બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં શરૂઆતી નરમાઈ પચાવી મજબૂત બાઉન્સ જોવા મળ્યો, નિફ્ટી નવી ટોચે
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 15.19ના સ્તરે બંધ
આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ, એનર્જી, પીએસઈમાં મજબૂતી
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી
એબીબી ઈન્ડિયા, એનસીસી, કમિન્સ, થર્મેક્સ, ઈન્ડિયન હોટેલ્સ નવી ટોચે
પોલીપ્લેક્સ, વ્હર્લપુલ નવા તળિયે
ભારતીય શેરબજારમાં ગુરુવારે બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી. સત્રના પ્રથમ ભાગમાં નરમાઈ દર્શાવતું બજાર બપોર પછી તીવ્ર બાઉન્સ દર્શાવી દિવસની ટોચ પર જ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટીએ સતત ત્રીજા દિવસે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. સેન્સેક્સ 535.15 પોઈન્ટ્સ મજબૂતી સાથે 73158ની સપાટીએ જ્યારે નિફ્ટી 162 પોઈન્ટ્સના સુધારે 22217ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3933 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2451 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1391 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 341 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 15.19ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે ઈન્ડેક્સમાં તરત વેચવાલી નીકળી હતી અને જોતજોતામાં તે 22 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. ઈન્ટ્રા-ડે તેણે 21875નું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તે બે કલાકમાં સુધરતો રહી 22253ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 53 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22270ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 21 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટની સામે ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે એમ કહી શકાય. નિફ્ટી નવા ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. જેનો નજીકનો ટાર્ગેટ 22500નો છે. લોંગ ટ્રેડર્સ 21850ના સ્ટોપલોસે તેમની પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં બજાજ ઓટો, એચસીએલ ટેક્નોલોજી, આઈશર મોટર્સ, કોલ ઈન્ડિયા, આઈટીસી, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, લાર્સન, વિપ્રો, હિંદાલ્કો, મારુતિ સુઝુકી, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, એલટીઆઈમાઈન્ડટ્રી, તાતા મોટર્સ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, પાવ ગ્રીડ કોર્પોરેશન, નેસ્લેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા, બીપીસીએલ, હીરો મોટોકોર્પ, એચયૂએલ, એસબીઆઈ, એચડીએફસી લાઈફ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપનીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ, એનર્જી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ બે ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં એચસીએલ ટેકનોલોજી ટોચનો પર્ફોર્મર હતો. આ ઉપરાંત, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, એમ્ફેસિસ, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ, પર્સિસ્ટન્ટમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.6 ટકા ઉછાળે નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં બજાજ ઓટો, આઈશર મોટર્સ, એમએન્ડએમ, ટીવીએસ મોટર, મારુતિ સુઝુકી, બોશ, તાતા મોટર્સ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.2 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં ભારત ઈલે., ભેલ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, નાલ્કો, ઓઈલ ઈન્ડિયા, કોન્કોર, હિંદુસ્તાન એરોનોટિક્સ, આરઈસી, એનએચપીસી, ગેઈલમાં ખરીદી નીકળી હતી. નિફ્ટી મેટલ પણ 1.2 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં કોલ ઈન્ડિયા, એનએમડીસી, નાલ્કો, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, વેદાંત, હિંદુસ્તાન ઝીંકમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી એક ટકા સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં આઈટીસી, વરુણ બેવરેજીસ, ગોદરેજ કન્ઝ્યૂમર, યુનાઈટેડ સ્પિરિટ્સ, નેસ્લે, બ્રિટાનિયા, કોલગેટ, મેરિકોમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો એબીબી ઈન્ડિયા 9 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત હિંદુસ્તાન કોપર, વોડાફોન આઈડિયા, કમિન્સ, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયન હોટેલ્સ, બજાજ ઓટો, ભારત ઈલે., આરબીએલ બેંક, એચસીએલ ટેક્નોલોજી, આઈશર મોટર્સ, ભેલ, ઈન્ડુસ ટાવર્સ, કોલ ઈન્ડિયા, આઈટીસી, એનએમડીસી, નાલ્કો, બિરલાસોફ્ટ, કેનેરા બેંકમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, આઈઓસી, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા, બાયોકોન, બીપીસીએલ, બાટા ઈન્ડિયા, અબોટ ઈન્ડિયા, ડાબર ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, એચયૂએલ, વોલ્ટાસ, એચપીસીએલ, એસબીઆઈ, સેઈલમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એબીબી ઈન્ડિયા, એનસીસી, કમિન્સ, થર્મેક્સ, ઈન્ડિયન હોટેલ્સ, એનસીસી, ગોડફ્રે ફિલિપ્સ, એમએન્ડએમ, એચએફસીએલ, સિમેન્સનો સમાવેશ થતો હતો. જ્યારે પોલીપ્લેક્સ, વ્હર્લપુલ નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
વોડાફોન આઈડિયાનું બોર્ડ ફંડ રેઈઝીંગ માટે 27 ફેબ્રુઆરીએ બેઠક યોજશે
દેશમાં ત્રીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન આઈડિયાનું બોર્ડ 27 ફેબ્રુઆરીએ ફંડ એકત્ર કરવાને લઈ વિચારણા માટે બેઠક યોજશે. એક્સચેન્જિસને સત્તાવાર ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે બોર્ડના સભ્યો રાઈટ્સ ઈસ્યુ, પબ્લિક ઓફર, પ્રાઈવેટ પ્લેસમેન્ટ જેવા સાધનો મારફતે ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરશે. આ ફંડ રેઈઝીંગ ઈક્વિટી અથવા ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે હોય શકે છે. કંપનીના જણાવ્યા મુજબ વિવિધ સાધનોમાં ઈક્વિટીમાં કન્વર્ટિબલ થઈ શકે તેવી સિક્યૂરિટીઝ, જીડીઆર, એડીઆર અથવા બોન્ડ્સ હોય શકે છે. બોન્ડ્સમાં ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ, કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, વોરંટ્સ અને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો સમાવેશ થઈ શકે છે. અગાઉ, આદિત્ય બિરલા જૂથના અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ કેશની તંગીનો સામનો કરી રહેલી વોડાફોનને લઈ જૂથની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. બિરલાએ જણાવ્યું હતું કે તેઓ સારી પ્રગતિ દર્શાવી રહ્યાં છે. જોકે, કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. વોડાફોન આઈડિયાનો શેર 6 ટકા વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યો હતો.
ઈન્ડિયા રેટિંગ્સે 2024-25 માટે 6.5 ટકાનો જીડીપી ગ્રોથ નિર્ધારિત કર્યો
એજન્સીએ ખાનગી મૂડી ખર્ચ માટે બૂલીશ સંકેત દર્શાવ્યો
રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્ઝના મતે નાણા વર્ષ 2024-25 માટે ભારતીય અર્થતંત્ર 6.5 ટકા વૃદ્ધિ દર દર્શાવે તેવી અપેક્ષા છે. જોકે, આ આંકડો ચાલુ નાણાકિય વર્ષ માટે સરકારના 7.3 ટકાના પ્રથમ એડવાન્સ અંદાજની સરખામણીમાં નીચો છે. એજન્સીના મતે અર્થતંત્ર માટે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ પોઝીટીવ બાબત જણાય રહી છે. પ્રાઈવેટ કોર્પોરેટ સેક્ટર ઈન્વેસ્ટમેન્ટ છેલ્લાં એક દાયકાથી ઘટાડો દર્શાવી રહ્યું છે એમ ઈન્ડિયા રેટિંગ્સના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટનું કહેવું છે. જોકે, હવે ટોચના સૂચકાંકો તરફ નજર કરીએ તો જણાય છે કે હાલમાં પ્રાઈવેટ કોર્પોરેટ સેક્ટર ફરી એકવાર રોકાણ માટે તેજીમાં જોવા મળે છે. એવું બને કે તે આપણે ઈચ્છીએ તે રીતે જોવા ના મળે પરંતુ તેને લઈને સંકેતો મળવા લાગ્યાં છે. કોર્પોરેટ્સ તેમના પ્રોજેક્ટ્સના ફાઈનાન્સિંગ માટે બેંક્સનો સંપર્ક કરી રહ્યાં છે.
ઈન્ડિયા રેટિંગ્સના મતે 2022-23માં કુલ 982 મોટા પ્રોજેક્ટ્સે રૂ. 3.53 લાખ કરોડ ઉભાં કર્યાં હતાં. આ પ્રોજેક્ટ રૂ. 1000 કરોડથી વધુનું ભંડોળ ધરાવતાં હતાં. આ રકમ 2021-22માં 791 પ્રોજેક્ટ્સ તરફથી રૂ. 1.98 લાખ કરોડના ફંડની સરખામણીમાં મોટી છે.
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર નવી ટોચે પહોંચ્યો
કંપનીના શેરે મહિનામાં 26 ટકા રિટર્ન દર્શાવ્યું
રિલાયન્સ જૂથની કંપની જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર ગુરુવારે લગભગ પાંચ ટકા ઉછળ્યો હતો. જે સાથે તેણે છેલ્લાં એક મહિનામાં 26 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. કંપનીનો શેર 4.74 ટકા ઉછળી એનએસઈ ખાતે રૂ. 303.85ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ તેના ડિસેમ્બર ક્વાર્ટરની કામગીરીમાં રૂ. 293 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જેમાં રૂ. 269 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમનો સમાવેશ થાય છે. જ્યારે કુલ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 414 કરોડ પર હતી. કુલ આવર રૂ. 413 કરોડ જોવા મળી હતી. જાન્યુઆરીમાં જીઓ ફાઈનાન્સિયલ અને બ્લેકરોક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટે સેબી સમક્ષ ભારતમાં મ્યુચ્યુલ ફંડ બિઝનેસ માટે ફાઈલીંગ કર્યું હતું. જીઓ ફાઈ.નું લિસ્ટીંગ 21 ઓગસ્ટ, 2023ના રોજ થયું હતું. જ્યારથી અત્યાર સુધીમાં શેર 22 ટકાનું રિટર્ન દર્શાવે છે.
February 22, 2024