બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ડાઉ જોન્સ સર્વોચ્ચ સપાટીએ બંધ, એશિયામાં મજબૂતી
કેલેન્ડર 2022ની શરૂઆત પોઝીટીવ રહી છે. સોમવારે ભારતીય બજારમાં 1.6 ટકાના સુધારા બાદ યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે 247 પોઈન્ટ્સનો સુધારો દર્શાવ્યો હતો અને તે સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 1.2 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. જેમાં જાપાન 1.4 ટકા, સિંગાપુર 0.9 ટકા, તાઈવાન 1.04 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. જોકે હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારો નરમાઈ સૂચવે છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 10 પોઈન્ટ્સના ઘટાડે 17688 પર ટ્રેડ થયો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. સોમવારે નિફ્ટીએ 34-ડીએમએનું સ્તર પાર કરીને મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. સાથે તેણે મહત્વના ટ્રેન્ડલાઈન રેસિસ્ટન્સને પણ પાર કર્યો હતો. એનાલિસ્ટ્સ હવે નિફ્ટીમાં નવેમ્બર મહિનાની ટોચ 18200નો ટાર્ગેટ જોઈ રહ્યાં છે. તેમના મતે બે સપ્તાહમાં આ સપાટી હાંસલ થઈ શકે છે. બીજી બાજુ 17270ને તેઓ મહત્વનો સપોર્ટ માને છે અને તેના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવાનું સૂચન કરે છે.
ક્રૂડમાં અન્ડરટોન નરમ
વૈશ્વિક ક્રૂડના ભાવ છેલ્લાં ઘણા સપ્તાહોથી રેંજ બાઉન્ડ બન્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 80 ડોલરની સપાટી પાર કરવામાં પરેશાની અનુભવી રહ્યો છે. જે સૂચવે છે કે કોમોડિટીમાં અન્ડરટોન નરમાઈનો છે અને 75 ડોલરની નીચે ટ્રેડ દર્શાવે તો ફરી 70 ડોલર આસપાસ જોવા મળી શકે છે. ચાલુ સપ્તાહે ઓપેક સહિત અન્ય ઉત્પાદકોની બેઠક છે. જો તેઓ ઉત્પાદન વૃદ્ધિને જાળવી રાખવાની તરફેણમાં નિર્ણય લેશે તો ક્રૂડનો સપ્લાય વધશે.
ગોલ્ડના ભાવમાં ઊંચી વોલેટિલિટી
વૈશ્વિક સ્તરે ગોલ્ડના ભાવમાં ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો સોમવારે એક તબક્કે 1825 ડોલર આસપાસ ટ્રેડ થયા બાદ 1800 ડોલર પર બંધ આવ્યો હતો. જ્યારે આજે સવારે તે 4.6 ડોલરના સુધારે 1805 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ ખાતે સીપીઆઈ ડેટા ઊંચો આવવાની ગણતરી પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે. જો ગોલ્ડ 1820 ડોલરની સપાટી પાર કરશે તો 1850 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવશે. 2022માં ગોલ્ડ બીજા ક્વાર્ટરમાં 2000 ડોલરનું સ્તર પણ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ડિસેમ્બરમાં મારુતિનું ઉત્પાદન 1,52,029 યુનિટ્સનું રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,55,127 યુનિટ્સ પર હતું.
• હિંદુસ્તાન ઝીંકે ડિસેમ્બર મહિના દરમિયાન વેચાણયોગ્ય મેટલ્સનું વિક્રમી ઉત્પાદન નોંધાવ્યું હતું.
• વેદાંતે 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં કુલ 5.79 લાખ ટનનું ઉત્પાદન દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.97 લાખ ટનની સરખામણઈમાં 16 ટકા ઊંચું હતું.
• બોરોસિલ ગ્લાસ સબસિડિયરી કંપનીમાં રાઈટ્સ ઈસ્યુ મારફતે અધિક ઈન્વેસ્ટમેન્ટ કરશે.
• એચડીએફસીએ છેલ્લાં 12 મહિના દરમિયાન રૂ. 27591 કરોડની લોનનું વિતરણ કર્યું હતું. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 16956 કરોડ પર હતી.
• પીએસયૂ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયાએ પ્રતિ શેર રૂ. 4ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
• યુએસએફડીએએ ફાઈઝર-બાયોટેકની કોવિડ માટેની રસીના 12-15 વર્ષના બાળકો માટે ઉપયોગની મંજૂરી આપી છે.
• ગોલ્ડમેન સાચે લેમન ટ્રી હોટેલ્સમાં 0.38 ટકા હિસ્સો અથવા 30 લાખ શેર્સની ખરીદી કરી છે.
• દિલીપ બિલ્ડકોને પીએસયૂ કંપની કોલ ઈન્ડિયાની પાંખ પાસેથી રૂ. 2680 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• હીરોમોટોકોર્પ ટુ-વ્હીલર્સના ભાવમાં રૂ. 2000 સુધીનો વધારો કરશે.
• ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશમાં ખાંડના ઉત્પાદનમાં 4.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
• કર્ણાટક બેંકની ડિપોઝીટ્સમાં ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ધોરણે 6.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે બેંકની લોન્સમાં 5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
Market Opening 04 Jan 2022
January 04, 2022