્ડટ્રી 2.5 ટકા, ઈન્ફોસિસ 2.5 ટકા અને એમ્ફેસિસ 3 ટકા ગગડ્યાં હતાં. મેટલ ક્ષેત્રે જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, તાતા સ્ટીલ, નાલ્કો, હિંદાલ્કો અને કોલ ઈન્ડિયામાં 2 ટકા આસપાસથી વધુનો ઘટાડો જોવા મળતો હતો. ઓટો સેગમેન્ટમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 5 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત આઈશર મોટર્સ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ એક ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં આઈઆરસીટીસી ઘટવામાં મુખ્ય હતો. શેર 6 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનોટિક્સ, ભારત ઈલેક્ટ્રીક, ભેલ, સેઈલ, પાવર ફાઈનાન્સ, નાલ્કોમાં પણ વેચવાલી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કેટલાંક કાઉન્ટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. જેમાં પિરામલ એન્ટરપ્રાઈઝિસ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 3.4 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 2 ટકા, એચપીસીએલ 1.6 ટકા, મહાનગર ગેસ 1.5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ટેક મહિન્દ્રા, અંબુજા સિમેન્ટ્સ, પીવીઆર, તાતા કોમ્યુનિકેશન, કમિન્સ અને હિંદુસ્તાન કોપરમાં 3 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3680 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2227 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1325 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 128 કાઉન્ટર્સ અગાઉના સ્તરે ફ્લેટ બંધ રહ્યાં હતાં. 154 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવ હતી. જ્યારે 26 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.

વેપાર ખાધ પાછળ CAD દાયકાની ટોચે પહોંચવાની સંભાવના
સ્થાનિક અર્થતંત્રમાં રિકવરી પાછળ ઊંચી આયાતને કારણે ખાધ પર દબાણ

દેશની ચાલુ ખાતાની ખાધ(CAD) બીજા ક્વાર્ટરમાં છેલ્લાં 10 વર્ષોની ટોચ પર પહોંચે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. કોમોડિટીઝના ઊંચા ભાવ અને રૂપિયામાં નબળાઈ વચ્ચે વેપારી ખાધ પહોળી બનવાને કારણે CADમાં મોટી વૃદ્ધિની શક્યતાં અર્થશાસ્ત્રીઓના એક સર્વેક્ષણમાં જોવા મળી રહી છે.
એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં કોવિડ-19 બાદ સ્થાનિક માગમાં રિકવરી જોવા મળી છે. જોકે તેની પૂરતી ઊંચી આયાત મારફતે થઈ રહી છે. જ્યારે બીજી બાજુ નિકાસ ઘટી રહી છે. ઓક્ટોબરમાં નિકાસ 20-મહિનાના તળિયા પર જોવા મળી હતી અને તેને કારણે વેપાર ખાધ વિક્રમી સ્તરે પહોંચી છે. પ ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી હાથ ધરવામાં આવેલા 18 અર્થશાસ્ત્રીઓના એક સર્વે મુજબ જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન ચાલુ ખાતાની ખાધ જીડીપીના 4.3 ટકા જેટલી રહેશે. આખરી આંકડાની રીતે તે 35.5 અબજ ડોલર પર જોવા મળી શકે છે. જે છેલ્લાં દાયકામાં ટોચનું લેવલ છે. અર્થશાસ્ત્રીઓ 24.5 અબજ ડોલરથી 40 ડોલર સુધીની CADની શક્યતાં જોઈ રહ્યાં છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં CAD 23.9 અબજ ડોલર પર રહી હતી. જે જીડીપીના 2.8 ટકા જેટલી હતી. અર્થશાસ્ત્રીઓના મતે આ વખતે નોંધપાત્ર બાબત એ છએ કે વૈશ્વિક મંદીના સમયે સોફ્ટવેરની માગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે સ્થાનિક નિકાસ પર અસર થઈ છે. આને કારણે બાબત થોડી ગંભીર બની છે. આરબીઆઈની રેટ વૃદ્ધિ સાઈકલ પૂરી થવામાં છે અને તેથી રૂપિયામાં નજીકના સમયગાળામાં કોઈ રિકવરીની સંભાવના નથી. ચાલુ વર્ષે તે ડોલર સામે 10 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. જોકે આગામી વર્ષ ચાલુ વર્ષ જેટલું પડકારદાયી નહિ હોય એમ તેઓ માની રહ્યાં છે. જોકે જીઓ-પોલિટીકલ તણાવો યથાવત હોવાના કારણે ક્રૂડથી લઈને અન્ય કોમોડિટીઝના ભાવમાં ઊંચી વધ-ઘટને કારણે સ્થાનિક વેપાર ખાધ ઊંચી જોવા મળી શકે છે એમ તેઓ જણાવે છે.

મેગા રિફાઈનરીને હવે નાની-નાની રિફાઈનરીઝમાં વિભાગવાની યોજના
સાઉદી અરામ્કો અને ADNOC સાથે ભાગીદારીમાં રત્નાગીરી રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સની સ્થાપના કરવામાં આવી હતી
એક જગ્યાએ 15 હજાર એકર જમીન મેળવવામાં વિલંબને કારણે યોજનાનો ખર્ચ 36 ટકા ઉછળી 60 અબજ ડોલરે પહોંચ્યો

ભારત સરકાર સાઉદી અરામ્કો અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની(એડીએનઓસી) સાથે મળીને હવે એક મેગા પ્લાન્ટને સ્થાને કેટલીક નાની રિફાઈનરીઝ બનાવવા વિચારણા ચલાવી રહી છે. એક સ્થળે મોટું જમીન મેળવવામાં પડકારોને કારણે મૂળ યોજના બદલવી પડી રહી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. એશિયાના ત્રીજા મોટા અર્થતંત્રમાં જમીન ખરીદીમાં અવરોધો નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળનું સૌથી મોટું કારણ છે.
અરામ્કો અને એડીએનઓસી 2018માં 11 લાખ બેરલ્સ પ્રતિ દિવસની ક્ષમસા સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના કિનારે રિફાઈનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ સ્થાપવા માટે ભારત સરકારના જાહેર સાહસોના કોન્સોર્ટિયમમાં જોડાયાં હતાં. બંને વિદેશી ક્રૂડ ઉત્પાદકો તેમના ઓઈલ માટે ભરોસાપાત્ર આઉટલેટની શોધમાં હતાં. જોકે શરૂઆતમાં 2025 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા ધરાવતો પ્રોજેક્ટ એક જ સ્થળે 15000 એકર જમીન મેળવવામાં વિલંબને કારણે અટવાઈ પડ્યો છે. તેમજ 2019માં અંદાજિત ખર્ચ 36 ટકા ઉછળી 60 અબજ ડોલર પર પહોંચ્યો છે. જાણકારોનું કહેવું છે કે હવે એવો પ્રસ્તાવ છે કે આપણે એકને બદલે ત્રણ રિફાઈનરી બનાવીએ. હાલમાં પ્રોજેક્ટમાં સામેલ કંપનીઓ વચ્ચે આ અંગે વિચારણા ચાલી રહી છે. ખેડૂતોએ તેમની જમીનનો હક છોડવાનો ઈન્કાર કરતાં જમીનની ખરીદીમાં નિષ્ફળતા મળી હતી. રત્નાગીરી સ્થિત ખેડૂતોને ડર છે કે પ્રોજેક્ટને કારણે તેમના પ્રદેશની જાણીતી આલ્ફોન્સો મેંગો, કાજુના પ્લાન્ટેશન્સ અને માછીમારી પર વિપરીત અસર પડશે. રત્નાગીરી રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ(આરઆરપીસીએલ)માં અરામ્કો અને એડીએનઓસી, બંને 25-25 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ પાસે છે. વર્તુળોના જણાવ્યા મુજબ જમીનની ખરીદીમાં મહારાષ્ટ્ર સરકારની ભૂમિકા મહત્વની છે. આરઆરપીસીએલના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. જોકે અન્ય વર્તુળોએ જણાવ્યું હતું કે એડીએનઓસી અને અરામ્કોને કેટલીક રિફાઈનરીઝ બનાવવાની યોજના અંગે જાણ છે. જો એક સ્થળે મોટા પ્રમાણમાં જમીન પ્રાપ્ય ના બને તો વિવિધ સ્થાનો પર રિફાઈનરી બનાવવાનું યોગ્ય રહેશે એમ વર્તુળ જણાવે છે.

2030 સુધીમાં કુલ વાહન વેચાણમાં 40 ટકા EV હશે
રિપોર્ટ મુજબ 2026માં તમામ સેગમેન્ટમાં 40-50 લાખ ઈવીનું વેચાણ થતું હશે
ટુ-વ્હીલર્સ અને કાર્સ સેગમેન્ટમાં ઈવીનું પ્રમાણ વધશે જ્યારે કમર્સિયલ વેહીકલ્સમાં તે નીચું રહેશે

કેલેન્ડર 2030 સુધીમાં દેશમાં વેચાતાં કુલ વાહનોમાંથી 35-40 ટકા વાહનો ઈલેક્ટ્રિક વેહીકલ્સ હશે એમ બેઈન એન્ડ કંપનીનો રિપોર્ટ જણાવે છે. જે વાર્ષિક ધોરણે 1.4 કરોડથી 1.6 કરોડ ઈવીનું વેચાણ દર્શાવશે. હાલમાં વાર્ષિક ધોરણે વેચાતાં વાહનોમાં માત્ર 2 ટકા જ ઈવી હોય છે. હાલમાં માસિક ધોરણે ઘણા સેગમેન્ટમાં ઈવીના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેમકે ડિસેમ્બરમાં ટુ-વ્હીલર્સમાં 4-5 ટકા હિસ્સો ઈવીનો હતો. 2026માં તે બિલકુલ દેખીતો હશે. જ્યારે દરેક સેગમેન્ટ્સમાં 40-50 લાખ ઈવીનું વેચાણ જોવા મળે તેવી અપેક્ષા છે. તે કુલ વેચાણનો 15-20 ટકા હિસ્સો ધરાવતો હશે એમ રિપોર્ટ જણાવે છે.
રિપોર્ટ મુજબ અંદાજિત સ્તરે ઈવીનો વ્યાપ જોવાશે તો 2030 સુધીમાં ઈવીમાંથી 76-100 અબજ ડોલર સુધીની આવક ઊભી થશે. આમાં બેટરી સહિત અન્ય કોમ્પોનેન્ટ્સની ગણતરી પણ આવી જશે. કુલ રેવન્યૂમાં ફોર-વ્હીલર્સનો હિસ્સો 41 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવે છે. જ્યારબાદ 33 ટકા રેવન્યૂ સાથે ટુ-વ્હીલર્સ જોવા મળશે. જ્યારે બાકીની આવક અન્ય સેગમેન્ટ્સમાંથી રહેશે. આને કારણે કંપનીઓને 8-11 અબજ ડોલરનો નફો રળી શકશે. જેમાં પેસેન્જર વેહીકલ્સ સેગમેન્ટ સૌથી ઊંચો હિસ્સો ધરાવતો હશે. જ્યારબાદના ક્રમે ટુ-વ્હીલર્સ હશે.
બેઈનના અંદાજ મુજબ 2022માં કુલ ટુ-વ્હીલર્સમાં 2 ટકા હિસ્સો જ ઈવીનો છે. જે 2026માં 20 ટકા પર જશે અને 2030 સુધીમાં 40-45 ટકા પર પહોંચશે. ઈલેક્ટ્રિક પેસેન્જર કાર્સ જેમાં તાતા મોટર્સ પ્રભુત્વ ધરાવે છે, તે હાલમાં કુલ વેચાણનો એક ટકાથી પણ નીચો હિસ્સો ધરાવે છે. જે 2026 સુધીમાં 7-10 ટકા પર પહોંચશે. જ્યારે 2030 સુધીમાં કુલ કાર્સ વેચાણનો 15-20 ટકા હિસ્સો મેળવશે. કમર્સિયલ સેગમેન્ટની વાત કરીએ તો લાઈટ કમર્સિયલ વેહીકલ્સ(એલસીવી) અને બસ પણ ઈલેક્ટ્રિકમાં મહત્વનું કન્વર્ઝેશન જોશે. રિપોર્ટ મુજબ એલસીવીમાં 20-25 ટકા હિસ્સો ઈવીનો હશે જ્યારે બસમાં 15-20 ટકા ઈવીનું વેચાણ જોવા મળશે. ઈવી બસના બિઝનેસનો મુખ્ય આધાર સરકાર અને રાજ્ય પરિવહન કોર્પોરેશન્સ તરફથી મળતાં ઓર્ડર્સ પર રહેલો છે. જોકે મીડ અને હેવી કમર્સિયલ વેહીકલ સ્પેસ થોડી પાછળ રહે તેવી શક્યતાં છે. ત્યાં પરંપરાગત ઈન્ટરનલ કમ્બુશન એન્જિનનો પ્રભાવ ચાલુ રહેવાની શક્યતાં છે. 2030 સુધીમાં આ સેગમેન્ટમાં ઈવીનો હિસ્સો 2-5 ટકા જ જોવા મળે તેવી અપેક્ષા રિપોર્ટ રજૂ કરે છે.

નવેમ્બરમાં ખાદ્ય તેલોની આયાતમાં વાર્ષિક 34 ટકા વૃદ્ધિ નોંધાઈ
મહિના દરમિયાન સીપીઓની 9.31 લાખ ટનની વિક્રમી આયાત

નવેમ્બરમાં દેશમાં ખાદ્ય તેલોની આયાત 15.28 લાખ ટન પર રહી હતી. જે ઓક્ટોબરમાં જોવા મળેલી 13.65 લાખ ટનની આયાતની સરખામણીમાં 11.92 ટકા ઊંચી હતી. 2022-23 ઓઈલ વર્ષ(નવેમ્બરથી ઓક્ટોબર)ના પ્રથમ મહિનામાં વાર્ષિક ધોરણે આયાત 34.24 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવતી હતી. નવેમ્બર 2021માં તે 11.38 લાખ ટન પર જોવા મળી હતી.
સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ નવેમ્બરમાં ક્રૂડ પામતેલની આયાત 9.31 લાખ ટન પર રહી હતી. જે ઓક્ટોબરમાં 7.56 લાખ ટન પર હતી. આમ 23.05 ટકાની ઊંચી આયાત વૃદ્ધિ જોવા મળી હતી. કોઈ એક મહિનાની રીતે જોઈએ તો નવેમ્બરમાં સીપીઓની સૌથી ઊંચી આયાત જોવા મળી હતી. બીજી બાજુ આરબીડી પામોલીનની આયાત પણ નવેમ્બરમાં વધીને 2.02 લાખ ટન પર રહી હતી. જે ઓક્ટોબરમાં 1.27 લાખ ટન પર હતી. આમ માસિક ધોરણે રિફાઈન્ડ પામતેલની આયાતમાં 58 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. ક્રૂડ પામોલીનની આયાત મુખ્યત્વે ઈન્ડોનેશિયા(5.19 લાખ ટન)થી થઈ હતી. જ્યારે મલેશિયા ખાતેથી તે 2.83 લાખ ટન પર જોવા મળી હતી. આરબીડીની આયાતમાં ઈન્ડોનેશિયાનો હિસ્સો 1.72 લાખ ટનનો હતો. જ્યારે મલેશિયાનો 30 હજાર ટનનો હતો. નવેમ્બરમાં ક્રૂડ સોયાબિનની આયાતમાં ઘટાડો નોઁધાયો હતો અને તે ઓક્ટોબરમાં 3.34 લાખ ટન પરથી ગગડી નવેમ્બરમાં 2.29 લાખ ટન પર રહી હતી. હાલમાં સરકાર તરફથી ક્રૂડ પામતેલ અને રિફાઈન્ડ પામ તેલ વચ્ચે 7.5 ટકાનો ડ્યૂટી તફાવત દેશમાં આરબીડીની આયાતને પોરસી રહ્યો છે. ઓક્ટોબરમાં પૂરા થયેલા વર્ષ 2021-22માં આરબીડી પામોલીનની આયાત 168 ટકા જેટલી વધી હતી. માત્ર નવેમ્બરમાં જ તે 2 લાખ ટનથી ઊંચી જળવાઈ હતી.

ફેડની ટિપ્પણી પાછળ સોનું-ચાંદીમાંમાં ઘટાડો
યુએસ ફેડ રિઝર્વ તરફથી 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ સાથે હોકિશ વલણ જાળવી રાખવાનો સંકેત મળતાં ગોલ્ડ અને સિલ્વરમાં વેચવાલી જોવા મળી હતી. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે સિલ્વર વાયદો 2 ટકાથી વધુ ગગડી રૂ. 68000ની નીચે ઉતરી ગયો હતો. ગુરુવારે સાંજે તે રૂ. 1523ના ઘટાડે રૂ. 67780ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું પણ 1.1 ટકા અથવા રૂ. 605ની નરમાઈ સાથે રૂ. 54070 પર ટ્રેડ દર્શાવતું હતું. વિશ્વ બજારમાં ગોલ્ડમાં 1.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોમેક્સ ગોલ્ડ વાયદો 31 ડોલર ઘટાડા સાથે 1788 ડોલર પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે ચાંદી 3.2 ટકા ગગડી 23.35 ડોલર પર જોવા મળી રહી હતી. કોપરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 83 ડોલર આસપાસ ફ્લેટ જોવા મળતો હતો. ગોલ્ડ-સિલ્વર ઉપરાંત પ્લેટિનમ, પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓના ભાવ પણ એક ટકાથી વધુ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જ્યારે એગ્રી કોમોડિટીઝમાં ફ્લેટ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

ડોલર સામે રૂપિયામાં 27 પૈસાનો વધુ ઘટાડો
વૈશ્વિક શેરબજારો પાછળ સ્થાનિક ઈક્વિટીઝમાં નરમાઈ પાછળ યુએસ ડોલર સામે રૂપિયામાં નરમાઈ આગળ વધી હતી. ભારતીય રૂપિયો ગુરુવારે 27 પૈસા ગગડી 82.76ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે યુએસ ફેડ ચેરમેને 2023માં પણ રેટ વૃદ્ધિ જળવાય રહેશે તેમ જણાવતાં ઈમર્જિંગ માર્કેટ્સ ચલણ પર દબાણ જોવા મળ્યું હતું. રૂપિયો 82.63ની સપાટીએ તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગ બાદ વધુ ગગડી 82.77ના તળિયા પર જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 82.41ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યાં ટકી શક્યો નહોતો અને ફરી પટકાયો હતો અને 82.76ની સપાટીએ બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 0.56 ટકાના સાધારણ સુધારે 104.35ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. દરમિયાનમાં ક્રૂડના ભાવમાં બે બાજુની ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. બે સત્રો અગાઉ 76 ડોલર સુધી ગગડ્યાં બાદ બ્રેન્ટ ક્રૂડ 6 ડોલરના સુધારે 84 ડોલર થઈ 83 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ
IRCTC: સરકારે રેલ્વે સાથે જોડાયેલી આઈઆરસીટીસીમાં ઓફર-ફોર-સેલ મારફતે 5 ટકા હિસ્સા વેચાણનું નક્કી કર્યું છે. જે માટે રૂ. 680ની ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કરી છે. જે બુધવારના રૂ. 734.70ના બંધ ભાવથી 7 ટકા ડિસ્કાઉન્ટ સૂચવતી હતી. જેને કારણે બુધવારે કંપનીનો શેર ગેપ-ડાઉન ખૂલ્યો હતો અને 6.24 ટકા ઘટી રૂ. 689.05ની સપાટીએ બંધ રહ્યો હતો. સરકાર હિસ્સા વેચાણ મારફતે રૂ. 2600 કરોડ મેળવશે.
કોટક એએમસીઃ ટોચના ફંડ મેનેજરે 2023નું વર્ષ શેરબજાર માટે ઊંચી વધ-ઘટનું બની રહેશે એમ જણાવ્યું છે. તેણે રોકાણકારોને ઈક્વિટી રોકાણ બાબતે ઓવરબોટ નહિ બનવા જણાવ્યું છે. તેમજ ઈન્વેસ્ટમેન્ટની ફાળવણી તમાર એસેટ ક્લાસિસમાં રાખવા સૂચન કર્યું છે. જેમાં ડેટ, ગોલ્ડ અને રિઅલ એસ્ટેટનો સમાવેશ કરવા જણાવ્યું છે.
શ્રીરામ પ્રોપર્ટીઝઃ રિઅલ્ટી કંપનીએ આઈઆઈએફએલ પાસેથી રૂ. 125 કરોડમાં સ્ટ્રેસ્ડ પ્લોટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ખરીદી કરી છે. કંપની દ્વારા કો-ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ હેઠળ આ પ્રથમ ખરીદી છે. તેણે તાજેતરમાં જ એએસકે પ્રોપર્ટી ફંડ સાથે કો-ઈન્વેસ્ટમન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરી હતી.
પૂનાવાલા ફિનકોર્પઃ કંપનીના હાઉસિંગ ફાઈનાન્સ બિઝનેસ માટે યુએસ સ્થિત પીઈ કંપની ટીપીજી કેપિટલ 100 ટકા હિસ્સો ખરીદવા સહમત થઈ હોવાનું જાણવા મળે છે. ટીપીજી રૂ. 3900 કરોડમાં પૂનાવાલાનો હાઉસિંગ બિઝનેસ ખરીદશે. જે 3.5 ગણા પ્રાઈસ-ટુ-બુકનો ભાવ સૂચવે છે. ટીપીજી કેપિટલ કંપનીમાં રૂ. 1000 કરોડનું ફંડ ઈન્ફ્યુઝ કરશે.
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટા લેન્ડરના બોર્ડે બિઝનેસ ગ્રોથ માટે એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સ મારફતે રૂ. 10000 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે. કંપની માર્ચ 2024 સુધીમાં આ રકમ ઊભી કરી શકશે. બેંકના જણાવ્યા મુજબ તે તબક્કાવાર રીતે ફંડ ઊભું કરશે. તે બેસલ 3 કોમ્પ્લાયન્ટ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ મારફતે આ રકમ ઊભી કરશે.
રિલાયન્સ ઈન્ફ્રાઃ સિંગાપુર આર્બિટ્રેશન કોર્ટે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શાંઘાઈ ઈલેક્ટ્રિક ગ્રૂપને રૂ. 1215 કરોડ ચૂકવવા માટે જણાવ્યું છે. કંપનીને સાસણ અલ્ટ્રા-મેગા પાવર પ્રોજેક્ટ વિવાદને લઈને આ રકમ ચૂકવવા માટે જણાવ્યું છે. રિલા. ઈન્ફ્રાએ રૂ. 9641 કરોડ ચૂકવવાનું થઈ શકે તેમ હતું.
જેબી ફાર્માઃ ફાર્મા કંપનીએ ગ્લેનમાર્ક પાસેથી કાર્ડિઆક બ્રાન્ડ રાઝેલની રૂ. 314 કરોડમાં ખરીદી કરી છે. તેણે ભારત અને નેપાળ ખાતે રાઝેલના વેચાણ માટે અધિકાર મેળવ્યાં છે. કંપનીએ સંપૂર્ણપણે કેશમાં આ ખરીદી કરી હતી. કંપની લોંગ-ટર્મ ડેટ મારફતે આ ખરીદીને ફંડ કરશે.
પાવર ગ્રીડ કોર્પોરેશનઃ પીએસયૂ કંપનીની ડિરેક્ટર પેનલે રાજસ્થાન પ્રોજેક્ટમાં રૂ. 330.61 કરોડના ઈન્વેસ્ટમેન્ટ માટે મંજૂરી આપી છે.
ઈક્વિટાસ હોલ્ડિંગ્સઃ સીડીસી ગ્રૂપ પ્લિકે ઈક્વિટાસ હોલ્ડિંગ્સમાં 76.04 લાખ ઈક્વિટી શેર્સ અથવા તો 2.22 ટકા ઈક્વિટી હિસ્સાનું વેચાણ કર્યું છે.
રામકૃષ્ણ ફોર્જિંગ્સઃ કંપની ત્સ્યૂયો મેન્યૂફેક્ચરિંગમાં તબક્કાવાર રોકાણ મારફતે 51 ટકા હિસ્સાની ખરીદી કરશે.
વિપ્રોઃ આઈટી કંપનીએ મધ્ય-પૂર્વમાં નવી ફાઈનાન્સિયલ એડવાઈઝરી કંપની કેપ્કો લોંચ કરવાની જાહેરાત કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage