માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે ડાઉમાં નવી ટોચ વચ્ચે એશિયામાં મિશ્ર વલણ
બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 90 પોઈન્ટસના સુધારે 31613ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જોકે નાસ્ડેક 82 પોઈન્ટ્સના ઘટાડે 13966 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. જાપાન 0.20 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ 0.5 ટકાનો ઘટાડો નોંધાવી રહ્યું છે. કોરિયામાં પા ટકાની નરમાઈ છે. જ્યારે તાઈવાન 0.3 ટકા મજબૂત છે. ચીનનું બજાર લાંબી રજાઓ બાદ ખૂલ્યું છે અને તે 1.2 ટકાના સુધારે નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ ચીનના બજારમાં મજબૂતી વચ્ચે બાકીના બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે.
SGX નિફ્ટીમાં સુધારો
સિંગાપુર નિફ્ટી 49 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. તે 15245 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલશે તેવો સંકેત મળી રહ્યો છે. નિફ્ટીને 15000નો માનસિક સપોર્ટ છે. જ્યારે ટેકનિકલ એનાલિસ્ટ્સ 14950નો સપોર્ટ જોઈ રહ્યાં છે. જે તૂટતાં નિફ્ટી નોંધપાત્ર ઘટાડો દર્શાવી શકે છે. ટ્રેડર્સે પ્રોફિટ બુકિંગની તક ચૂકવી જોઈએ નહિ અને હાથ પર કેશ રાખીને બેસવું જોઈએ.
ક્રૂડમાં વર્ષની નવી ટોચ
વૈશ્વિક ક્રૂડના ભાવો સતત વધી રહ્યાં છે. ટૂંકાગાળા માટે કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ છેલ્લા બે સત્રોથી તે નવી ટોચ દર્શાવી રહ્યાં છે. આ લખાય છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.6 ટકાના સુધારે 65.36 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ ઓવરબોટ હોવા છતાં સતત સુધરી રહ્યું છે. તે વૈશ્વિક સ્તરે આર્થિક રિકવરીનો મજબૂત સંકેત આપી રહ્યું છે. જોકે ભારતીય અર્થતંત્ર માટે તે અવરોધરૂપ બની શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
કિંમતી ધાતુઓમાં નરમાઈનો દોર યથાવત છે. ગોલ્ડ નવી નીચી સપાટી બનાવતું જાય છે. બુધવારે એમસીએક્સ ખાતે બંને ધાતુઓ ઘટીને બંધ જોવા મળી હતી. ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 679 અથવા 1.45 ટકા ઘટી રૂ. 46220ના અંતિમ ઘણા મહિનાઓના તળિયા પર જોવા મળ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 175ના સાધારણ ઘટાડે રૂ. 69147 પર બંધ જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે વૈશ્વિક બજારમાં ગોલ્ડ 9 ડોલરના સુધારે 1782 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર 0.62 ટકા સુધારા સાથે 27.48 ડોલર પર ટ્રેડ થતી જોવા મળે છે.
મહત્વની હેડલાઈન્સ
- વડાપ્રધાને જણાવ્યું છે કે ભારત ગ્રીન એનર્જિ સ્રોતો વિકસાવશે, આયાતમાં ઘટાડો કરશે.
- સરકાર નવા વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન સામાન્ય કરતાં ઓછું બોરોઈંગ કરશે.
- ટેલિકોમ પ્રોડક્ટ્સ માટે પ્રોડક્શન-લિન્ક્ડ ઈન્સેન્ટિવ્સને સરકારની મંજૂરી.
- સેબીએ મોટા આઈપીઓ માટે લઘુત્તમ પબ્લિક ઓફરના નિયમને વધુ સરળ બનાવ્યાં.
- ભારતી વોરબર્ગ પાસેથી ભારતી ડિજિટલનો હિસ્સો રૂ. 3200 કરોડમાં પરત ખરીદશે.
- બુધવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં કુલ રૂ. 1010 કરોડની ખરીદી કરી હતી.
- સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1280 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી.
- ખર્ચમાં ઘટાડાને પગલે નિફ્ટી કંપનીઓનો નફો વાર્ષિક ધોરણે 17 ટકા વધ્યો.
- ક્લેરિઅન્ટ કેમિકલ્સ ઈન્ડિયાએ જણાવ્યું છે કે તે ઈન્ડિયા ગ્લોયકોલ્સમાં હિસ્સા ખરીદીની કોઈ વાતચીત નથી કરી રહ્યું.
- ડિશ ટીવીએ રૂ. 1000 કરોડ ઊભી કરવાની મંજૂરી આપી છે.
- ગેઈલનું શેર બાયબેક 25 ફેબ્રુઆરીથી શરૂ થશે. 10 માર્ચે બંધ થશે.
- ઈન્ડિયા માર્ટેનો ક્વિપ ઈસ્યુ ખૂલ્યો છે. તેણે પ્રતિ શેર રૂ. 9065.61ની ફ્લોર પ્રાઈસ નક્કી કરી છે.