બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મંદીવાળાઓની પકડ મજબૂત બનતાં શેરબજારમાં આગળ વધતી વેચવાલી
નિફ્ટીએ 19700નો સપોર્ટ તોડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા વધી 11.65ની સપાટીએ
પીએસઈ, ફાર્મા, ઓટોમાં મજબૂતી
એફએમસીજી, એનર્જી, આઈટીમાં નરમાઈ
મીડ-સ્મોલ કેપ્સમાં મજબૂતીએ 259 કાઉન્ટર્સ નવી ટોચે
ITC નવી ટોચ બનાવી પટકાયો
આરતી ડ્રગ્ઝ, એસજેવીએન, રાઈટ્સ, આરઈસી, કેન ફિન હોમ્સ નવી ટોચે
સ્થાનિક શેરબજારમાં સતત બીજા સત્રમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. સપ્તાહના પ્રથમ સત્રમાં બે બાજુની વધ-ઘટ પાછળ બેન્ચમાર્ક્સ મહત્વના સપોર્ટ નીચે ઉતરી ગયા હતાં. બીએસઈ સેન્સેક્સ 299.48 પોઈન્ટ્સ ગગડી 66,384.78ની સપાટીએ જ્યારે નિફ્ટી 72.65 પોઈન્ટ્સ ગગડી 19,672.35ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ નહોતી તેમ છતાં અનેક કાઉન્ટર્સે તેમની નવી ટોચ બનાવી હતી. બીએસઈ ખાતે કુલ 3855 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1940 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1759 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 259 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 53 કાઉન્ટર્સ 52-સપ્તાહનું તળિયું સૂચવતાં હતાં. 11 કાઉન્ટર્સ બાયર સર્કિટ્સમાં જ્યારે 9 કાઉન્ટર્સ સેલર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા વધી 11.65ની સપાટીએ બંધ રહ્યાં હતાં.
સોમવારે ભારતીય બજારની શરૂઆત ફ્લેટ-ટુ-પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19745ના બંધ સામે 19748.45ની સપાટી પર ખૂલી ઉપરમાં 19782.75ની ટોચ બનાવી નીચામાં 19,658.30 સુધી પટકાયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. માર્કેટમાં ઈન્ટ્રા-ડે ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 10 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 19681.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 62 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એ થાય છે કે વર્તમાન ભાવ રેંજમાં પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે અને તેથી મધ્યમગાળામાં માર્કેટ ટોચ બનાવી રહ્યું છે. આમ નવી ખરીદીમાં ખૂબ સાચવણી કરવાની રહેશે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 19700નો સપોર્ટ તૂટતાં માર્કેટમાં નજીકના ગાળામાં વધુ ઘટાડાની પૂરી અપેક્ષા છે. હવેનો સપોર્ટ 19500નો રહેશે. જેની નીચે 19200 સુધીનો ઘટાડો સંભવ છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ટોચના કાઉન્ટર્સમાં એસબીઆઈ લાઈફ, ઈન્ડસઈન્ડ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા કન્ઝ્યૂમર, અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈટીસીમાં 4 ટકા નજીકનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, બ્રિટાનિયા, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, એચયૂએલ, એલટીઆઈમાઈન્ડટ્રી, મારુતિ સુઝુકી અને નેસ્લ નોંધપાત્ર નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસઈ, ફાર્મા, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂતી જોવા મળી હતી અને તે નવી ટોચ પર પહોંચ્યો હતો. સૂચકાંકને સપોર્ટ કરનારાઓમાં આરઈસી, એનએચપીસી, પાવર ફાઈનાન્સ, ભેલ, પાવર ગ્રીડ, કોલ ઈન્ડિયા, ભારત ઈલે., કન્ટેનર કોર્પોરેશન, હિંદુસ્તાન એરોનોટિક્સ, આઈઓસીનો સમાવેશ થતો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.41 ટકા સુધારા સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેને સપોર્ટ આપવામાં આલ્કેમ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, ઝાયડસ લાઈફનો સમાવેશ થતો હતો. નિફ્ટી ઓટો પણ પોઝીટીવ બંધ રહ્યો હતો. જેની પાછળ એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, બોશ, એમઆરએફ, તાતા મોટર્સ, બજાજ ઓટો, અશોક લેલેન્ડ જેવા કાઉન્ટર્સનો સપોર્ટ કારણભૂત હતો. જોકે, આઈટીસી અને હિંદુસ્તાન લીવરમાં ઘટાડા પાછળ એફએમસીજી ઈન્ડેક્સ લગભગ બે ટકા ગગડ્યો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ એનર્જી ઈન્ડેક્સમાં નરમાઈ હતી. ટેક મહિન્દ્રા પાછળ આઈટીમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી મેટલ પણ 0.73 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં વેદાંત, મોઈલ, રત્નમણિ મેટલ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ અને હિંદુસ્તાન ઝીંકનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો 7 ટકા ઉછાળા સાથે આરઈસી ટોચ પર જોવા મળતો હતો. આ ઉપરાંત કેન ફિન હોમ્સ, પાવર ફાઈનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, ગ્લેનમાર્ક, ભેલ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, કોલગેટ, સન ટીવી નેટવર્ક, ડો. લાલપેથલેબ, પોલીકેબ, એબીબી ઈન્ડિયા, સિમેન્સ, એમસીએક્સ ઈન્ડિયા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, એસીસી, તાતા કોમ્યુનિકેશન, એસબીઆઈ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, કોફોર્જ અને એલએન્ડટી ફાઈનાન્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ યુનાઈટેડ સ્પિરિટ્સ, બાયોકોન, આઈજીએલ, અતુલ, આઈટીસી, ડિક્સોન ટેક્નોલોજી, કોટક મહિન્દ્રા, એયૂ સ્મોલ ફાઈનાન્સ, ઈન્ડિયામાર્ટ, એસઆરએફ, ટેક મહિન્દ્રા, ટીવીએસ મોટર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઈનાન્સ અને ગોદરેજ કન્ઝ્યૂમરમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. ITC નવી ટોચ બનાવી હોટેલ બિઝનેસને અલગ કરવાની જાહેરાત પાછળ ઝડપથી ઘટ્યો હતો. જ્યારે આરતી ડ્રગ્ઝ, એસજેવીએન, રાઈટ્સ, આરઈસી, કેન ફિન હોમ્સ નવી ટોચે દર્શાવી હતી.
શેરબજાર સોદાઓના ઝડપી સેટલમેન્ટ માટે સેબીના પ્રયાસો
સેબી ચેરમેન માધવી પૂરી બૂચના મતે શેરબજાર ટ્રાન્ઝેક્શન્સ ‘ઈન્સ્ટન્ટ’ બનાવીશું
માર્કેટ નિષ્ણાતોના મતે ઈન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન એટલે એકબાજુ શેર વેચો અને બીજી બાજુ પૈસા મેળવો
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી ચેરમેન માધવી પૂરી બૂચે જણાવ્યું છે કે શેરબજારમાં થતા સોદાઓના ઝડપી એટલેકે ઈન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન માટે હાલમાં તેઓ કામ કરી રહ્યાં છે. જેનો માર્કેટ નિષ્ણાતો એવો અર્થ કરી રહ્યાં છે કે એકબાજુ શેર્સ વેચો અને બીજી બાજુ પૈસા મેળવો. હાલમાં ભારત અને ચીનના બજારો વિશ્વમાં સૌથી ઝડપી સેટલમેન્ટ સાઈકલ ધરાવે છે. જેને સેબી વધુ ટૂંકી કરવા વિચારી રહી છે.
સોમવારે એક કોન્ફરન્સમાં સેબી ચેરમેને જણાવ્યું હતું કે શેરબજાર સોદાઓનું તત્કાળ સેટલમેન્ટ થાય તે દિવસો હવે દૂર નથી. આ લક્ષ્યને હાંસલ કરવા માટે રેગ્યુલેટર કેટલાંક પક્ષો સાથે મળીને કામ કરી રહ્યો છે એમ બૂચે ઉમેર્યું હતું. જેથી ટ્રાન્ઝેક્શન્સની ઝડપમાં ખૂબ જ વૃદ્ધિ થશે અને તે કલાકોમાં પૂર્ણ થશે. રેગ્યુલેટર હાલમાં નવા શેર્સ અને ડેટ પ્રોડક્ટ્સના ઈસ્યુઅન્સને ઝડપી બનાવવા પર કામ કરી રહ્યો છે. તેણે આઈપીઓની સાઈકલને અગાઉના છ દિવસોના બદલે ત્રણ દિવસની કરવાનો નિર્ણય લીધો છે. જે ડિસેમ્બર 2023થી ફરજિયાત અમલી બનશે એમ જાહેર કરવામાં આવ્યું છે. સેબી દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ મળે તે માટે કેપિટલ ફોર્મેશન(મૂડી સર્જન)ના હેતુથી અન્ય દરમિયાનગીરીના ભાગરૂપે ટેક્નોલોજી-એન્હાન્સ્ડ મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સની મંજૂરીને ઝડપી બનાવી રહી છે એમ સેબી ચેરમેન ઉમેર્યું હતું. આ પ્રયાસોને કારણે વાર્ષિક ધોરણે ઈન્વેસ્ટમેન્ટ સમુદાયને કુલ રૂ. 3500 કરોડનો લાભ મળ્યો હોવાનું તેણીએ જણાવ્યું હતું. અગાઉ ઈન્વેસ્ટમેન્ટ બેંકર અને હાલમાં માર્કેટ રેગ્યુલેટર એવા માધવી બૂચના જણાવ્યા મુજબ ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે અને તેથી જ કેપિટલ ફોર્મેશન માટે સેબીની ભૂમિકા મહત્વની બની રહી છે.
ITCએ હોટેલ્સ બિઝનેસ ડિમર્જર માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી
નવી કંપની ‘ITC હોટેલ્સ’ તરીકે ઓળખાશે
હોટેલ કંપનીમાં આઈટીસીનો હિસ્સો 40 ટકા રહેશે જ્યારે શેરધારકો 60 ટકા હિસ્સો ધરાવશે
સોમવારે સવારે એક તબક્કે HULને માર્કેટ-કેપમાં પાછળ રાખ્યાં પછી કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવાઈ
સિગારેટ જાયન્ટ આઈટીસીના બોર્ડે કંપનીના હોટેલ્સ બિઝનેસના ડિમર્જર માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. કંપનીએ સ્કીમ ઓફ એરેન્જમેંન્ટ હેઠળ આ મંજૂરી આપી હોવાનું રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું છે. પ્રસ્તાવિત રિસ્ટ્રક્ચરિંગ હોટેલ બિઝનેસને એક અલગ કંપની તરીકે કામકાજ કરવા માટેનો માર્ગ મોકળો કરશે. બોર્ડે માન્ય રાખેલા ડિમર્જર પ્લાન હેઠળ નવી કંપનીમાં બહુમતી હિસ્સો કંપનીના શેરધારકો પાસે રહેશે. જેઓ લગભગ 60 ટકા હિસ્સો ધરાવતાં હશે. જ્યારે આઈટીસી લિમિટેડ 40 ટકા હિસ્સો ધરાવતી હશે.
આ સ્ટ્રેટેજિક પગલાનું કારણ કંપનીનો હોસ્પિટાલિટી સેક્ટરમાં સતત જોવા મળતો રસ છે. જે નવી કંપનીને લાંબા ગાળા માટે સ્થિરતા અને ઝડપી વૃદ્ધિ અને મૂલ્ય સર્જનમાં સહાયતા પૂરી પાડશે. આઈટીસીના ચેરમેન સંજીવ પૂરીએ જણાવ્યા મુજબ આઈટીસી અને નવી કંપની, બંનેને પરસ્પર સિનર્જિનો લાભ મળતો રહેશે. સોમવારે સવારે આઈટીસીનો શેર રૂ. 499ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો અને માર્કેટ-કેપમાં તેણે હિંદુસ્તાન યુનિલીવરને પણ પાછળ રાખી દીધી હતી. જોકે, કંપની તરફથી હોટેલ બિઝનેસની ડિમર્જર યોજના જાહેર થયાં પછી શેરમાં વેચવાલી જોવા મળી હતી અને કંપનીનો શેર ઊંધા માથે પટકાયો હતો. તે લગભગ 4 ટકા આસપાસનો ઘટાડો દર્શાવતો હતો. શુક્રવારે રૂ. 6 લાખ કરોડની ઉપરના માર્કેટ-કેપ સાથે બંધ રહેલો શેર સોમવારે રૂ. 5.87 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે બંધ જોવા મળ્યો હતો. કાઉન્ટરમાં જંગી કામકાજ જોવા મળ્યાં હતાં. નોંધપાત્ર સમયગાળા પછી આઈટીસીના શેરમાં ઊંચી વેચવાલી જોવા મળી હતી. જે છેલ્લાં બે મહિનાથી સતત નવી ટોચ દર્શાવતો રહ્યો હતો. કેલેન્ડર 2023માં કંપનીનો શેર 48 ટકાનું રિટર્ન દર્શાવતો હતો આઈટીસી સિગારેટ ઉપરાંત એફએમસીજી, પેપર અને હોટેલ્સ બિઝનેસમાં સક્રિય છે. કંપની 3 ટકાથી ઊંચું ડિવિડન્ડ યિલ્ડ ધરાવે છે.
ગયા સપ્તાહે વૈશ્વિક બ્રોકિંગ કંપની જેફરિઝે આઈટીસીના શેર માટેનો ટાર્ગેટ રૂ. 520થી વધારી રૂ. 530 કર્યો હતો. જે વર્તમાન સ્તરેથી 15 ટકા આસપાસની વૃદ્ધિ સૂચવે છે. કંપની તરફથી વૈકલ્પિક હોટેલ બિઝનેસ સ્ટ્રક્ચર પાછળ બ્રોકરેજે આમ કર્યું હતું. જોકે, સોમવારે કંપનીની જાહેરાત પછી કાઉન્ટરમાં વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ કંપની તરફથી નવી કંપનીમાં માત્ર 40 ટકા હિસ્સો પોતાની પાસે જાળવવાની બાબત જવાબદાર હતી. જ્યારે રોકાણકારોના ભાગે 60 ટકા હિસ્સો ફાળવવામાં આવશે. ફંડ મેનેજર્સ જોકે સોમવારના પ્રાઈસ કરેક્શને અકારણ ગણાવતાં હતાં. તેમના મતે હોટેલ બિઝનેસ માટે સૌથી બુલીશ અંદાજ પણ રૂ. 20 પ્રતિ શેરથી ઊંચું મૂલ્ય નથી દર્શાવતો.
બાઈજુસે ખર્ચ ઘટાડવા બેંગલૂરુની સૌથી મોટી ઓફિસ સ્પેસ ખાલી કરી
કંપની 5.58 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરી મહિને ભાડામાં રૂ. 3 કરોડની બચત કરશે
ભારતની સૌથી ઊંચું વેલ્યૂ ધરાવતી એડટેક કંપની બાઈજુસે તેની બેંગલૂરૂ સ્થિત સૌથી મોટી ઓફિસને ખાલી કરી છે. કંપનીએ ફંડીંગમાં વિલંબ વચ્ચે લિક્વિડીટીનું લેવલ ઊંચું જાળવવા માટે ખર્ચમાં ઘટાડાના ભાગરૂપે આમ કર્યું છે. તેણે શહેરમાં અન્ય ઓફિસનો કેટલોક હિસ્સો પણ ખાલી કર્યો હોવાનું વર્તુળોનું કહેવું છે.
બેંગલૂરુ ખાતે બાઈજુસ કુલ ત્રણ ઓફિસ ધરાવે છે. જેમાં કલ્યાણી પાર્ક ખાતે તેણે ખાલી કરેલી 5.58 લાખ ચોરસ ફૂટ ઓફિસનો પણ સમાવેશ થાય છે. કંપનીએ તેના કર્મચારીઓને 23 જુલાઈથી તેની અન્ય ઓફિસીસ ખાતેથી અથવા તેમના ઘરેથી કામ કરવા માટે જણાવ્યું છે. કંપનીના લગભગ છ કર્મચારીઓએ આ વાતને સમર્થન આપ્યું હતું. કંપનીએ પ્રેસ્ટીજ ટેક પાર્કમાંના નવમાંથી બે ફ્લોર્સને પણ છોડી દીધાં હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. બાઈજુસ દેશમાં કુલ 30 લાખ ચો.ફૂટથી વધુ ભાડાની જગ્યા ધરાવે છે. ઓફિસ સ્પેસમાં વૃદ્ધિ કે ઘટાડો કામકાજી નીતિમાં તથા બિઝનેસ અગત્યતામાં ફેરફારોને આધારે જોવા મળતો હોય છે. જે હંમેશા ચાલતી પ્રક્રિયા છે અને તેનો હેતુ કામકાજી કાર્યદક્ષતામાં વૃદ્ધિનો છે એમ બાઈજુસના પ્રવક્તાએ જણાવ્યું હતું. કંપનીએ ગયા વર્ષે જૂનમાં બ્રૂકફિલ્ડમાં કલ્યાણી ટેક પાર્કમાં મેગ્નોલી ને ઈબોની, એમ બે બિલ્ડિંગ્સ ભાડે લીધાં હતાં. જેમાં મેગ્નોલીને ગયા મહિને ખાલી કર્યું હતું અને કર્મચારીઓને ઈબોની ખાતે શિફ્ટ કર્યાં હતાં. તેણે તમામ કર્મચારીઓને પ્રેસ્ટજ ટેક પાર્ક ઓફિસ ખાતેથી તથા તેની મુખ્ય ઓફિસ બાનેઘટ્ટા મેઈન રોડ ખાતેથી કામ કરવા જણાવ્યું હતું એમ કર્મચારીઓનું કહેવું છે. કલ્યાણી ટેક પાર્કના સિક્યૂરિટી પર્સનલે પણ આ ઘટનાની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાથી એબોનીને પણ છોડવામાં આવશે. ગયા સપ્તાહે કંપનીએ ઈબોની ખાતે છમાંથી ચાર ફ્લોર્સ ખાલી કર્યાં હતાં. જ્યારે બાકીની જગ્યા ઓગસ્ટ સુધીમાં છોડી દેશે. કંપની આ 5.58 લાખ ચો.ફુટ જગ્યા ખાલી કરવાથી મહિને રૂ. 3 કરોડનું ભાડુ બજાવશે. બાઈજુસ વર્ષની શરૂઆતથી 70 કરોડ ડોલરનું ફંડીંગ મેળવવા પ્રયાસ કરી રહી છે. જોકે, હજુ સુધી તે આમ કરી શકી નથી. કંપનીએ ગયા મહિને 1000 કર્મચારીઓને છૂટાં કર્યાં હતાં. બાઈજુસે 2020-21માં રૂ. 4500 કરોડની જંગી ખોટ દર્શાવી હતી.
સરકારે ચીનની BYDના EV પ્લાન્ટના પ્રસ્તાવને ફગાવ્યો
ચાઈનીઝ કંપનીએ હૈદરાબાદની મેઘા એન્જિનીયરીંગ સાથે મળી 1 અબજ ડોલરનું રોકાણ કરશે તેમ જણાવ્યું હતું
કેન્દ્ર સરકારે ચીનની કારમેકર બીવાયડી કું.ના સ્થાનિક ભાગીદાર સાથે મળી એક અબજ ડોલરના રોકાણ સાથએ ઈલેક્ટ્રીક વેહીકલ પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને ફગાવ્યો હોવાનું જાણકારોનું કહેવું છે. સરકારે બીવાયડી અને હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સના પ્લાનને રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર ફગાવ્યો હોવાનું વર્તુળો ઉમેરે છે. ચાઈનીઝ ટેક્નોલોજીનો ઉપયોગ મોટી ચિંતાનો વિષય હોવાનું એક વર્તુળ નામ નહિ આપવાની શરતે જણાવે છે.
સામાન્યરીતે ભારતમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ માટે કોઈ મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. જોકે, ભારત સાથે સરહદથી જોડાયેલા દેશોની કંપનીઓ તરફથી દેશમાં રોકાણ માટે આ પ્રકારની મંજૂરીની આવશ્યક્તા રહે છે. આવી કંપનીઓએ વિદેશ મંત્રાલય તથા ગૃહ મંત્રાલય તરફથી સિક્યૂરિટી ક્લિઅરન્સ મેળવવાનું રહે છે. બીવાયડીએ આ અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે 1989માં સ્થપાયેલી અને પાવરથી ટ્રાન્સપોર્ટ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં પ્રોજેક્ટ ધરાવતી મેઘાના પ્રતિનિધિઓએ પણ કોઈ પ્રતિભાવ પાઠવ્યો નહોતો. સરકારના સંબંધિત મંત્રાલયો તરફથી પણ સત્તાવાર રીતે કશું જણાવાયું નહોતું.
ભારત ચીન સાથેની સરહદ પર કેટલાંક લોહિયાળ ઘર્ષણો પછી દેશમાં ચીન તરફથી રોકાણ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. ચાઈનીઝ કંપની ગ્રેટ વોલ મોટરે ભારતમાં જનરલ મોટર્સના પ્લાન્ટને ખરીદવા માટે કરેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. કેમકે તેને સરકાર તરફથી ડીલ કરવા માટે મંજૂરી મળી નહોતી. સરકાર એસએઆઈસી મોટર કોર્પોરેશનના સ્થાનિક યુનિટ એમજી મોટર ઈન્ડિયામાં પણ કહેવાતી નાણાકિય ગેરરિતીઓની તપાસ કરી રહી હોવાનું બ્લૂમબર્ગે ગયા વર્ષે નોંધ્યું હતું. જ્યારપછી એમજી મોટરે બિઝનેસમાંનો તેનો 100 ટકા હિસ્સો વેચવા માટેની જાહેરાત કરી હતી. કંપની તેને આગામી બેથી ત્રણ વર્ષોમાં ભારતીય જૂથની બહુમતી માલિકીની કંપની બનાવવાનો ટાર્ગેટ પણ ધરાવે છે.
સરકાર તરફથી તાજેતરના ઈન્કારને બીવાયડી જૂથના ભારતમાં મહત્વાકાઁક્ષી પ્લાનને મોટો ફટકો આપ્યો છે. 2007માં ભારતમાં પ્રવેશેલી કંપની 2030 સુધીમાં સ્થાનિક ઈવી માર્કેટનો 40 ટકા હિસ્સો મેળવવા માગે છે એમ તેના સ્થાનિક ઓપરેશન્સના સિનિયર વીપી સંજય ગોપાલકૃષ્ણને જણાવ્યું હતું. તે ચાલુ વર્ષે ભારતમાં 15 હજાર ઈવીના વેચાણનો ટાર્ગેટ ધરાવી રહી છે. ભારતમાં અન્ય કોઈ દેશ તરફથી રોકાણને જોખમ તરીકે ગણનામાં નથી લેવાતું. ગયા મહિને યુએસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ ટેસ્લાના એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. જ્યારપછી મસ્કે તે ભારતમાં નોંધપાત્ર રોકાણ કરશે એવી શક્યતાં વ્યક્ત કરી હતી.
સ્વિગી કર્મચારીઓ પાસેથી 5 કરોડ ડોલરના ESOPs પરત ખરીદશે
કંપની અગાઉ 2018માં 40 લાખ ડોલર, 2020માં 90 લાખ ડોલર અને 2022માં 2.3 કરોડ ડોલરના ઈસોપ્સ બાયબેક કરી ચૂકી છે
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ સોમવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે તે કંપનીના કર્મચારીઓ પાસેથી ઈસોપ્સની પરત ખરીદી કરશે. કંપનીના જણાવ્યા મુજબ કર્મચારીઓ પાસે ઈસોપ્સનું વેચાણ કરી 5 કરોડ ડોલરની લિક્વિડીટી મેળવવાનો વિકલ્પ રહેશે. આ ઘટના ડાઈનઆઉટ સાથે જોડાયેલા યોગ્યતા ધરાવતાં કર્મચારીઓને લાગુ પડશે. કંપનીની ખરીદી હજુ ગયા વર્ષે જ કરવામાં આવી છે તેમ છતાં તેમને લાભ મળશે.
સ્વિગીના એચઆર હેડે જાહેરાત પછી જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ 2022 અને 2023માં સ્વિગીએ બે અલગ ઘટનાઓ મારફતે કર્મચારીઓ માટે સંપત્તિ સર્જનના ભાગરૂપે એક અલગ પ્રકારનો ઈસોપ પ્રોગ્રામ જાહેર કર્યો હતો. અમારી ટીમ એ સ્વિગીની સૌથી મૂલ્યવાન એસેટ છે અને પ્રતિકૂળ મેક્રોઈકોનોમિક સ્થિતિમાં પણ સ્વિગીની સફળતાને વહેંચવા માટે અમારી પ્રતિબધ્ધતા જાહેર કરતાં અમે ખુશ છીએ એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, કંપનીએ બ્રેકઅપ અંગે તથા દરેક શેરના ભાવ અંગે કોઈ વધુ માહિતી નહોતી આપી. 2018થી અત્યાર સુધીમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ચાર વખત ઈસોપ્સની ખરીદી કરી ચૂક્યું છે. તેમજ તે દર વર્ષે ખરીદીનું કદ વધારી રહી છે. 2018માં તેણે 40 લાખ ડોલરના મૂલ્યના શેર્સ બાયબેક કર્યાં હતાં. જે આંકડા 2020માં 90 લાખ ડોલર અને 2022માં 2.3 કરોડ ડોલર પર જોવા મળતો હતો. ચાલુ વર્ષે તે 5 કરોડ ડોલરના શેર્સ પરત ખરીદશે. એ બાબત નોંધવી રહી કે કંપનીના વેલ્યૂએશનમાં એકથી વધુ રોકાણકારો ઘટાડી કરી ચૂક્યાં છે. યુએસ સ્થિત એસેટ મેનેજમેન્ટ કંપની બેરોન કેપિટલે સ્વિગીનું મૂલ્ય 34 ટકા જેટલું ઘટાડ્યું છે. તેણે યુએસ રેગ્યુલેટર એસઈસી સમક્ષ ફૂડટેક યુનિકોર્નનું વેલ્યૂ 7.3 અબજ ડોલરનું અંદાજ્યું છે. બેરોન કેપિટલ સ્વિગીમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ અગાઉ એક અન્ય રોકાણકાર ઈન્વેસ્કોએ પણ સ્વિગીના મૂલ્યને ચાર મહિનામાં બે વાર ઘટાડી 5.5 અબજ ડોલર નિર્ધારિત કર્યું હતું.
જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ ETFsમાં રૂ. 298 કરોડનો ઈનફ્લો નોંધાયો
અગાઉ સતત ત્રણ ક્વાર્ટર્સ સુધી ગોલ્ડ ઈટીએફ્સમાં આઉટફ્લો જોવા મળ્યો હતો
માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફ્સમાંથી રૂ. 1243 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો
સતત ત્રણ ક્વાર્ટર સુધી આઉટફ્લો દર્શાવ્યાં બાદ ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ(ETFs)માં જૂન ક્વાર્ટરમાં રૂ. 298 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર મજબૂતીને જોતાં રોકાણકારો ફરી ગોલ્ડ ઈટીએફ્સ તરફ વળ્યાં હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. તેમના મતે રોકાણકારો તેમની અન્ય એસેટ્સમાંથી કેટલોક હિસ્સો સેફ હેવનરૂપી ગોલ્ડમાં ઠાલવી રહ્યાં છે.
જોકે વાર્ષિક ધોરણે જોઈએ તો ગોલ્ડ ઈટીએફ્સમાં ઈનફ્લો 80 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા મુજબ ગોલ્ડ ઈટીએફ્સના એસેટ બેઝ અને ફોલિયો નંબર્સમાં જૂન ક્વાર્ટર દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. ડેટાનો અભ્યાસ કરીએ તો જોવા મળે છે કે જૂનમાં રૂ. 298 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1243 કરોડના આઉટફ્લો કરતાં નીચો હતો પરંતુ લાંબા સમયગાળા પછી પોઝીટીવ બન્યો હતો. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 320 કરોડનો જ્યારે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં રૂ. 165 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જોકે, જૂન 2022 ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 1,438 કરોડનો નોંધપાત્ર ઈનફ્લો નોંધાયો હતો. છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સ દરમિયાન ગોલ્ડ ઈટીએફ્સમાં મધ્યમસ્તરના ફ્લોનું કારણ લોંગ-ટર્મ કેપિટલ બેનિફિટ્સનું દૂર થવું તેમજ સ્થાનિક ઈક્વિટી માર્કેટ્સની સરખામણીમાં ગોલ્ડનું અન્ડરપર્ફોર્મન્સ જવાબદાર હોય શકે છે. જોકે, નવેમ્બર 2022માં 1620 ડોલરનું અઢી વર્ષોનું તળિયું બનાવી ગોલ્ડ માર્ચ 2023માં 2050 ડોલર સુધીનો ઉછાળો દર્શાવતું હતું. આમ, ગોલ્ડે ટૂંકાગાળામાં ઝડપી રિટર્ન દર્શાવ્યું હતું. જેણે લગભગ ત્રણ ક્વાર્ટર પછી રોકાણકારોને ગોલ્ડ ઈટીએફ્સ તરફ પરત આકર્ષ્યાં હતાં એમ તેઓ ઉમેરે છે.
બેઈન કેપિટલ અદાણી કેપિટલમાં 90 ટકા હિસ્સો ખરીદવા સહમત
યુએસ પીઈ ઈન્વેસ્ટર બેઈન કેપિટલ અદાણી જૂથની એનબીએફસી કંપની અદાણી કેપિટલનો 90 ટકા હિસ્સો ખરીદવા માટે સહમત થયો છે. જે સાથે અદાણી જૂથ એનબીએફસી બિઝનેસમાંથી બહાર નીકળી રહી છે. બેઈન કંપની અદાણી કેપિટલ એન્ડ અદાણી હાઉસિંગમાં 90 ટકા હિસ્સો ખરીદશે. કંપની અદાણી પરિવારના કંપનીમાંના તમામ ઈન્વેસ્ટમેન્ટ્સને ખરીદશે. જ્યારે કંપનીમાં 10 ટકા હિસ્સો કંપનીના વર્તમાન એમડી અને સીઈઓ ગૌરવ ગુપ્તા પાસે રહેશે. બેઈનની ખરીદી પછી પણ તેઓ કંપનીના આ હોદ્દો સંભાળી રાખશે. બેઈન કેપિટલે અદાણી કેપિટલના વર્તમાન ગ્રોથને સહાય માટે 12 કરોડ ડોલર માટે કમિટમેન્ટ પણ આપ્યું છે. આ ઉપરાંત તે કંપનીની લિક્વિડીટી લાઈન માટે એનસીડી સ્વરૂપમાં તત્કાળ 5 કરોડ ડોલર પૂરાં પાડશે.
જૂન ક્વાર્ટરમાં વીજ વપરાશમાં 1.8 ટકા વૃદ્ધિ નોંધાઈ
દેશમાં એપ્રિલ-જુન ક્વાર્ટરમાં વીજ વપરાશમાં વાર્ષિક ધોરણે સાધારણ 1.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 407.76 અબજ યુનિટ્સ પર રહી હતી એમ સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીનો ડેટા જણાવે છે. જૂનની શરૂમાં દૈનિક ધોરણે વીજ વપરાશનો નવો વિક્રમ બન્યો હતો. જોકે, પાછળથી વપરાશ ગયા વર્ષના સ્તરે જ જળવાયો હતો. કમોસમી વરસાદ, બિપરજોય વાવાઝોડું સહિતના કારણોસર વપરાશમાં ઊંચી વૃદ્ધિ નહોતી જોવા મળી. 2022માં જૂન ક્વાર્ટરમાં 400.44 અબજ યુનિટ્સનો વીજ વપરાશ જોવા મળ્યો હતો. જે વાર્ષિક ધોરણે 17.6 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવતો હતો. જૂન 2021 ક્વાર્ટરમાં વીજ વપરાશ 340.37 અબજ યુનિટ્સ પર જળવાયો હતો.
કોર્પોરેટ રાઉન્ડ અપ
પ્રાટ એન્ડ વ્હિટનીએ ગો ફર્સ્ટને નવો એન્જીન લીઝ એગ્રીમેન્ટ ઓફર કર્યો
એરલાઈન કંપની ગો ફર્સ્ટ અને એન્જિન ઉત્પાદક પ્રાટ એન્ડ વ્હિટની વચ્ચે એરલાઈન કંપનીની કામગીરીમાં વૃદ્ધિ માટે નવા લીઝ એગ્રીમેન્ટ અંગે વિચારણા ચાલી રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ પીએન્ડડબલ્યુએ નવેસરથી લીઝ એગ્રીમેન્ટ લંબાવ્યો છે. જેમાં નવી શરતો અને પ્રાઈસ ઓફર કર્યાં છે. સિંગાપુર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર તરફથી વચગાળાના ઓર્ડર પછી આમ બન્યું છે. સિંગાપુર સ્થિત આર્બિટ્રેટરે પીએન્ડડબલ્યુને ગો ફર્સ્ટને મહિને પાંચ એન્જિન્સ સપ્લાય કરવા માટે જણાવ્યું હતું. જાણકાર વર્તુળોના મતે બંને પક્ષોએ સિંગાપુર આર્બિટ્રેટરના આદેશને ધ્યાનમાં લઈને સમાધાન માટે પ્રયાસ કરવાનું નક્કી કર્યું હતું. જેના પરિણામે પીએન્ડડબલ્યુએ નવા લીઝ એગ્રીમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં ગો ફર્સ્ટ તરફથી આ નવા પ્રસ્તાવનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગો ફર્સ્ટની નાણાકિય મુશ્કેલીઓ જગજાહેર છે. કંપની ઈન્સોલ્વન્સી માટે ફાઈલ કરી ચૂકી છે. જોકે, તેણે યુએસ એન્જિંગ ઉત્પાદકને પેમેન્ટમાં નાદાર બન્યાંનું પણ સ્વીકાર્યું છે. વર્તુળોના મતે પીએન્ડડબલ્યુ મહિને પાંચ એન્જિન આપવા માટે સહમત થઈ છે. તે જ્યાં સુધી આમ કરી શકશે ત્યાં સુધી આર્બિટ્રેડરના આદેશનું પાલન કરશે.
વેદાંતની ડિવિડન્ડ ચૂકવણીથી લેન્ડર્સ ચિંતિત
કોમોડિટી કંપની વેદાંત તરફથી ઊંચા પ્રમાણમાં ડિવિડન્ડ ચૂકવણીને કારણે કંપનીના લેન્ડર્સની ચિંતા વધી છે. કંપનીનું મેનેજમેન્ટ તેની પેરન્ટ કંપનીના ડેટના ભારણને હળવું કરવાના ભાગરૂપે સતત ઊંચું ડિવિડન્ડ આપી રહ્યું છે જેને કારણે તેની બેલેન્સ શીટ પર ભારણ વધી શકે છે એમ બે બેંકર્સ વર્તુળ જણાવે છે. બેંકર્સના મતે કેટલાંક લેન્ડર્સ વેદાંતને લઈને તેમના વલણ અંગે ચર્ચા કરી રહ્યાં છે. કંપની તરફથી તેની લંડન સ્થિત પેરન્ટ વેદાંત રિસોર્સિસના ઊંચા ડેટને ઓછું કરવા માટે આપવામાં આવી રહેલા ઊંચા ડિવિડન્ડથી તેઓ વ્યાકુળ બન્યાં છે એમ તેઓ ઉમેરે છે. બેંકર્સ નજીકથી તેમના એક્સપોઝર પર નજર નાખી રહ્યાં છે. જોકે, સાથે તેઓ ઉમેરે છે કે કંપની સમયસર ડેટનું ચૂકવણું કરી રહી છે. હાલમાં જોકે, કંપનીને લઈને લોકોની માન્યતા કોઈ ખાસ સારી નથી. અમારામાંના ઘણા નવું એક્સપોઝર ટાળી રહ્યાં છે કેમકે ઊંચા ડિવિડન્ડને લઈ ભારતીય સબસિડિયરી પર તણાવ વધી શકે છે એમ એક બેંકર નામ નહિ આપવાની શરતે જણાવે છે. વેદાંતમાં વેદાંત રિસોર્સિસ 68.1 ટકા હિસ્સો ધરાવે છે.
NHPC રૂ. 1.76 લાખ કરોડના ખર્ચે પંપ્ડ સ્ટોરેજ યુનિટ્સ સ્થાપશે
અગ્રણી પીએસયૂ વીજ ઉત્પાદક કંપની એનએચપીસી રૂ. 1.4-1.76 લાખ કરોડના ખર્ચે પંપ્ડ હાઈડ્રોપાવર સ્ટોરેજ ક્ષમતા સ્થાપવા માટે તૈયાર છે. આ રોકાણ મારફતે કંપની દેશભરમાં 20000-22000 મેગાવોટ વીજ ક્ષમતા ઊભી કરશે. કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર આ માટે પ્રતિ મેગાવોટ રૂ. 7-8 કરોડની જરૂરિયાત રહેતી હોય છે. કંપની ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં મોટાપાયે આ માટે રોકાણ કરશે. તેણે રાજ્ય સરકારો સાથે એમઓયૂ પણ હાથ ધર્યાં છે. જૂનમાં તેણે ઓડિશા સાથે 2000 મેગાવોટ ક્ષમતા માટે કરાર કર્યાં હતાં. તેણે ગ્રીડકો લિ. સાથે પણ એમઓયૂ કર્યાં છે. મહારાષ્ટ્રમાં પણ કંપની 7350 મેગાવોટ ક્ષમતાની સ્થાપના કરશે. કંપની હાલમાં ટેકનીકલ ફિસિબિલિટી અને કમર્સિયલ વાયેબિલિટીની ચકાસણી કરી રહી છે. સરકાર 50000 મેગાવોટની પંપ્ડ સ્ટોરેજ ક્ષમતા ઉમેરવા ધારે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ક્રેડિટ એક્સેસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 348 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષમાં સમાનગાળામાં જોવા મળતાં રૂ. 138 કરોડના પ્રોફિટની સરખામણીમાં 150 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 736 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 38 ટકા ઉછળી રૂ. 1105 કરોડ પર જોવા મળી હતી.
સીએમએસ ઈન્ફોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 84 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષમાં સમાનગાળામાં જોવા મળતાં રૂ. 69 કરોડના પ્રોફિટની સરખામણીમાં 20 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 453 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 15 ટકા ઉછળી રૂ. 511 કરોડ પર જોવા મળી હતી.
તીતાગઢ રેલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 61.7 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 60 લાખની ખોટ દર્શાવી હતી. આમ કંપની ફરીથી નફો કરતી થઈ છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 431 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 120 ટકા ઉછળી રૂ. 910 કરોડ પર જોવા મળી હતી.
પીએનબી ગિલ્ટ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 58 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 88.9 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 281.4 કરોડની આવક સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 373.9 કરોડની આવક દર્શાવી હતી.
આઈજીએલઃ ઈન્દ્રપ્રસ્થ ગેસે જૂન ક્વાર્ટરમાં રૂ. 522 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 481.24 કરોડના નફાની સરખામણીમાં 8.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું નેટ સેલ્સ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3,193.85 કરોડની સરખામણીમાં 17.78 ટકા ઉછળી ચાલુ વર્ષે રૂ. 3,761.85 કરોડ પર જોવા મળ્યું હતું.
ડોડલા ડેરીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 35 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષમાં સમાનગાળામાં જોવા મળતાં રૂ. 24.9 કરોડના પ્રોફિટની સરખામણીમાં 36 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 720 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 14 ટકા ઉછળી રૂ. 8231 કરોડ પર જોવા મળી હતી.
એયૂ સ્મોલ ફાઈ. બેંકઃ સ્મોલ ફાઈનાન્સ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 387 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે એનાલિસ્ટ્સના રૂ. 268 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો હતો.