Market Summary 07/06/2023

તેજીવાળાની મજબૂત પકડે સર્વોચ્ચ ટોચ નજીક શેરબજાર
સેન્સેક્સે 63000ની સપાટી, નિફ્ટીએ 18700 પાર કર્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.53 ટકા સુધારે 11.44ના સ્તરે
મેટલ, એફએમસીજી, રિઅલ્ટી, પીએસઈ, એનર્જીમાં મજબૂતી
ઓટો, એફએમસીજી સૂચકાંકો નવી ટોચે
સુઝલોન એનર્જી 18 ટકા ઉછળ્યો
ટોરેન્ટ પાવર, જેબીએમ ઓટો, ફિનિક્સ મિલ્સ સર્વોચ્ચ સપાટીએ

શેરબજારમાં સપ્તાહના ત્રીજા સત્રમાં મજબૂતી જોવા મળી હતી. તેજીવાળાઓની પકડ પાછળ બેન્ચમાર્ક્સ તેમની અગાઉની ટોચથી એક ટકાથી પણ ઓછા અંતરે ટ્રેડ થતાં જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 350 પોઈન્ટ્સ સુધારા સાથે 63143ની સપાટીએ જ્યારે નિફ્ટી 127 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18726ની સપાટી પર બંધ રહ્યાં હતાં. માર્કેટમાં વ્યાપક ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3698 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2295 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1267 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 257 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 130 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટ્સ પર જ્યારે 5 કાઉન્ટર્સ નેગેટિવ સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.53 ટકા સુધારે 11.44ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18599ના બંધ સામે 18666ની સપાટી પર ખૂલી શરૂઆતી તબક્કામાં કોન્સોલિડેશન દર્શાવતો હતો. જોકે બપોર પછી શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટી 18739ની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ, તેણે 18700ની સપાટી આસાનીથી પાર કરી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 74 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18800ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 85 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં તેજી સાથે લોંગ પોઝીશનમાં નવો ઉમેરો જોવા મળતો નથી. જે સાવચેતીનો સંકેત છે. આગામી સત્રોમાં બજારમાં પ્રોફિટ બુકિંગ સંભવ છે. બેન્ચમાર્ક તેની 1 ડિસેમ્બર 2022ની 18888ની સર્વોચ્ચ ટોચથી 150 પોઈન્ટ્સ છેટે ટ્રેડ થઈ રહ્યું છે. જે તેના માટે અવરોધ બની શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે હજુ પણ ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેતો નથી. જોકે, માર્કેટ ઓવરબોટ ઝોનમાં છે અને તેથી લાર્જ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ કરવાનું સૂચન છે. જ્યારે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ તરફથી આઉટપર્ફોર્મન્સ આગળ વધી શકે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં બ્રિટાનિયા મુખ્ય હતો. આ ઉપરાંત તાતા કન્ઝ્યૂમર, બીપીસીએલ, નેસ્લે, એચડીએફસી લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, તાતા મોટર્સ, એસબીઆઈ લાઈફ, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સિપ્લા, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સમાં નરમાઈ જોવા મળતી હતી. તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેમાં મેટલ, એફએમસીજી, રિઅલ્ટી, પીએસઈ, એનર્જી સૂચકાંકો એક ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. ઓટો અને એફએમસીજી ઈન્ડાઈસિસે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. એફએમસીજી ઈન્ડેક્સના ઘટકોમાં યુનાઈટેડ બ્રૂઅરિઝ, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમર, નેસ્લે, ડાબર ઈન્ડિયા, મેરિકો, કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, એચયૂએલ મજબૂતી સૂચવતાં હતાં. જ્યારે નિફ્ટી ઓટોના ઘટકોમાં તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, બજાજ ઓટો, અમર રાજા બેટરીઝ, એમઆરએફ અને ભારત ફોર્જ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 1.5 ટકા ઉછળી ફરી 6000ની સપાટી પર બંધ રહ્યો હતો. તેના મુખ્ય ઘટકોમાં જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, સેઈલ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા, નાલ્કો અને વેદાંત પોઝીટીવ જોવા મળ્યાં હતા.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 9 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત એચપીસીએલ, ગ્લેનમાર્ક, કેન ફિન હોમ્સ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમર, બીપીસીએલ, નેસ્લે, મણ્ણાપુરમ ફાઈ. બલરામપુર ચીની, તાતા કેમિકલ, ઈન્ડસ ટાવર્સ, અતુલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી લાઈફ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, પોલીકેબ, સિપ્લા, કોટક મહિન્દ્રા, બિરલાસોફ્ટ, એમએન્ડએમ ફાઈ., સન ટીવીનેટવર્ક, અંબુજા સિમેન્ટ્સ, ઈન્ટિલેક્ટ ડિઝાઈન, કમિન્સ, ઓબેરોય રિઅલ્ટી, પીવીઆર આઈનોક્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ટોરેન્ટ પાવર, જેબીએમ ઓટો, ફિનિક્સ મિલ્સ, ક્રિસિલ, એસ્ટર ડીએમ, એચપીસીએલ, ગ્લેનમાર્ક, બ્રિટાનિયા અને કેનફીન હોમ્સનો સમાવેશ થતો હતો.

અદાણી શેર્સમાં હિંડેનબર્ગના કારણે હજુ પણ જોવા મળતું ઊંચું નુકસાન
જૂથની 10માંથી બે લિસ્ટેડ કંપનીઓના શેર્સે મજબૂત બાઉન્સ દર્શાવ્યો છે જ્યારે બાકીના કાઉન્ટર્સમાં રિકવરીમાં લાંબો સમય લાગી શકે છે
જૂથનું માર્કેટ-કેપ હિંડેનબર્ગ રિપોર્ટ રજૂ થયાની 24 જાન્યુ.ની સપાટીએથી 100 અબજ ડોલરથી વધુ ઘટાડો સૂચવે છે

યુએસ સ્થિત શોર્ટસેલર હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટના ચાર મહિના પછી પણ અદાણી જૂથના શેર્સ આઘાતમાંથી પૂરેપૂરા બહાર આવી શક્યાં નથી. હજુ પણ જૂથની મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના શેર્સ હિંડેનબર્ગ રિપોર્ટ અગાઉની સપાટી સામે નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જૂથની 10-લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓના શેર્સ મજબૂત બાઉન્સ દર્શાવી શક્યાં છે અને હિંડેનબર્ગ રિપોર્ટ અગાઉના સ્તર પાર કરી ગયાં છે. જોકે, જૂથનું માર્કેટ-કેપ હિંડેનબર્ગ રિપોર્ટ રજૂ થયાની 24 જાન્યુ.ની સપાટીએથી 100 અબજ ડોલરથી વધુ ઘટાડો સૂચવે છે. જૂથે રિપોર્ટ પછીની વેચવાલીમાં એક તબક્કે 153 અબજ ડોલરનો માર્કેટ-કેપ લોસ નોંધાવ્યો હતો.
અદાણી જૂથના શેર્સ તેમના વેલ્યૂએશન્સમાં રિએડજસ્ટમેન્ટ જોઈ રહ્યાં છે. હિંડનબર્ગ રિપોર્ટ અગાઉ જૂથના શેર્સમાં જોવા મળતી મજબૂતી દૂર થઈ છે અને તે પરત નહિ ફરે એમ મુંબઈ સ્થિત એક એડવાઈઝર જણાવે છે. હિંડેનબર્ગ રિપોર્ટ પછી જૂથને લઈ જોવા મળતી કોર્પોરેટ ગવર્નન્સ સંબંધી ચિંતામાં ઘટાડો થયો છે તેમ છતાં જૂથના માર્કેટ-કેપમાં થયેલું નુકસાન આગામી ત્રણ, છ કે બાર મહિનામાં સરભર થવાની સંભાવના નથી એમ તેઓ ઉમેરે છે. સમગ્રતયા જોઈએ તો હિંડેનબર્ગ રિપોર્ટના ચાર-મહિનામાં અદાણી જૂથના 10 શેર્સમાં સરેરાશ 23 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. જે હિંડેનબર્ગ તરફથી ડિસેમ્બર 2020થી ટાર્ગેટ કરવામાં આવેલી અન્ય મહત્વની કંપનીઓ કરતાં ઊંચો છે. ભારતીય જૂથ એ નાથન એન્ડરસનની કંપની તરફથી ટાર્ગેટ કરવામાં આવેલા સૌથી હાઈ પ્રોફાઈલ જૂથમાંનું એક છે. શોર્ટ સેલર્સના હુમલાને કારણે અદાણીએ તેની મહત્વાકાંક્ષાઓનું પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પડી છે. જૂથ દેશના ઉદ્યોગ જૂથોમાં ઊંચું ડેટ ધરાવતાં જૂથોમાંનું એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક હોવાનું મનાતાં અદાણી જૂથે મોદીના સત્તામાં આવ્યાં પછી અસાધારણ વૃદ્ધિ દર્શાવી હતી. તેમણે મુખ્ય બિઝનેસ ઉપરાંત નવા સેક્ટર્સમાં પ્રવેશ કર્યો હતો. જેમાં એલ્યુમિનિયમ, સ્ટીલ અને રોડ્સ પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો.
અદાણી જૂથે જોકે હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટના આક્ષેપોનો વારંવાર ઈન્કાર કર્યો છે તેમજ તેણે સંપુર્ણપણે સ્થાનિક નિયમોનું પાલન કર્યું હોવાનું જણાવ્યું છે. એનાલિસ્ટ્સના મતે અદાણી જૂથમાં જોવા મળેલી રિકવરીનું મુખ્ય કારણ યુએસ સ્થિત રોકાણકાર જીક્યુજૂ પાર્ટનર્સ તરફથી જૂથ કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ છે. જીક્યૂજીએ માર્ચમાં પ્રથમ તબક્કામાં જૂથની ચાર કંપનીઓમાં રૂ. 15 હજાર કરોડ ઈન્વેસ્ટ કર્યાં હતાં. જેમાં પાછળથી ઓર વૃદ્ધિ કરી હતી. જૂથે કેટલુંક ઋણ સમય કરતાં વહેલા ચૂકવણી કરવાનું પણ શરૂ કર્યું હતું. તેમજ કેટલાંક બોન્ડ્સની પાકતી મુદત કરતાં વહેલા ખરીદી કરી રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવાનો પ્રયાસ કર્યો છે.

TCSના ભૂતપૂર્વ CEOએ 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 29.16 કરોડનું વેતન મેળવ્યું
ગોપીનાથન ભારતીય આઈટી સેક્ટરમાં પાંચમા ક્રમનું વેતન ધરાવતાં સીઈઓ હતા

ટીસીએસના ભૂતપૂર્વ સીઈઓ ગોપીનાથને 2022-23 માટે રૂ. 29.16 કરોડનું વળતર મેળવ્યું હતું. તેમણે 2021-22ની સરખામણીમાં 13 ટકા વધુ રિટર્ન મેળવ્યું હતું. 2021-22માં ગોપીનાથે રૂ. 25.75 કરોડનું વેતન મેળવ્યું હતું. જે તેમને ભારતીય આઈટી સર્વિસિસ સેક્ટરમાં પાંચમા ક્રમે વેતન ધરાવતાં સીઈઓ બનાવતું હતું.
ગોપીનાથે માર્ચ 2023માં ટીસીએસના સીઈઓ તરીકે તેમની પોઝીશન ત્યજી હતી. તેમણે તેમની મુદત પૂરી થતાના ચાર વર્ષ અગાઉ જ આ પદ છોડ્યું હતું. તાતા જૂથના ચેરમેન એન ચંદ્રશેખરે શેરધારકોને પત્રમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે વોલેટાઈલ માર્કેટમાં પણ ટીસીએસે સારી કામગીરી દર્શાવી હતી. કંપનીએ 2022-23માં 17.6 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે માર્જિન 24.1 ટકા સાથે ઉદ્યોગ ક્ષેત્રે ટોચ પર જોવા મળ્યાં હતાં. તેમણે સીઈઓ અને એમડી તરીકે યોગદાન બદલ રાજેશ ગોપીનાથનનો આભાર માન્યો હતો. કંપનીએ 34.1 અબજ ડોલરની ઓર્ડર બુક સાથે વર્ષ પૂરું કર્યું હતું. 2022-23માં કંપનીના સીઓઓ એન જી સુબ્રમણ્યમે રૂ. 23.59 કરોડનું વેતન મેળવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 14 ટકા વૃદ્ધિ સૂચવે છે. 2021-22માં તેમના વેતનમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ગોપીનાથનનું વેતન ટીસીએસ કર્મચારીના સરેરાશ વેતન કરતાં 427 ગણુ ઊંચું જોવા મળ્યું હતું. કંપનીના કર્મચારીઓના વેતનમાં વાર્ષિક વૃદ્ધિ 5-8 ટકાની રેંજમાં જોવા મળી હતી. જોકે, પ્રમોશન્સ અને ઈવેન્ટ-બેઝ્ડ વેતન સુધારાને ગણતાં વર્ષ દરમિયાન પગારમાં 6-9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ કંપનીએ જણાવ્યું હતું. ભારત બહાર કર્મચારીઓના વેતનમાં 1.5થી 5.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. એ વાત ઉલ્લેખનીય છે કે વિપ્રોના રિશાદ પ્રેમજીના 2022-23ના વેતનમાં 50 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી સર્વિસિઝ બિઝનેસના નબળા દેખાવને કારણે વિપ્રોના એક્ઝીક્યૂટિવ ચેરમેન રિશાદ પ્રેમજીના વેતનમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિપ્રોના સીઈઓ અને એમડીના વેતનમાં પણ 5 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 83 કરોડ રહ્યું હતું. ભારતીય આઈટી સેક્ટરમાં સૌથી ઊંચું વેતન મેળવનારાઓમાં એચસીએલના સીઈઓ સી વિજયકુમાર 2021-22માં રૂ. 123.13 કરોડ સાથે ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યારે ઈન્ફોસિસના સીઈઓ સલીલ પારેખે રૂ. 71.02 કરોડ સાથે બીજા ક્રમે રહ્યાં હતાં. જોકે, 2022-23માં તેમના વેતનમાં ઘટાડો નોંધાયો હતો. ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાનીએ 2021-22માં રૂ. 63.4 કરોડનું વેતન મેળવ્યું હતું. જે ઉદ્યોગ ક્ષેત્રે ચોથું સૌથી ઊંચું વેતન હતું.

અદાણી જૂથે મુંદ્રા પીવીસી પ્રોજેક્ટ પુનર્જિવિત કર્યો
કંપનીએ સ્થાનિક બેંક્સ પાસેથી રૂ. 14000 કરોડની ક્રેડિટ લાઈન મેળવી

અદાણી જૂથે ચાર મહિના સુધી જેને રદ કર્યો હતો તે પોલીવિનાઈલ ક્લોરાઈડ(પીવીસી) પ્લાન્ટ મુંદ્રા પેટ્રોકેમને પુનર્જિવિત કર્યો હોવાનું જાણવા મળે છે. આ માટે તેણે કેટલીક બેંક્સ પાસેથી સૈધ્ધાંતિક રીતે રૂ. 14000 કરોડની ક્રેડિટ લાઈન મેળવી હોવાનું વર્તુળો જણાવે છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 35000 કરોડ રહેવાની અપેક્ષા છે.
જાણકાર વર્તુળોના કહેવા મુજબ કોન્સોર્ટિયમના ભાગરૂપ ઓછામાં ઓછી અડધો ડઝન જેટલી સ્થાનિક બેંક્સે ગ્રૂપને નાણા ધિરવા માટે મંજૂરી આપી છે. મોટાભાગનું ફંડ્સ જાહેર ક્ષેત્રની બેંક્સ તરફથી જોવા મળશે. જ્યારે ખાનગી બેંક્સ રૂ. 4500 કરોડનું ધિરાણ કરશે. એકવાર શરૂઆતના 2 અબજ ડોલરની રકમના સંપૂર્ણ વપરાશ પછી ગ્રૂપ મુંદ્રા પ્રોજેક્ટ માટે વધારાના 2 અબજ ડોલર ઊભા કરશે. ચાલુ વર્ષે શરૂઆતમાં અદાણી જૂથે મુંદ્રા ખાતે રૂ. 34900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ માટે ઈક્વિપમેન્ટ ખરીદી અને બાંધકામની કામગીરીને અટકાવવાની જાહેરાત કરી હતી. કેમકે પ્રોજેક્ટ માટે જરૂરી નાણાની સુવિધા ઊભી થઈ નહોતી. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે 2021માં સંપૂર્ણ માલિકીની સબસિડિયરી મુંદ્રા પેટ્રોકેમની સ્થાપના કરી હતી. તેણે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ ખાતે ગ્રીનફિલ્ડ કોલ-ટુ-પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે કંપની રચી હતી. અદાણી એન્ટરપ્રાઈઝિસે રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે ગ્રીન પીવીસી પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર પેન્ડિંગ છે અને હાલમાં તેને લઈને સક્રિય વિચારણા ચાલી રહી છે. તાજેતરની ઘટનાઓ પછી મેનેજમેન્ટે ફાઈનાન્સિયલ ક્લોઝર સહિત એન્જિનીયરીંગ ડિઝાઈન અને અન્ય કામગીરીઓમાં ઝડપથી આગળ વધવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે તે આગામી છ મહિનામાં પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર મેળવવાની આશા ધરાવે છે. જે પછી સંપૂર્ણપણે ખરીદી અને બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. કંપની તેની મૂળ સમયમર્યાદામાં ત પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પ્રતિબધ્ધ હોવાનું પણ ઉમેર્યું છે. કંપની મુંદ્રા ખાતે પ્રતિ વર્ષ 2000 કિલો ટન પીવીસી પ્રોડક્શન ક્ષમતા હાંસલ કરવા માટે છે.

ચાલુ સિઝનમાં ખાંડ ઉત્પાદનમાં 8 ટકા ઘટાડો નોંધાયો
ગયા વર્ષે મે સુધીમાં 3.519 કરોડ ટન સામે ચાલુ વર્ષે 3.224 કરોડ ટન ઉત્પાદન
મહારાષ્ટ્ર અને કર્ણાટક સિવાય અન્ય તમામ રાજ્યોમાં ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાઈ

દેશમાં ચાલુ વર્ષે ખાંડ ઉત્પાદનમાં 8 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના વર્ષ દરમિયાન 31 મે સુધીમાં 3.224 કરોડ ટન ખાંડ ઉત્પાદન નોંધાયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.519 કરોડ ટન પર જોવા મળતું હતું એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે.
ગયા મહિનાના બીજા પખવાડિયામાં લગભગ 20 જેટલી સુગર મિલ્સે તેની કામગીરી બંધ કરી હતી. જેના કારણે 31 મેના રોજ સક્રિય મિલ્સની સંખ્યા ઘટીને માત્ર 17 પર રહી હતી. જેમાં 10 મિલ્સ માત્ર તમિલનાડુ સ્થિત હતી. ગયા વર્ષે સમાનગાળામાં દેશમાં 45 સુગર મિલ્સ કાર્યરત જોવા મળતી હતી. જો રાજ્યવાર નજર નાખીએ તો ઉત્તર પ્રદેશમાં સુગર ઉત્પાદન 3 ટકા વધી 1.052 કરોડ ટન પર રહ્યું છે. જે ગયા વર્ષે 1.02 કરોડ ટન પર જોવા મળતું હતું. જોકે, બીજી બાજુ મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન અગાઉના વર્ષના 1.369 કરોડ ટન પરથી ઘટી 1.053 કરોડ ટન પર રહ્યું છે. કર્ણાટકમાં ખાંડ ઉત્પાદન 58.2 લાખ ટન પરથી ઘટી 55 લાખ ટન પર જોવા મળે છે. દેશમાં યૂપી, મહારાષ્ટ્ર અને કર્ણાટક ટોચના ત્રણ સુગર ઉત્પાદક રાજ્યો છે. તમિલનાડુમાં ખાંડનું ઉત્પાદન 27.2 ટકા વૃદ્ધિ સાથે 11.7 લાખ ટન પર જોવા મળે છે. જે ગયા વર્ષે 31 મે સુધીમાં 9.2 લાખ ટન પર હતું. બિહારમાં પણ ખાંડનું ઉત્પાદન 37.2 ટકા વધી 6.3 લાખ ટન પર નોંધાયું છે. જે ગયા વર્ષે 4.6 લાખ ટન પર જોવા મળ્યું હતું. હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ખાંડ ઉત્પાદનમાં ચાલુ વર્ષે વૃદ્ધિ જોવા મળી છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ઈસ્મા)એ એપ્રિલમાં ચાલુ વર્ષ માટે ખાંડ ઉત્પાદનનો અંદાજ સુધારીને 3.28 કરોડ ટન કર્યો હતો. જે અગાઉના 3.4 કરોડ ટનના અંદાજમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. ઉત્પાદનમાં મુખ્ય ઘટાડો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે. દેશમાં ખાંડનો વાર્ષિક વપરાશ 2.75 કરોડ ટનનો અંદાજવામાં આવે છે. 2021-22માં દેશમાં 3.576 કરોડ ટન ખાંડ પેદા થઈ હતી. દરમિયાનમાં ચાલુ વર્ષે શેરડીનું વાવેતરગયા વર્ષે 46.67 લાખ હેકટરની સરખામણીમાં 46.98 લાખ હેકટર પર ઊંચું જોવા મળી રહ્યું છે.

પંજાબમાં કપાસનું વાવેતર ઓલ-ટાઈમ લો પર
2022માં 2.48 લાખ હેકટર સામે ચાલુ વર્ષે માત્ર 1.75 લાખ હેકટરમાં વાવણી થઈ
છેલ્લાં 10-વર્ષોથી રાજ્યમાં કપાસના વાવેતરમાં સતત ઘટાડો

દેશમાં કપાસનું સૌથી વહેલું વાવેતર ધરાવતાં પંજાબમાં ચાલુ સિઝનમાં પાકનું સૌથી નીચું વાવેતર જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે 2.48 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં કપાસનું વાવેતર 1.75 લાખ હેકટરમાં જ નોંધાયું છે. 2021માં 2.52 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. રાજ્યમાં ચાલુ દાયકામાં કપાસના વાવેતરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. કપાસના વાવેતરમાં વૃદ્ધિ માટે રાજ્ય સરકારે 33 ટકા સબસિડીમાં કોટન બિયારણનું વિતરણ કર્યું હોવા છતાં વાવેતરમાં વૃદ્ધિ જોવા મળી નથી.
ચાલુ વર્ષે રાજ્ય સરકાર તરફથી નિર્ધારિત કરવામાં આવેલા 3 લાખ હેકટરના વિસ્તાર છતાં પંજાબમાં માત્ર 1.75 લાખ હેકટરમાં જ વાવેતર થઈ શક્યું છે. જે ટાર્ગેટમાં 42-ટકાનો ઘટાડો સૂચવે છે. 1960થી રાજ્યમાં કપાસના વાવેતરના ડેટાનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તે સૌથી નીચું છે અને પ્રથમવાર તે 2 લાખ હેકટરની નીચે ઉતરી ગયું છે. ગયા વર્ષના 2.48 લાખ હેકટર વાવેતર સામે તે 30 ટકા ઘટાડો સૂચવે છે. રાજ્ય માટે ઊંચા પાણીની જરૂરિયાત ધરાવતાં ડાંગરના પાક સામે કપાસ એક મહત્વનો વિકલ્પ છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પંજાબ 8 લાખ હેકટરમાં કપાસના વાવેતરની શક્યતાં ધરાવે છે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતાં માલ્વા પ્રદેશના પટ્ટામાં અધિકારીઓ તરફથી ઘણા પ્રયાસો છતાં કપાસનું વાવેતર ધાર્યું જોવા મળી રહ્યું નથી. 1960-61માં રાજ્યમાં 4.47 લાખ હેકટરમાં કપાસનું વાવેતર જોવા મળ્યું હતું. જોકે ત્યારપછીના દાયકામાં તે 4 લાખથી 4.59 લાખ હેકટર વચ્ચે જોવા મળતું હતું. 1980ના દાયકામાં રાજ્યમાં 6.42 લાખ હેકટરનું સૌથી ઊંચું કપાસ વાવેતર જોવા મળ્યું હતું. જ્યારે 1990ના દાયકામાં 7.58 લાખ હેકટરનું વિક્રમી વાવેતર નોંધાયું હતું. 2001-2011 દરમિયાન કપાસનું વાવેતર 5-6 લાખ હેકટરની રેંજમાં જળવાયું હતું. જે 2011-2020 વચ્ચે 5.11 લાખ હેકટરમાં નોંધાયું હતું.

બેંક્સ તરફથી બોન્ડ ઈસ્યુનું કદ રૂ. 90K કરોડથી નીચું રહેશે
બેંકિંગ કંપનીઓ તરફથી 2023-23માં બોન્ડ્સ ઈસ્યુનું પ્રમાણ રૂ. 90 હજાર કરોડથી નીચું રહેવાની શક્યતાં જોવાઈ રહી છે. રેટિંગ એજન્સી ઈકરાના રિપોર્ટ મુજબ લિક્વિડીટીની સ્થિતિમાં સુધારા પાછળ આમ થશે. 2022-23માં બેંક્સે રૂ. 1.1 લાખ કરોડના વિક્રમી બોન્ડ ઈસ્યુ કર્યાં હતાં. બેંક્સ અને એઆઈએફ્સ તરફથી સંયુક્ત બોન્ડ ઈસ્યુ રૂ. 2 લાખ કરોડની ટોચ પર જોવા મળ્યું હતું. જોકે, ચાલુ વર્ષે વિદેશી રોકાણકારો તરફથી મજબૂત પ્રવાહ અને રૂ. 2000ની કરન્સી નોટને પરત ખેંચવાના નિર્ણયને કારણે લિક્વિડીટીની સ્થિતિમાં રાહત જોવા મળી છે. જેને કારણે કુલ બોન્ડ ઈસ્યુનું પ્રમાણ ઘટી રૂ. 90 હજાર કરોડ નીચે જોવા મળે તેવી શક્યતાં છે એમ રિપોર્ટ ઉમેરે છે. ગયા નાણા વર્ષે આરબીઆઈ તરફથી અવિરત રેટ વૃદ્ધિ પાછળ લિક્વિડીટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ કોમોડિટીઝમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં છ-કરન્સિઝ સામેના ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ કોમોડિટીઝમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, ગોલ્ડ અને સિલ્વર નરમાઈ દર્શાવતાં હતાં. ડોલર ઈન્ડેક્સ 0.21 ટકા ઘટાડે 103.855ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ તે ફરી 104ના લેવલથી નીચે ઉતર્યો હતો. યુરોપ સમય દરમિયાન ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ ક્રૂડ અને બેઝ મેટલ્સમાં ખરીદી નીકળી હતી. સવારના ભાગમાં રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહેલું બ્રેન્ટ ક્રૂડ 1 ટકાથી વધુ મજબૂતી સાથે 77.16 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે નેચરલ ગેસ, કોપરમાં પણ પોઝીટીવ ટ્રેડ જોવા મળતું હતું. એગ્રી કોમોડિટીઝ સતત બીજા દિવસે સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહી હતી. જેમાં ઘઉં, મકાઈ અને સોયાબિન મુખ્ય હતાં.

કોર્પોરેટ હેડલાઈન્સ

લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ જાયન્ટે જણાવ્યું છે કે તેના બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ બિઝનેસે સ્થાનિક બજારમાંથી નોંધપાત્ર ઓર્ડર્સ મેળવ્યાં છે. જે ભારતમાં એન્જીનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ સ્વીકારે છે. કંપનીએ મુંબઈમાં 70 માળના અને 50 માળના બે ટાવર્સ બાંધકામનો એવોર્ડ મેળવ્યો છે. જ્યારે એક અન્ય પ્રોજેક્ટ 19 માળના ટાવર બાંધકામનો છે.
એનએચપીસીઃ પીએસયૂ હાઈડ્રો પાવર ઉત્પાદકે મહારાષ્ટ્ર સરકાર સાથે 7350 મેગાવોટની એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ સ્થાપવા માટે એમઓયૂ કર્યાં છે. જે હેઠળ કંપની રૂ. 44 હજાર કરોડનું રોકાણ કરશે. કંપની સાવિત્રી, જાલોન્દ અને કેંગાડી ખાતે પ્રોજેક્ટ્સની સ્થાપના કરશે.
ઈન્ડોકો રેમેડિઝઃ ફાર્મા કંપનીએ યુએસ-સ્થિત એફપીપી હોલ્ડિંગ કંપનીમાં 40 લાખ ડોલરમાં 85 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ ખરીદી યુએસ માર્કેટમાં કંપનીની પોઝીશનને મજબૂત બનાવવાના હેતુથી કરવામાં આવી છે. એફપીપી હોલ્ડિંગ જેનેરિક ફાર્માનું વિતરણ કરે છે.
આદિત્ય બિરલા ગ્રૂપઃ ટોચના ઔદ્યોગિક જૂથે રૂ. 5000 કરોડના રોકાણ સાથે બ્રાન્ડેડ જ્વેલરી બિઝનેસમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. જેને નોવેલ જેવેલ્સ તરીકે ઓળખવામાં આવશે. જૂથ દેશભરમાં એક્સક્લૂઝિવ રિટેલ સ્ટોર્સ ઊભા કરશે. જૂથ છેલ્લાં બે વર્ષોમાં પેઈન્ટ્સ અને બીટુબી ઈકોમર્સ બિઝનેસમાં પ્રવેશી ચૂક્યું છે.
વા ટેક વાબાગઃ વોટર ટ્રિટમેન્ટ કંપનીએ સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર પાસેથી રૂ. 420 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. જેમાં રાયગઢ ખાતે 27 કરોડ લિટર પ્રતિ દિવસ વોટર ટ્રિટમેન્ટ પ્રોજેક્ટની ડિઝાઈન, બિલ્ડ અને ઓપરેશનનો સમાવેશ થાય છે. પ્લાન્ટનું બાંધકામ 42 મહિનાઓમાં કરી 15 વર્ષ માટે તેનું સંચાલન કરવાનું રહેશે.
જેબી ફાર્માઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 22 ટકા વૃદ્ધિ સાથે રૂ. 762 કરોડની આવક જ્યારે 2022-23 માટે 30 ટકા વૃદ્ધ સાથે રૂ. 3149 કરોડની આવક નોંધાવી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો એબિટા 21 ટકા વધી રૂ. 181 કરોડ જોવા મળ્યો હતો. કંપનીએ તેની નવી ઓળખની પ્રથમ એનિવર્સરી મનાવી હતી
તાતા પાવરઃ કંપનીની સબસિડિયરી તાતા પાવર રિન્યૂએબલ એનર્જીએ રાજસ્થાનમાં બિકાનેર ખાતે 110 મેગાવોટનો સોલાર એનર્જી પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યો છે. દેશમાં ટોચની રિન્યૂએબલ એનર્જી પ્લેયરે આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત એનર્જીને કેરળ સ્ટેટ ઈલેક્ટ્રીસિટી બોર્ડને સપ્લાય કરવાનો કરાર પણ કર્યો છે. પ્રોજેક્ટ 21.2 કરોડ યુનિટ્સ ગ્રીન ઈલેક્ટ્રિસિટી ઉત્પાદિત કરશે.
જીએમઆરઃ જીએમઆર ગ્રૂપે હૈદ્રાબાદ એરપોર્ટ ખાતે 8.18 લાખ ચોરસ ફૂટ વેરહાઉસ સુવિધાને એલએલપી કોર વેન્ચર્સને વેચાણ કર્યું છે. તેણે રૂ. 188 કરોડમાં આ વેચાણ કર્યું છે.
વિપ્રોઃ આઈટી સર્વિસિઝ કંપનીએ માઈક્રોસોફ્ટ ક્લાઉડ પર ફાઈનાન્સિયલ સર્વિસિઝ સોલ્યુશન માટે વિપ્રો ઈન્ડસ્ટ્રી ઈનોવેશન એક્સપિરિયન્સ લોંચ કર્યું છે.
ગ્રેવિટા ઈન્ડિયાઃ કંપનીના પ્રમોટર રજત અગ્રવાલે તેમના હિસ્સામાંથી 13 લાખ શેર્સ અથવા કુલ ઈક્વિટીનો 1.88 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ પીએસયૂ બેંકે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ પ્લેસમેન્ટ મારફતે તેમજ રૂ. 1000 કરોડ ઊભા કર્યાં છે. બેંકે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનને સૌથી મોટી ફાળવણી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage