Market Opening 15 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત એશિયન માર્કેટ્સમાં ઘસારો યથાવત
સપ્તાહના બીજા દિવસે યુએસ બજારમાં નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 283 પોઈન્ટ્સના ઘટાડે 34587ના સ્તરે બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 68 પોઈન્ટ્સ ગગડ્યો હતો. એશિયન બજારોમાં કોરિયા સિવાય અન્ય માર્કેટ્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં સિંગાપુર 0.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવે છે. જ્યારે જાપાન 0.52 ટકા, હોંગ કોંગ 0.42 ટકા, તાઈવાન 0.41 ટકા અને ચીન સાધારણ નરમાઈ દર્શાવે છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 35 પોઈન્ટ્સના સુધારા સાથે 17426ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીએ મંગળવારે 17438ની ટોચ દર્શાવી હતી. જોકે તે 17400 પર બંધ આપી શક્યો નહોતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોથી તે કોન્સોલિડેટ થઈ રહ્યો છે. 17200ના સપોર્ટને ધ્યાનમાં રાખી લોંગ પોઝીશન જાળવવી જોઈએ. 17200 નીચે 16900 મહત્વનો સપોર્ટ ગણાશે.
ક્રૂડ મક્કમ
વૈશ્વિક ક્રૂડના ભાવ મક્કમ જણાય છે. બ્રેન્ટ વાયદો આજે સવારી અડધા ટકા સુધારા સાથે 74 ડોલરના સ્તરે ટ્રેડ દર્શાવે છે. યુએસ ખાતે વાવાઝોડાને કારણે પ્રોડક્શન પર અસરની શક્યતા પાછળ ક્રૂડમાં મજબૂતી જોવા મળી છે. જો તે 75 ડોલરનું સ્તર પાર કરશે તો વધુ સુધારો શક્ય છે.
ગોલ્ડ ફરી 1800 ડોલર પર
મંગળવારે વૈશ્વિક સોનુ ફરી 1800 ડોલર પર ટ્રેડ કરવામાં સફળ રહ્યું હતું. આજે સવારે તે 2.6 ડોલરની નરમાઈ સાથે 1805 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. તેના માટે 1820-1830 ડોલર ઝોનમાં મોટો અવરોધ છે. જે પાર થતાં તે ઝડપી સુધારો દર્શાવી શકે છે. ચાલુ મહિને મળનારી ફેડની બેઠક સોનાની આગામી ચાલ માટે મહત્વની બની રહેશે. મંગળવારે યુએસ ખાતે ઓગસ્ટ માટેનો સીપીઆઈ અપેક્ષા કરતાં 0.3 ટકા નીચી વૃદ્ધિ દર્શાવતો હતો. આમ ફેડ માટે ટેપરિંગમાં આગળ વધવું કે કેમ તે એક મોટી મૂંઝવણ બની રહેશે. જો ટેપરિંગને પાછળ ઠેલવામાં આવશે તો ગોલ્ડમાં સુધારો જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ઓગસ્ટ માટે દેશની વેપારી ખાધ 13.8 અબજ ડોલર પર જોવા મળી હતી. જે 13.87 ડોલરના અંદાજ સામે સાધારણ નીચી રહી હતી.
• ઓગસ્ટમાં નિકાસ 45.76 ટકા ઉછળી 33.28 અબજ ડોલર પર રહી હતી. જ્યારે આયાત 51.72 ટકા ઉછળી 47.09 અબજ ડોલર જોવા મળી હતી.
• કેઈર્ન એનર્જિ અને એર ઈન્ડિયાએ ન્યૂયોર્ક ખાતે સંયુક્તપણે કેસને અટકાવવાની માગણી કરી.
• ટાટા જૂથે એક મહત્વના નિર્ણયમાં પ્રથમવાર સીઈઓનો હોદ્દો ઊભો કરવાનું નક્કી કર્યું છે.
• એનએસઈની રેગ્યુલેટરી ટીમ મેમ્બર દ્વારા અસાધારણ ટ્રેડ્સની તપાસ કરી રહી છે.
• રાકેશ ઝૂનઝૂનવાલા અને બોફાએ ઝી એન્ટરટેઈનમેન્ટમાં શેર્સની ખરીદી કરી છે. કંપનીનો શેર મંગળવારે 40 ટકાથી વધુ ઉછળ્યો હતો.
• 14 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સામાન્ય વરસાદની સરખામણીમાં 5 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
• વિદેશી રોકાણકારોએ મંગળવારે ભારતીય બજારમાં રૂ. 1650 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 310 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
• એફઆઈઆઈએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 1810 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
• કેન્દ્રિય કેબિનેટ બુધવારે ટેલિકોમ માટે રિલિફ પેકેજ અંગે વિચારણા કરી શકે છે.
• કેબિનેટ બુધવારે ઓટો ક્ષેત્ર માટે સુધારેલી પીએલઆઈ સ્કિમને મંજૂરી આપે તેવી શક્યતા.
• ગેઈલ ઈન્ડિયાએ જણાવ્યું છે કે ઓએનજીસી ત્રિપુરામાં 26 ટકા હિસ્સાની ખરીદી માટે બીડ કરવા તે આઈએલએન્ડએફએસ સાથે એસપીએ સાઈન કરવાની પ્રક્રિયામાં છે.
• શ્રી સિમેન્ટ રૂ. 3500 કરોડના ખર્ચે સિમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરશે. સાથે રૂ. 500 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ્સ પણ સ્થાપશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage