બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ નરમ, એશિયામાં મિશ્ર વલણ
ભારત સિવાય અગ્રણી શેરબજારોમાં દિશાહિન ટ્રેન્ડ યથાવત છે. યુએસ બજાર મંગળવારે 94 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. તો એશિયન બજારો પોતાની વ્યક્તિગત ચાલ દર્શાવી રહ્યાં છે. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ અને ચીન નરમ છે. જ્યારે તાઈવાન અને કોસ્પીમાં સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા મહિના ઉપરથી તેઓ આ પ્રકારની મુવમેન્ટ દર્શાવી રહ્યાં છે. આ સમય દરમિયાન ભારતીય બજારે સારો સુધારો દર્શાવ્યો છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ફ્લેટ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 15 પોઈન્ટ્સની નરમાઈ સાથે 15839 પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી ગઈકાલે 15850ના અવરોધને પાર કરી ગયો હતો. જ્યારબાદ હવે તે 16000ના સ્તરને સ્પર્શે એવી રાહ ટ્રેડર્સ જોઈ રહ્યાં છે. જોકે બજાર થાકેલું જણાય છે અને જો નિફ્ટી 15600નું સ્તર તોડશે તો લોંગ લિક્વિડેશન પાછળ માર્કેટમાં 200-500 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળે તેવી શક્યતા નકારી શકાય નહિ.
બ્રેન્ટ ક્રૂડ 75 ડોલરની નજીક
વૈશ્વિક ક્રૂડ બજારોમાં મજબૂતી યથાવત છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.9 ટકાના સુધારે 74.65 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ કોન્સોલિડેશન બાદ તે નવા ઝોનમાં પ્રવેશ્યો છે. યુએસ અને ચીન ખાતે મજબૂતી રિકવરીના અહેવાલો પાછળ ક્રૂડમાં સુધારો ટક્યો છે.
મહત્વની હેડલાઈન્સ
• મે મહિનામાં દેશની નિકાસ 69.35 ટકા વધી 32.27 અબજ ડોલર થઈ. જ્યારે આયાત 73.64 અબજ ડોલર વધી 38.55 અબજ ડોલર થઈ. વેપાર ખાધ 6.28 અબજ ડોલર જોવા મળી.
• 15 જૂને દેશમાં ચાલુ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 31 ટકા વધુ.
• મંગળવારે ભારતીય બજારમાં એફઆઈઆઈની રૂ. 634 કરોડની ખરીદી.
• સ્થાનિક ફંડ્સે બજારમાં રૂ. 649 કરોડનું નોંધાવેલું વેચાણ.
• વિદેશી સંસ્થાઓએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 95 કરોડની કરેલી ખરીદી.
• સરકારે 2020-21માં ઈથેનોલના ઉત્પાદન માટે એફસીઆઈના જથ્થામાંથી 78 હજાર ટન ચોખાની કરેલી ફાળવણી.
• કેનેરા બેંકે એનએઆરસીએલમાં 12 ટકા હિસ્સો ખરીદવા માટે આરબીઆઈની મંજૂરી માગી.
• જ્યુબિલિઅન્ટ ફૂડે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 104 કરોડનો નફો નોંધાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.10 કરોડ હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 15 ટકા વધી રૂ. 1030 કરોડ રહી.
• એલઆઈસી હાઉસિંગે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 399 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 5 ટકા ઘટાડો દર્શાવે છે.
• રાઈટ્સ રેલ્વેના રૂ. 1740 કરોડના પ્રોજેક્ટ માટે સૌથી નીચા બીડર તરીકે ઉભર્યો છે.
• વિપ્રોએ સેવી સ્ટ્રોસ સાથે ચાર વર્ષ માટે ભાગીદારી વિસ્તારી.
Market Opening 16 June 2021
June 16, 2021