બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં સપ્તાહની મિશ્ર શરૂઆત
ગયા સપ્તાહે નરમ રહેનારા વૈશ્વિક બજારો સપ્તાહની શરૂમાં પણ મિશ્ર દેખાવ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે નાસ્ડેક અને એસએન્ડપી 500ને બાદ કરતાં વિશ્વના મોટાભાગના બેન્ચમાર્ક્સે ગયા સપ્તાહે 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવ્યો હતો. આજે સવારે જાપાન, હોંગ કોંગ અને તાઈવાન જેવા બજારો નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયા, સિંગાપુર અને ચીન મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
નાસ્ડેકે પ્રથમવાર 16000ની સપાટી પાર કરી, એસએન્ડપી 500 પણ નવી ટોચ પર
વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓનું પ્રભુત્વ ધરાવતાં બેન્ચમાર્ક નાસ્ડેકે શુક્રવારે પ્રથમવાર 16000ની સપાટીને પાર કરી હતી. બેન્મચાર્ક 63.73 પોઈન્ટ્સ સુધરી 16057.44ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 16121.12ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. છેલ્લાં એક વર્ષમાં તેણે 35 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. જ્યારે ત્રણ વર્ષોમાં 129 ટકાનું રિટર્ન દર્શાવે છે. ચાલુ કેલેન્ડરમાં તે 25 ટકા વળતર આપી રહ્યો છે. એ વાત ઉલ્લેખનીય છે કે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે સપ્તાહના પાંચ સત્રોમાંથી ચાર દરમિયાન ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે નાસ્ડેક બે ટ્રેડિંગ સત્રોથી નવી ટોચ દર્શાવી રહ્યો છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. નાસ્ડેકમાં મહત્વના ગણાતાં ફાંગ(FAANG) શેર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં ફેસબુક, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ અને ગુગલનો સમાવેશ થાય છે.
ક્રૂડ ઓઈલમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં વિતેલું સપ્તાહ 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવતું હતું. સોમવારે પણ તે સાધારણ નરમ ટ્રેડ થઈ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 78.4 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળે છે. તેના માટે 75 ડોલર મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે 71-72 ડોલરનું સ્તર દર્શાવી શકે છે. જ્યારે 80 ડોલર પર ફરી ટ્રેડ થશે તો 85 ડોલર સુધીનો સુધારો સંભવ છે.
ગોલ્ડમાં ઉપરના સ્તરેથી ઘટાડો
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1870 ડોલરનું સ્તર દર્શાવી 1848 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. નવા સપ્તાહે તેમણે નરમ શરૂઆત દર્શાવી છે અને કોમેક્સ ડિસેમ્બર વાયદો 4 ડોલર નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બજારમાં પણ રૂ. 49500 સુધીનો સુધારો દર્શાવ્યાં બાદ તેઓ રૂ. 49 હજાર પર ટકી શક્યાં નહોતાં. જોકે અન્ડરટોન બુલીશ છે અને વધ-ઘટે તે 1920 ડોલર સુધીનું સ્તર દર્શાવે તેવી શક્યતાં જોવામાં આવે છે.
મહત્વની હેડલાઈન્સ
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સાઉદી સરકારની કંપની અરામ્કો સાથે તેના બે વર્ષ અગાઉ જાહેર કરેલાં 15 અબજ ડોલરના ડીલને નવેસરથી મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે.
• આરબીઆઈએ દેશમાં ઓનલાઈન લોન નિયમોને સખત બનાવવાની ભલામણ કરી છે.
• સીસીઆઈએ કાર્ટલાઈઝેશન માટે પેપર ઉત્પાદકો પર પેનલ્ટી લાદી છે.
• વૈશ્વિક સ્તરે કોવિડ કેસિસને લઈને ચિંતા પાછળ યુએસ ડોલર નવી વાર્ષિક ટોચ પર જોવા મળ્યો હતો.
• એસએન્ડપીએ ગ્લેનમાર્ક ફાર્માનું રેટિંગ સુધારીને બીબી કર્યું છે. જ્યારે આઉટલૂક સ્ટેબલ જાળવ્યું છે.
• આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરે સિન્ટ્રા ગ્લોબલ, બ્રીકલેયર્સને 5.34 અબજ ડોલરના શેર્સ ઈસ્યુ કર્યાં છે.
• રૂટ મોબાઈલે ક્વિપ ઈસ્યુ મારફતે રૂ. 870 કરોડ ઊભા કર્યાં છે.
• મારુતિ સુઝુકી તથા ટોયોટા 23 નવેમ્બરે ભારતમાં તેમનું પ્રથમ સ્ક્રેપિંગ સેન્ટર શરૂ કરશે.
• ઈઝી ટ્રીપના બોર્ડે સ્પ્રી હોટેલ્સ એન્ડ રિઅલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડની ખરીદીને મંજૂરી આપી દીધી છે.
Market Opening 22 Nov 2021
November 22, 2021