માર્કેટ ઓપનીંગ
ફેડના રેટને નીચા જાળવી રાખવાના નિર્ણય બાદ માર્કેટ્સમાં તેજી
યુએસ ફેડની એફઓએમસી બેઠકે બેન્ચમાર્ક રેટને લાંબો સમય નીચા જાળવી રાખવાના પોતાના અગાઉના નિર્ણયને વળગી રહેવાનો નિર્ણય કર્યો છે. જેની પાછળ બુધવારે યુએસ બજારમાં મજબૂતી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 189 પોઈન્ટ્સના સુધારે પ્રથમવાર 33 હજારની સપાટી કૂદાવી 33015 પર બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 54 પોઈન્ટ્સના સુધારે બંધ આવ્યો હતો. જોકે ફેડની કોમેન્ટ બાદ લિક્વિડીટીને લઈને ચિંતા ઓછી થવાથી એશિયન બજારોમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં જાપાનનો નિક્કાઈ 1.63 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે હેંગ સેંગ 1.9 ટકા, સિંગાપુર 1.15 ટકા, તાઈવાન 0.8 ટકા, કોરિયાનો કોસ્પી 1.2 ટકા અને ચીનનું બજાર 0.8 ટકા મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં એક ટકાથી વધુ ઉછાળો
સિંગાપુર નિફ્ટી તેના અગાઉના બંધભાવથી 189 પોઈન્ટ્સ મજબૂતી દર્શાવી રહ્યો છે. તે 14960ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ એક ટકાથી વધુનું ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. જે સ્થિતિમાં નિફ્ટી ફરી 15000ને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. નિફ્ટીને હવે 14990નો મજબૂત અવરોધ છે. જે પાર થશે તો તે કોન્સોલિડેશનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી શકે છે. બીજી બાજુ તો 14700ની નીચે ઉતરી જશે તો તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવોમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.85 ટકાના ઘટાડે 67.41 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. અંતિમ એક સપ્તાહ ઉપરાંતથી તે 67-70 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. જોકે ભારત જેવા મોટા વપરાશકાર દેશમાં કોવિડના વધતાં કેસોની અસર પાછળ તે 65 ડોલરનું સ્તર ગુમાવશે તો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં પણ ફેડની અસરે બ્રેક આઉટ
વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી પણ ફેડે રેટ નીચા જાળવી રાખવાની વાત કરતાં ઉછળ્યાં છે. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 23 ડોલર ઉછળી 1750 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેણે છેલ્લા કેટલાક સમયની રેંજમાંથી બ્રેકઆઉટ આપ્યું છે. ચાંદી વાયદો પણ 2 ટકા ઉછળી 26.56 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં એમસીએક્સ ખાતે બુધવારે રાતે સોનુ રૂ. 27ના સુધારા સાથે રૂ. 44840 પર જ્યારે ચાંદી વાયદો રૂ. 331ના સુધારે રૂ. 67250 પર બંધ આવ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· એમેઝોન પ્રાઈમ વિડિયો ભારતમાં ફિલ્મ ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ્યું.
· ઈન્ડિયન ઓઈલ અને ઈઝરાયલની ફિનર્જિએ મેટલ-એર બેટરીઝ માટે સંયુક્ત સાહસ સ્થાપ્યું.
· બુધવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 2630 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી.
· બુધવારે સ્થાનિક ફંડ્સે રૂ. 562 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી.
· 2020-21માં અત્યાર સુધીમાં રૂ.2 લાખ કરોડનું ઈન્કમટેક્સ રિફંડ ચૂકવવામાં આવ્યું.
· ન્યૂક્લિઅર પ્રોજેક્ટ માટે ભેલ સૌથી સસ્તાં બીડર તરીકે ઉભર્યો.
· એચએફસીએલને ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂ. 221 કરોડનો ઓર્ડર મળ્યો.
Market Opening 18 March 2021
March 18, 2021
