રેટ સ્થિર રહેવાની ખુશીમાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ
બજારની નજર હવે ફેડના નિર્ણય ઉપર
આઈટી, ફાર્મા, ઓટો, બેંકિંગમાં નીકળેલી વેચવાલી
એનર્જી અને મેટલ ઈન્ડેક્સે પોઝીટીવ બંધ આપ્યું
જેબીએમ ઓટો, એચઈજી, સેરા સેનીટરી, એનટીપીસી નવી ટોચે
એનઆઈઆઈટીમાં વાર્ષિક તળિયું
ભારતીય શેરબજારમાં રિઝર્વ બેંકે રેપો રેટ સ્થિર જાળવ્યાં પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાં પણ મિશ્ર ટ્રેન્ડ પાછળ સ્થાનિક બજાર પર કોઈ પોઝીટીવ અસર પડી નહોતી. બીએસઈ સેન્સેક્સ 294 પોઈન્ટ્સ ઘટી 62849ની સપાટીએ જ્યારે નિફ્ટી 92 પોઈન્ટસની નરમાઈએ 18635ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3668 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2059 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1493 કાઉન્ટર્સે સુધારા સાથે બંધ દર્શાવ્યું હતું. 194 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 29 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દેખાડ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.66 ટકા ઘટાડે 11.25ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે ફ્લેટ શરૂઆત દર્શાવી હતી. જોકે શરૂઆતી તબક્કામાં બેન્ચમાર્ક નિફ્ટી સુધારો દર્શાવી 18778ની તાજેતરની ટોચ પર ટ્રેડ થયો હતો. આરબીઆઈએ રેટમાં વૃદ્ધિને સ્થિર જાળવતાં માર્કેટમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળ્યો હતો અને તે દિવસભર ઘસાતો રહ્યો હતો. નિફ્ટી નીચામાં 18616 પર ટ્રેડ થયો હતો. બેન્ચમાર્કે 18700નું સ્તર ગુમાવ્યું હતું. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 77 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18722ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 74ના પ્રિમીયમ જેટલું જ છે. આમ, બજારમાં કોઈ મોટી પોઝીશન લિક્વિડેટ થયાના સંકેતો નથી અને તેથી આગામી સત્રોમાં માર્કેટ સુધારાની ચાલ જાળવી રાખે તેવી પૂરી શક્યતાં છે. ટેકનિકલી નિફ્ટી હાલમાં અવરોધ ઝોનમાં છે. જેનો અપર એન્ડ 18888 છે. જો આ સપાટી પાર થશે તો જ તે નવા ઝોનમાં પ્રવેશશે. જ્યાં તેના માટે કોઈ અવરોધ રહેશે નહિ.
નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી, લાર્સન, પાવર ગ્રીડ કોર્પોરેશન, સિપ્લાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ગ્રાસિમ, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, તાતા કન્ઝ્યૂમર, બીપીસીએલ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, એક્સિસ બેંક અને તાતા મોટર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એનર્જી અને મેટલ ઈન્ડેક્સને બાદ કરતાં તમામ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. મેટલ ઈન્ડેક્સમાં સુધારાનું કારણ હેવીવેઈટ જેએસડબલ્યુ સ્ટીલમાં 2.6 ટકાની મજબૂતી હતું. એનર્જી ઈન્ડેક્સમાં સુધારા પાછળ એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પો અને તાતા પાવરમાં મજબૂતી કારણભૂત હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકાથી વધુ ગગડ્યો હતો. જેમા સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, બાયોકોન, લ્યુપિન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા અને ઝાયડસ લાઈફ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ 0.9 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસ, તાતા કન્ઝયૂમર, જ્યુબિલિઅન્ટ ફૂડ્ઝ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, એચયૂએલ, ઈમામી જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ડિક્સોન ટેક્નોલોજી 3.7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમસીએક્સ ઈન્ડિયા, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એસ્ટ્રાલ લિ., ઓએનજીસી, ભારત ફોર્જ, ઈન્ટરગ્લોબ, લાર્સન અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ આઈઈએક્સ, વોડાફોન આઈડિયા, એચપીસીએલ, ઈન્ડિયન હોટેલ્સ, ગ્રાસિમ, કોટક બેંક, સન ફાર્મા, અને ઈન્ડસ ટાવર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. જેબીએમ ઓટો, એચઈજી, સેરા સેનીટરી, એનટીપીસી નવી ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે નીટના શેરે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.
સિનિયર સિટિઝન્સ માટેની નાની બચત યોજના હેઠળ કલેક્શન્સમાં ચાર ગણી વૃદ્ધિ
2023-24માં સરકારે સ્મોલ સેવિંગ્ઝ કલેક્શન્સનો રૂ. 4.71 લાખ કરોડનો ટાર્ગેટ રાખ્યો છે
મે મહિનામાં સિનિયર સિટીઝન્સ માટેની નાની બચત યોજના હેઠળ કુલ ઉઘરાણું વાર્ષિક ધોરણે ચાર ગણું ઊંચું જોવા મળ્યું હતું એમ નાણા મંત્રાલયના અધિકારી જણાવે છે. આ સ્કિમ હેઠળ મે મહિનામાં અગાઉથી જમા રકમ ઉપરાંત નવા રૂ. 15000 કરોડનું ભંડોળ ઉમેરાયું હતું. આમ મે મહિનામાં રૂ. 24000નો ચોખ્ખો ઉમેરો થયો હતો. માસિક ધોરણે જોઈએ તો મે મહિનામાં તે 85 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. એપ્રિલમાં તે રૂ. 13000 કરોડ પર જોવા મળ્યું હતું.
કેન્દ્રિય બજેટમાં 2023-24 માટે સિનિયર સિટીઝન સેવિંગ્ઝ સ્કિમ હેઠળ ડિપોઝીટની મર્યાદામાં વૃદ્ધિ કરવામાં આવી હતી. તેને અગાઉની રૂ. 15 લાખ પરથી વધારી રૂ. 30 લાખ કરવામાં આવી હતી. તેમજ જૂન ક્વાર્ટરમાં સ્કીમે 8.2 ટકાના આકર્ષિક વ્યાજ દર ઓફર કર્યાં હતાં. જે અગાઉના ક્વાર્ટરમાં 8 ટકા પર હતાં. સ્કીમ હેઠળ દર ક્વાર્ટરમાં વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. ઊંચા ઈન્ટરેસ્ટને કારણે તેમજ ડિપોઝીટ માટેની મહત્તમ મર્યાદામાં વૃદ્ધિને કારણે ભંડોળમાં તીવ્ર ઉમેરો થયો હતો એમ અધિકારી જણાવે છે. સરકારે 2023-24 માટે સિનિયર સિટિઝન્સ સેવિંગ્ઝ સ્કિમ હેઠળ રૂ. 4.71 લાખ કરોડનો અંદાજ બાંધ્યો છે.
RBIએ રેટ સ્થિર જાળવ્યાં પછી રિઅલ્ટી શેર્સમાં વેચવાલી નોંધાઈ
એનાલિસ્ટ્સનો લોંગ ટર્મ માટે રિઅલ એસ્ટેટ સેકટરને લઈ તેજીનો વ્યૂ
ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ રેપો રેટને સતત બીજીવાર સ્થિર જાળવી રાખતાં રેટ સેન્સિટીવ ગણાતાં રિઅલ એસ્ટેટ સેક્ટરના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી અને અગ્રણી લિસ્ટેડ રિઅલ્ટી કંપનીઓના શેર્સમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 1.6 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો.
આરબીઆઈએ તેની રેટ સમીક્ષા દરમિયાન રેટને અપેક્ષા મુજબ જ સ્થિર જાળવ્યાં હતાં. જેની પાછળ ટોચના રિઅલ એસ્ટેટ શેર્સમાં કેટલુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોવાનું એનાલિસ્ટ્સનું કહેવું છે. આરબીઆઈ તરફથી બેંક્સને જે રેટ પર નાણા ધિરવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. મોટાભાગની લોન્સ રેપો રેટ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી હોય છે અને તેથી રેપો રેટની અસર ઈએમઆઈ પર પડતી હોય છે. રેપો રેટ સ્થિર રાખવાના કારણે હાઉસિંગ લોન ધારકો પર આગામી સમયગાળામાં નવો બોજ નહિ પડે અને જો આરબીઆઈ ભવિષ્યમાં રેટ ઘટાડશે તો તેમને રેટ ઘટાડાનો લાભ મળ મળી શકે છે. એનાલિસ્ટ્સના મતે રિઅલ્ટી શેર્સે છેલ્લાં બે મહિના દરમિયાન નોંધપાત્ર પોઝીટીવ દેખાવ દર્શાવ્યો હતો અને તેથી ગુરુવારે ‘સેલ ઓન પોઝીટીવ ન્યૂઝ’ જોવા મળ્યું હતું. સમગ્રતયા લક્ઝરી હાઉસિંગની ઊંચી માગ જોતાં રિઅલ્ટી શેર્સ સારો દેખાવ જાળવી રાખશે એમ તેમનું કહેવું છે. જેમાં મહાનગર સ્થિત પ્રિમીયમ હાઉસિંગ ડેવલપર્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે.
ગુરુવારે નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.59 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ 2.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત, ડીએલએફ, સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, હેમિસ્ફીઅરમાં પણ નરમાઈ જોવા મળી હતી. આ કાઉન્ટર્સે ઊંચા મથાળે કેટલુંક પ્રોફિટ બુકિંગ દર્શાવ્યું હતું એમ બજાર નિરીક્ષકોનું કહેવું છે. તેમના મતે રિઅલ્ટી કંપનીઓના શેર્સ ભલે ઘટ્યાં પરંતુ આરબીઆઈના નિર્ણયથી રિઅલ એસ્ટેટ ઉદ્યોગને મોટી રાહત સાંપડી છે. સેન્ટ્રલ બેંકરે સતત બીજી બેઠકમાં રેટ સ્થિર જાળવતાં હવે મોટાભાગનો વર્ગ માની રહ્યો છે કે રેટમાં ટોચ બની ચૂકી છે અને આગામી સમયગાળામાં તેમાં ઘટાડો પણ જોવા મળી શકે છે.
સેન્ટ્રલ બેંક 2024ના પ્રથમ ક્વાર્ટરથી રેટમાં ઘટાડો દર્શાવે તેવી શક્યતાં
મોટાભાગના અર્થશાસ્ત્રીઓના મતે રેપો રેટ ટોચ બનાવી ચૂક્યો છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ નાણા વર્ષની બીજી રેટ સમીક્ષામાં રેપો રેટ સ્થિર જાળવી રાખતાં તથા 2-2023-24 માટેના ફુગાવાના ટાર્ગેટને ઘટાડતાં અર્થશાસ્ત્રીઓ છ મહિના પછી રેટમાં ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના મતે કેલેન્ડર 2024ના પ્રથમ ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંક રેપો રેટમાં ઘટાડો દર્શાવી શકે છે. જોકે, એક નાનો વર્ગ તે અગાઉ પણ રેટમાં ઘટાડાની શક્યતાં જોઈ રહ્યો છે.
આરબીઆઈએ જ્યારે તેની એપ્રિલ બેઠકમાં રેટને સ્થિર જાળવ્યો ત્યારે જણાવ્યું હતું કે આ એક વિરામ છે અને રેટમાં ટોચ નથી બની. જોકે, સતત બીજીવાર રેટને સ્થિર જાળવી રાખવાને અર્થશાસ્ત્રીઓ રેટ વૃદ્ધિમાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેમ માની રહ્યાં છે. તેમના મતે આગામી વર્ષે સામાન્ય ચૂંટણીઓને જોતાં અર્થતંત્રમાં પૂરતી લિક્વિડીટી જળવાય રહે તે જરૂરી છે એમ આરબીઆઈ પણ સમજે છે. બીજી બાજુ, કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ આરબીઆઈના કમ્ફર્ટ ઝોનમાં ઝડપથી પરત ફરી રહ્યો છે અને તેથી આરબીઆઈ માટે રેટને સ્થિર જાળવી રાખવાની અનૂકૂળતા ઊભી થઈ છે. મહામારી તથા રશિયા-યુક્રેન યુધ્ધને કારણે ઊભી થયેલી સપ્લાય ચેઈન્સ સંબંધી સમસ્યાઓ હાલમાં લગભગ ઉકેલાઈ ચૂકી છે. જે સ્થિતિમાં ક્રૂડ અને અન્ય કોમોડિટીઝના ભાવમાં વર્તમાન સ્તરેથી મોટી તેજીની શક્યતાં જોવાઈ રહી નથી. આમ, આરબીઆઈ માટે આગામી સમયગાળામાં રેટ ઘટાડો એક સ્વાભાવિક પ્રતિક્રિયા હશે એમ તેઓ માને છે. જોકે, આગામી સપ્તાહે યુએસ ફેડ રેટ વૃદ્ધિને લઈને શું નિર્ણય લે છે તે મહત્વનો બની રહેશે. જો, યુએસ ફેડ રેટ વૃદ્ધિમાં પોઝ અપનાવશે તો આરબીઆઈનું કામ વધુ આસાન બની રહેશે. યુએસ ફેડ ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં સતત 10 વાર રેટ વૃદ્ધિ કરી ચૂકી છે.
આરબીઆઈએ રેટમાં સ્થિરતા જાળવતાં રિઅલ એસ્ટેટ, ઓટોમોબાઈલ સહિતના રેટ સેન્સિટીવ સેક્ટર્સે રાહત અનુભવી હતી. દેશમાં ટોચના રિઅલ્ટી બ્રોકરેજના મતે રેટ વૃદ્ધિમાં પોઝને કારણે ભાવિ ઘર ખરીદારને માનસિક રાહત મળી છે. રેપો રેટ સ્થિર રહેવાથી હાઉસિંગના વેચાણમાં જોવા મળતું મોમેન્ટમ જળવાય રહેવાની સંભાવના છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં હાઉસિંગ સેલ્સ નવી ટોચ પર જોવા મળ્યું છે. ટોચના સાત શહેરોમાં તે એક લાખ યુનિટ્સનો આંક પ્રથમવાર પાર કરી 1.14 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું છે. હોમ લોનના રેટમાં વૃદ્ધિ અટકતાં રિઅલ્ટી સેક્ટરને ફાયદો મળશે.
સ્ટીલ, એલ્યુમિનિયમ પર ટેરિફ મુક્તિ માટે યુએસ સાથે ભારતની મંત્રણા
ચાલુ મહિનાની આખરમાં મોદીની યુએસ મુલાકાત વખતે એગ્રીમેન્ટ કરવામાં આવે તેવી સંભાવના
સ્ટીલ અને એલ્યુમિનિયમને ટેરિફમાંથી મુક્તિ આપવાની માગણી સાથે ભારતે યુએસ સાથે મંત્રણા શરૂ કરી છે. ભારતે સામે કેટલીક જવાબી સ્વરૂપમાં કરવામાં આવેલી ટેરિફને પરત ખેંચવાની તૈયારી પણ દર્શાવી છે એમ સરકારી વર્તુળો જણાવે છે. અગાઉ યુએસ પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ વખતે આ જકાત લાગુ પાડવામાં આવી હતી.
નવી દિલ્હી અને વોશિંગ્ટન ખાતે ચર્ચામાં સંડોવાયેલાઓના માનવા મુજબ ચાલુ મહિનાની આખરમાં યુએસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે આ મુદ્દે એગ્રીમેન્ટની સંભાવના છે એમ આ મુદ્દે સાથે સીધી રીતે જોડાયેલાં બે ભારતીય અધિકારીઓ અને એક ઉદ્યોગ વર્તુળ જણાવે છે. યુએસને સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની આયાત જકાત દૂર કરવા સામે એક હકારાત્મક પ્રતિસાદરૂપે ભારતે બદામ અને અખરોટ જેવા કૃષિ ઉત્પાદનો પર પ્રતિક્રિયારૂપે લાદવામાં આવેલી આયાત જકાત દૂર કરવાની ઓફર પણ કરી છે એમ બંને સરકારી વર્તુળોનું કહેવું છે. જોકે, યુએસ મંત્રણાકારો હજુ સુધી ચર્ચામાં ફ્લેક્સિબલ જોવા મળી રહ્યાં નથી અને તેણે સ્ટીલ પરની ટેરિફ મુક્તિને લઈને શંકા ઊભી કરી છે એમ એક અધિકારી જણાવે છે. હાલમાં ચર્ચા ચાલુ છે પરંતુ તેઓ ખાસ નરમ વલણ નથી દર્શાવી રહ્યાં અને તેથી કોઈ નોંધપાત્ર પરિણામ આવશે કે નહિ તે જોવાનું રહેશે એમ તેઓ ઉમેરે છે. ભારતના વેપાર મંત્રાલયે, યુએસ ટ્રેડ પ્રતિનિધિની ઓફિસે તથા યુએસ વાણિજ્ય વિભાગે મેઈલને લઈને કોઈ ટિપ્પણી કરી નથી. આ મંત્રણા હજુ જાહેર નહિ હોવાથી અધિકારીઓએ પણ નામ નહિ આપવાની શરતે જ આ માહિતી પૂરી પાડી હતી. એક સરકારી વર્તુળના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી યુએસની મુલાકાતે જઈ રહ્યાં છે અને યુએસ ઈચ્છે છે કે ત્યાં સુધીમાં તેઓ કોઈ સારી જાહેરાત કરે, જે બંને પક્ષો માટે પોઝીટીવ હોય.
યુએસના ભૂતપૂર્વ પ્રમુખ ટ્મ્પે 2018માં સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા ટેરિફ લાગુ પાડી હતી. જેના પ્રતિભાવમાં ભારતે યુએસની 28 પ્રોડક્ટ્સ પર આયાત જકાત લાદી હતી. જેમાં બદામ, સફરજન અને અખરોટનો સમાવેશ થતો હતો.
ગો ફર્સ્ટે કામકાજી કારણોસર 12 જૂન સુધી ઉડાનો રદ કરી
મહિનાની શરૂમાં કંપનીએ ડીજીસીએ સમક્ષ 152 ઉડાનો શરૂ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું
સંકટનો સામનો કરીરહેલી ગો ફર્સ્ટે ગુરુવારે કેટલાંક ઓપરેશ્નલ કારણોસર ઉડાનોની મોકૂફીને 12 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. એક નિવેદનમાં રોકડની તંગીનો સામનો કરી રહેલી ઉડ્ડયન કંપનીએ ફ્લાઈટ્સ રદ કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. તેણે ફ્લાઈટ્સને રદ કરવા સાથે પેસેન્જર્સને સંપૂર્ણપણે રિફંડની ખાતરી આપી હતી.
અગાઉ સોમવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)ને માહિતીમાં જણાવ્યું હતું કે તે દૈનિક ધોરણે 152 ફ્લાઈટ્સ ચલાવી શકે તેમ છે એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશ્નલ અભિલાષ લાલના વહીવટ હેઠળ એરલાઈન 3 મેથી ઉડાન ભરી રહી નથી. અગાઉ તે રોજની 200 દૈનિક ફ્લાઈટ્સ ચલાવતી હતી. ચાલુ મહિનાની શરૂમાં ડીજીસીએ સમક્ષ કામગીરીને ફરી શરૂ કરવા અંગે રજૂ કરેલી યોજના મુજબ કંપનીએ તેની પાસે પૂરતાં કર્મચારીઓ હોવાનું જણાવ્યું હતું. જેમાં અંદાજે 675 પાયલોટ્સ અને 1300 કેબિન ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે એમ નોંધ્યું હતું. તેમજ 26 કામકાજી વિમાન તેના કાફલામાં હોવાનું પણ જણાવ્યું હતું. કંપનીના અધિકારીના મતે તેમણે ડીજીસીએને 22 વિમાનો સાથે 152 ફ્લાઈટ્સ ચલાવી શકાય તેમ હોવાનું કહ્યું હતું. બાકીના ચાર વિમાનો સ્પેર વિમાન તરીકે જમીન પર રહેશે. જેથી 22 વિમાનોમાંથી કોઈમાં તકલીફ સર્જાય તો ટાઈમટેબલ જાળવી શકાય. ભારતમાં સ્પોટ એરફેર્સમાં તીવ્ર વૃદ્ધિને જોતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ ગો ફર્સ્ટ તેની કામગીરીને વહેલીતકે પુનઃ શરૂ કરે તેવી આશા રાખી રહ્યું છે. ગો ફર્સ્ટ જે રૂટ્સમાં સક્રિય છે ત્યાં ભાડામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. વિમાન ભાડાને નીચા જાળવવા માટે આ એક માત્ર વિકલ્પ હોવાનું અધિકારી જણાવે છે.
મે મહિનામાં દેશમાં ફ્યુઅલની માગમાં માસિક 8 ટકા વૃદ્ધિ નોંધાઈ
ભારતમાં મે દરમિયાન બળતણની માગમાં માસિક ધોરણે 8 ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું પેટ્રોલિયમ પ્લાનીંગ એન્ડ એનાલિસીસ સેલ(પીપીએસી) જણાવે છે. મે મહિનામાં દેશમાં ફ્યુઅલની માગ 2.003 કરોડ ટન પર રહી હતી. પેટ્રોલની માગમાં સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી અને તે એપ્રિલની સરખામણીમાં 16.4 ટકા ઉછળી 33.5 લાખ ટન પર રહી હતી. જ્યારે ડિઝલની માગ 5 ટકા વૃદ્ધિ સાથે 82.2 લાખ ટન પર જોવા મળી હતી. ફ્યુઅલની માગ આર્થિક ગતિવિધિ સાથે સીધી રીતે જોડાયેલી ગણાય છે અને તેથી તેની ઊંચી માગ સૂચવે છે કે દેશમાં આર્થિક કામગીરીમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે બુલિયનમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં સતત બીજા દિવસે નરમાઈ પાછળ સોનું-ચાંદી સહિત અન્ય કોમોડિટીઝમાં પણ સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર 4 ડોલર સુધારા સાથે 1962 ડોલર પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર 1.2 ટકા સુધારે 23.80 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 30ના સુધારે રૂ. 59535ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે સિલ્વર વાયદો રૂ. 520ની મજબૂતી સાથે રૂ. 72,250 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ, નેચરલ ગેસ અને એલ્યુમિનિયમ વાયદાઓમાં પણ સાધારણ પોઝીટીવ ટ્રેડ જોવા મળતો હતો. જ્યારે લેડ, ઝીંક અને કોપર નરમાઈ સૂચવતાં હતાં. ડોલર ઈન્ડેક્સ બીજા સત્રમાં 104ની સપાટી નીચે 103.88 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે AMFIનાં પ્રયાસોની સરાહના કરતી સેબી
વર્તમાન એસેટ અન્ડર મેનેજમેન્ટને રૂ. 40 લાખ કરોડથી રૂ. 100 લાખ કરોડ પર લઈ જવાનો ટાર્ગેટ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાના ચેરમેન માધવી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડે મારફતે ઘરેલુ બચતોને શેરબજાર તરફ વાળવા માટે AMFIની ભૂમિકાની પ્રસંશા કરી હતી. મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પલેક્ક્ષ ખાતે AMFIની નવી ઑફિસના ઉદ્દઘાટન વખતે બુચે AMFIની નક્કર ભૂમિકાનાં વખાણ કર્યાં હતાં અને ઉદ્યોગની અસરકારક હિસ્સેદારીની નોંધ લીધી હતી. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે રોકાણકારોનો વિશ્વાસ ડગી જાય તેવી કોઇપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. સેબીએ AMFIની ની એથિક્સ કમિટી તેમજ ફંડ હાઉસોને અયોગ્ય પ્રેક્ટિસ કરતા કોઇપણ વ્યક્તિ વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવા સૂચના પણ આપી હતી.
AMFIના ચેરમેન એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે AMFI 2.0નો અમલ કરવા સજ્જ છે. તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ટેકનોલોજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઇએ જેથી રોકાણકારોની નવી જરૂરિયાતો પૂરી કરી શકાય એમ જણાવ્યું હતું. AMFIના સીઈઓ એનએસ વેંકટેશેના મતે AMFIના 2.0નું વિઝન ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું, રોકાણકારો માટે તાલીમ આપવાનું અને જાગૃતિ લાવવાનું છે. સેબી ચેરમેન બુચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટને વર્તમાન રૂપિયા 40 લાખ કરોડથી વધારીને રૂપિયા 100 લાખ કરોડ કરવા માટે પ્રયાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તાજેતરમાં AMFI એ તેના એપ્રિલ 2023ના માસિક ડેટા જાહેર કર્યા હતા જેમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 14,64,16,057 હતી, જે આ ઉદ્યોગમાં રોકાણકારોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. એપ્રિલમાં ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) રૂપિયા 41.62 લાખ કરોડ હતી, જ્યારે સરેરાશ AUM રૂપિયા 41.53 લાખ કરોડ હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈસીઆઈસીઆઈ બેંકઃ કેન્દ્રિય તપાસ સંસ્થા સીબીઆઈએ જણાવ્યું છે કે આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડે તેના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર સામે સ્પેશ્યલ કોર્ટમાં કાનૂની કાર્યવાહી માટે મંજૂરી આપી દીધી છે. કોચરે વિડિયોકોન જૂથને ગેરરિતીપૂર્વક લોન્સ પૂરી પાડી હોવાનો આક્ષેપ છે.
તાતા એલેક્સિઃ તાતા જૂથ કંપનીએ યુએસમાં મિશીગન ખાતે ટ્રોયમાં ઈનોવેશનહબ અને નિઅરશોર એન્જીનીયરીંગ હબ લોંચ કર્યું છે. નવું સેન્ટર ઓઈએમ્સ અને ટીયર-1 સપ્લાયર્સ માટે ઈલેક્ટ્રીક વેહીકલ્સ અને ગ્રીન મોબિલિટી, સોફ્ટવેર અને ડિજીટલ એન્જીનીયરીંગને સપોર્ટ કરશે. કંપની કટીંગ એજ આરએન્ડડી સાથે તેના સેન્ટરની સ્ટ્રેન્થને 50થી વધારી 2025 સુધીમાં 2025 કરશે.
મઝગાંવ ડોકઃ પીએસયૂ કંપનીએ 5.2 અબજ ડોલરના સબમરિન પ્રોજેક્ટ માટે જર્મનીની થીસ્સેનક્રૂપ સાથે એન્જીનીયરીંગ અને ડિઝાઈન માટે સમજૂતી કરાર સાઈન કર્યો છે. જ્યારે મઝગાંવ ડોક ભારતીય નૌકાદળને છ સબમરિન્સના બાંધકામ અને ડિલીવરી માટે જવાબદાર રહેશે.
જિંદાલ પોલીઃ કંપનીએ નેધરલેન્ડ્સ સ્થિત જેપીએફ નેધરલેન્ડ્સ ઈન્વેસ્ટમેન્ટ બીવીમાં 100 ટકા શેરહોલ્ડિંગ ખરીદવા માટે કરાર સાઈન કર્યો છે. જેની પાછળ કંપનીનો શેર 10 ટકાથી વધુ ઓપનીંગ પછી 5 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.
ટેક મહિન્દ્રાઃ આઈટી સર્વિસિઝ કંપનીમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ખરીદી ચાલુ રાખી છે. એલઆઈસીના ડિસ્ક્લોઝર મુજબ ટેક મહિન્દ્રામાં તેનો હિસ્સો વધી 8.8 ટકા પર પહોંચ્યો છે. જીવન વીમા કંપનીએ તાજેતરમાં વધુ 2 ટકા હિસ્સો ખરીદ્યો છે.
જેપી એસોસિએટ્સઃ જયપી જૂથની જયપ્રકાશ એસોસિએટ્સ રૂ. 3961 કરોડની લોન્સ ચૂકવણીમાં નાદાર બની છે. જેમાં પ્રિન્સિપલ ઉપરાંત વ્યાજની રકમનો સમાવેશ થાય છે. કંપનીએ 31 મેના રોજ વિવિધ બેંક્સને રૂ. 1600 કરોડની મુદલ અને રૂ. 2361 કરોડની વ્યાજની રકમની ચૂકવણી કરવાની થતી હતી. આ લોન્સમાં વર્કિંગ કેપિટલ, નોન-ફંડ બેઝ્ડ વર્કિંગ કેપિટલ અને એફસીસીબીનો સમાવેશ થતો હતો.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસિઝ કંપનીએ નોર્વેના પાટનગર ઓસ્લો ખાતે નવા સેન્ટરને શરૂ કરી નોર્ડિક્સ પ્રદેશમાં તેની હાજરી વધારી છે. આ સેન્ટર કંપનીને ક્લાઉડ, એઆઈ, આઈઓટી, પજી અને સોફ્ટવેર એન્જીનીયરીંગ જેવી નેક્સ્ટ-જેન ટેક્નોલોજિસ મારફતે વૈશ્વિક તકો પર કામ કરવા સક્ષમ બનાવશે.