બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં ઊંચા મથાળે વેચવાલીના દબાણ પાછળ મંદીની હેટ્રિક
સેન્સેક્સ સતત ત્રીજા દિવસે નેગેટીવ જોવા મળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 12 ટકા ગગડી 10.24ની સપાટીએ
મેટલ, એનર્જી, ઓટો, ફાર્મામાં મજબૂતી
નિફ્ટી મેટલ 3 ટકા ઉછળ્યો
બેંકિંગ, આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ
જ્યોતિ લેબ્સ, થર્મેક્સ, ટીવીએસ મોટર નવી ટોચે
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારમાં વેચવાલીનું દબાણ જળવાયું છે. સતત ત્રીજા સત્રમાં બેન્ચમાર્ક્સ નરમાઈ દર્શાવતાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સે 29 પોઈન્ટ્સના ઘટાડા સાથે 66,355.71ની સપાટી પર મંદીની હેટ્રીક મારી હતી. જોકે, નિફ્ટી 8.25 પોઈન્ટ્સના સાધારણ સુધારે 19,680.60ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. માર્કેટમાં બ્રેડ્થ સાધારણ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3673 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1808 કાઉન્ટર્સ નેગેટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1731 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 249 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 39 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 12 ટકા ગગડી 10.24ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે સપ્તાહના બીજા સત્ર દરમિયાન નિફ્ટીએ પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક અગાઉના સત્રના 19,672.35ના બંધ સામે 19,729.35ની સપાટી પર ખૂલ્યો હતો. જોકે, તેની ઓપનીંગ સપાટી જ દિવસની ટોચ બની રહી હતી. નીચામાં તે 19616 સુધી ગગડ્યો હતો અને પરત ફરી સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 14 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19695ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 10 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ દર્શાવતો હતો. જેનો અર્થ એવો કરી શકાય કે નીચા મથાળે લોંગ પોઝીશનમાં સાધારણ ઉમેરો થયો છે અને બજારમાં ઘટાડો અટકી શકે છે. ચાલુ સપ્તાહ જુલાઈ સિરિઝ એક્સપાયરીનું છે અને તેથી બજારમાં એક સુધારો જોવા મળી શકે છે. જોકે, સોમવારે નિફ્ટી 19700નો સપોર્ટ ગુમાવી ચૂક્યો હતો અને તેથી ટેકનિકલ એનાલિસ્ટ્સ 19700ની ઉપર જ ખરીદી માટે જણાવે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મહત્વના કાઉન્ટર્સમાં હિંદાલ્કો, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, અલ્ટ્રાટેકસિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ટાઈટન કંપની, તાતા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એમએન્ડએમ, ઓએનજીસી અને એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, લાર્સન, બ્રિટાનિયા, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ અને એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સિસની વાત કરીએ તો મેટલ, એનર્જી, ઓટો, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 5.62 ટકા ઉછળી રૂ. 664.70ની ટોચ પર બંધ આવ્યો હતો. આ ઉપરાંત હિંદાલ્કો, તાતા સ્ટીલ, જએસડબલ્યુ સ્ટીલ, એપીએલ એપોલો, નાલ્કો, સેઈલ અને વેદાંતે પણ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.3 ટકા ઉછળ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 10 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગેઈલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન અને ઓએનજીસીનો સમાવેશ પણ થાય છે. નિફ્ટી પીએસઈ 0.71 ટકા મજબૂતી સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં ગેઈલ, નાલ્કો, સેઈલ, એનટીપીસી, પાવર ગ્રીડ, ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી સુધારો દર્શાવનારા મુખ્ય કાઉન્ટર્સ હતાં. નિફ્ટી ફાર્મા પણ 0.36 ટકા મજબૂતી સાથે નવી ટોચ પર જોવા મળ્યો હતો. જેમાં આલ્કેલ લેબ, ટોરેન્ટ ફાર્મા, ઝાયડસ લાઈફ, ડિવિઝ લેબ્સ, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા અને લ્યુપિન જેવા કાઉન્ટર્સ મજબૂતી સૂચવતાં હતાં. જોકે, નિફ્ટી પીએસયૂ બેંક્સમાં દોઢ ટકાનો ઘટાડો નોઁધાયો હતો. નાની બેંકિંગ કંપનીઓના શેર્સમા વેચવાલી પાછળ આમ બન્યું હતું. જેએન્ડકે બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંક, પીએનબી, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયામાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઝી એન્ટરટેઈનમન્ટ 6.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નોંધપાત્ર સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં ટીવીએસ મોટર, જિંદાલ સ્ટીલ, હિંદ કોપર, એસીસી, આલ્કેમ લેબ, અંબુજા સિમેન્ટ્સ, ગેઈલ, મહાનગર ગેસ, હિંદાલ્કો, જીએમઆર એરપોર્ટ્સ, તાતા સ્ટીલ, જેકે સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો, સેઈલ, ડિક્સોન ટેક્નોલોજી, એનટીપીસી અને ઈન્ડિયા સિમેન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કેન ફિન હોમ્સ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડિયામાર્ટ, એલએન્ડટી ફાઈનાન્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, ડીએલએફ, નવીન ફ્લોરિન, પીએનબી, અતુલ, કેનેરા બેંક અને આઈટીસીમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જ્યોતિ લેબ્સ, થર્મેક્સ, ટીવીએસ મોટરનો સમાવેશ થતો હતો.
લાર્સન રૂ. 10 હજાર કરોડના શેર્સ બાયબેક કરશે
કંપની મહત્તમ રૂ. 3000 પ્રતિ શેરના ભાવે પરત ખરીદી કરશે
કુલ 3,33,33,333 શેર્સનું બાયબેક હાથ ધરશે
કંપનીનો જૂન ક્વાર્ટર નફો 46 ટકા ઉછળી રૂ. 2493 કરોડ પર જોવા મળ્યો
મેનેજમેન્ટે પ્રતિ શેર રૂ. 6ના ડિવિડન્ડની જાહેરાત કરી
ટોચની એન્જિનીયરીંગ અને કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ રૂ. 10000 કરોડના શેર્સ બાયબેકની જાહેરાત કરી છે. કંપની મહત્તમ રૂ. 3000 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરશે. તે કુલ 3,33,33,333 શેર્સની ખરીદી કરશે. જોકે, શેર બાયબેકની યોગ્યતા માટે હજુ રેકર્ડ ડેટની જાહેરાત નથી કરી. કંપનીના બોર્ડે મંગળવારે જૂન ક્વાર્ટરના પરિણામોની સમીક્ષા વખતે જ આ જાહેરાત કરી હતી.
કંપનીના બોર્ડે મંગળવારે 2022-23 માટે રૂ. 6 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી. કંપનીનો શેર મંગળવારે 1.7 ટકા ઘટાડા સાથે રૂ. 2560.90ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તે રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતાં 3,33,33,333 શેર્સની ખરીદી કરશે. તે શેર દીઠ રૂ. 3000ના મહત્તમ ભાવ સુધી આ બાયબેક કરશે. જ્યારે કુલ ખરીદી રૂ. 10 હજાર કરોડની રહેશે. કંપની સ્ટોક એક્સચેન્જમાં ટેન્ડર ફર રૂટ મારફતે શેર્સ પરત ખરીદશે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 2,493 કરોડનો નફો નોઁધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1702 કરોડની સરખામણીમાં 46 ટકા ઊંચો હતો. કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ ત્રિમાસિક ધોરણે 34 ટકા ઉછળી રૂ. 47,882 કરોડ પર રહી હતી. જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 35,853 કરોડ પર હતી. કંપનીના ઈન્ટરનેશનલ બિઝનેસની રેવન્યૂ રૂ. 19,022 કરોડ જોવા મળી હતી. જે કુલ રેવન્યૂનો 40 ટકા હિસ્સો હતી. જ્યારે તેના એબિટા માર્જિન ગયા વર્ષના 11 ટકા સામે 80 બેસીસ પોઈન્ટ્સ ઘટાડે 10.2 ટકા પર જોવા મળ્યો હતાં.
જૂન ક્વાર્ટરની આખરમાં કંપનીની ઓર્ડરબુક વાર્ષિક ધોરણે 57 ટકા વધી રૂ. 65,520 કરોડ પર જોવા મળી હતી. જેમાં રૂ. 27,646 કરોડના ઈન્ટરનેશનલ ઓર્ડર્સનો સમાવેશ થતો હતો. જે ક્વાર્ટર દરમિયાન કુલ ઓર્ડર ફ્લોના 42 ટકા જેટલો હતો. 30 જૂનના રોજ કંપનીની કોન્સોલિડેટેડ ઓર્ડર બુક રૂ. 4,12,648 કરોડ પર જોવા મળતી હતી. જેમાં ઈન્ટરનેશનલ ઓર્ડરનો હિસ્સો 29 ટકા જેટલો હતો.
રાજ્યમાં ખરિફ વાવેતર 69.10 લાખ હેકટર સાથે 80 ટકા વાવેતરમાં સંપન્ન
ગયા સપ્તાહમાં ચોમાસુ વાવેતરમાં 7.8 લાખ હેકટરની વૃદ્ધિ જોવા મળી
કપાસનું વાવેતર સરેરાશના 111 ટકા સાથે 26.25 લાખ હેકટરે
મગફળીનું વાવેતર 85 ટકા સાથે 16.09 લાખ હેકટરમાં
ડાંગરનું વાવેતર 4.88 લાખ હેકટર સાથે 58 ટકામાં નોંધાયું
બાજરીનું વાવેતર 1.73 લાખ હેકટર સામે 97 ટકામાં પૂર્ણ
ગુજરાતમાં ખરિફ વાવેતરનું ચિત્ર સારુ જોવા મળી રહ્યું છે. ચોમાસુ વાવેતરના બે મહિના લગભગ પૂરા થઈ ચૂક્યાં છે ત્યારે તે ગઈ સિઝનની સરખામણીમાં હજુ પણ આગળ જોવા મળી રહ્યું છે. સોમવાર સુધીમાં રાજ્યમાં કુલ 69.10 લાખ હેકટરમાં ખરિફ પાકોની વાવણી થઈ ચૂકી હતી. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 64.43 લાખ હેકટરના વાવેતરની સરખામણીમાં 4.67 લાખ હેકટર જેટલું ઊંચું હતું. જ્યારે રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 85.97 લાખ હેકટર વાવેતરની સરખામણીના 80.35 ટકા જેટલું થતું હતું. છેલ્લાં એક સપ્તાહમાં રાજ્યમાં ચોમાસુ વાવેતર વિસ્તારમાં 7.8 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં મુખ્યત્વે કપાસ, ડાંગર, મગફળી, શાકભાજી, એરંડા જેવા પાકોનું વાવેતર વધ્યું હતું.
મુખ્ય ખરિફ પાક કપાસની વાત કરીએ તો તેનું વાવેતર 26.25 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 24.49 લાખ હેકટરની સરખામણીમાં લગભગ પોણા બે લાખ હેકટર જેટલું ઊંચું છે. જ્યારે ત્રણ વર્ષના 23.61 લાખ હેકટરના સરેરાશ વાવેતરની સરખામણીમાં 11 ટકા જેટલું વધુ જોવા મળે છે. કપાસના વાવેતરમાં સાપ્તાહિક ધોરણે 85 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. કપાસના કટ્ટર હરિફ મગફળીની વાત કરીએ તો તેનું વાવેતર 16.09 લાખ હેકટરમાં જોવા મળ્યું હતું. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 16.27 લાખ હેકટરની સરખામણીમાં 18 લાખ હેકટર જેટલું નીચું છે. છેલ્લાં એક સપ્તાહમાં મગફશીના વાવેતરમાં 25 હજાર હેકટરનો ઉમેરો નોંધાયો હતો. ત્રણ વર્ષોના 18.95 લાખ હેકટરના સરેરાશ વાવેતર સામે તેલિબિયાંનું વાવેતર 85 ટકા જેટલું જોવા મળે છે. આમ હજુ તેમાં વૃદ્ધિને અવકાશ છે. સામાન્યરીતે જુલાઈની આખર સુધીમાં મગફળીનું વાવેતર થઈ શકે છે. જ્યારપછી ટૂંકા સમયગાળાના પાકનું વાવેતર પસંદ કરવામાં આવે છે. અન્ય તેલિબિયાં સોયાબિનનું વાવેતર ગઈ સિઝનના 2.06 લાખ હેકટર સામે 2.59 લાખ હેકટરમાં જોવા મળે છે. જે સરેરાશના 31 ટકા જેટલું ઊંચું છે. અખાદ્ય તેલિબિયાં એરંડાનું વાવેતર ગયા વર્ષના 77 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 1.47 લાખ હેકટરમાં લગભગ બમણુ જોવા મળે છે. અગાઉના સપ્તાહે 56 હજાર હેકટરની સરખામણીમાં તે 91 હજાર હેકટરમાં વાવેતર વૃદ્ધિ દર્શાવે છે.
અનાજ પાકોનું વાવેતર 9.45 લાખ હેકટરમાં નોઁધાયું છે. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 9.25 લાખ હેકટરની સરખામણીમાં 20 હજાર હેકટર જેટલું વધુ છે. મુખ્ય ખરિફ અનાજ પાક ડાંગરનું વાવેતર 58 ટકા જેટલું સંપન્ન થયું છે. ગઈ સિઝનના 4.73 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં તે 4.88 લાખ હેકટરમાં જોવા મળે છે. જાડાં ધાન્યોમાં બાજરીનું વાવેતર 1.73 લાખ હેકટર સાથે 97 ટકા જેટલું સંપન્ન થઈ ચૂક્યું છે. જ્યારે મકાઈનું વાવેતર 2.72 લાખ હેકટર સાથે 94 ટકામાં નોંધાયું છે. ખરિફ ઘાસચારા પાકોનું વાવેતર 7.46 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 6.32 લાખ હેકટરની સરખામણીમાં નોંધપાત્ર ઊંચું છે. આ જ રીતે ખરિફ શાકભાજી પાકોનું વાવેતર ગઈ સિઝનના 1.6 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 1.78 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે.
જોકે, ખરિફ કઠોળ પાકોના વાવેતરમાં ઘટાડો જોવા મળે છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં તે 2.86 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું હતું. જ્યારે ચાલુ સિઝનમાં 2.78 લાખ હેકટરમાં જ સંભવ બન્યું છે. જેમાં તુવેરનું વાવેતર ગયા વર્ષના 1.73 લાખ હેકટર સામે ચાલુ વર્ષે 1.62 લાખ હેકટરમાં જ જોવા મળે છે. જોકે, મગનું વાવેતર ગઈ સિઝન કરતાં 4 હજાર હેકટર વૃદ્ધિ સાથે 48 હજાર હેકટરમાં નોંધાયું છે. અડદનું વાવેતર એક હજાર હેકટરના ઘટાડે 59 હજાર હેકટરમાં જોવા મળે છે.
GIFT NIFTYમાં 8.5 અબજ ડોલરનું વિક્રમી વોલ્યુમ નોંધાયું
સોમવારે 2.14 લાખથી વધુ કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ જોવા મળ્યું
એનએસઈ ઈન્ટરનેશનસ એક્સચેન્જ ખાતે ટ્રેડ થતાં ગિફ્ટ નિફ્ટી ડેરિવેટીવ્સમાં સોમવારે એક દિવસમાં 8.5 અબજ ડોલરનું વિક્રમી વોલ્યુમ નોંધાયુ હતું. કુલ 2.14 લાખ કોન્ટ્રેક્ટ્સના કામકાજ થયાં હતાં. જો ગિફ્ટ નિફ્ટીના પ્રથમ દિવસના 33,570 કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગ સાથે સરખામણી કરીએ તો સોમવારે છ ગણાથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે વેલ્યૂની રીતે પ્રથમ સત્રના 1.21 અબજ ડોલરના ટર્નઓવર સામે સાત ગણી વૃદ્ધિ જોવા મળતી હતી. જેનું એક કારણ છેલ્લાં કેટલાંક સત્રોમાં બેન્ચમાર્ક્સમાં જોવા મળેલી મજબૂતી પણ છે. નિફ્ટી કેશ સેગમેન્ટમાં ગયા સપ્તાહે 19992ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો.
એનએસઈ આઈએક્સના જણાવ્યા મુજબ ગિફટ નિફ્ટીમાં ટ્રેડર્સનો ઈન્ટરેસ્ટ ધીરે-ધીરે વધી રહ્યો છે. 3 જુલાઈએ એનએસઈ આઈએક્સ-એસજીએક્સ ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કર્યાં પછી અત્યાર સુધીમાં કુલ 30.28 અબજ ડોલરનું ટર્નઓવર નોંધાયું છે. જ્યારે કોન્ટ્રેક્ટ્સ સંદર્ભમાં વાત કરીએ તો 7,86,636 કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થઈ ચૂક્યું છે. જે આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં કનેક્ટની ગોઠવણને લઈને ઊભું થઈ રહેલું આકર્ષણ સૂચવે છે. એનએસઈ આઈએક્સ ખાતે કુલ પાંચ સૂચકાંકો ટ્રેડિંગ માટે ઓફર કરવામાં આવી રહ્યાં છે. જેમાં ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ગિફ્ટ નિફ્ટી આઈટીનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સ દિવસમાં 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હોય છે. જે એશિયા, યુરોપ અને યુએસ ટ્રેડિંગ અવર્સને સમાવે છે. ગિફ્ટી નિફ્ટી યુએસ ડોલર ડિનોમિનેટેડ નિફ્ટી ડેરિવેટીવ્સ પ્રોડક્ટ છે. જે ઊંચી લિક્વિડીટી ધરાવે છે.
ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા PAN/આધારના દૂરુપયોગના 5Kથી વધુ કિસ્સા
આમ કરીને રૂ. 27000 કરોડની કુલ કરચોરી કરવામાં આવી
કેન્દ્રિય જીએસટી વહીવટીમંડળે જીએસટી રજિસ્ટ્રેશન માટે અન્ય લોકોના પેન અને આધાર વિગતોનો દૂરૂપયોગ કરવામાં આવ્યાંના કિસ્સા શોધી કાઢ્યાં છે. 1 જુલાઈ, 2017થી 30 જૂન, 2023 સુધીમાં કેન્દ્રિય જીએસટી વહીવટીઓએ આવા 5000થી વધુ કેસિસ જોયાં છે, જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ(આઈટીસી)નો દાવો કરવા માટે અન્યોના પુરાવા ઉપયોગમાં લેવાયાં હોય. આ ઘટનાઓમાં કુલ રૂ. 27000 કરોડની ટેક્સચોરીનો સમાવેશ થાય છે એમ લોકસભામાં સોમવારે નાણા મંત્રાલયે રજૂ કરેલો ડેટા સૂચવતો હતો.
આ યાદીમાં 765 કેસિસ સાથે મહારાષ્ટ્ર ટોચ પર જોવા મળે છે. જ્યારે 713 કેસિસ સાથે દિલ્હી બીજા ક્રમે આવે છે. જોકે મૂલ્યની રીતે જોઈએ તો ગેરકાયદે મેળવાયેલી આઈટીસીની બાબતમાં દિલ્હી રૂ. 4326 કરોડની રકમ સાથે ટોચ પર છે. જ્યારપછી રૂ. 4266 કરોડની ચોરી સાથે રાજસ્થાન બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં જોકે આ પ્રકારની છેતરપિંડીને લઈ સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. એક લેખિત પ્રત્યુત્તરમાં રાજ્ય કક્ષાના કેન્દ્રિય પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 1 જુલાઈ, 2017થી 30 જૂન, 2023 દરમિયાન જીએસટી રજિસ્ટ્રેશન માટે અન્યોના પેન અને આધાર કાર્ડની વિગતોનો દૂરુપયોગ થયો હોય તેવા 5070 કિસ્સાઓ બહાર આવ્યાં હતાં. આ તમામ કેસિસ મળી રૂ. 27000 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જણાયું હતું. જેમાંથી રૂ. 923 કરોડ રિકવર થઈ ચૂક્યાં છે. જ્યારે કુલ 331 જણાની ધરપકડ પણ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તરફથી 16 મેથી શરુ થયેલા ફેક રજિસ્ટ્રેશન સામેના અભિયાનમાં 9369 કંપનીઓની ઓળખ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ રૂ. 10,192 કરોડની છેતરપિંડીની શોધ થઈ છે. જોકે, તેમાંથી કુલ રિકવરી માત્ર રૂ. 25 કરોડની જ છે. જ્યારે સાત વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે એમ ચૌધરીએ ઉમેર્યું હતું. નાણા વિભાગ જોખમી કરદાતાઓને ટ્રેક કરવા માટે મજબૂત ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. જે મારફતે તે તે વ્યક્તિ અને કરચોરીને પકડી પાડે છે. આ ઉપરાંત તે અન્ય લો એન્ફોર્સમેન્ટ એજન્સિઝ સાથે પણ આ ડેટા વહેંચે છે. જેથી વધુ સારી રીતે કામ હાથ ધરાઈ શકાય. જીએસટી નિયમોમાં કેટલાંક સુધારા કરાયાં છે. જેમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વખતે રજિસ્ટર્ડ વ્યક્તિના નામના બેંક એકાઉન્ટની જરૂરિયાત પૂરી કરવાની રહે છે. તેમજ રજિસ્ટર્ડ વ્યક્તિનો પેન નંબર પણ મેળવવાનો રહે છે. તેમજ પ્રોપરાયટીશીપ ફર્મના કિસ્સામાં આધાર લિંકેજ પણ જરૂરી છે.
2022-23માં MSME સેક્ટરમાં સૌથી વધુ શટડાઉન અને નવા રજિસ્ટ્રેશન નોંધાયા
કોવિડ પછી લગભગ 25000 સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસે શટર પાડ્યાં
છેલ્લાં ત્રણ વર્ષોમાં લગભગ 25000 જેટલાં માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝિસ(એમએસએમઈ)એ દેશભરમાં શટડાઉન નોંધાવ્યાં હતાં એમ એમએસએમઈ માટેના રાજ્ય કક્ષાના કેન્દ્રિય મંત્રી ભાનુ પ્રતાપ સિંઘ વર્માએ રાજ્યસભામાં જણાવ્યું હતું. ઉદયમ રજિસ્ટ્રેશન પોર્ટલ મુજબ 1 જુલાઈ, 2020થી 18 જુલાઈ, 2023 વચ્ચે બંધ થનારા એમએસએમઈની કુલ સંખ્યા 24,839 વચ્ચે હતી. જોકે, 2022-23માં સૌથી વધુ એમએસએમઈ બંધ થયાં હતાં. ગયા નાણા વર્ષે 13,290 ઉદયમ રજિસ્ટર્ડ એમએસએમઈએ તાળાં માર્યાં હતાં. જે 2021-22માં જોવા મળેલા 6,222 યુનિટ્સની સરખામણીમાં બમણાથી વધુ હતાં. 2020-21માં માત્ર 175 યુનિટ્સ બંધ થયાં હતાં. ચાલુ નાણા વર્ષમાં 18 જુલાઈ સુધીમાં 5,152 યુનિટ્સે તેમની કામગીરી બંધ કરી હતી.
એમએસએમઈ બંધ થવામાં મહારાષ્ટ્ર અને તમિલનાડુ ટોચના ક્રમે આવે છે. મહારાષ્ટ્રમાં કુલ 6,317 એમએસએમઈએ છેલ્લાં ત્રણ વર્ષોમાં કામગીરી બંધ કરી હતી. 2021-22માં જ રાજ્યમાં 3,276 એમએસએમઈએ તાળાં માર્યાં હતાં. તમિલનાડુમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં 3,158 એમએસએમઈ બંધ થયાં હતાં. જ્યારે 2021-22માં 1900 યુનિટ્સે કામગીરી બંધ કરી હતી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં કુલ 2,123 અને 2,292 યુનિટ્સે ત્રણ વર્ષોમાં તેમની કામગીરી બંધ કરી હતી. ઉપરોક્ત ચાર રાજ્યો મળીને દેશમાં 45 ટકા રજિસ્ટર્ડ એમએસએમઈ યુનિટ્સ ધરાવે છે. 18 જુલાઈ, 2023ના રોજ ઉદયમ પોર્ટલ પર કુલ રજિસ્ટર્ડ એમએસએમઈની સંખ્યા 1,75,62,223 યુનિટ્સની હતી. 2022-23માં છેલ્લાં ત્રણ વર્ષોમાંસૌથી વધુ એમએસએમઈ બંધ થયાં હતાં. એમએસએમઈમાં કુલ 72,55,873 યુનિટ્સે રજિસ્ટ્રેશન નોંધાવ્યું હતું. જે 2021-22માં 51,50,422 યુનિટ્સની સરખામણીમાં નોંધપાત્ર ઊંચું હતું. 2020-21માં 28,49,158 એમએસએમઈ યુનિટ્સ રજિસ્ટર્ડ થયાં હતાં. ચાલુ નાણાકિય વર્ષમાં 18 જુલાઈ સુધીમાં 23,06,770 એમએસએમઈ યુનિટ્સ રજિસ્ટર્ડ બન્યાં હતાં. વિવિધ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત એમએસએમઈ સેક્ટરમાં શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ સાથે સૌથી ઊંચું ક્રેડિટ આઉટસ્ટેન્ડિંગ ધરાવતાં હતાં. મહારાષ્ટ્ર માટે 31 માર્ચ, 2023ની આખરમાં તે રકમ રૂ. 3.28 લાખ કરોડ પર હતી. જ્યારે તમિલનાડુ માટે રૂ. 2.39 લાખ કરોડ અને ગુજરાત માટે રૂ. 2.11 લાખ કરોડ હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
બજાજ ઓટોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1,665 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1,173 કરોડના નફાની સરખામણીમાં 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો નફો એનાલિસ્ટ્સના અંદાજની સરખામણીમાં 40 ટકા ઊંચો જોવા મળ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 8005 કરોડની સરખામણીમાં 29 ટકા ઉછળી રૂ. 10,310 કરોડ પર રહી હતી.
એશિયન પેઈન્ટ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1574.84 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1036.03 કરોડના નફાની સરખામણીમાં 52 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 8607 કરોડની સરખામણીમાં 6.7 ટકા ઉછળી રૂ. 9182 કરોડ પર રહી હતી. માર્ચ ક્વાર્ટરમાં રૂ. 8787.34 કરોડની આવક નોંધાવી હતી.
તાતા સ્ટીલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 4,270,70 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 6114.17 કરોડના પ્રોફિટ સામે 30.15 ટકા નીચો હતો. એબિટા પણ 21.38 ટકા ગગડી રૂ. 8101.13 કરોડ પર નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10,303.65 કરોડ પર હતી. કંપનીનું વેચાણ ગયા વર્ષના રૂ. 32021 કરોડ સામે રૂ. 32,341.62 કરોડ પર જોવા મળ્યું હતું.
પ્રૂડન્ટ કોર્પોરેટઃ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 28.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 45 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 29 ટકા વધી રૂ. 165.4 કરોડ પર જોવા મળી હતી. કંપનીનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 63000 કરોડની સપાટી પાર કરી ગયું હતું. જૂન મહિનામાં કંપનીનો માસિક SIP ફ્લો રૂ. 542 કરોડ પર જોવા મળ્યો હતો.
તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકઃ પ્રાઈવેટ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 261.13 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 11.53 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો બિઝનેસ 9.4 ટકા વધી રૂ. 84,300 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 77 હજાર કરોડ હતો. કંપનીનો RAM પોર્ટફોલિયો 13 ટકા વૃદ્ધિ સાથે ગયા વર્ષના રૂ. 29,749 કરોડ સામે રૂ. 33,574 કરોડ પર જોવા મળ્યો હતો.
રિલેક્સો ફૂટવેરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 565 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં નફાની સરખામણીમાં 46 ટકા ઊંચો હતો. કંપનીનો એબિટા રૂ. 108 કરોડ પર રહ્યો હતો.
શોપર્સ સ્ટોપઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 14.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 23 કરોડના પ્રોફિટ સામે 36.4 ટકા નીચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 948.4 કરોડની સરખામણીમાં 4.8 ટકા વધી રૂ. 993.6 કરોડ પર જોવા મળી હતી.
સ્પંદના સ્ફૂર્તિઃ માઈક્રો ફાઈનાન્સ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 119.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 219.8 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 312.2 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 153.5 કરોડની સરખામણીમાં 100 ટકાની વૃદ્ધિ દર્શાવતી હતી.