બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
જેકસન હોલ બેઠક પહેલાં વૈશ્વિક બજારોમાં સાવચેતી
નિફ્ટી ગેપ-અપ હાઈ બાદ ઘસાતો રહી સાધારણ પોઝીટીવ બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ગગડી 18.21ની સપાટીએ
મેટલ, પીએસઈ અને એનર્જીનો સપોર્ટ સાંપડ્યો
બેંકિંગમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગનો સંકેત
ફર્ટિલાઝઈર શેર્સમાં નોંધપાત્ર લેવાલી
બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ
સાવચેતીના સૂર વચ્ચે અદાણી શેર્સની આગેકૂચ જારી
યુએસ ખાતે શુક્રવારે સાંજે જેકસન હોલ બેઠક અગાઉ વૈશ્વિક શેરબજારો સાવચેત જોવા મળ્યાં હતાં. સપ્ટેમ્બર સિરિઝના પ્રથમ દિવસે ભારતીય શેરબજારે સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવવા સાથે પોઝીટીવ બંધ આપ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 59 પોઈન્ટ્સના સુધારે 58834ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 36 પોઈન્ટ્સ સુધારા સાથે 17559ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં ધીમી ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 35 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 15 નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી. જેને કારણે બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ગગડી 18.21ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સપ્તાહના આખરી દિવસે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે કામકાજની શરૂઆતમાં બનેલી ટોચ પરથી બજાર ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું અને સાધારણ સુધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી નીચામાં 17519ની સપાટી પર જોવા મળ્યો હતો. આમ તેણે 17500નું સ્તર જાળવ્યું હતું. માર્કેટ નિરીક્ષકોના મતે છેલ્લાં કેટલાંક સત્રોથી બજારમાં ઊંચા મથાળે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જે સૂચવે છે કે રોકાણકારો પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. માર્કેટના વેલ્યૂએશન ટૂંકાગાળામાં ઝડપથી વધ્યાં છે અને તેને કારણે કેટલાંક સમય માટે કે કોન્સોલિડેશન દર્શાવે તેવું જણાય છે. નિફ્ટીને 17300નો મજબૂત સપોર્ટ છે. જે સપાટી તૂટશે તો તે 16800-17000ની રેંજમાં જોવા મળી શકે છે. જ્યારે ઉપરમાં તેને માટે 17900ની સપાટી એક મજબૂત અવરોધ બની રહી છે. જે પાર થશે તો બેન્ચમાર્ક તેની સર્વોચ્ચ સપાટી 18600ના સ્તરને સ્પર્શવા તરફ આગળ વધી શકે છે.
યુએસ ખાતે શુક્રવારે સાંજે જેકસન હોલની ઘટના બજારો માટે મહત્વની બની રહેશે. ફેડ ચેરમેન નજીકના ભવિષ્યમાં વ્યાજ દરોને લઈને શું ટિપ્પણી કરે છે તેના પર સહુની નજર છે. સપ્ટેમ્બરમાં ફેડની બેઠકમાં 75 બેસીસ પોઈન્ટ્સનો દર હાલના ભાવે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે. આરબીઆઈ પણ વધુ બે 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરશે તે લગભગ નિશ્ચિત છે. આમ માર્કેટ રેટ વૃદ્ધિને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. શુક્રવારે બજારને મુખ્ય સપોર્ટ મેટલ શેર્સ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.8 ટકા ઉછળી તાજેતરની ટોચ નજીક બંધ જોવા મળ્યો હતો. મેટલ શેર્સમાં સ્ટીલ શેર્સનો દેખાવ સારો જળવાયો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 4 ટકા ઉછળ્યો હતો. એ ઉપરાંત રત્નમણિ મેટલ 3.5 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકા, નાલ્કો 2.7 ટકા, સેઈલ 2.5 ટકા, હિંદાલ્કો 1.7 ટકા, વેદાંત 1.6 ટકા અને હિંદુસ્તાન ઝીંક 1.3 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી પીએસઈ 1.5 ટકા સાથે સુધારો દર્શાવવામાં બીજા ક્રમે હતો. પીએસઈ કાઉન્ટર્સમાં ભારત ઈલેક્ટ્રીક 3 ટકા સુધર્યો હતો. આ ઉપરાંત એનટીપીસી 3 ટકા, નાલ્કો 2.7 ટકા, સેઈલ 2.5 ટકા, હિંદુસ્તાન એરોનોટિક્સ 2.4 ટકા, કોલ ઈન્ડિયા 2.3 ટકા, પાવર ગ્રીડ કોર્પો 2 ટકા અને કોન્કોર 1.7 ટકા સુધારો દર્શાવતો હતો. નિફ્ટી એનર્જી 0.8 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેના મહત્વના કાઉન્ટર્સમાં એનટીપીસી, ટાટા પાવર, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગેઈલ અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થતો હતો. તેઓ એકથી ત્રણ ટકા સુધીનો સુધારો સૂચવતાં હતાં. ઓટો, આઈટી સેક્ટર્સમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ફાર્મા અને એફએમસીજી સાધારણ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. બેંકિંગમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેની પાછળ બેંકનિફ્ટી 39 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. બેકિંગ ક્ષેત્રે બેંક ઓફ બરોડા 2 ટકા સાથે સૌથી સારો સુધારો સૂચવતો હતો. જ્યારે કોટક મહિન્દ્રા 1.8 ટકા, પીએનબી 1.3 ટકા અને એસબીઆઈ 0.7 ટકા મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ બંધન બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 4 ટકા સુધીની નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ચંબલ ફર્ટિલાઈઝર્સનો શેર 6.32 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. જે ઉપરાંત એસ્કોર્ટ્સ કુબોટા 5 ટકા, જિંદાલ સ્ટીલ 4.2 ટકા, એમએન્ડએમ ફાઈનાન્સિયલ 4 ટકા, જીએનએફસી 3 ટકા, ગ્રાસિમ 3 ટકા, ભારત ઈલેક્ટ્રીક 3 ટકા અને કોરોમંડલ ઈન્ટર 3 ટકાનો સમાવેશ થાય છે. બીજી બાજુ આઈશર મોટર્સ 3.7 ટકા તૂટ્યો હતો. આરબીએલ બેંક 3 ટકા તૂટ્યો હતો. ગુજરાત ગેસ, પિરામલ એન્ટરપ્રાઈઝ, રામ્કો સિમેન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, લ્યુપિન, ઝી એન્ટરટેઈનમેન્ટ, ઈન્ફોએજમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. મઝગાંવ ડોક 13 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત એલ્ગી ઈક્વિપમેન્ટ્સ, યૂફ્લેક્સ, કરુર વૈશ્ય, ઈન્ડિયન હોટેલ્સે પણ વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ હતી. બીએસઈ ખાતે 3565 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1991 પોઝીટીવ બંધ દર્શાવતા હતાં. જ્યારે 1428 નેગેટિવ જોવા મળતાં હતાં. 173 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું બોટમ બનાવ્યું હતું. 14 કાઉન્ટર્સ ઉપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
અદાણી ગ્રીનના ડેટ-ટુ-કેપિટલ રેશિયો પર ‘વોચિંગ’નું સૂચન
કંપનીનો ડેટ-ટુ-કેપિટલ રેશિયો ઉછળીને 95.3 ટકાના અસાધારણ ઊંચા સ્તરે પહોંચ્યો
ગૌતમ અદાણીની માલિકીની કંપની અદાણી ગ્રીન એનર્જીનો ડેટ-ટુ-કેપિટલ રેશિયો ઉછળીને 95.3 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. જેને એનાલિસ્ટ ચિંતાનું કારણ બતાવી રહ્યાં છે. રિન્યૂએબલ એનર્જી જાયન્ટ બનવા માટે એશિયામાં સૌથી ધનપતિ અદાણીએ મોટા પ્રમાણમાં ડેટ લીધું છે. પ્રાઈવેટ કંપની માટે આટલા ઊંચા ડેટ-ટુ-ઈક્વિટી રેશિયોને બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ શેરોન ચેન ખૂબ ઊંચું ગણાવી રહ્યાં છે. કંપનીના કેપિટલ એક્સપેન્ડિચર પ્લાન્સ અને તેનું ફંડીંગ પણ કંપની પર નજીકથી વોચ રાખવા માટેના અન્ય પરિબળો છે એમ ચેન ઉમેરે છે.
કોઈપણ કંપની તેના ગ્રોથ તબક્કામાં હોય ત્યારે તેનો ડેટ-ટુ-કેપિટલ રેશિયો 70 ટકા અથવા 80 ટકા હોય ત્યાં સુધી કમ્ફર્ટેબલ કહી શકાય એમ તેણી કહે છે. આમ અદાણી ગ્રીન પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે. એશિયાના સૌથી ધનવાન એવા ગૌતમ અદાણીએ 2030 સુધીમાં સમગ્ર ગ્રીન એનર્જી સપ્લાય ચેઈનમાં 70 અબજ ડોલરનું રોકાણ કરવાનું જણાવ્યું છે. તેની કોંગ્લોમેરટ કંપનીએ વિશ્વમાં સૌથી મોટી રિન્યૂએબલ પાવર ઉત્પાદક બનવાનું જણાવ્યું છે. તેની કોંગ્લોમેરટ કંપની ચાલુ દાયકાની આખરમાં વિશ્વમાં સૌથી મોટી રિન્યૂએબલ પાવર ઉત્પાદક બનવા ધારે છે. ચેન જણાવે છે કે અદાણી ગ્રૂપ વિદેશી રોકાણકારોને કંપનીમાં રોકાણ માટે તૈયાર કરવાનો ટ્રેક રેકર્ડ ધરાવે છે અને વિદેશી કંપનીઓ ભારતમાં ઊંચો રસ ધરાવે છે. જે અદાણીને સ્વીટ સ્પોટમાં મૂકે છે એમ તેણી ઉમેરે છે. અદાણી ગ્રૂન એશિયામાં બીજા ક્રમે સૌથી ઊંચું લેવરેજ ધરાવતી કંપની છે. જેનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો 2021 ટકા જેટલો છે. જે ચીનની કંપની બાદ બીજા ક્રમે આવે છે.
ACC અને અંબુજા સિમેન્ટ્સમાં 26 ટકા હિસ્સો ખરીદવા અદાણીની ઓપન ઓફર
બંને સિમેન્ટ કંપનીઓમાં હિસ્સો ખરીદવા માટે અદાણી જૂથ રૂ. 31 હજાર કરોડ ખર્ચશે
અદાણી જૂથે દેશની બે સિમેન્ટ કંપનીઓ એસીસી અને અંબુજા સિમેન્ટ્સમાં અધિક 26 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 31 હજાર કરોડની ઓપન ઓફર મૂકી છે. ચાલુ વર્ષે મેમાં અદાણી જૂથે હોલ્સિમ પાસેથી એસીસી અને અંબુજા સિમેન્ટ્સનો હિસ્સો ખરીદવા માટે 10.5 અબજ ડોલરના ડીલની જાહેરાત કરી હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગયા સપ્તાહે ઓપન ઓફર માટે મંજૂરી આપીહતી. જો ઓપન ઓફર સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થાય તો તેનું મૂલ્ય રૂ. 31000 કરોડ જેટલું રહેશે.
બે ભિન્ન રેગ્યુલેટરી ફાઈલીંગ્સમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીએ ઓપન ઓફર માટેના લેટર સબમિટ કરાવ્યાં હતાં. ઓ ઓપન ઓફર અદાણી પરિવાર જૂથની મોરેશ્યસ સ્થિત કંપની એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટે કરી હતી. આ ઓપન ઓફર માટેના મેનેજર્સ આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ અને ડોઈશે ઈક્વિટીઝ ઈન્ડિયાએ રજૂ કરેલા સુધારેલા શેડ્યૂલ મુજબ ઓપન ઓફર હેઠળ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી શેર્સનું ટેન્ડરિંગ કરી શકાશે. મે મહિનામાં અદાણી જૂથે અંબુજા સિમેન્ટ્સ માટે રૂ. 385 પ્રતિ શેરના ભાવે જ્યારે એસીસીમાં રૂ. 2300 પ્રતિ શેરના ભાવે ઓપન ઓફર કરી હતી. અંબુજા સિમેન્ટ્સ માટે જૂથે 51.63 કરોડ ઈક્વિટી શેર્સની ખરીદી માટે પબ્લિક શેરધારકો સમક્ષ ઓપન ઓફર કરી છે. જેનું મૂલ્ય રૂ. 19879.57 કરોડ બેસે છે. જ્યારે એસીસી માટે ગ્રૂપે 4.89 કરોડ શેર્સની ખરીદી માટે ઓપન ઓફર કરી છે. જેનું કુલ મૂલ્ય રૂ. 11259.97 કરોડ થવા જાય છે. શુક્રવારે એસીસીનો શેર રૂ. 2285.50ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે અંબુજા સિમેન્ટનો શેર રૂ. 402.85ની સપાટીએ બંધ રહ્યો હતો.
જૂન મહિનામાં બેંકોનો ક્રેડિટ વૃદ્ધિ દર વધી 14.2 ટકા રહ્યો
વાર્ષિક ધોરણે ડિપોઝીટ વૃદ્ધિ દર 9.5-10.2 ટકા રહ્યો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ડેટા મૂજબ શિડ્યૂલ્ડ કમર્શિયલ બેંક (એસસીબી)ની વાર્ષિક ધોરણે ક્રેડિટ વૃદ્ધિ જૂન મહિનામાં વધીને 14.2 ટકા થઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં 6 ટકા હતી તથા ત્રિમાસિકગાળા પહેલાં 10.8 ટકા હતી. જોકે, છેલ્લાં પાંચ ત્રિમાસિકગાળામાં કુલ ડિપોઝિટ વાર્ષિક ધોરણે 9.5-10.2 ટકા વચ્ચે રહી છે.
ડિપોઝિટ વૃદ્ધિ કરતાં ક્રેડિટ વૃદ્ધિ સારી રહેતાં ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો વધ્યો છે. જૂન મહિનામાં આ રેશિયો સમગ્ર ભારતમાં 73.5 ટકા (એક વર્ષ પહેલાં 70.5 ટકા) રહ્યો છે તથા બેંકની મેટ્રોપોલિટન બ્રાન્ચમાં 86.2 ટકા (એક વર્ષ પહેલાં 84.3 ટકા) રહ્યો છે, તેમ આરબીઆઇએ જણાવ્યું છે. ક્રેડિટ વૃદ્ધિ ખૂબ જ વ્યાપક રહી છે, જેમાં ગ્રામિણ, અર્ધશહેરી, શહેરી અને મેટ્રોપોલિટન વગેરે સામેલ છે. આ ઉપરાંત તેમાં તમામ બેંકોના ગ્રૂપ જેમકે ખાનગી, જાહેર ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંક સામેલ છે. એકંદેર જૂન મહિનામાં ક્રેડિટ વૃદ્ધિ બે આંકડામાં રહી છે.
ડિપોઝિટમાં વૃદ્ધિની વાત કરીએ તો આરબીએના મત અનુસાર મેટ્રોપોલિટન બ્રાન્ચનો હિસ્સો બેંક ડિપોઝિટમાં અડધાથી વધી રહ્યો છે અને ગત વર્ષની તુલનામાં તેમની હિસ્સેદારી સાધારણ વધી છે. આરબીઆઇએ કહ્યું હતું કે, કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સ (કાસા)નો હિસ્સો કુલ ડિપોઝિટમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વધ્યો છે. ડિપોઝીટ્સની વાત કરીએ તો મેટ્રોપોલીટન શાખાઓએ અડધાથી વધુ હિસ્સો જાળવી રાખ્યો હતો. છેલ્લાં એક વર્ષમાં તેમના હિસ્સામાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. સેન્ટ્રલ બેંક જણાવે છે કે કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્ઝ એકાઉન્ટ ડિપોઝીટ્સનો રેશિયો કુલ ડિપોઝીટ્સમાં છેલ્લા ત્રણ વર્ષોમાં સતત વૃદ્ધિ દર્શાવતો રહ્યો છે. 2020માં તે 42 ટકા પર હતો. જે 2021માં 43.8 ટકા પર અને 2022માં વધીને 44.5 ટકા પર રહ્યો હતો.
જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો
જુલાઈમાં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા મહિને કુલ નિકાસ 3.13 અબજ ડોલરની રહી હતી. જે જુલાઈ 2021માં 3.37 અબજ ડોલર પર હતી. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીને કારણે માગ નીચી જોવા મળી હોવાનું વર્તુળો જણાવે છે. રૂપિયા સંદર્ભમાં જોકે નિકાસમાં એક ટકાનો ઘટાડો જ નોંધાયો હતો. જુલાઈ 2021માં રૂ. 25158 કરોડ સામે જુલાઈ 2022માં રૂ. 24914 કરોડની નિકાસ જોવા મળી હતી. કટ અને પબ્લિશ્ડ ડાયમન્ડની નિકાસ 13 ટકા ઘટી 1.93 અબજ ડોલર પર રહી હતી. જેનું મુખ્ય રફ ડાયમન્ડનો શોર્ટ સપ્લાય હતું. ગયા વર્ષે સમાનગાળામાં તે 2.23 અબજ ડોલર પર રહી હતી. રશિયા પર પ્રતિબંધોને કારણે કાચા હીરાના પુરવઠા પર અસર પડી છે. ગોલ્ડ જ્વેલરીની નિકાસ 7 ટકા વધી 74 કરોડ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે 6.95 કરોડ ડોલર પર હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
ભારતી એરટેલઃ સિંગટેલ તેની પાસેના ભારતી એરટેલના 3.3 ટકા હિસ્સાનું ભારતી ટેલિકોમને સીધું વેચાણ કરશે. જ્યારબાદ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો વધી 25.56 ટકા બનશે. જ્યારે સિંગટેલનો હિસ્સો 31.38 ટકા પરથી ઘટી 29.7 ટકા પર પહોંચશે. ભારતી ટેલિકોમ રૂ. 12895 કરોડમાં આ હિસ્સો ખરીદશે. લગભગ 90 દિવસોમાં આ ડિલ પૂરું થશે.
જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સઃ કંપની બોન્ડ્સ ઈસ્યુ મારફતે રૂ. 2500 કરોડ ઊભા કરશે. કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર બોન્ડ ઈસ્યુ કરશે. કંપની આગામી 23 સપ્ટેમ્બરે એન્યૂલ જનરલ મિટિંગમાં રોકાણકારો પાસે આ માટે મંજૂરી મેળવશે.
ગેઈલઃ પીએસયૂ ગેસ કંપની ભારતમાં ગેસની આયાત માટે રશિયન કંપની ગાઝપ્રોમ સાથે ગેસની આયાત માટે વિચારણા ચલાવી રહી છે. ડીલ હેઠળ ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કરતાં નોંધપાત્ર નીચી રહેશે. યુરોપે રશિયન ગેસ લેવાનું બંધ કરતાં હાલમાં રશિયા પાસે મોટો સરપ્લસ જથ્થો પ્રાપ્ય છે.
આઈશર મોટર્સઃ અગ્રણી ઓટો કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અને ચાવીરૂપ મેનેજરિયલ પોઝીશન ધરાવતાં કલીશ્વરણ અરુણાચલમે રાજીનામું આપ્યું છે. આ અહેવાલ પાછળ શુક્રવારે કંપનીના શેરમાં 3 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.
ઈન્ડિયન ઓઈલઃ અગ્રણી ઓઈલ માર્કેટિંગ કંપનીએ જણાવ્યું છે કે વર્ષ 2046 સુધીમાં તે ઝીરો એમિશન ટાર્ગેટ હાંસલ કરવા માટે 25 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે. કંપની વિવિધ ગ્રીન એનર્જી કંપનીઓ સાથે જોડાણ હાથ ધરી રહી છે.
યૂકો બેંકઃ ક્રિસિલ રેટિંગ્સે પીએસયૂ બેંકના બોન્ડ્સ માટે રેટિંગને અપગ્રેડ કર્યું છે. તેણે અગાઉના એએ- સામે નવું એપ્લસનું રેટિંગ આપ્યું છે. જ્યારે આઉટલૂક સ્ટેબલ પરથી પોઝીટીવ બનાવ્યું છે.
કોરોમંડલઃ ફર્ટિલાઈઝર કંપનીએ સાઉદીની માઈનીંગ કંપની મદીન સાથે નવી ટેક્નોલોજી પ્રોડક્ટ્સ, લોજિસ્ટીક્સ સોલ્યુશન્સ અને નવી પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ માટે જોડાણ અંગે એમઓયૂ સાઈન કર્યાં છે.
ગેઈલઃ પીએસયૂ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ બોનસ શેર્સ મેળવવા માટે રેકર્ડ ડેટ જાહેર કરી છે. જે મુજબ 7 સપ્ટેમ્બર સુધી કંપનીના શેર ધરાવતાં રોકાણકારો જ બોનસ શેર્સ માટે યોગ્યતા ધરાવતાં હશે.
ડીએફએમ ફૂડ્સઃ કંપનીના બોર્ડે રૂ. 220.64 પ્રતિ શેરના ફ્લોર પ્રાઈસે ડિલિસ્ટીંગ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ યુએસએફડીએ તરફથી ફોર્મોટેરોલ ફુમારેટ અને દાસાટિનિબ ટેબલેટ એએનડીએ માટે મંજૂરી મેળવી છે.
ડો.રેડ્ડીઃ ફાર્મા કંપનીએ એસ્ટાબ્લિશમેન્ટ ઈન્સ્પેક્શન રિપોર્ટ મેળવ્યો છે. એજન્સીએ તેના તારણમાં જણાવ્યું છે કે 21 સી.એફ.આર.20.64(ડી)(3) હેઠળ ઈન્સ્પેક્શન પૂરું થયું છે.
ગ્લેન્ડ ફાર્માઃ કંપનીએ ડુંડીદાલ યુનિટ ખાતે ઉત્પાદિત પ્રોડક્ટ માટે ફોર્મ 483માં એક ઓબ્ઝર્વેશન મેળવ્યું છે. ડેટા ઈન્ટિગ્રિટીને લઈને કોઈ ઓબ્ઝર્વેશન નથી જોવા મળ્યું.
નેલ્કોઃ ભારતીય એરસ્પેસમાં ઈનફલાઈટ કનેક્ટિવિટી માટે તાતા જૂથની કંપની નેલ્કો સાથે ઈન્ટેલસેટે કરાર પર સાઈન કરી છે.
મેક્સ ફાઈનાન્સિયલઃ મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીએ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની માટે કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ(સીઓબી) મેળવ્યાની જાહેરાત કરી છે.
પીવીઆરઃ બીએનપી પારિબા આર્બિટ્રેડ ફંડે મલ્ટિપ્લેક્સ ચેઈન ઓપરેટર કંપનીના 4,05,183 શેર્સનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે વેચાણ કર્યું છે.
વિપ્રોઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ બ્રાઝિલમાં તેના ઓપરેશન્સ માટે કન્ટ્રી હેડ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વેગનેર જિસસની નિમણૂંક કરી છે.
એનએચપીસીઃ પીએસયૂ હાઈડ્રો પાવર કંપનીએ રાજસ્થાન સરકાર સાથે 10 મેગાવોટના અલ્ટ્રા મેગા રિન્યૂએબલ એનર્જી પાર્ક માટે સમજૂતી કરાર કર્યાં છે.
યૂફ્લેક્સઃ આદિત્ય બિરલા ફાઈનાન્સે 11.7 લાખ પ્લેજ્ડ શેર્સને છૂટા કર્યાં છે.
Market Summary 26 August 2022
August 26, 2022
