Market Opening 14 Feb 2022

માર્કેટ  ઓપનીંગ

 

શેરબજારોમાં સપ્તાહની નબળી શરૂઆત

યુએસ ખાતે ઊંચા ઈન્ફ્લેશન પાછળ ફેડ દ્વારા માર્ચ પહેલા રેટ વૃદ્ધિની જોવાઈ રહેલી શક્યતાં ઉપરાંત રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધની પ્રબળ શક્યતાં પાછળ યુએસ શેરબજારોમાં વેચવાલી પાછળ એશિયન બજારોએ સપ્તાહની નબળી શરૂઆત દર્શાવી છે. શુક્રવારેડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 503 પોઈન્ટ્સના ઘટાડે 34738ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેકમાં 2.8 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે ફરી 14 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. એશિયન બજારોમાં જાપાન 2.62 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ, કોરિયા, તાઈવાન, ચીનના બજારો 1.6 ટકા સુધીની નરમાઈ સૂચવે છે.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 214 પોઈન્ટ્સના ઘટાડે 17140ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જૂ સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીમાં 17150નો સપોર્ટ છે. જો આ સ્તર તૂટશે તો 17040નો સપોર્ટ બની શકે છે. જેની નીચે 16800 મહત્વનો સપોર્ટ છે. ભારતીય બજારમાં બે સત્રોથી ઘટાડાને જોતાં તે બાઉન્સ પણ દર્શાવી શકે છે. ટ્રેડર્સે પોઝીશન હળવી રાખવાનું સૂચન છે.

ONGCનો નફો સાત ગણો વધી રૂ. 8764 કરોડ

અગ્રણી કેન્દ્રિય પીએસયૂ ઓએનજીસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8764 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1258 કરોડની સરખામણીમાં 597 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ઓઈલ અને ગેસના ઊંચા ભાવોને કારણે કંપની ઉત્પાદનમાં નોંધાયેલા ઘટાડાને સરભર કરી શકી હતી. દેશમાં સૌથી મોટા ઓઈલ એન્ડ ગેસ ઉત્પાદકે પ્રતિ બેરલ ક્રૂડ પર 75.73 ડોલર મેળવ્યાં હતાં. ગયા વર્ષે સમાનગાળામાં તેનું મળતર 43.20 ડોલર પ્રતિ બેરલ જોવા મળ્યું હતું. ગેસ માટે તેણે પ્રતિ એમબીટીયુ 2.9 ડોલર મેળવ્યાં હતાં. જે વર્ષ અગાઉ 1.79 ડોલર પર જોવા મળતાં હતાં.

ક્રૂડમાં નવી ટોચ

રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલી વધતાં ક્રૂડના ભાવ નવી ટોચ પર જોવા મળી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.55 ટકા સુધારા સાથે 95.90 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેણે 96.07 ડોલરની સાત વર્ષોની ટોચ દર્શાવી હતી. ક્રૂડ ઓવરબોટ હોવા છતાં તેમાં સુધારો આગળ વધે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.

ગોલ્ડ ઉછળીને ત્રણ મહિનાની ટોચ પર

વૈશ્વિક ગોલ્ડના ભાવ ત્રણ મહિનાની ટોચ પર જોવા મળી રહ્યાં છે. કોમેક્સ વાયદો આજે સવારે 12 ડોલરની મજબૂતી સાથે 1854 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 1845 ડોલરની ફેડ બેઠક અગાઉની ટોચને પાર કરી છે. ગોલ્ડમાં હવેના ટાર્ગેટ 1870 ડોલર અને ત્યારબાદ 1900 ડોલરનું છે. જો એકવાર ગોલ્ડ 1900 ડોલર પાર કરશે તો ઝડપી સુધારાની શક્યતાં છે. ગોલ્ડે જુલાઈ 2020માં 2080 ડોલરની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.

ફોરેક્સ રિઝર્વ્સમાં 2.19 અબજ ડોલરની વૃદ્ધિ જોવાઈ

છેલ્લાં કેટલાંક સપ્તાહોથી દેશના વિદેશી હૂંડિયામણમાં સાપ્તાહિક ધોરણે વધ-ઘટ નોંધાઈ રહી છે. રિઝર્વ બેંકે આપેલા ડેટા મુજબ 4 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશમાં ફોરેક્સ રિઝર્વ્સમાં 2.198 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 631.953 અબજ ડોલર પર રહ્યું હતું. ફોરેન કરન્સી એસેટ્સમાં 2.251 અબજ ડોલરની વૃદ્ધિને કારણે રિઝર્વ્સમાં વધારો નોઁધાયો હતો. ફોરિન કરન્સી એસેટ્સ 569.329 અબજ ડોલર પર જોવા મળી હતી. આઈએમએફ ખાતે ભારતના સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ(એસડીઆર)માં 9.8 કરોડ ડોલરની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 19.108 અબજ ડોલર પર જોવા મળ્યો હતો. જ્યારે ગોલ્ડ રિઝર્વ્સમાં 21 કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 39.283 અબજ ડોલર પર રહ્યું હતું.

 

RILનો વિશ્વના ટોચના બ્લ્યૂ હાઈડ્રોજન ઉત્પાદક બનવાનો લક્ષ્યાંક

કંપની હાલના પેટ્રોલિયન કોકને સિન્થેસિસ ગેસમાં રૂપાંતરિત કરતાં પ્લાન્ટને બ્લ્યૂ હાઈડ્રોજન ઉત્પાદન કરવામાં તબદિલ કરશે

 

દેશની સૌથી ઊંચુ માર્કેટ-કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વમાં સૌથી મોટી બ્લ્યૂ હાઈડ્રોજન ઉત્પાદક બનવાનો ટાર્ગેટ રાખી રહી છે. કંપની વૈશ્વિક સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં અડધા ખર્ચે ઝીરો એમિશન ફ્યુઅલ બનાવવા માટે વિચારી રહી છે.

વિશ્વમાં સૌથી મોટા રિફાઈનીંગ કોમ્પ્લેક્સની ઓપરેટર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના રૂ. 30000 કરોડના પ્લાન્ટને બ્લ્યૂ હાઈડ્રોજન બનાવવામાં તબદિલ કરશે. હાલમાં આ પ્લાન્ટ પેટ્રોલિયમ કોકનું સિન્થેસિસ ગેસમાં રૂપાંતરણ કરે છે. કંપની 1.2-1.5 ડોલર પ્રતિ કિલોગ્રામના ભાવે બ્લ્યૂ હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાનો ઈરાદો ધરાવે છે એમ કંપનીએ સેપરેશન પ્લાન અંગે વિગતો આપતાં જણાવ્યું છે.

વર્તમાન સમયમાં હાઈડ્રોજન જાણીતા તમામ ઈંધણમાં સૌથી શુધ્ધ સ્વરુપનું ઈંધણ છે. ઉત્પાદન માટેની પ્રક્રિયાને આધારે હાઈડ્રોજનનો કલર ગ્રે, બ્લ્યૂ અથવા ગ્રીન હોય શકે છે. ગ્રે હાઈડ્રોજન એ સૌથી કોમન સ્વરૂપ છે અને તે નેચરલ ગેસ અથવા તો મિથેનમાંથી બનાવવામાં આવે છે. આ માટે ઉપયોગમાં લેવાલી પ્રક્રિયાને સ્ટીમ રિફોર્મીંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ સ્ટીમ રિફોર્મિંગ પ્રક્રિયામાંથી ઉત્પાદન થયેલા કાર્બનને પકડીને સ્ટોર કરવામાં આવે ત્યારે બનતાં હાઈડ્રોજનને બ્લ્યૂ હાઈડ્રોજન તરીકે ઓળખાવવામાં આવે છે. આમ ઘણીવાર બ્લ્યૂ હાઈડ્રોજનને કાર્બન ન્યૂટ્રલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમકે તેના કારણે વાતાવરણમાં એમિશન્સ છૂટું નથી પડતું. ગ્રીન હાઈડ્રોજનને ક્લિન હાઈડ્રોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમકે તેને સોલાર અથવા વિન્ડ પાવર જેવા રિન્યૂએબલ એનર્જી સ્રોતોમાંથી ક્લિન એનર્જિનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. 2035 સુધીમાં નેટ-ઝીરો કાર્બન એમિશનનો ટાર્ગેટ રાખનાર રિલાયન્સ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો આવે ત્યાં સુધી વચગાળાના પિરિયડમાં બ્લ્યૂ હાઈડ્રોજન તરફ નજર દોડાવી રહી છે. જ્યાં સુધી ગ્રીન હાઈડ્રોજનનો ખર્ચ ઘટશે નહિ ત્યાં સુધી વચગાળાના સમય દરમિયાન લઘુત્તમ ઈન્ક્રિમેન્ટલ ઈન્વેસ્ટમેન્ટ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાઈડ્રોજન ઈકોસિસ્ટમની સ્થાપના કરનાર પ્રથમ કંપની બની શકે છે એમ કંપનીએ એક પ્રેઝન્ટેશનમાં જણાવ્યું છે.

 

સેબીનો અનિલ અંબાણી તથા અન્ય ત્રણના કેપિટલ માર્કેટ પ્રવેશ પર પ્રતિબંધ  

રિલાયન્સ હોમ ફાઈનાન્સમાંથી નાણા ચાઁઉ કરવાના આક્ષેપસર લેવામાં આવેલું પગલું

કંપનીએ પ્રમોટર સાથે જોડાયેલી કંપનીઓને લોન્સ આપી નાણાની ઉચાપત કરી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ એડીએજી જૂથના ચેરમેન અનિલ અંબાણી અને અન્ય ત્રણ સહયોગીઓના કેપિટલ માર્કેટ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જૂથ કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ(આરએચએફએલ)માંથી ફંડ્સ ચાઉં કરી જવાના આક્ષેપસર માર્કેટ રેગ્યુલેટરે આ પગલુ ઉઠાવ્યું છે. સેબીએ આ લોકોને બજારમાંથી નાણા ઊભા કરવા જઈ રહેલી લિસ્ટેડ કંપની, સ્ટોક માર્કેટ મધ્યસ્થી કે અન્ય કોઈ પબ્લિક કંપની સાથે જોડાવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

જ્યાં સુધી કોઈ નવી નોટિસ જાહેર કરવામાં આવે નહિ ત્યાં સુધી આ નિયંત્રણો લાગુ રહેશે એમ સેબીએ જણાવ્યું છે. તેણે અનિલ અંબાણી અને અન્યોને તેમની સામે શા માટે વધુ પગલાં તથા તપાસ હાથ ધરવામાં ના આવે તેમ જણાવવા સાથે ઉપરોકત આદેશ આપ્યો છે. સેબીએ તેના આદેશમાં નોંધ્યું છે કે કેસની તપાસમાં જણાય છે  કંપનીનું ટોપ મેનેજમેન્ટ ગેરરિતીનો ઈરાદો ધરાવતું હતું. પ્રથમ તેણે કંપની પાસેથી ઉછીના લીધેલા નાણાને ડાયવર્ટ કર્યાં હતાં અને પાછળથી કંપનીની ફાઈનાન્સિયલ હેલ્થને શેરધારકોથી છૂપાવી હતી. કંપનીએ ખોટી રીતે ઘડી કાઢેલાં એકાઉન્ટ્સને જોતાં ક્યારેય આરએચએફએલની નાણાકિય સ્થિતિનો ખ્યાલ નહિ આવે. 18 એપ્રિલ 2019ના રોજ ઓડિટ કંપની પીડબલ્યુસીએ કેટલાંક નિરીક્ષણો દર્શાવ્યાં હતાં અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને ઓડિટ કમિટિ પાસેથી પ્રતિભાવ માગ્યો હતો. ઓડિટરે નોંધ્યું હતું કે આરએચએફએલે જનરલ પરપઝ કોર્પોરેટ લેન્ડિંગ(જીપીસી) હેઠળ 31 માર્ચ 2018 સુધીમાં રૂ. 900 કરોડની લોન વિતરણને 31 માર્ચ 2019 સુધીમાં અસાધારણ રીતે વધારીને રૂ. 7900 કરોડ કરી દીધું હતું. પીડબલ્યુસીએ જણાવ્યું હતું કે બોરોઅર્સની નેટવર્થ નેગેટિવ હતી. તેમજ તેઓ મર્યાદિત અથવા તો શૂન્ય આવક અને નફો ધરાવતાં હતાં. તપાસમાં જાણવા મળ્યું હતું કે આવા બોરોઅર્સમાંથી કેટલીક કંપનીઓ આરએચએફએલની ગ્રૂપ કંપનીઓ જ હતી. એક અન્ય ફોરેન્સિક ઓડિટ આરએચએફએલના કોન્સોર્ટિયમ ઓફ લેન્ડર્સે પણ હાથસ ધર્યું હતું. જેમાં તેમણે નોંધ્યું હતું કે આરએચએફએલે જીપીસી લોન્સ તરીકે સંખ્યાબંધ કંપનીઓને લોન વિતરણ કર્યું હતું. જેનું મુલ્ય રૂ. 14577 કરોડ થતું હતું. જેમાંથી રૂ. 12487 કરોડની લોન 47 જેટલી પોટેન્શ્યલી ઈન્ડિરેક્ટલી લિંક્ડ એન્ટિટિઝ(પીઆઈએલઈ)ને કરવામાં આવ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage