બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટીએ 17 હજારનું સ્તર પરત મેળવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 18.67ના સ્તરે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો
સિમેન્ટ શેર્સમાં સાર્વત્રિક લેવાલી
ઓટો, આઈટી અને એફએમસીજીમાં ખરીદી
વૈશ્વિક સ્તરે ચીન અને હોંગ કોંગ સિવાય મજબૂતી
બ્રોડ માર્કેટમાં ન્યૂટ્રલ વલણ
સતત પાંચ દિવસથી ઘસાઈ રહેલા શેરબજારમાં શોર્ટ કવરિંગ પાછળ બુધવારે સુધારો જોવા મળ્યો હતો. જેની પાછળ રિટેલ ટ્રેડર્સને રાહત સાંપડી હતી. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 574 પોઈન્ટ્સના સુધારે 57037ના સ્તરે જ્યારે નિફ્ટી 178 પોઈન્ટસ ઉછળી 17137 પર બંધ રહ્યાં હતાં. આમ નિફ્ટીએ 17 હજારની સપાટી પરત મેળવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.6 ટકાના ઘટાડે 18.67ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 37 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 13માં ઘટાડો જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે લાર્જ-કેપ્સમાં ખરીદી પાછી ફરી હતી.
બેન્ચમાર્ક્સને ઓટો, આઈટી અને એફએમસીજી ઉપરાંત હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.94 ટકા સુધારા સાથે રૂ. 2718.45ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત બીપીસીએલ, ટાટા મોટર્સ, શ્રી સિમેન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકીમાં પણ 3 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ બજાજ બંધુઓ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, એલએન્ડટી અને ટાટા સ્ટીલમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લાં કેટલાંક સત્રોથી અવિરત ઘટાડો દર્શાવનાર એચડીએફસી બેંકનો શેર 0.9 ટકા સુધારે બંધ રહ્યો હતો. જ્યારે એચડીએફસીનો શેર 1.9 ટકાનો સુધારો દર્શાવતો હતો. બ્રોડ માર્કેટમાં લગભગ ન્યૂટ્રલ વલણ જોવા મળ્યું હતું. બીએસઈ ખાતે 3510 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1738 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1662 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. કુલ 160 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહના તળિયા પર બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.75 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.49 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.
ડેરિવેટિવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો સિમેન્ટ શેર્સમાં સાર્વત્રિક ખરીદી જોવા મળી હતી. જેમાં એસીસી 7.4 ટકા સાથે સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવતો હતો. જ્યારે અંબુજા સિમેન્ટ 5 ટકા, શ્રી સિમેન્ટ 3.4 ટકા સુધારો નોંધાવી રહ્યાં હતાં. ગોદરેજ કન્ઝ્યૂમર, ક્યુમિન્સ અને એસ્ટ્રાલ લિ.ના શેર્સ પણ 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ એલએન્ડટી ઈન્ફોટેકમાં 5.5 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. પર્સિસ્ટન્સ ટેક્નોલોજી 4.5 ટકા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ 3.7 ટકા, બજાજ ફાઈનાન્સ 3.1 ટકા, ગેઈલ 2.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
વૈશ્વિક બજારોમાં એશિયા ખાતે ચીન અને હોંગ કોંગ સિવાય મજબૂતી જોવા મળી રહી હતી. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 1.35 ટકા ઘટાડે 3151.05ની વાર્ષિક બોટમ નજીક બંધ રહ્યો હતો. જ્યારે હોંગ કોંગ પણ 0.4 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. બીજી બાજુ જાપાન, તાઈવાન અને સિંગાપુરના બજારો એક ટકા સુધી સુધારો દર્શાવતાં હતાં. યુરોપિય બજારો પણ એક ટકાથી વધુ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. યુએસ ખાતે મંગળવારે નાસ્ડેક 2.2 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યું હતું. જોકે બજાર બંધ થયા બાદ નેટફ્લિક્સના શેરમાં 25 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
થિમેટિક ફંડ્સને છેલ્લાં છ મહિનામાં ફટકો પડ્યો
લગભગ તમામ પોપ્યુલર થીમ્સે ઓક્ટોબર 2021થી માર્ચ 2022 સુધીમાં દર્શાવેલું નેગેટિવ રિટર્ન
થિમેટિક મ્યુચ્યુઅલ ફંડને છેલ્લાં છ મહિનામાં ફટકો પડ્યો છે, જેમાં બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ફાર્માસ્યુટિકલ્સ સહિતની લગભગ તમામ લોકપ્રિય થીમને અસર થઇ છે. ફુગાવામાં વધારો અને વધુ પડતાં વેલ્યુએશન જેવાં પરિબળો તેના માટે કારણભૂત છે. મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને આકર્ષવા માટે તે સમયના લોકપ્રિય સેક્ટર્સ સાથે થિમેટિક ફંડ્સ લોંચ કર્યાં હતાં. ગત નાણાકીય વર્ષે ફંડ હાઉસિસે 10 થિમેટિક ફંડ્સ લોંચ કર્યાં હતાં, જેમાં સારો ઇનફ્લો આવ્યો હતો.
જોકે, છેલ્લાં છ મહિનામાં બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ્સ 9.42 ટકા અને 12 ટકા વચ્ચે તુટ્યાં છે, જ્યારે કે બેન્ચમાર્ક નિફ્ટી 6.91 ટકા તુટી છે. આઇટી અને ડિજિટલ કેન્દ્રિત ફંડ્સ છેલ્લાં છ મહિનામાં 4 ટકા અને 9 ટકા વચ્ચે તુટ્યાં છે. બીજી તરફ ફાર્મા થીમના ફંડ્સ 0.02-4 ટકા જેટલાં ઘટ્યાં છે. જોકે, થિમેટિક ફંડ્સે નવી પેઢીના રોકાણકારો તરફથી સારું ભંડોળ આકર્ષ્યું છે. આ સ્કીમમાં વળતર ચોક્કસ સેક્ટર્સના પ્રદર્શન સાથે સીધું સંકળાયેલું હોય છે. એકંદરે હાલમાં 117 એક્ટિવ રીતે મેનેજ થતાં થિમેટિક ફંડ્સ છે.
ઉલ્લેખનીય છે કે થિમેટિક ફંડ્સ એવાં રોકાણકારો માટે આદર્શ છે કે જેઓ ઉચ્ચ જોખમ, ઉચ્ચ વળતર ધરાવતી પ્રોડક્ટ્સમાં લાંબા સમય સુધી રોકાણ કરવા તૈયાર હોય. ગત વર્ષે ભારતીય બજારોમાં જબરદસ્ત તેજી બાદ ઇક્વિટી માર્કેટ્સની ગતિ ધીમી પડી છે. બીજી ઘણી કેટેગરીમાં ખૂબજ ઓછા ફંડ્સે તેમના બેન્ચમાર્ક કરતાં સારું પ્રદર્શન કર્યું છે ત્યારે થિમેટિક ફંડ્સમાં ફંડ મેનેજર્સ સામાન્ય રીતે ઘણાં પેટા સેક્ટર્સમાં પણ રોકાણ કરશે છે, જેનાથી રોકાણમાં વિવિધતા રહે છે તથા સેક્ટરની સમગ્ર વેલ્યુ ચેઇનમાં ઉપલબ્ધ તકો હાંસલ કરવામાં મદદ મળી રહે છે.
છ મહિનામાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર ફંડ્સ
ફંડ રિટર્ન(ટકામાં)
ટાટા બેંકિંગ એન્ડ ફિન સર્વિસિસ -11.5
આઈડીબીઆઈ બેંકિંગ -11.0
એલઆઈસી બેંકિંગ એન્ડ ફિન સર્વિસિસ -10.0
ફ્રેન્કલીન ઈન્ડિયા ટેક -9.3
આઈસીઆઈસીઆઈ પ્રૂ ટેક ફંડ -7.5
એસબીઆઈ ટેક ઓપોર્ચ્યુનિટિ -6.7
ટાટા ડિજીટલ ઈન્ડિયા -6.4
આઈડીબીઆઈ હેલ્થકેર -3.9
ફિનટેક માર્કેટ 2025 સુધીમાં 160 અબજ ડોલરે પહોંચશે
2021માં કુલ ઈન્સ્ટોલ્ડ એપમાં 81 ટકા હિસ્સો પેમેન્ટ એપ્સનો હતો
ભારતીય ફિનટેક સેક્ટર વર્ષ 2025 સુધીમાં 150-160 અબજ ડોલરના સ્તરને સ્પર્શશે તેવો અંદાજ છે. ભારતમાં ફિનટેક યુઝર્સ પ્રતિ સેશન ઇન-એપ સૌથી વધુ મીનીટ ફાળવી રહ્યાં છે. વર્ષ 2021માં ભારતીય યુઝર્સે પ્રતિ સેશન સરેરાશ 17.38 મીનીટ ફાળવણી હતી. આ ઉપરાંત વર્ષ 2021માં મોટાભાગની ઇનસ્ટોલ એપમાં 81 ટકા પેમેન્ટ એપ્સ હતી, જે બાદ 10 ટકા સાથે બેંકિંગ, સ્ટોક ટ્રેડિંગ 6 ટકા અને ક્રિપ્ટો 3 ટકા હતી. સ્ટોક ટ્રેડિંગ એપ્સ સેશનના 27 ટકા હિસ્સો ધરાવે છે, ક્રિપ્ટોકરન્સી એપ્સે 12 ટકા યોગદાન આપ્યું છે, જ્યારે કે બેંકિંગ એપ્સે 8 ટકા સેશન હાંસલ કર્યાં છે. રિપોર્ટ મૂજબ જનરેશન ઝેડ અને યુવાનો પરંપરાગત ફાઇનાન્સયલ માધ્યમથી આગળ વધી રહ્યાં છે અને તેમના વચ્ચે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ, એનએફટી અને મ્યુચ્યુઅલ ફંડ્સની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં નોટબંધી અને વૈશ્વિક મહામારી જેવાં પરિબળો પણ ડિજિટલ ફાઇનાન્સની મહત્વતા વધારવામાં ઉપયોગી સાબિત થયાં છે. ગુગલ પ્લે અને એપ સ્ટોર મારફતે પ્રદેશમાં ભારતમાં સૌથી યુવાન યુઝર્સનો આધાર છે, જેમાં 28 ટકા મહિલા યુઝર્સ અને 24 ટકા પુરુષ યુઝર્સ છે. વર્ષ 2021માં ગુગલ પે, પેટીએમ અને ફોનપે સૌથી વધુ ડાઉનલોડ થઇ હતી, જે બાદ યોનો એસબીઆઇ, ધન અને એચડીએફસી બેંક છે. થોડાં વર્ષો પહેલાં આપણા વોલેટમાં રોકડ રાખવી સામાન્ય બાબત હતી, પરંતુ આજે આપણે ખરીદીમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છીએ.
કોર્પોરેટ હેડલાઈન્સ
માસ્ટેકઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 88.2 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 5.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે 5.4 ટકા વધી રૂ. 581.5 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં નવા 49 ક્લાયન્ટ્સનો ઉમેરો કર્યો હતો.
એલએન્ડટી ઈન્ફોટેકઃ આઈટી કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 637.5 કરોડની આવક નોંધાવી હતી. જે રૂ. 636 કરોડની અપેક્ષા કરતાં ઊંચી હતી. જ્યારે કંપનીની આવક રૂ. 4352 કરોડની અપેક્ષાની સરખામણીમાં રૂ. 4301 કરોડ પર જોવા મળી હતી.
મહિન્દ્રા લાઈફસ્પેસઃ મહિન્દ્રા જૂથની રિઅલ્ટી કંપની મહિન્દ્રા લાઈફસ્પેસને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 102 કરોડની નોટિસ પાઠવવામાં આવી છે.
એચબીએલ પાવરઃ બન્યાનટ્રી ગ્રોથ કેપિટલ, એલએલસીએ એચબીએલ પાવરનો 2.55 ટકા હિસ્સો બજારમાં વેચ્યો છે.
ટાટા સ્ટીલ લોંગઃ ટાટા જૂથની ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 1799 કરોડની આવક દર્શાવી છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1677 કરોડ પર હતી. કંપનીનો એબિટા રૂ. 164 કરોડ પર જોવા મળ્યો છે.
એસીસીઃ સિમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 396 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 30 ટકા ઘટાડો સૂચવે છે. તેનું વેચાણ રૂ. 4322 કરોડ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે રૂ. 4213 કરોડની સરખામણીમાં સાધારણ ઘટાડ દર્શાવતું હતું. કંપનીનો એબિટા રૂ. 860 કરોડ પરથી ઘટી રૂ. 635 કરોડ પર જોવા મળ્યો હતો.
ઈન્ડિયન હોટેલ્સઃ તાતા જૂથની કંપનીએ ચેન્નાઈ ખાતે એક વધુ તાજ હોટેલ માટે સમજૂતી કરી છે. જે મહાનગરમાં તેની ચોથી હોટેલ બનશે. હોટેલ કોમ્પ્લેક્સ 3.5 એકરમાં ફેલાયેલું હશે.
પંજાબ એન્ડ સિઁધ બેંકઃ પીએસયૂ બેંકે શ્રેઈ જૂથની બે કંપનીઓના એકાઉન્ટ્સને ફ્રોડ તરીકે દર્શાવ્યાં છે અને આરબીઆઈને તેની જાણ કરી છે. શ્રેઈ જૂથ કંપનીઓ પાસેથી બેંકે રૂ. 1234 કરોડ લેવાના નીકળે છે.
ઓઈલમિલની નિકાસમાં 36 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો
દેશમાંથી ઓઈલમિલની નિકાસમાં ગયા નાણાકિય વર્ષ 2021-22 દરમિયાન વોલ્યુમ સંદર્ભમાં 36 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વેલ્યૂ સંદર્ભમાં 37 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશને જણાવ્યા મુજબ ગયા વર્ષે ઓઈલમિલ્સની નિકાસ ઘટીને 23.73 લાખ ટન પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષે 36.89 લાખ ટન પર હતી. જેને કારણે ઓઈલમિલની નિકાસમાંથી દેશની આવકમાં રૂ. 3000 કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. 2020-21માં રૂ. 8866 કરોડની ઓઈલમિલ્સ નિકાસ સામે ગયા વર્ષે રૂ. 5600 કરોડની નિકાસ જ જોવા મળી હતી. ખાસ કરીને સોયાબિન મિલની નિકાસમાં 76 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કેમકે વૈશ્વિક બજારની સરખામણીમાં ભારતીય પેદાશની કિંમત ઊંચી હોવાથી નિકાસ સ્પર્ઘાત્મક્તા નહોતી જળવાય.
ખાંડની નિકાસ વિક્રમી 95 લાખ ટન પર રહેવાની અપેક્ષા
ચાલુ સુગર વર્ષ માટે દેશમાંથી ખાંડ નિકાસ વિક્રમી સ્તરે રહેશે તેવી શક્યતાં જોવાઈ રહી છે. ઓક્ટબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાનના સુગર વર્ષમાં 95 લાખ ટન સુગર એક્સપોર્ટ્સ જોવા મળશે તેવી અપેક્ષા સરકાર ધરાવે છે. દેશમાં ખાંડના બમ્પર ઉત્પાદનને કારણે સ્થાનિક ભાવો પર ઊંચી નિકાસની કોઈ પ્રતિકૂળ અસરની શક્યતા પણ નહિવત જોવાઈ રહી છે. 2021-22માં ખાંડનું ઉત્પાદન 13 ટકા વધી 3.5 કરોડ ટન પર રહે તેવો અંદાજ છે. જ્યારે નવા વર્ષની શરૂઆતમાં 85 લાખ ટનનો ઓપનીંગ સ્ટોક હત. આમ ચાલુ વર્ષ દરમિયાન કુલ 4.35 કરોડ ટન સુગરની પ્રાપ્તિ હતી. જેમાંથી 2.78 કરોડ ટનનો સ્થાનિક વપરાશ રહેશે. જ્યારે 95 લાખ ટનની નિકાસ થશે અને 62 લાખ ટન ખાંડનો એન્ડિંગ સ્ટોક રહેશે.
કોટનમાં ભાવો સાથે ખેડૂતોનો લોભ પણ આસમાને
રૂ. 2400 પ્રતિ મણના ભાવે પણ જેમની પાસે માલ પડ્યો છે તેઓ વેચી રહ્યાં નથી
કોટનના ભાવ છેલ્લાં બે દિવસોથી રૂ. 94-95 હજાર પ્રતિ ખાંડીની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યાં છે. જોકે આ ભાવે પણ માલ પકડીને બેઠેલાં ખેડૂતો તરફથી વેચવાલી જોવા મળી રહી નથી. જિનર્સ વર્તુળોના મતે ખેડૂતો તેમની પાસે પડેલા નીચી ગુણવત્તા ધરાવતાં માલને પણ વેચવા માટે તૈયાર નથી. જે તેમનો લોભ દર્શાવે છે.
ચાલુ કોટન સિઝનમાં ભાવ રૂ. 56 હજાર પ્રતિ ખાંડી પર ઓપનીંગ થયા બાદ સતત સુધરતાં રહ્યાં હતાં. જેણે મંગળવારે રૂ. 94000ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બુધવારે પણ ભાવ લગભગ આ સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં સુપર ક્વોલિટી માલોમાં રૂ. 97 હજાર પ્રતિ ખાંડીના ભાવ જોવા મળ્યાં હોવાનું વર્તુળો જણાવતાં હતાં. જોકે રનીંગ માલોના ભાવ રૂ. 91 હજાર આસપાસ ચાલી રહ્યાં હતાં. બજારમાં વર્તમાન ભાવે નુકસાની હોવાથી સ્પીનર્સ તરફથી પેનિક બાઈંગનો અભાવ જોવા મળતો હતો. ન્યૂ યોર્ક ખાતે કોટન વાયદો મંગળવારે રાતે ઘટીને આવ્યાં છતાં સ્થાનિક બજારમાં ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. કોટન વર્તુળોના મતે હાલમાં ખેડૂતો પાસે ફર્ઘર કોટન સહિત 25-30 લાખ ગાંસડી માલ પડ્યો છે. જોકે તેઓ હજુ પણ આ માલ વેચવા તૈયાર નથી. કડી સ્થિત જીનરના જણાવ્યા મુજબ ખેડૂતો માલની નીચી ગુણવત્તા હોય તો પણ ડિસ્કાઉન્ટ સ્વીકારવા તૈયાર નથી. તેમના મતે હાલમાં માર્કેટમાં ખરીદીનો અભાવ છે. જો વૈશ્વિક વાયદામાં વેચવાલી આવશે તો ભાવમાં રૂ. 5-7 હજાર પ્રતિ ખાંડીનો ઝડપી ઘટાડો સંભવ છે. કેમકે ઓસ્ટ્રેલિયા ખાતે પાક ઊંચો છે. યુએસ ખાતે પણ સ્થિતિ સારી છે. જ્યારે ભારત ખાતે આ વખતે કોટનમાં વહેલુ વાવેતર જોવા મળશે. જેને કારણે નવો પાક સપ્ટેમ્બરમાં બજારમાં આવી જશે. જે સ્થિતિમાં ચાલુ સિઝન માટે રાખવામાં આવતી 3.4-3.5 કરોડ ગાંસડીના પાકનો અંદાજ સાચો સાબિત થઈ શકે છે.
ખરિફ માટે 16.31 કરોડ ટન અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક
ચોખાની નવી વેરાયટીઝને ધ્યાનમાં રાખીને લક્ષ્યાંકમાં કરાયેલી વૃદ્ધિ
કેન્દ્ર સરકારે ખરિફ સિઝન 2022-23ને ધ્યાનમાં રાખી 16.31 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદનનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સાથે સરકારે જૂન મહિનામાં નૈઋત્યના ચોમાસા સાથે શરૂ થનારી વાવણી સિઝનમાં ફર્ટિલાઈઝર્સની પ્રાપ્તિને લઈને કોઈ સમસ્યા નહિ નડે તેની ખાતરી પણ પૂરી પાડી છે. નવી ખરિફ માટે નિર્ધારિત કરવામાં આવેલા ખાદ્યાન્નના લક્ષ્યાંકમાં 11.2 કરોડ ટન ચોખા, 4.06 કરોડ ટન જાડા ધાન્ય અને 1.05 ટન કઠોળનો સમાવેશ થાય છે. સાથે સરકારે 2.68 કરોડ ટન તેલિબિયાં ઉત્પાદનનો અંદાજ પણ બાંધ્યો છે. 2021-22 ખરિફમાં દેશે અપેક્ષાથી સારા ચોમાસા પાછળ 15.35 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કર્યું હોવાનો અંદાજ છે. જે 15.05 કરોડ ટનના ટાર્ગેટની સરખામણીમાં ઊંચો હતો.
વાર્ષિક ખરિફ કોન્ફરન્સને સંબોધતાં એગ્રીકલ્ચર કમિશ્નરે જણાવ્યું હતું કે સરકારે ચોખાની જૂની વેરાયટીઓને સ્થાને નવી વેરાયટીઓને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ નક્કી કર્યો છે. ખાસ કરીને આ વેરાયટીઝ પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહારમાં વાવવામાં આવે છે. નવી વેરાયટીઝને કારણે ચોખાના ઉત્પાદનમાં વૃદ્ધિમાં સહાયતા મળશે. હાલમાં દેશ 12.8 કરોડ ટનનું વિક્રમી ચોખા ઉત્પાદન ધરાવે છે.