Market Opening 21 Feb 2022

સપ્તાહની નરમ શરૂઆત

 

એશિયન બજારોએ નરમાઈ સાથે સપ્તાહની શરુઆત દર્શાવી છે. જાપાન, સિંગાપુર, કોરિયા, તાઈવાન અને ચીન-તમામ બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ગયા સપ્તાહાંતે શુક્રવારે યુએસ બજારોમાં વેચવાલી આગળ વધી હતી. જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 233 પોઈન્ટ્સના ઘટાડે 34079ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 169 પોઈન્ટ્સ ગગડી 13548ના સ્તરે બંધ રહ્યો હતો. યુરોપ બજારોમાં પણ 1.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આમ ગેપ-ડાઉન ઓપનીંગની શક્યતાં હતી.

 

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

 

સિંગાપુર નિફ્ટી 112 પોઈન્ટ્સના ઘટાડે 17168.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ કામકાજની શરૂઆત નેગેટિવ દર્શાવી શકે છે. બેન્ચમાર્ક માટે 17150નું સ્તર એક સપોર્ટ છે. જેની નીચે 16800 એક મહત્વનો સપોર્ટ છે. ઉપરમાં 17490 પાર થવું જરૂરી છે. જ્યારબાદ 17640 અને 17800ના સ્તરો જોવા મળી શકે છે.

 

ક્રૂડમાં આગળ વધતો ઘટાડો

 

વૈશ્વિક ક્રૂડના ભાવમાં નરમાઈ આગળ વધી રહી છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો એક ટકા નરમાઈ સાથે 90.50 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ટોચ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે. 90 ડોલરના સ્તર નીચે તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. સતત આંઠ સપ્તાહથી સુધારા બાદ ગયા સપ્તાહે તેણે પ્રથમવાર 1.1 ટકા ઘટાડો નોંધાવ્યો હતો.

 

સોનામાં મક્કમ અન્ડરટોન

 

વૈશ્વિક ગોલ્ડના ભાવ મક્કમ ટકેલાં છે. તે 1900 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યું છે. નજીકમાં તેને 1923 ડોલરનો અવરોધ છે. જે પાર થશે તો 1970 ડોલર સુધીનો ઉછાળો સંભવ છે. રશિયા-યુક્રેન તંગદિલીને જોતાં ગોલ્ડમાં ઘટાડાની શક્યતાં ઓછી છે. ટ્રેડર્સ 1820ના સ્ટોપલોસ સાથે લોંગ રહી શકે છે.

 

સ્ટાર્ટ-અપ IPOs માટે સેબીની નિયમો સખત બનાવવાની વિચારણા

 

માર્કેટ રેગ્યુલેટર સેબી ન્યૂ-એજ ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ્સને બજારમાં લિસ્ટીંગ વખતે સખત નિયમોનું પાલન કરવું પડે તે માટે પ્રસ્તાવ મૂક્યો છે. સેબીએ આવી કંપનીઓને પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ સાતે પ્રવેશતી વખતે તેમના પ્રાઈસિંગની ઊંડાણપૂર્વક વિગતો આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. માર્કેટ રેગ્યુલેટરે રજૂ કરેલા ચર્ચા પત્રને મંજૂરી મળશે તો કંપનીઓએ કંપનીઓએ પ્રિ-આઈપીઓ શેર સેલ્સના વેચાણની સરખામણીમાં આઈપીઓમાં તેમણે નિર્ધારિત કરેલા પ્રાઈસની વિગતો આપવાની રહેશે. રેગ્યુલેટરના જણાવ્યા પ્રમાણે પરંપરાગત કંપનીઓ માટે લાગુ પડતાં પીઈ, ઈપીએસ અને રિટર્ન રેશિયો જેવા માપદંડો ન્યૂ-એજ કંપનીઓને લાગુ પડી શકતાં નથી. કેમકે આવી મોટાભાગની કંપનીઓ નુકસાન દર્શાવતી હોય છે. તેના કારણે કંપનીઓએ ઓફર ડોક્યૂમેન્ટમાં ‘બેસીસ ઓફ ઈસ્યુ પ્રાઈસ’ હેઠળ ડિસ્ક્લોઝર કરવાનું રહેશે.

 

દેશના ફોરેક્સ રિઝર્વ્સમાં 1.76 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો

 

સતત બીજા સપ્તાહે દેશના વિદેશી હૂંડિયામણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. 11 ફેબ્રુઆરીએ પૂરા થતાં સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડિયામણ 1.76 અબજ ડોલર ઘટી 630.19 અબજ ડોલર પર જોવા મળ્યું હતું એમ આરબીઆઈ જણાવે છે. ફોરેક્સમાં ઘટાડાનું મુખ્ય કારણ ફોરિન કરન્સી એસેટ્સમાં 2.764 અબજ ડોલરનો ઘટાડો હતો.. 11 ફેબ્રુઆરીના સપ્તાહાંતે તે 565.565 અબજ ડોલરની સપાટીએ જોવા મળ્યું હતું. ગોલ્ડ રિઝર્વ્સ 95.2 કરોડ ડોલર ઉછળી 40.235 અબજ ડોલર પર રહ્યું હતું.

 

 

 

IPOમાં વિલંબને કારણે NSEના શેરધારકોએ તેમનો હિસ્સો વેચ્યો

 

સિટિગ્રૂપ, ગોલ્ડમેન અને નોર્વેસ્ટે તેમની પાસેના તમામ હિસ્સાનું વેચાણ કર્યું

 

સંસ્થાકિય રોકાણકારોએ નેશનલ સ્ટોક એક્સચેન્જિસમાંના તેમના હિસ્સાનું વેચાણ કર્યું છે. ચાલુ નાણાકિય વર્ષમાં ઘણા અગ્રણી ઈન્વેસ્ટર્સે એનએસઈમાં તેમના હિસ્સાને સંપૂર્ણપણે અથવા આંશિક વેચી ચૂક્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ લાંબા સમયથી આઈપીઓમાં થઈ રહેલો વિલંબ છે.

 

એક્સચેન્જના ડેટાનો અભ્યાસ કરતાં જણાય છે કે સિટિ ગ્રૂપ, ગોલ્ડમેન સાચ અને નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સે 2021-22માં એનએસઈમાંના તેમના સઘળા હિસ્સાનું વેચાણ કર્યું છે. આ કંપનીઓ પાસે કુલ મળીને એનએસઈમાં લગભગ 5 ટકા જેટલો હિસ્સો હતો. જેમાં સિટિગ્રૂપ પાસે 1.64 ટકા, ગોલ્ડમેન પાસે 2 ટકા જ્યારે નોર્વેસ્ટ પાર્ટનર્સ પાસે એક ટકા હિસ્સો હતો. એલિવેશન કેપિટલ(અગાઉની સૈફ પાર્ટનર્સ)એ તેના હિસ્સાને 3.21 ટકા પરથી ઘટાડી 2.14 ટકા કર્યો છે. કેટેગરી-2 અલ્ટરનેટીવ ફંડ આઈઆઈએફએલ સ્પેશ્યલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે પણ તેનો હિસ્સો ઘટાડ્યો હોવાનું વર્તુળો જણાવે છે. આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટે આ ફંડ મારફતે 2017માં એનએસઈમાં 6 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જ્યારે ફેબ્રુઆરી 2018માં તેણે વધુ 10 કરોડ ડોલર રોક્યાં હતાં. 2020-21માં એક્સચેન્જનું પબ્લિક ઈન્સ્ટીટ્યુશ્નલ શેરહોલ્ડિંગ લગભગ 5 ટકા જેટલું ઘટ્યું હતું. એક્સચેન્જમાં હિસ્સો ઘટાડનારા રોકાણકારોમાં એલઆઈસીનો સમાવેશ પણ થાય છે. તેનો હિસ્સો 12.51 ટકાથી ઘટી 10.72 ટકા પર જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાસિટી ઈન્વેસ્ટમેન્ટસ, મોરેશ્યસનો હિસ્સો 5 ટકા પરથી ઘટી 3.93 ટકા પર જોવા મળે છે. જ્યારે જનરલ એટલાઈન્ટિક્સ ગાગિલ એફડીઆઈએ તેની પાસેના 3.79 ટકા હિસ્સાનું ડાયવેસ્ટમેન્ટ કર્યું છે. એસબીઆઈએ તેના હિસ્સાને 3.63 ટકા પરથી ઘટાડી 3.22 ટકા કર્યો છે. જ્યારે જીએસ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સ, મોરેશ્યસનો હિસ્સો 3 ટકા પરથી ઘટી 2 ટકા પર જોવા મળી રહ્યો છે.

 

 

 

LIC પોલીસીધારકોમાં ડિમેટ-PAN લિંક કરાવવા માટે ધસારો

 

છેલ્લાં એક સપ્તાહમાં 12 લાખથી વધુ પેનનું પોલિસી સાથે જોડાણ કરવામાં આવ્યું

 

92 લાખ પોલિસીધારકો તેમની એલઆઈસી પોલિસિસ સાથે લિંક્ડ ડિમેટ એકાઉન્ટ્સ ધરાવે છે

 

 

 

માર્ચ મહિનામાં મેગા આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવા આતુર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન પોલિસીસ સાથે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર્સ(પેન) લિંક કરાવવામાં જબરદસ્ત વૃદ્ધિનો અનુભવ કરી રહી છે. છેલ્લાં એક સપ્તાહમાં જ 12 લાખથી વધુ એલઆઈસી પોલિસિધારકોએ તેમની સંબંધિત પોલિસીસ સાથે પેન નંબર લિંક કરાવ્યો છે. હાલમાં 92 લાખ એલઆઈસી પોલિસીધારકો તેમની એલઆઈસી પોલિસીસ સાથે લિંક્ડ થયેલા ડિમેટ એકાઉન્ટ્સ ધરાવે છે.

 

ઈન્શ્યોરન્સ કંપની તથા સરકારની અપેક્ષા મુજબ 28 ફેબ્રુઆરી સુધીમાં એક કરોડથી વધુ એલઆઈસી પોલિસીધારકો તેમની પોલિસીસનું ડિમેન્ટ એકાઉન્ટ્સ સાથે લિંન્કેજ કરાવશે. એલઆઈસીએ 28 ફેબ્રુઆરીને પોલિસી સાથે ડિમેટ લિંક કરાવવા માટેની ડેડલાઈન તરીકે જાહેર કરી છે. આ પ્રમાણ કંપનીએ ઓળખી કાઢેલા 5 કરોડ યુનિક પોલિસીધારકોના 20 ટકા જેટલું થવા જાય છે. હજુ પણ પોલિસીધારકો પાસે પોલિસી સાથે ડિમેટ લિંક કરાવવા માટે એક સપ્તાહનો સમય છે એમ અધિકારીઓ જણાવે છે. 30 સપ્ટેમ્બર 2021ના રોજ એલઆઈસી 28.2 કરોડ પોલિસિસ ધરાવતી હતી. સરકારે એલઆઈસી આઈપીઓમાં 10 ટકા હિસ્સો પોલિસિધારકો માટે અનામત રાખવાનો નિર્ણય લીધો છે. જોકે તેમને રૂ. 2 લાખથી વધુના મૂલ્યના શેર્સની ફાળવણી નહિ થાય. પોલિસી સાથે ડિમેટ એકાઉન્ટ્સને લિંક કરવા માટેના ધસારાએ સરકારને એ બાબતે રાહત આપી છે કે પોલિસીધારકોને ઈસ્યુ સબસ્ક્રાઈબ કરવામાં રસ છે. વ્યક્તિગત રોકાણકાર પાસે પોલિસીધારક કેટેગરીમાં એલોટમેન્ટ મેળવવા માટે 13 ફેબ્રુઆરીએ એલઆઈએ ડીઆફએચપી ફાઈલ કર્યું તે દિવસે કંપનીની પોલિસી હોવી અનિવાર્ય છે. જે રોકાણકાર આ શરતનું પાલન કરતો હશે તેને જ અનામત ક્વોટામાંથી શેર્સ ફાળવવામાં આવશે. એલઆઈસીના ઉચ્ચ અધિકારી જણાવે છે કે પોલિસી સાથે ડિમેટ લિંકેજ ધરાવતાં પોલિસીધારકોનું પ્રમાણ નોંધપાત્ર જોવા મળી રહ્યું છે. જે સૂચવે છે કે પોલિસીધારકોને કંપનીમાં રસ છે.

 

તેઓ ઉમેરે છે કે આ આંકડો સૂચવે છે કે 92 લાખ પોલિસીધારકો પાસે ડિમેન્ટ એકાઉન્ટ્સ છે. જ્યારે ડિમેટ એકાઉન્ટ ના ધરાવતાં હોય તેવા પોલિસીધારક પણ 28 ફેબ્રુઆરી સુધી પેનને લીંક કરી શકે છે અને પાછળથી આઈપીઓ અગાઉ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આઈપીઓમાં શેર્સ અનામત રાખવામાં આવ્યા હોવા અંગે પોલિસીધારકોને માહિતી પૂરી પાડવા માટે કંપનીએ એક કેમ્પેઈન પણ શરૂ કર્યું છે. જેમાં તેમને અંગત વિગતો અને પેન અપલોડ કરવા માટે તથા આઈપીઓ સબસ્ક્રાઈબ કરવા ડિમેટ એકાઉન્ટ ઓપન કરવા જણાવવામાં આવ્યું છે

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage