માર્કેટ ઓપનીંગ
યુએસમાં મજબૂતી વચ્ચે એશિયામાં મિશ્ર માહોલ
ભારતીય બજાર એક દિવસની રજા બાદ આજે કામગીરી દર્શાવશે. બુધવારે રજા દરમિયાન મોટાભાગના એશિયન બજારોએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. બુધવારે યુએસ બજારે તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ દિવસની ટોચ પરથી નીચો ઉતરી માત્ર 54 પોઈન્ટ્સના સુધારે 33731 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 138 પોઈન્ટ્સ ગગડ્યો હતો. એશિયન બજારો મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 0.12 ટકા સાથે સાધારણ પોઝીટીવ જોવા મળી રહ્યો છે. જ્યારે સિંગાપુર અને હોંગ કોંગ બજારો 0.99 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. તાઈવાન અને કોરિયન બજારો 0.45 ટકા સુધી પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જ્યારે ચીનનો શાંઘાઈ કંપોઝીટ એક ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.
SGX નિફ્ટીમાં 113 પોઈન્ટ્સનો ઘટાડો
સિંગાપુર નિફ્ટી 113 પોઈન્ટ્સ નરમાઈ સાથે 14663 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે તેણે મંગળવારે દર્શાવેલા 200 પોઈન્ટ્સથી વધુના સુધારાને ગણનામાં લઈએ તો ગુરુવારે બજારમાં કામકાજની શરૂઆત લગભગ 100થી વધુ પોઈન્ટ્સના ગેપ-અપ સાથે થવાની શક્યતા છે. જે સ્થિતિમાં નિફ્ટી 14650ના સ્તરને પાર કરી શકે છે. જોકે તેજી તરફી બનવા માટે નિફ્ટીએ 14800ના સ્તરને પાર કરવું જરૂરી છે.
ક્રૂડમાં ભારે ઉછાળો
મધ્ય-પૂર્વ એશિયામાં ફરી તંગદિલીને કારણે ક્રૂડના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો બુધવારે 4 ટકાથી વધુ ઉછળ્યો હતો અને 67 ડોલર નજીક ટ્રેડ થયો હતો. તેણે ફરી 65 ડોલરની સપાટી પાર કરી હતી. આમ તે ટેકનિકલી મજબૂત બન્યું છે અને જો 70 ડોલરનું સ્તર પાર થશે તો તે જાન્યુઆરી 2020 પછીની નવી ટોચ દર્શાવી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી સાંકડી રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આજે સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 3 ડોલર સુધારા સાથે 1739 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો સાધારણ નરમાઈ સાથે 25.50 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે એમસીએક્સ ખાતે સિલ્વર વાયદો રૂ. 67561ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ વાયદો રૂ. 46621ના સ્તરે બંધ રહ્યો હતો.
ઈન્ફોસિસે રૂ. 9200 કરોડના ખર્ચે શેર્સ બાયબેક કરશે
દેશમાં બીજા ક્રમની ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસિસે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5076 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામગીરી પર માર્જિનમાં ઘટાડાને કારણે અસર થઈ હતી. જોકે આવક વૃદ્ધિ જળવાય રહેવાને કારણે કંપનીની કામગીરીમાં અપેક્ષાની સરખામણીમાં મોટો ઘટાડો નહોતો નોંધાયો. કંપનીએ ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત સાથે રૂ. 9200 કરોડના ખર્ચે કંપનીના શેર્સ બાયબેકની જાહેરાત પણ કરી હતી. જોકે તેણે જણાવ્યું હતું કે તે મહત્તમ રૂ. 1750ના ભાવે જ બાયબેક કરશે. મંગળવારે ઈન્ફોસિસનો શેર 2 ટકા ઘટી રૂ. 1397ના સ્તરે બંધ રહ્યો હતો.
ઈન્ફોસિસે ચોથા ક્વાર્ટરમાં રૂ. 5076 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4321 કરોડ હતો. જોકે બજારનો અંદાજ રૂ. 5200 કરોડના પ્રોફિટનો હતો. નફો અપેક્ષાથી નીચો રહેવાનું કારણ ત્રિમાસિક ધોરણે માર્જિનમાં ઘટાડો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ઓપરેટીંગ માર્જિન 24.5 ટકા રહ્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 3.3 ટકા વૃદ્ધિ સૂચવતાં હતાં પરંતુ ત્રિમાસિક ધોરણે 0.9 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. આમ માર્ચ ક્વાર્ટરમાં નફાકારક્તા પર અસર પડી હતી. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં 13.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 26311 કરોડની આવક નોંધાવી હતી. જે રૂ. 23267 કરોડના અંદાજથી સહેજ ઓછી રહી હતી. કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 9.6 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 2 ટકા વધી હતી. વાર્ષિક ધોરણે કંપનીની આવક 10.7 ટકા વધી રૂ. 100472 કરોડ રહી હતી. કંપનીની બેઝીક ત્રિમાસિક ધોરણે ઈપીએસ વાર્ષિક ધોરણે 17.4 ટકા વધી રૂ. 11.96 રહી હતી. કંપનીએ પ્રતિ શેર રૂ. 15નું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
મહત્વની હેડલાઈન્સ
· યુરોપિયન યુનિયન ભારત સાથે મે મહિનામાં ટ્રેડ મંત્રણા શરૂ થવાની અપેક્ષા રાખે છે.
· આગામી ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી સ્કાયમેટે કરી છે.
· ટ્રિબ્યુનલે એક ચુકાદામાં જણાવ્યું છે કે લેન્ડર્સ એરવેવ્ઝને જામીનગીરી તરીકે ઉપયોગમાં લઈ શકે નહિ.
· 2021-22માં વૈશ્વિક અર્થતંત્ર વી શેપ રિકવરી દર્શાવી 6.9 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા.
· મંગળવારે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 731 કરોડની વેચવાલી દર્શાવી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 244 કરોડની વેચવાલી કરી હતી.
· મારુતિએ સીએનજી કાર્સનું 1.57 લાખ યુનિટ્સ સાથે વિક્રમી વેચાણ નોંધાવ્યું છે.
· ટાટા મેટાલિક્સે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 74.99 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. 77.04 કરોડ કરતાં 2.66 ટકા ઓછો હતો. કંપનીની આવક જોકે રૂ. 663.64 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 524.25 કરોડ પર હતી.
Market Opening 15 April 2021
April 15, 2021