બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર મહિનાની ટોચ પર છતાં એશિયન બજારોમાં ‘ડલ’ ટ્રેડે
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 210 પોઈન્ટ્સના સુધારે 34500ની સપાટી પાર કરી મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોમાં તેની કોઈ અસર જોવા મળી રહી નથી. જાપાન, કોરિયા અને ચીનના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ બજાર બંધ છે. જ્યારે તાઈવાન અને સિંગાપુરના બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGXનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ફ્લેટ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. સિંગાપુર નિફ્ટી 14 પોઈન્ટ્સ સુધારા સાથે 15761ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસો દરમિયાન બજારમાં કોન્સોલિડેશન સાથે સાધારણ ઘસારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી માટે નવા સુધારા માટે 15900 અવરોધ બન્યું છે. માર્કેટને આઈટી સિવાય અન્ય ક્ષેત્રોનો સપોર્ટ સાંપડી રહ્યો નથી. ગયા સપ્તાહે બેંક નિફ્ટીના આઉટપર્ફોર્મન્સ બાદ બજારને બેંકિંગનો સપોર્ટ સાંપડે એવી આશા જાગી હતી. જોકે તે સાચી પડી નથી. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી બેંકિંગ શેર્સમાં ઘસારો જોવા મળ્યો છે. માત્ર મીડ-કેપ આઈટી સારો દેખાવ દર્શાવી રહ્યાં છે અને અગ્રણી શેર્સ તેમની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે.
ક્રૂડમાં સ્થિર ટ્રેડ
વૈશ્વિક બજારમાં ક્રૂડ કોઈ મહત્વના ટ્રિગરના અભાવે એક સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 74.88 ડોલર પ્રતિ બેરલ પર સાધારણ ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યો છે.
સોનુ-ચાંદી મક્કમ
વૈશ્વિક બજારમાં સોનુ 1774 ડોલરના સ્તરે મજબૂતી દર્શાવી રહ્યું છે. જો તે 1800 ડોલરના સ્તરને પાર કરવામાં સફળ રહેશે તો આગામી સમયગાળામાં ઝડપી ઉછાળો શક્ય છે. વૈશ્વિક સ્તરે ફુગાવો અપેક્ષા કરતાં ઝડપથી વધી રહ્યો છે. જેની પાછળ બજારનો એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે ફેડ રેટ વૃદ્ધિ માટે 2023 સુધી રાહ નહિ જોવે. આવો નાનો અણસાર પણ સોનાને ઝડપથી 2000 ડોલર સુધી લઈ જઈ શકે છે. શુક્રવારે યુએસ ખાતે જૂન મહિના માટે જાહેર થનારા રોજગારીના આંકડા મહત્વના બની રહેશે.
મહત્વની હેડલાઈન્સ
• જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરની ચાલુ ખાતાની ખાધ 8.10 અબજ ડોલર પર જોવા મળી. તે 7.5 અબજ ડોલર પર રહેવાનો અંદાજ હતો.
• મે મહિના માટે ચાવીરૂપ ઉદ્યોગોના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 16.8 ટકાની વૃદ્ધિ જોવા મળી.
• કેન્દ્રિય કેબિનેટે પાવર યુનિટલિટિઝ રિફોર્મ્સ માટે 41 અબજ ડોલરની યોજનાને મંજૂરી.
• જૂન મહિનામાં વરસાદ સરેરાશ કરતાં 10 ટકા ઊંચો નોંધાયો.
• ભારતે આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યાં બાદ વૈશ્વિક બજારમાં પામ ઓઈલના ભાવ બે સપ્તાહની ટોચ પર પહોંચ્યાં.
• શ્રેઈ ગ્રૂપ કેપિટલ ઈન્ફ્યુઝન માટે લગભગ સાત જેટલા ઈન્વેસ્ટર્સ સાથે વાતચીત ચલાવી રહી છે.
• દેશમાં ક્રેડિટ કાર્ડ લોન્સ ઘટીને 10-મહિનાના તળિયા પર જોવા મળી.
• બુધવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય શેરબજારમાં રૂ. 1650 કરોડનું કરેલું વેચાણ.
• સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 1520 કરોડની કરેલી ખરીદી.
• ડિશ ટીવીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1451 કરોડની ખોટ દર્શાવી. આવક 13 ટકા વધી રૂ. 752 કરોડ રહી.
• ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને રૂ. 4495 કરોડના ખર્ચે સ્ટાયરીન પ્રોજેક્ટ સ્થાપવાની આપેલી મંજૂરી.
Market Opening 1 July 2021
July 01, 2021