બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં સપ્તાહની નરમ શરૂઆત
ઈમર્જિંગ બજારોમાં વેચવાલીનું દબાણ ચાલુ છે. નવા સપ્તાહે તેઓ 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ માર્કેટ 1.8 ટકા સાથે સૌથી વધુ નરમાઈ સૂચવે છે. જાપાન, કોરિયા, તાઈવાન, ચીન અને સિંગાપુર પણ 1.5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. તેઓ તાજેતરના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે. કોવિડના વધતાં કેસિસ પાછળ માર્કેટ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી એક ટકાથી વધુ ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 206 પોઈન્ટ્સના ઘટાડે 15731ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે મહત્વના સપોર્ટ સ્તર નજીક જ ખૂલે તેવું જણાય છે. નિફ્ટીને 15750નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે વધુ ખરાબી દર્શાવી શકે છે. જોવાનું એ રહે છે કે ગયા સપ્તાહે જોવા મળેલું આઈટી ક્ષેત્રે મોમેન્ટમ ચાલુ રહી શકે છે કે કેમ. જો તે જળવાશે તો બજાર નીચા સ્તરે ખૂલ્યા બાદ ધીમે-ધીમે બાઉન્સ દર્શાવી શકે છે.
ક્રૂડમાં ધીમી ગતિએ આગળ વધતી નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.3 ટકાના ઘટાડે 72.62 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે લગભગ છેલ્લા એક મહિના કરતાં વધુની નીચી સપાટી છે. જો તે 70 ડોલરનું સ્તર તોડશે તો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. જે સ્થિતિમાં તે 62 ડોલર અને ત્યારબાદ 55 ડોલરના સ્તરો પણ જોઈ શકે છે.
ગોલ્ડમાં પણ નરમાઈ
ઉઘડતાં સપ્તાહે કોમેક્સ ગોલ્ડમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. ગોલ્ડ ફ્યુચર્સ એક ડોલર ઘટાડે 1814 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે ફરી 1820 ડોલરના સપોર્ટ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તેના માટે હવે 1800 ડોલર મહત્વનો સપોર્ટ સ્તર છે.
ડીઆરટી કોર્ટે બલ્ડ ડીલમાં યુનાઈટેડ બ્રુઅરીઝના રૂ. 716 કરોડના શેર્સ વેચ્યાં
નાણા મંત્રાલય હેઠળની ડેટ રિકવરી ટ્રિબ્યુનલે યુનાઈટેડ બ્રુઅરીઝના જપ્ત કરેલા શેર્સનું વેચાણ કર્યું છે. ડીઆરટી કોર્ટ 2ના રિકવરી ઓફિસર વને યુનાઈટેડ સ્પિરિટ્સના 1,13,50,722 ઈક્વિટી શેર્સનું રૂ. 630.93 પ્રતિ શેરના ભાવે બીએસઈ પર એક બલ્ક ડિલમાં વેચાણ કર્યું હતું. જેમાંથી રૂ. 716.15 કરોડ ઊભા કર્યાં હતાં. શેર એક્સચેન્જ પર 2.27 ટકા વૃદ્ધ સાથે રૂ. 665.60ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
એચડીએફસી બેંકના પરિણામ પર કોવિડની અસર
એચડીએફસી બેંકનો જૂન ક્વાર્ટરનો નફો 16.1 ટકા વધી રૂ. 7730 કરોડ
બેંકનું પ્રોવિઝન ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3891.5 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 4830.8 કરોડ પર રહ્યું
દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની એવી એચડીએફસી બેંકે જૂન ક્વાર્ટર માટે નફામાં 16.1 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. બેંકનો નફો ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 6658.62 કરોડ સામે લગભગ રૂ. 1071 કરોડ વધી રૂ. 7729.64 કરોડ રહ્યો છે. કંપનીના પ્રોવિઝન્સમાં ઊંચી વૃદ્ધિ છતાં તેણે નફામાં સારી વૃદ્ધિ નોંધાવી છે.
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે 8.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17009 કરોડ પર રહ્યાં છે. બેંકે જૂન ક્વાર્ટરમાં તેની લોન બૂકમાં 14.4 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 4.1 ટકા પર નોંધાવ્યું છે. વાર્ષિક ધોરણે કંપનીની ડિપોઝિટ્સ 13.2 ટકા ઉછળી રૂ. 13.45 કરોડ રહી હતી. બેંકે બીએસઈને એક ફાઈલીંગમાં જણાવ્યું છે કે ડિપોઝીટ્લમાં તંદુરસ્ત વૃદ્ધિ પાછળ બેંક 126 ટકા પર તંદુરસ્ત લિક્વિડિટી કવરેજ રેશિયો જાળવી શકી છે. જૂન ક્વાર્ટરમાં બેંકે પ્રોવિઝન્સ પેટે રૂ. 4830.8 કરોડ ફાળવ્યાં હતાં. જેમાં રૂ. 600 કરોડના કન્ટીજન્ટ પ્રોવિઝન્સનો સમાવેશ થાય છે. ગયા વર્ષે તેના પ્રોવિઝન્સ રૂ. 3891.5 કરોડના સ્તરે હતાં. જ્યારે માર્ચ 2021 ક્વાર્ટરમાં તે રૂ. 4693.7 કરોડ પર હતાં. આમ ત્રિમાસિક ધોરણે તેમાં મોટી વૃદ્ધિ નહોતી નોંધાઈ. ક્વાર્ટર દરમિયાન બેંકની કુલ ક્રેડિટ કોસ્ટ 1.67 ટકા રહી હતી. જે ગયા માર્ચ 2021 ક્વાર્ટરમાં 1.64 ટકા પર હતી. જ્યારે જૂન 2020 ક્વાર્ટરમાં 1.54 ટકા પર હતી. આમ સતત ત્રિમાસિક ધોરણે ક્રેડિટ કોસ્ટમાં વૃદ્ધિ જોવા મળી હતી. આ પાછળનું કારણ મહામારી વચ્ચે કલેક્શન માટેની કાર્યદક્ષતામાં જોવા મળેલો ઘટાડો તથા પ્રોવિઝન્સનું ઊંચું સ્તર છે એમ બેંકે જણાવ્યું છે. ત્રિમાસિક ગાળામાં કંપનીની એસેટ ક્વોલિટીમાં પણ થોડી ખરાબી જોવા મળી હતી અને તેની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 1.47 ટકા પર રહી હતી. જે માર્ચ 2021 ક્વાર્ટરમાં 1.32 ટકા પર હતી. તેની નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ પણ માર્ચ ક્વાર્ટરમાં 0.40 ટકા પરથી વધી જૂન ક્વાર્ટરમાં 0.48 ટકા પર રહી હતી. બેંકની અન્ય આવક રૂ. 6288.5 કરોડ પર રહી હતી. જે વાર્ષિક ધોરણે 54.3 ટકાની વૃદ્ધિ સૂચવે છે. બેંકના ફી અને કમિશન સેગમેન્ટમાં 74.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 3885.4 કરોડના સ્તરે રહ્યું હતું. તેની ફોરેન એક્સચેન્જ અન્ડ ડેરિવિટિવ્સ રેવન્યૂ પણ 174.6 ટકા વધી રૂ. 1198.7 કરોડ પર રહી હતી. પ્રોવિઝન અગાઉનો ઓપરેટિંગ પ્રોફિટ 18 ટકા વધી રૂ. 15137 પર રહ્યો હોવાનું બેંકે જણાવ્યું હતું.
ભારતી એરટેલ-વોડાફોન આઈડિયા માટે રાહતના સમાચાર
ઋણ ચૂકવણીની સમય મર્યાદા લંબાવી ટેલિકોમ કંપનીઓને રાહત આપવાની વિચારણા
ટેલિકોમ મંત્રાલયે જંગી ઋણ બોજ હેઠળ દબાયેલી કંપનીઓની સાથે વાતચીત કરવાનો લીધેલો નિર્ણય
જંગી ઋણ બોજ હેઠળ દબાયેલી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને રાહત આપવાના ઈરાદે તેમની સાથે મંત્રણા યોજવાનો નિર્ણય સરકારી લીધો છે. વોડાફોન આઈડિયા અને તેના લેન્ડર્સે નાણાકિય કટોકટીને ટાળવાના હેતુથી સરકારને દરમિયાનગીરી કરવા માટે કરેલી માગણીને ધ્યાનમાં લઈને સરકાર આ પહેલ કરી રહી છે. સુપ્રીમકોર્ટ અડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર) મુદ્દે 19 જુલાઈથી તેની સુનાવણી શરૂ કરવાનું છે ત્યારે ટેલિકોમ મંત્રાલય સર્વિસ પ્રોવાઈડર્સ તરફથી કંપનીઓને ચૂકવવામાં આવી રહેલાં કેટલાક કરવેરામાં રાહત આપવા માટે વિચારણા હાથ ધરી શકે છે.
સુપ્રીમકોર્ટે ગયા સપ્ટેમ્બરમાં ટેલિકોમ કંપનીઓને એજીઆર પેટે સરકારને ચૂકવવાના થતાં નાણા 10 વર્ષમાં તબક્કાવાર ચૂકવવા માટેની છૂટ આપી હતી. જોકે તેણે ડોટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી એજીઆરના લેણેને માન્યતા પણ આપી હતી. જોકે ચાલુ વર્ષની શરૂમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા એજીઆરની ગણતરીમાં રહેલી કેટલીક તકલીફોને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતાં. ડોટની ગણતરી મુજભ ભારતીએ રૂ. 43 હજાર કરોડ જ્યારે વોડાફોન આઈડિયાએ એજીઆર પેટે રૂ. 58 હજાર કરોડની ચૂકવણી કરવાની રહે છે.
ટેલિકોમ કંપનીઓને સંભવિત રાહતો કેવા પ્રકારની હોય શકે છે તે અંગે જણાવતાં ડોટના અધિકારીએ કહ્યું હતું કે તેમાં સરકારને ચૂકવવાની થતી કેટલીક લેવીની સમયમર્યાદાને હળવી બનાવવા જેવા ઉપાયોનો સમાવેશ થાય છે. ઉપરાંત કંપનીઓએ દર ત્રિમાસિક ધોરણે ચૂકવવાની થતી લાયસન્સ ફીને વાર્ષિક ધોરણે ચૂકવવા માટેની છૂટ આપવામાં આવી શકે છે. આના કારણે કેટલીક ટેલિકોમ કંપનીઓને બોજના ચૂકવણામાંથી આગામી કેટલાક ક્વાર્ટર્સમાં રાહત સાંપડી શકે છે. આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતાં સ્પેક્ટ્રમ સંબંધિત હપ્તાઓને પણ કેટલોક સમય માટે લંબાવી આપવાની વિચારણા થઈ શકે છે એમ વર્તુળો જણાવે છે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે આ પગલા માટે તૈયાર થવાનું કારણ ટેલિકોમ ક્ષેત્રે વધુ સંકોચન અટકાવવાનું છે. વોડાફોન આઈડિયા જેવી કેશની જંગી તંગીથી પીડાતી કંપની માટે કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવી રહ્યાં હોવાનો ઈન્કાર કરવાની સાથે તેઓ ઉમેરે છે કે સરકારની ઈચ્છા ટેલિકોમને માત્ર બે જ કંપનીઓની મોનોપોલી બનતાં અટકાવવાની છે.
કેટલાંક વર્ષો અગાઉ ટેલિકોમ ક્ષેત્રે અનેક પ્લેયર્સ જોવા મળી રહ્યાં હતાં. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય ટેલિકોમ ક્ષેત્રથી આકર્ષાઈ હતી. જોકે 2જી સ્પેક્ટ્રમ ટેલિકોમ સ્કેમ બાદ પ્લેયર્સની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. હાલમાં માત્ર ત્રણ ખાનગી પ્લેયર્સ માર્કેટમાં સક્રિય છે. અધિકારીના જણાવ્યા મુજબ સરકાર ઉદ્યોગ માટે રાહતના ઉપાયોની વિચારણા કરશે ત્યારે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખવામાં આવશે. ટેલિકોમ વિભાગ કાયદા વિભાગ સાથે તેમજ નાણા મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરશે. વોડાફોન આઈડિયાના લેન્ડર્સે અગાઉ કટોકટીને ટાળવા માટે આગળ આવવા નાણા મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો.
ખરિફ વાવેતરમાં ઘટાડો ગ્રામીણ અર્થતંત્ર માટે ચિંતા
જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી ખરિફ વાવેતરમાં 12 ટકાનો ઊંચો ઘટાડો
16 જુલાઈ સુધીમાં દેશમાં 612 લાખ હેકટરમાં જ ચોમાસુ વાવેતર નોંધાયું જે ગયા વર્ષે સમાનગાળામાં 692 લાખ હેકટર પર હતું
છેલ્લા પાંચ વર્ષોના સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં પણ ચાલુ સિઝનમાં 4 ટકા નીચું વાવેતર
જુલાઈના બીજા સપ્તાહથી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ પરત ફરવા છતાં ખરિફ વાવણીકાર્યમાં વૃદ્ધિ જોવા મળી રહી નથી. 16 જુલાઈ સુધીમાં દેશમાં કુલ 611.8 લાખ હેકટર વિસ્તારમાં ખરિફ વાવેતર જોવા મળ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 691.9 લાખ હેકટર વિસ્તારમાં નોંધાયું હતું. આમ ચોમાસુ પાકોના વાવેતરમાં દેશમાં 11.6 ટકા વિસ્તારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સામાન્યરીતે 15મેથી શરૂ થતી ખરિફ વાવેતર સિઝન એક ઓગસ્ટે પૂરી થાય છે. આમ ખરિફ વાવણી માટે હવે માત્ર એક પખવાડિયાનો સમય બચ્યો છે.
કેન્દ્રિય કૃષિ મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા પર નજર નાખીએ તો લગભગ તમામ મુખ્ય પાકોના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં જાડા ધાન્યોના વાવેતરમાં 20.6 ટકા સાથે સૌથી મોટા ઘટાડો જોવા મળે છે. ગયા વર્ષે 16 જુલાઈ સુધીમાં 115 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં બાજરી, જુવાર અને મકાઈ જોવા પાકોનું વાવેતર 91.3 લાખ હેકટરમાં જ જોવા મળી રહ્યું છે. તેલિબિયાંની વાત કરીએતો તેમનું વાવેતર પણ 13.6 ટકાનો મોટો ઘટાડો સૂચવે છે. ચાલુ સિઝનમાં શુક્રવાર સુધી 128.9 લાખ હેકટરમાં ખરિફ તેલિબિયાંનું વાવેતર થયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 149.3 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આ જ રીતે કપાસની વાત કરીએ તો વાવેતર 98 લાખ હેકટર પર પહોંચ્યું છે. જે ગયા વર્ષે 113 લાખ હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું હતું. કઠોળ પાકોમાં 12.1 ટકાના ઘટાડા સાથે 70.6 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું છે. જે ગયા વર્ષે 80.3 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જ્યારે ડાંગર જેવા ધાન્ય પાકનું વાવેતર 161.9 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગયા વર્ષના 174.4 લાખ હેકટર સામે 7.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.
આશ્ચર્યની વાત એ છે કે 9 જુલાઈએ પૂરા થતાં સપ્તાહ દરમિયાન દેશમાં ખરિફ પાકોનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં 10.45 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જે વરસાદના પરત ફર્યાંના સપ્તાહમાં વધીને 11.6 ટકા પર પહોંચ્યો હતો. જે સૂચવે છે કે ક્યાંક ખેડૂતોમાં ખરિફ વાવેતરને લઈને ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. અથવા વાવેતરમાં ઘટાડા માટે અન્ય કોઈ કારણ છે. એક અન્ય આશ્ચર્યની વાત એ પણ છે કે ચાલુ સિઝનમાં વાવેતર છેલ્લા પાંચ સિઝનના સરેરાશ વાવેતર કરતાં પણ ચાર ટકાનો ઘટાડો દર્શાવે છે. જે ખરિફ પાકોના વાવેતરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં 23.3 ટકા વિસ્તાર ઘટાડા સાથે અડદ મુખ્ય છે. ત્યારબાદ 21 ટકા ઘટાડા સાથે મગ બીજા ક્રમે આવે છે. બાજરીના વિસ્તારમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે મગફળીના વાવેતરમાં 18.16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સોયાબિનનો વાવેતર વિસ્તાર પણ 12 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે.
Market Opening 19 July 2021
July 19, 2021