Market Summary 10/02/2023

વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીના દબાણે સેન્ટિમેન્ટ ખરડાયું
એશિયન બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.3 ટકા ગગડી 12.74ની સપાટીએ
ઓટો, ફાર્મા અને બેંકિંગમાં સ્થિરતા
મેટલ, એનર્જી, એફએમસીજીમાં વેચવાલી
સીજી પાવર, કેપીઆઈટી ટેક નવી ટોચે
લક્સ ઈન્ડસ્ટ્રીઝ, આરતી ડ્રગ્ઝ નવા તળિયે
સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં માર્કેટ રેડિશ જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે સાર્વત્રિક વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં પણ નરમાઈ જળવાય હતી. બીએસઈ સેન્સેક્સ 123.5 પોઈન્ટ્સના ઘટાડે 60,682.7ની સપાટીએ જ્યારે નિફ્ટી 37 પોઈન્ટ્સ ગગડી 17,857ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખાસ ખરીદીનો અભાવ હતો. જોકે તેમ છતાં બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાં 26 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 24 નેગેટિવ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3609 કાઉન્ટર્સમાંથી 1874 અગાઉના બંધ કરતાં સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 1585 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 85 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે 120 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.3 ટકા ગગડી 12.74ના ત્રણ મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારે નેગેટિવ શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17893ના બંધ સામે 17848ની સપાટીએ ખૂલી વધુ ગગડ્યો હતો. ઈન્ટ્રા-ડે 17801નું બોટમ બનાવી તે પરત ફર્યો હતો અને 17877ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યારબાદ બે બાજુ ઝોલાં ખાતો જોવા મળ્યો હતો. આખરે તે નેગેટિવ ઝોનમાં જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર માત્ર 13 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17870ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્ર દરમિયાન જોવા મળતાં 60ના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એવો થઈ શકે છે માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ હતી. ટેકનિકલ એનાલિસ્ટસના મતે પણ માર્કેટમાં ઊંચા સ્તરે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 17800-18000નો ઝોન મોટો અવરોધ સૂચવે છે. જ્યાં સુધી નિફ્ટી 34-ડીએમએની 17970ની સપાટી પર બંધ આપવામાં સફળ ના રહે ત્યાં સુધી નવી ખરીદીથી દૂર રહેવા માટે ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે નિફ્ટીમાં કોન્સોલિડેશન લંબાઈ ગયું છે. છેલ્લાં ત્રણ સપ્તાહથી તે લગભગ 500 પોઈન્ટ્સમાં ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે કામકાજ ગુરુવાર કરતાં ઊંચા હતો અને બજારમાં નરમાઈ જોતાં આગામી સમયગાળામાં વધુ ઘટાડો અપેક્ષિત છે. સપ્તાહના આખરી સત્રમાં નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, યૂપીએલ, સિપ્લા, હીરો મોટોકોર્પ, લાર્સન, એચડીએફસી લાઈફ, ભારતી એરટેલ, તાતા કન્ઝ્યૂમર અને એપોલો હોસ્પિટલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઘટવા બાજુએ અદાણી એન્ટરપ્રાઈઝિસ 4 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત એચસીએલ ટેક્નોલોજી, હિંદાલ્કો, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, આઈશર મોટર્સ અને જેએસડબલ્યુ સ્ટીલ પણ ઘટાડો દર્શાવતાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, ફાર્મા અને બેંકિંગ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી શક્યાં હતાં. જ્યારે મેટલ, એનર્જી અને એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં પિરામલ એન્ટરપ્રાઈઝિસ 6.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા, ઈન્ડુસ ટાવર્સ, એસ્કોર્ટ્સ કોબુટા, ડેલ્ટા કોર્પ, નવીન ફ્લોરિન, શ્રી સિમેન્ટ્સ, એસઆરએફ, વોલ્ટાસ અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ લ્યુપિન 5 ટકા ઘટાડે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત યુનાઈટેડ બ્રૂઅરીઝ, એસ્ટ્રાલ, શ્રીરામ ફાઈનાન્સ, હેવેલ્સ ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજી, જિંદાલ સ્ટીલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ અને તાતા સ્ટીલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ઊંચાઈ દર્શાવનાર કાઉન્ટર્સમાં સીજી પાવર, કેપીઆઈટી ટેકનોલોજી, કોર્બોરેન્ડમ, સોનાટા અને એમએન્ડએમ ફાઈનાન્સિયલનો સમાવેશ થતો હતો. જ્યારે વાર્ષિક તળિયું દર્શાવનારાઓમાં લક્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા ટેલિસર્વિસિઝ, ટીસીએનએસ ક્લોધીંગ, આરતી ડ્રગ્ઝ, ગ્રીનપેનલ ઈન્ડસ્ટ્રીઝ, સુદર્શન કેમિકલનો સમાવેશ થતો હતો.

નવા ફંડ્સ માટે અદાણીએ હેજ ફંડ્સનો સંપર્ક સાધ્યો
સ્થાનિક તથા વિદેશી બેંક્સ તરફથી દૂર થયેલા સપોર્ટને જોતાં અદાણી જૂથ નવી મૂડી માટે વૈશ્વિક હેજ ફંડ્સ અને સ્ટ્રેસ ફંડ્સ સાથે સંપર્ક સાધી રહી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચસ્તરીય વર્તુળોના જણાવ્યા મુજબ શરૂઆતી રાઉન્ડના ફંડીંગ માટે અદાણી જૂથે યુએસ સ્થિત મોટા હેજ ફંડ્સનો સંપર્ક કર્યો છે. જેમાં ફારાલોન કેપિટલ, ડેવિડસન કેમ્પનેર કેપિટલ મેનેજમેન્ટ અને બાઉપોસ્ટ ગ્રૂપનો સમાવેશ થાય છે.
આમ કરવાનું કારણ તત્કાળ મૂડી જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે. એવું માનવામાં આવે છે કે ફારાલોન કેપિટલ સાથે 50 કરોડ ડોલર માટે મંત્રણા આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે અને તે અદાણી જૂથના એફપીઓને પરત ખેંચવામાં આવ્યા બાદ જૂથમાં પ્રથમ કેપિટલ ઈન્ફ્યુઝન હશે. તે ઈક્વિટી અને ડેટનું મિશ્રણ હશે. વર્તુળોના જણાવ્યા મુજબ સપ્તાહથી દસ દિવસોમાં આ રોકાણ આવી જશે. જોકે અદાણી તેમજ ફારાલોન કેપિટલ તરફથી આ અંગે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો. નવા ફંડ માટે ભાવિ રોકાણકારોએ જૂથ સમક્ષ કેટલીક શરતો મૂકી છે. જેમાં જૂથ કંપનીઓના શેર્સને પ્લેજમાંથી બહાર રાખવાનું જણાવાયું છે. આ શરતને પૂરી કરવાના ભાગરૂપે જ જૂથે તાજેતરમાં રૂ. 9250 કરોડ અથવા 1.1 અબજ ડોલરની લોન ચૂકવી ત્રણ જૂથ કંપનીઓમાંથી પ્લેજ્ડ શેર્સ છૂટાં કરાવ્યાં હતાં. જેમાં અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થતો હતો. આ લોન્સ અગાઉ સપ્ટેમ્બરમાં ચૂકવવાની થતી હતી.
બાર્લ્કેઝ અદાણી જૂથમાં એક્સપોઝર ઘટાડે તેવી શક્યતાં
અદાણી જૂથમાં શોર્ટ સેલીંગ ફિઆસ્કો પછી વિદેશી બેંકિંગ કંપનીઓ તરફથી મહત્વની ઘટનામાં લંડન સ્થિત બાર્ક્લેઝ બેંક ભારતીય કોંગ્લોમેરટમાં તેના એક્સપોઝરમાં ઘટાડો કરે તેવી શક્યતાં છે. અદાણી જૂથમાં એક્સપોઝરના વેચાણ માટેના નિર્ણય પાછળ બેંકના કેટલાંક ઈન્વેસ્ટર્સ તરફથી ઊભી કરવામાં આવેલી ચિંતા કારણભૂત હોવાનું જાણવા મળે છે. નામ નહિ આપવાની શરતે એક સિનિયર બેંકર જણાવે છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગ્રૂપ ખરાબ કારણોસર અહેવાલોમાં ચમકી રહ્યું છે. જેને કારણે કેટલાંક મોટા રોકાણકારોએ ભારતીય જૂથને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જેણે બેંકને તેના એક્સપોઝરમાં ઘટાડા માટે પ્રેરી છે.

સેબીએ FPOમાં ભાગ લેનારા બે ફંડ્સ સાથે અદાણીના જોડાણની તપાસ આદરી
મોરેશ્યસ સ્થિત ગ્રેટ ઈન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુષ્મત લિ. AELના રૂ. 20 હજાર કરોડના એફપીઓમાં એન્કર ઈન્વેસ્ટર્સ હતાં
મૂડી બજાર રેગ્યુલેટર અદાણી જૂથના રૂ. 20 હજાર કરોડની ફોલો-ઓન ઓફરમાં રોકાણકાર એવા ફંડ્સ સાથે અદાણી જૂથના જોડાણની તપાસ શરૂ કરી હોવાનું બે વર્તુળો જણાવે છે. યુએસ સ્થિત શોર્ટ-સેલરે દેશના ટોચના ઔદ્યોગિક ગ્રૂપ વિરુધ્ધ કરેલા આક્ષેપોને લઈને નવી દિલ્હી ખાતે વધી રહેલી ચિંતાને પગલે આમ થઈ રહ્યું હોવાનું વર્તુળોનું કહેવું છે.
સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અદાણી જૂથ તરફથી શેર વેચાણની પ્રક્રિયામાં ભારતીય સિક્યૂરિટીઝ લોનો કોઈપણ પ્રકારનો ભંગ કરવામાં આવ્યો છે કે નહિ તેની શોધ ચલાવી રહી છે. કોઈના હિતોને નુકસાન થયું છે કે કેમ તે પણ જોઈ રહી છે. હાલમાં સેબી અદાણી જૂથ અને મોરેશ્યસ સ્થિત બે કંપનીઓ વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી ચે. જેમાં ગ્રેટ ઈન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુશ્મત લિ.નો સમાવેશ થાય છે. આ બંને ફંડ્સે અન્ય ફંડ્સ સાથે અદાણી એન્ટરપ્રાઈઝિસના એફપીઓમાં ભાગ લીધો હતો એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. ભારતના કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાર્યમેન્ટ રુલ્સ હેઠળ કંપનીના ફાઉન્ડર સાથે સંબંધિત કોઈપણ કંપની એન્કર ઈન્વેસ્ટર કેટેગરીમાં ભાગ લેવાની યોગ્યતા ધરાવતી નથી. વર્તુળોના જણાવ્યા મુજબ તપાસની મુખ્ય બાબત એન્કર ઈન્વેસ્ટર્સ કોઈપણ રીતે ફાઉન્ડર ગ્રૂપ સાથે જોડાયેલા છે કે નહિ તે છે. પોર્ટ્સથી એનર્જી સુધીના સેક્ટર્સમાં ફેલાયેલાં કોન્ગ્લોમેરટ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી 24 જાન્યુઆરીએ હિંડનબર્ગના રિપોર્ટ પહેલા વિશ્વમાં ત્રીજા ક્રમના ધનવાન વ્યક્તિ હતાં. જોકે રિપોર્ટ પ્રગટ થયા બાદ તેમની સાત લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તેમણે 100 અબજ ડોલર ગુમાવ્યાં હતાં. હિંડનબર્ગે અદાણી જૂથ પર ઓફશોર ટેક્સ હેવન્સના અયોગ્ય ઉપયોગ તથા કંપનીના શેરના ભાવમાં મેનિપ્યુલેશનનો આક્ષેપ કર્યો હતો. અદાણી જૂથે આ આક્ષેપોને ફગાવ્યાં હતાં. ગયા સપ્તાહે અદાણી જૂથે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના એફપીઓને પરત ખેંચ્યો હતો. એઈએલનો એફપીઓ બારતમાં સૌથી મોટો એફપીઓ હતો. સેબીની તપાસને લઈને રેગ્યુલેટર તથા અદાણી જૂથ તરફથી કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો નહોતો. ગ્રેટ ઈન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુષ્મત લિ.એ પણ કોઈ જવાબ નહોતો આપ્યો.

MSCIનો અદાણી જૂથની ચાર કંપનીઓના ફ્રિ-ફ્લોટ વેઈટેજમાં ઘટાડો
અદાણી એન્ટપ્રાઈઝિસ, અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશન અને એસીસીના ફ્રી ફ્લોટમાં ઘટાડો
વેઈટેજ ઘટવાથી ચાર કંપનીઓમાં ફંડ્સ તરફથી 57 કરોડ ડોલરની વેચવાલીનો અંદાજ

વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈએ જણાવ્યું છે કે અદાણી જૂથની ચાર કંપનીઓના વેઈટેજમાં ઘટાડો કરશે. આ ચાર કંપનીઓમાં જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ સહિત અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને એસીસીનો સમાવેશ થાય છે. એમએસસીઆઈએ આ કંપનીઓના ફ્રી ફ્લોટ શેર્સની પુનઃસમીક્ષા કર્યાં બાદ તેના અદાણી જૂથ કંપનીઓના વેઈટેજમાં ઘટાડાનો નિર્ણય લીધો છે.
જૂથ કંપનીઓને લઈને આ ફેરફાર 24 જાન્યુઆરીએ રજૂ થયેલા હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે. આ રિપાર્ટમાં ભારતીય કોન્ગ્લોમેરટ તરફથી જૂથ કંપનીઓના શેર્સમાં ગેરરિતી આચરવામાં આવી હોવાનો તથા ઓફશોર ટેક્સ હેવન્સનો દૂરૂપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે જૂથે આ તમામ આક્ષેપોને ખોટાં જણાવ્યાં હતાં. હિંડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં 110 અબજ ડોલરથી વધુનું ધોવાણ નોંધાયું હતું. હાલમાં જૂથની કંપનીઓના શેર્સ 50 ટકાથી વધુ મૂડી ધોવાણ દર્શાવી રહ્યાં છે. જૂથની કોલ માઈનર સાથે નવા પ્રોજેક્ટ્સ માટે ઈન્ક્યૂબેટર એવી અદાણી એન્ટરપ્રાઈઝિસ ઉપરાંત એમએસસીઆઈએ અદાણી ટોટલ ગેસના વેઈટમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. અદાણી ટોટલ ગેસમાં ફ્રાન્સની ટોટલએનર્જિસ ભાગીદાર છે. જૂથની ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશનના વેઈટેજમાં પણ ઈન્ડેક્સ પ્રોવાઈડર ઘટાડો કરશે. જ્યારે ગયા વર્ષે સ્વીસ કંપની હોલ્સિમ પાસેથી અદાણીએ ખરીદેલી સિમેન્ટ કંપની એસીસીના વેઈટેજમાં પણ ઘટાડો કરવામાં આવશે. એસીસી, જોકે જૂથની મુખ્ય સાત કંપનીઓમાંની એક નથી. આ ચાર કંપનીઓ 30 જૂન 2023ની આખરમાં એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સમાં 0.4 ટકાનું કુલ વેઈટેજ ધરાવતી હતી. નવો ફેરફાર 1 માર્ચથી અમલમાં આવશે. અદાણી જૂથે એમએસસીઆઈના નિર્ણયને લઈને કોઈ ત્વરિત પ્રતિક્રિયા નથી આપી. જોકે હિંડેનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસને ગુરુવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે એમએસસીઆઈની કાર્યવાહી હિંડેનબર્ગની તપાસને એક પ્રકારની માન્યતા આપી રહી છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 4 ટકા ગગડી રૂ. 1846.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલના શેર્સ 5-5 ટકાની સેલર સર્કિટ્સમાં બંધ જોવા મળતાં હતાં. એસીસીનો શેર પણ 2 ટકા ઘટાડો દર્શાવતો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ નીચા ફ્રી ફ્લોટનો અર્થ એવો થાય છે કે ઈન્ડેક્સ મારફતે જૂથ કંપનીઓમાં રોકાણ કરનાર કંપનીઓએ તેમના હિસ્સાનું વેચાણ ઘટાડવું પડશે. જેને કારણે શેર્સના ભાવ પર દબાણ જોવા મળી શકે છે. એનાલિસ્ટના અંદાજ મુજબ વેઈટેજ ઘટવાને કારણે 28 ફેબ્રુઆરીએ અદાણી એન્ટરપ્રાઈઝિ, અદાણી ટોટલ અને અદાણી ટ્રાન્સમિશનમાં પેસિવ ફંડ્સ મારફતે 57 કરોડ ડોલર સુધીની વેચવાલી સંભવ છે.

અદાણી જૂથની એનર્જી કંપનીઓના શેર્સ નવા તળિયે
અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ અને અદાણી પાવરમાં સેલર સર્કિટ્સનો ક્રમ ચાલુ
અદાણી પોર્ટ્સ, અદાણી વિલ્મેર, અંબુજા સિમેન્ટ અને એનડીટીવીમાં 1-5 ટકાનો ઘટાડો
અદાણી જૂથના શેર્સમાં બે સપ્તાહ બાદ પણ દબાણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે અદાણી જૂથના તમામ લિસ્ટેડ કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેમાં જૂથની એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી ચાર કંપનીઓના શેર્સ 5 ટકાની સેલર સર્કિટમાં જોવા મળ્યાં હતાં. તેમણે છેલ્લાં વર્ષ ઉપરાંતનું તળિયું દર્શાવ્યું હતું. આ સિવાય ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં હાજરી ધરાવતી જૂથ કંપનીઓના શેર્સ પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે કંપનીએ ખરીદેલી સિમેન્ટ કંપનીઓમાં એસીસી અને મિડિયા કંપની એનડીટીવીના શેરમાં પણ નરમાઈ જોવા મળી હતી. એકમાત્ર અંબુજા સિમેન્ટ ગ્રીન બંધ સૂચવતો હતો.
અદાણી પાવરનો શેર શુક્રવારે 5 ટકાની સેલર સર્કિટ સાથે રૂ. 164.20ની સપાટીએ બંધ રહ્યો હતો. શેર રૂ. 432.50ની સર્વોચ્ચ ટોચની સરખામણીમાં લગભગ 70 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. જૂથની ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશનનો શેર 5 ટકાની સેલર સર્કિટ સાથે રૂ. 1186.65ની સપાટી પર બંધ રહ્યો હતો. જે તેની વાર્ષિક રૂ. 4236.75ની ટોચ પરથી 70 ટકાથી વધુ ધોવાણ સૂચવે છે. આ જ રીતે અદાણી ગ્રીન એનર્જીનો શેર 5 ટકાની સેલર સર્કિટમાં રૂ. 724.25ના વાર્ષિક તળિયા પર બંધ દર્શાવતો હતો. જે તેની રૂ. 3050ની વાર્ષિક ટોચ પરથી 570 ટકાથી વધુ ધોવાણ નોંધાવી ચૂક્યો છે. અદાણી ટોટલ ગેસનો શેર પણ 5 ટકાની સેલર સર્કિટ સાથે રૂ. 1255.40ના વાર્ષિક તળિયે બંધ રહ્યો હતો. જે રૂ. 4000ની વાર્ષિક ટોચ પરથી 60 ટકાથી વધુ ગગડી ચૂક્યો છે. જૂથની એફએમસીજી કંપની અદાણી વિલ્મેરનો શેર એક ટકા ઘટાડા સાથે રૂ. 435.90ના સ્તરે બંધ રહ્યો હતો. જે રૂ. 878ના વાર્ષિક તળિયા સામે લગભગ અડધો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સિમેન્ટ કંપની એસીસીનો શેર 2 ટકા ગગડી રૂ. 1880.40ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે અંબુજા સિમેન્ટનો શેર એક ટકા મજબૂતી સાથે રૂ. 360.80ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

ચીનના અલીબાબા જૂથે પેટીએમમાં બાકીના 3.4 ટકા હિસ્સાનું વેચાણ કર્યું
ડિસેમ્બર આખર સુધીમાં જૂથે 6.26 ટકા હિસ્સો વેચ્યો હતો, જ્યારે બાકીનો હિસ્સો ચાલુ કેલેન્ડરમાં વેચી દીધો
ચીનના અલીબાબા જૂથે ભારતીય ડિજિટલ પેમેન્ટ્સ કંપની પેટીએમમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ લઈ લીધી છે. જૂથે શુક્રવારે તેની પાસે રહેલા બાકીના તમામ શેર્સનું વેચાણ કર્યું હતું. ડિસેમ્બર 2022માં 6.26 ટકા હિસ્સા વેચાણ બાદ અલીબાબા પાસે પેટીએમમાં 3.4 ટકા હિસ્સો બચ્યો હતો. જેમાંથી 3 ટકા આસપાસ હિસ્સાનું જાન્યુઆરી 2023માં વેચાણ કર્યું હતું. જ્યારે બાકીના હિસ્સાને તાજેતરમાં વેચ્યો હતો.
શુક્રવારે પેટીએમના શેરમાં ઊંચી વધ-ઘટ જોવા મળી હતી. પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશનનો શેર 8 ટકા ગગડી રૂ. 650.55ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન તે રૂ. 705ની ટોચ અને રૂ. 640ના તળિયા વચ્ચે ટ્રેડ થયો હતો. કાઉન્ટરમાં એક બ્લોક ડિલમાં રૂ. 535.90ના ભાવે 2,59,930 શેર્સનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેનું મૂલ્ય રૂ. 13.93 કરોડ જેટલું થતું હતું. આ ડિલ પાછળ ચીનનું અલીબાબા જૂથ હતું. વર્તુળોના જણાવ્યા મુજબ અલીબાબા જૂથ ભારતમાંથી એક્ઝિટ લઈ રહ્યું હોય તેમ જણાય છે. તેણે અન્ય રોકાણોમાંથી પણ શેર્સમાં વેચાણ કર્યું છે એમ તેમનું કહેવું હતું. શુક્રવારે પેટીએમમાંથી તેઓ સંપૂર્ણપણે બહાર નીકળી ગયા હતા. અગાઉ નવેમ્બર 2022માંતેણે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોમાં 3 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં પેટીએમે રૂ. 392 કરોડનું ચોખ્ખું નુકસાન દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 778.4 કરોડની સરખામણીમાં નીચો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 42 ટકા વધી રૂ. 2062.2 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1,456.1 કરોડ પર હતી.

ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડ પર દબાણ
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં ગોલ્ડમાં વેચવાલી જોવા મળી હતી. ગુરુવારે 1898 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહેલું ગોલ્ડ ગુરુવારે 1980 ડોલરનો સપોર્ટ તોડી 1863 ડોલર સુધી પટકાયા બાદ આ લખાય છે ત્યારે 1876 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. ગયા સપ્તાહની આખરમાં પણ યુએસ ખાતે એમ્પ્લોયમેન્ટ ડેટા મજબૂત આવતાં ગોલ્ડમાં વેચવાલી જોવા મળી હતી અને તે 1880 ડોલર નીચે જઈ પરત ફર્યું હતું. ટેકનિકલી 1870 ડોલરની નીચે બંધ ના આપે ત્યાં સુધી ગોલ્ડમાં ઘટાડે ખરીદી જોવા મળી શકે છે. ઉપરમાં 1900 ડોલરનો સાયકોલોજિકલ અવરોધ રહેલો છે. છેલ્લાં ચાર મહિનામાં તીવ્ર મજબૂતી બાદ ગોલ્ડ કેટલોક સમય કોન્સોલિડેશન દર્શાવે તે જરૂરી હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. ડોલર ઈન્ડેક્સ 0.3 ટકા સુધારા સાથે 103.20ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતીય બોન્ડ્સમાં FIIની ચોખ્ખી ખરીદી જોવા મળી
છેલ્લાં બે કેલેન્ડર્સ 2021 અને 2022માં ચોખ્ખી વેચવાલી દર્શાવ્યાં બાદ વિદેશી સંસ્થાકિય રોકાણકારો 2023માં ફરીવાર ભારતીય બોન્ડ્સમાં ચોખ્ખા ખરીદાર જણાય રહ્યાં છે. નવા કેલેન્ડરમાં અત્યાર સુધીમાં એફઆઈઆઈએ 84 કરોડ ડોલરની બોન્ડ ખરીદી કરી છે. જે સૂચવે છે કે બોન્ડ્સ માર્કેટ્માં તેઓ ફરીથી આકર્ષાયાં છે. આરબીઆઈ ગયા એપ્રિલથી અત્યાર સુધીમાં રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી ચૂકી છે. છેલ્લે 8 ફેબ્રુઆરીએ તેણે રેપો રેટ 25 બેસીસ પોઈન્ટ વધારી 6.5 ટકા કર્યો હતો. 2021માં વિદેશી રોકાણકારોએ 1.6 અબજ ડોલરના બોન્ડ્સનું કુલ વેચાણ નોઁધાવ્યું હતું. જ્યારે 2022માં તેમણે 2.01 અબજ ડોલરની વેચવાલી દર્શાવી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ
હનીવેલ ઓટોમેશનઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 106.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 89.7 કરોડ સામે 18.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 860 કરોડ સામે 18.3 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1017.5 કરોડ પર જોવા મળી હતી.
ઈક્વિટાસ એસએફબીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 170.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 145.7 કરોડ સામે 19 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 540.8 કરોડ સામે 20 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 648 કરોડ પર જોવા મળી હતી.
જીપીપીએલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 84.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 44.6 કરોડ સામે 89 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 168.5 કરોડ સામે 49 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 250.5 કરોડ પર જોવા મળી હતી.
સૂર્યોદય એસએફબીઃ સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 83.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 38.8 કરોડ પર હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 23 ટકા વધી રૂ. 536.5 કરોડ રહી હતી. બેંકની ડિપોઝીટ્સ વાર્ષિક 48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4697 કરોડ પર જોવા મળી હતી. જ્યારે લોન વિતરણ 33 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3396 કરોડ પર રહ્યું હતું.
નારાયણ હ્દ્યાલયઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 153.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 97.4 કરોડ સામે 58 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 960 કરોડ સામે 17.5 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1128.1 કરોડ પર જોવા મળી હતી.
પેન્નાર ઈન્ડસ્ટ્રીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 21.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.7 કરોડ સામે 99 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 533 કરોડ સામે 30 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 692 કરોડ પર જોવા મળી હતી.
ગોદરેજ એગ્રોઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 116.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 65.1 કરોડ સામે 79 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2078.5 કરોડ સામે 12 ટકા વૃદ્ધિ સાથે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 2323.5 કરોડ પર જોવા મળી હતી.
મિંડા કોર્પઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 52.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 70 કરોડ સામે 25 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 738 કરોડ સામે 45 ટકા ઉછળી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1068.3 કરોડ પર જોવા મળી હતી.
ટેક્નો ઈલેક્ટ્રીકઃ કંપનીએ તમિલનાડુ ખાતે તેની 111.90 મેગાવોટની વિન્ડ પાવર એસેટ્સમાંથી 37.50 મેગાવોટ વિન્ડ પાવર એસેટ્સનું રૂ. 158.93 કરોડમાં વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage