MARKET CLOSING

માર્કેટ સમરી

નિફ્ટી ટોચ બનાવી પરત ફર્યો

નિફ્ટીએ સતત ત્રીજા દિવસે નવી ટોચ બનાવવાનો ક્રમ જાળવ્યો હતો. તેણે 15661ની ટોચ બનાવી હતી અને કામકાજને અંતે 15575 પર બંધ દર્શાવ્યું હતું. 14600ના સ્તરથી સુધરતાં રહેવા બેન્ચમાર્કમાં પ્રથમવાર ઊંચા સ્તરે થોડુ દબાણ જોવા મળ્યું હતું. જોકે બજારમાં કોઈ મોટા પ્રોફિટ બુકિંગના સંકેતો નહોતાં અને ટૂંકાગાળામાં તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. લાર્જ-કેપ્સમાં મજબૂતી સામે મીડ અને સ્મોલ-કેપ્સ વિરામમાં જોવા મળી રહ્યાં છે. મંગળવારે બીએસઈ ખાતે ત્રણ શેર્સમાં ઘટાડા સામે બે શેર્સમાં ખરીદી જોવા મળતી હતી.

 

અદાણી જૂથના શેર્સમાં 8 ટકા સુધીનો ઉછાળો

અદાણી જૂથની શેર્સમાં મંગળવારે ફરી સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. જેમાં જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર મંગળવારે નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1316ના બંધ સામે 9 ટકાથી વધુ ઉછળી રૂ. 1430 પર ટ્રેડ થયો હતો. કામકાજના અંતે તે 7.6 ટકા અથવા રૂ. 99.50 સુધરી રૂ. 1415 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.55 લાખ કરોડને પાર કરી ગયું હતું. જૂથ કંપનીઓમાં તે માર્કેટ-કેપની રીતે ચોથા ક્રમે જોવા મળી હતી. કંપનીનો શેર વાર્ષિક રૂ. 141ના તળિયા સામે લગભગ 10 ગણુ વળતર સૂચવી રહ્યો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 7 ટકા ઉછળી રૂ. 1452ની ટોચ બનાવી રૂ. 1441 પર બંધ રહ્યો હતો.  તેણે રૂ. 1.58 લાખ કરોડનું એમ-કેપ નોંધાવ્યું હતું. અદાણી પોર્ટ્સનો શેર પણ 4 ટકા ઉછળ્યો હતો. જ્યારે અદાણી ટ્રાન્સનો શેર 1.75 ટકા અને અદાણી ગ્રીન એનર્જીનો શેર 0.22 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. અદાણી પાવર 3.08 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.

ગોલ્ડ-સિલ્વર અને ક્રૂડમાં તાજેતરની નવી ટોચ

વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ બુલિયન સહિત ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી હતી અને એમસીએક્સ ખાતે તેઓએ તાજેતરની નવી ટોચ દર્શાવી હતી. એમસીએક્સ ક્રૂડ ઓઈલ જૂન વાયદો 2.6 ટકા ઉછળી રૂ. 4996ની ટોચ પર પહોંચ્યો હતો. એમસીએક્સ જુલાઈ વાયદો 1.6 ટકા ઉછળી રૂ. 73020 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ વાયદો પણ 0.55 ટકાના સુધારે રૂ. 49000ની સપાટી પાર કરી દિવસ દરમિયાન તે સ્તર પર ટકી રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે જો સોનુ રૂ. 49000ના સ્તર પર ટકશે તો ટૂંકા સમયમાં રૂ. 50000નું સ્તર દર્શાવશે. ચાંદીમાં પણ રૂ. 73000નું સ્તર પાર થતાં રૂ. 74 હજાર અને રૂ. 78 હજારના સ્તરો જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમા ગોલ્ડના ભાવ 1900 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સિલ્વર 28.44 ડોલર પર ટ્રેડ થઈ રહી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.5 ટકાના સુધારે 70.97 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો અને તે માર્ચ મહિનાની 71.39 ડોલરની ટોચથી 40 સેન્ટ્સ નીચે જોવા મળતો હતો.

આઈટી, ફાર્મા અને એનર્જીનો સપોર્ટ સાંપડ્યો

મંગળવારે માર્કેટમાં ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી. જોકે તેને ડિફેન્સિવ એવા આઈટી અને ફાર્મા ક્ષેત્ર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. બંને સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ રહ્યાં હતાં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસી જેવા કાઉન્ટર્સમાં સુધારા પાછળ એનર્જિ ઈન્ડેક્સ પણ સુધારો દર્શાવતો હતો. બીજી બાજુ મેટલ ક્ષેત્ર નબળુ જોવા મળ્યું હતું. બેંકિંગમાં પણ નરમાઈ જોવા મળી હતી. મિડિયા ક્ષેત્રે ખરીદી જળવાય હતી અને તે પણ પોઝીટીવ બંધ રહ્યો હતો.

મીડ અને સ્મોલ-કેપ્સનું અન્ડરપર્ફોર્મન્સ માર્કેટમાં કોન્સોલિડેશનનો સંકેત

છેલ્લા ત્રણ સત્રોમાં નિફ્ટી ટોચ દર્શાવતો રહ્યો ત્યારે બીજી અને ત્રીજી હરોળમાં પ્રોફિટ બુકિંગ જોવાયું

ભારતીય બજારમાં સમયાંતરે તેજી અને રોટેશન જળવાયાં છે. છેલ્લા ત્રણ સત્રોથી બજારમાં લાર્જ-કેપ્સ પાછળ બેન્ચમાર્ક નિફ્ટી જ્યારે નવી ટોચ દર્શાવી રહ્યો હતો ત્યારે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ઊંચા સ્તરે તેજી અટકી હતી. તેઓ પ્રથમ હરોળના શેર્સ સામે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવવા સાથે પ્રોફિટ બુકિંગ દર્શાવી રહ્યાં છે.

મંગળવારે નિફ્ટીએ 15660ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી ત્યારે માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3 શેર્સમાં ઘટાડા સામે 2 શેર્સમાં સુધારો જોવા મળી હતી. સોમવારે અને અગાઉ શુક્રવારે પણ બજારમાં માર્કેટ બ્રેડ્થ પ્રમાણમાં નબળી જોવા મળી હતી. જેને એનાલિસ્ટ્સ માર્કેટમાં એક કોન્સોલિડેશનના સંકેત તરીકે જોઈ રહ્યાં છે. તેમના મતે નિફ્ટીએ મહત્વનો બ્રેકઆઉટ દર્શાવ્યો છે અને તેથી બુલીશ ટ્રેન્ડ અકબંધ છે. જોકે નિફ્ટીમાં તેજી વચ્ચે મીડ અને સ્મોલ-કેપ રેંજ બાઉન્ડ રહી શકે છે. ગયા શુક્રવારથી મંગળવાર સુધીના ત્રણ સત્રોમાં નિફ્ટીએ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપ એક ટકાથી વધુ સુધરો દર્શાવી શક્યાં નહોતાં. જોકે માર્ચ અને એપ્રિલ દરમિયાન નિફ્ટીમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ-કેપ્સે સતત આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને તેણે જાન્યુઆરી 2018ની શરૂઆતમાં બનાવેલી ટોચને પાર કરી હતી. સ્મોલ-કેપ્સ જોકે 2018ની શરૂઆતની તેની ટોચ પાર કરી શક્યો નથી. હાલમાં તે ટોચથી 6 ટકા દૂર ટ્રેડ થઈ રહ્યો છે.

એનાલિસ્ટ્સના મતે બજારમાં છેલ્લા કેટલાંક દિવસોમાં રોટેશન જોવા મળ્યું છે અને મેટલ્સમાં કરેક્શન વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવો હેવીવેઈટ બજારને સપોર્ટ કરવા માટે આગળ આવી ગયો છે. આમ ઈન્ડેક્સમાં લોંગ સામે કોઈ જોખમ નથી. તેઓ 15370નું સ્તર જળવાય ત્યાં સુધી લોંગ જાળવી રાખવા માટે જણાવે છે. જો આ સ્તર તૂટે તો જ બજારમાં વધુ ઘટાડો સંભવ છે એમ તેઓ માને છે.

 

પરિણામો અને બ્રિફ્સ

નારાયણ હ્રદયાલયઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 68.05 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.99 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 742.95 કરોડની સરખામણીમાં રૂ. 837.7 કરોડ રહી હતી.

એલાઈડ ડિજિટલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3.9 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.85 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 90.13 કરોડની સરખામણીમાં રૂ. 95.76 કરોડ રહી હતી.

નાહર ઈન્ડસ્ટ્રીઅલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 40.27 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.49 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 406.85 કરોડની સરખામણીમાં રૂ. 463.62 કરોડ રહી હતી.

રૂપા એન્ડ કંપનીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 65.09 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4.28 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 179.3 કરોડની સરખામણીમાં રૂ. 453.99 કરોડ રહી હતી.

નિયોજેન કેમિકલ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9 કરોડનો નફો દર્શાવ્યો છે. સમગ્ર 2020-21 દરમિયાન કંપનીએ રૂ. 31 કરોડનો નફો નોંધાવ્યો છે. જે અગાઉના વર્ષના રૂ. 29 કરોડ સામે 9 ટકા વૃદ્ધિ સૂચવે છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની ઈપીએસ રૂ. 4 હતી. કંપનીએ શેર દીઠ રૂ. 2.25ના ડિવિડન્ડની ભલામણ કરી છે.

ટાટા મોટર્સઃ કંપનીએ મે મહિનામાં સ્થાનિક બજારમાં 24552 વાહનોનું વેચાણ નોંધાવ્યું છે. જે મે 2020ના 4418 વાહનોના વેચાણ સામે 456 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલ 2021માં કંપનીએ 39530 વાહનોનું વેચાણ દર્શાવ્યું હતું. જેની સરખામણીમાં મેમાં 38 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીએ મે મહિનામાં 2030 સીવીની એક્સપોર્ટ્સ કરી હતી.

સિપ્લાઃ કંપની કોવિડ વેક્સિન માટે મોડેર્નાને એક અબજ ડોલરનું કમિટમેન્ટ કરશે.

આઈઆરબી ઈન્ફ્રાઃ એચડીએફસી મ્યુચ્યુલ ફંડે કંપનીના 24.81 લાખ શેર્સ ખરીદ્યાં છે.

ડિફેન્સ કંપનીઝઃ ડિફેન્સ મિનિસ્ટ્રીએ 108 આઈટમ્સ ધરાવતું બીજું નેગેટિવ લિસ્ટ જાહેર કર્યું છે.

ઓટો સ્ટોક્સઃ કેન્દ્રિય પ્રધાનમંડળ ઓટો અને ઓટો એન્સિલઅરી માટે પીએલઆઈ સ્કીમને મંજૂરી આપે તેવી શક્યતા છે.

ઈન્ડિગોઃ કંપનીના તમામ પાયલોટ્સ 1 જૂનથી ત્રણ મહિના માટે મહિને 3 દવિસ લિવ વિધાઉટ પે લેશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage