Market Opening 2 July 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ
યુએસમાં સુધારા વચ્ચે એશિયન બજારોમાં નિરસતા
જુલાઈ મહિનાની શરૂઆત એશિયન બજારો માટે સારી નથી જોવા મળી. યુએસ માર્કેટ છેલ્લા કેટલાંક સત્રોથી સતત સુધારો દર્શાવી રહ્યું છે. જેની અસર એશિયન બજારો પર જોવા મળી રહી નથી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 131 પોઈન્ટ્સ સુધરી ગુરુવારે તેની સર્વોચ્ચ સપાટીથી થોડો છેટે બંધ આપવામાં સફળ રહ્યો હતો. જોકે એશિયન બજારો ઠેરના ઠેર જોવા મળે છે. ગુરુવારે રજા જાળવનાર હોંગ કોંગ બજાર તો 1.5 ટકાના નોંધપાત્ર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. ચીન પણ 1.4 ટકાનો ઘસારો દર્શાવે છે. જ્યારે જાપાન, કોરિયા, તાઈવાન અને સિંગાપુર 0.3 ટકાના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સાઉથ-ઈસ્ટ એશિયન દેશોમાં વધી રહેલો કોવિડનો પ્રકોપ આ માટે જવાબદાર હોવાનું ગણાવાઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 23 પોઈન્ટ્સના સુધારા સાથે 15749ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોથી પોઝીટીવ ઓપનીંગ બાદ બજાર દિવસ દરમિયાન ધીમે-ધીમે ઘસાઈને નેગેટિવ બંધ દર્શાવતું રહ્યું છે. નિફ્ટીમાં 15600ના સ્તર પર ટ્રેડ થાય ત્યાં સુધી બજારમાં સુધારાનો ટ્રેન્ડ અકબંધ છે એવું ટેકનિકલ એનાલિસ્ટ જણાવે છે. જો આ સ્તર તૂટશે તો બજારમાં ટ્રેન્ડ રિવર્સલ થયો કહી શકાશે.

વૈશ્વિક ક્રૂડે નવી ટોચ દર્શાવી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં મજબૂતી યથાવત છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 76.71 ડોલરની પોણા બે વર્ષની નવી ટોચ પર ટ્રેડ થયો છે. આમ ક્રૂડમાં નજીકમાં કરેક્શનના કોઈ આસાર જોવા મળી રહ્યાં નથી. એકબાજુ વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ સ્થાનિક ચલણ રૂપિયામાં ડોલર સામે નરમાઈ જોવા મળી રહી છે. આ સંયોગ ભારતીય અર્થતંત્રમાં રિકવરી સામે મોટો અવરોધ પેદા કરી શકે છે.

મહત્વની હેડલાઈન્સ
• નાણાપ્રધાને જણાવ્યું છે કે લોકડાઉનમાં રાહત બાદ જીએસટીની આવકમાં વૃદ્ધિ જોવા મળશે.
• કેન્દ્રિય પ્રધાન ગડકરીના મતે ઈવી કાર મેન્યૂફેક્ચરર ટેસ્લા ભારતીય બજારમાં ટૂંક સમયમાં પ્રવેશ કરશે.
• હવામાન વિભાગના મતે નબળા ચોમાસા છતાં જુલાઈમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા.
• આરબીઆઈના રિપોર્ટ મુજબ બેંક્સની એનપીએમાં વૃદ્ધિ થશે અને તે 9-12 ટકા પર જોવા મળશે.
• મે મહિનામાં ભારતની સર્વિસ નિકાસ 17.4 અબજ ડોલર જ્યારે આયાત 10.2 ડોલર પર રહી હતી.
• આરબીઆઈના મતે રાજ્ય સરકારો જુલાઈ-સપ્ટેમ્બર 2021 દરમિયાન રૂ. 1.7 લાખ કરોડનું બોરોઈંગ કરશે.
• લેન્ડર્સે બેડ બેંકમાં ઓફલોડ કરવા માટે 11 અબજ ડોલરના બેડ ડેટ ઓળખી કાઢ્યું. વિડિયોકોન ઓઈલ વેન્ચર્સ અને એમટેકના ડેટનું સૌપ્રથમ વેચાણ કરવામાં આવશે.
• ગુરુવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1250 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 881 કરોડની ખરીદી કરી હતી.
• પૂર્વીય ભારત સ્થિત નવ એનટીપીસી યુનિટ્સે ત્રિમાસિક ધોરણે સૌથી વધુ વીજ ઉત્પાદન નોંધાવ્યું.
• કોલ ઈન્ડિયાના જૂન વેચાણમાં 23 ટકા વૃદ્ધિ નોંધાઈ. તેણે 4.17 કરોડ ટન સામે 5.13 કરોડ ટનનું વેચાણ દર્શાવ્યું.
• આઈશર મોટર્સે જૂન મહિનામાં 43,048 નંગ વાહનોનું વેચાણ કર્યું. જે ગયા વર્ષે સમાનગાળામાં 38,065 પર હતું.


જૂનમાં કાર સહિત પેસેન્જર્સ વાહનોના વેચાણમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ
મારુતિએ જૂનમાં વાહન વેચાણમાં 157 ટકા જ્યારે ટાટા મોટર્સે 125 ટકા વૃદ્ધિ દર્શાવી

કોવિડની બીજી લહેરમાં રાહતનો લાભ ઓટોમોબાઈલ કંપનીઓને મળ્યો છે. જૂન મહિનામાં અગ્રણી ઓટો કંપનીઓએ વાહનોના વેચાણમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવી છે. વાર્ષિક ધોરણે તેમણે 170 ટકા જેટલી વેચાણ વૃદ્ધિ નોંધાવી છે. ટુ-વ્હીલર્સથી લઈને કાર તેમજ પેસેન્જર વેહીકલ્સ ઉત્પાદકોએ ગુરુવારે જૂન મહિનામાં વેચાણના સારા આંકડા રજૂ કર્યાં હતાં.
દેશમાં અગ્રણી કાર મારુતિ સુઝુકીએ જૂન મહિનામાં કુલ 1.47 લાખ યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 57, 428 યૂનિટ્સ પર હતું. આમ કંપનીએ 157 ટકા જેટલી તીવ્ર વેચાણ વૃદ્ધિ દર્શાવી છે. ગયા વર્ષે કોવિડની પ્રથમ લહેરમાં લોકડાઉનને કારણે વાહનોના વેચાણ પણ ગંભીર અસર પડી હતી. જોકે ચાલુ વર્ષે સ્થિતિ એટલી ખરાબ નહોતી જોવા મળી. ઉપરાંત ગયા વર્ષે બેઝ ઈફેક્ટ પણ ખૂબ ઓછી હતી અને તેથી ઊંચી વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. મારુતિના 1.47 લાખ વાહનોના વેચાણમાંથી 1.3 લાખ યુનિટ્સનું વેચાણ સ્થાનિક બજારમાં જોવા મળ્યું હતું. જ્યારે 17020 યુનિટ્સની કંપનીએ નિકાસ કરી હતી. ગયા વર્ષે જૂન મહિનામાં માત્ર 4289 યુનિટ્સની નિકાસ થઈ શકી હતી. આમ ઘરેલુ બજાર ઉપરાંત નિકાસ બજારમાં પણ કંપનીએ તીવ્ર વૃદ્ધિ હાંસલ કરી હતી. ટાટા જૂથની ઓટો કંપની ટાટા મોટર્સની વાત કરીએ તો તેણે જૂન 2021માં 125 ટકા વૃદ્ધિ સાથે કુલ 43704 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 19,387 પર જોવા મળ્યું હતું. પેસેન્જર વેહીકલ્સ ઉત્પાદન અશોક લેલેન્ડે જૂન મહિનામાં કુલ 6448 યુનિટ્સ વાહનોનું વેચાણ દર્શાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલાં 2394 યુનિટ્સની સરખામણીમાં 169 ટકાની તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. 6448 વાહનોમાંથી 5851 યુનિટ્સનું વેચાણ કંપનીએ સ્થાનિક બજારમાં કર્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 174 ટકા જેટલું ઊંચું હતું. ટુ-વ્હીલર ઉત્પાદકોએ પણ જૂનમાં સારો દેખાવ દર્શાવ્યો છે. કંપનીએ જૂન મહિનામાં 24 ટકા વૃદ્ધિ સાથે 3,46,136 યુનિટ્સ વાહનોનું વેચાણ દર્શાવ્યું હતું. જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં 2,78,097 યુનિટ્સ પર હતું. કંપનીની નિકાસમાં 45 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો અને તે 1,84,300 યુનિટ્સ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,26,908 યુનિટ્સ પર જ હતી. કંપનીનું સ્થાનિક બજારમાં વેચાણ ગયા વર્ષે જૂન મહિનામાં 1,51,189 યુનિટ્સ સામે ચાલુ વર્ષે 1,61,836 યુનિટ્સ જોવા મળ્યું હતું. પ્રોત્સાહક વેચાણ આંકડા પાછળ ગુરુવારે બજાજ ઓટોના શેર્સમાં નરમ માર્કેટમાં પણ 3 ટકાનો સુધારો નોંધાયો હતો. બજાજ ઓટોનો શેર અગાઉના રૂ. 4133ના બંધ ભાવ સામે રૂ. 117ની મજબૂતી સાથે રૂ. 4250 પર ટ્રેડ થયો હતો. ટાટા મોટર્સનો શેર પણ 1.4 ટકા સુધારા સાથે રૂ. 344.25ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે મારુતિનો શેર 0.91 ટકા સુધરી રૂ. 7584.40 પર બંધ જોવા મળ્યો હતો. ટુ-વ્હીલર્સ ઉત્પાદકો હીરોમોટોકો અને ટીવીએસ મોટરના શેર્સ પણ 0.7 ટકા સુધી સુધારો દર્શાવી રહ્યાં હતાં. માત્ર અશોક લેલેન્ડનો શેર નેગેટિવ બંધ દર્શાવતો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage