માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત
યુએસ બજારોમાં પોઝીટીવ બંધ થતાં એશિયન બજારોમાં સપ્તાહના બીજા દિવસે નરમાઈનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. સોમવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 103 પોઈન્ટ્સના સુધારે 32731 પર બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક પણ 162 પોઈન્ટ્સ સુધરી 13378 પર બંધ રહ્યો હતો. બોન્ડ યિલ્ડ્સમાં ઘટાડા પાછળ નાસ્ડેક ઉછળ્યો હતો. જોકે આમ છતાં મોટાભાગના એશિયન બજારો નરમાઈ દર્શાવે છે. સોમવારે 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવનાર નિક્કાઈ 0.24 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હેંગ સેંગ 1 ટકાથી વધુનો જ્યારે કોસ્પી 0.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે ચીનનું બજાર 0.82 ટકા નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીમાં સાધારણ નરમાઈ
સિંગાપુર નિફ્ટી 9 પોઈન્ટ્સની નરમાઈ સાથે 14706 પર ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે સાંજે ભારતીય બજાર બંધ થયા બાદ તે 100 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવતો હતો. જોકે એશિયન બજારોમાં નરમાઈ પાછળ સુધારો ભૂંસાઈ ગયો હતો. સ્થાનિક બજાર બે દિવસથી તળિયાના સ્તરેથી પરત ફરી બંધ જોવા મળી રહ્યું છે. મંગળવારે તે કઈ બાજુ બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ કરે છે તે મહત્વનું બની રહેશે.
ક્રૂડમાં નરમાઈ
સવારે વૈશ્વિક ક્રૂડમાં નરમાઈ જોવા મળી રહી છે. બ્રેન્ટ વાયદો 1.15 ટકા ઘટી 63.88 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 62 ડોલરનું સ્તર તોડશે તો ઝડપથી ઘટાડો દર્શાવી શકે છે. ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડના ભાવ 50 ડોલર નીચે કે તેની આસપાસ ટકી રહે તે જરૂરી છે.
ગોલ્ડ-સિલ્વરમાં વધુ ઘટાડો
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓને ખરીદાર મળી રહ્યાં નથી. સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 5 ડોલર ઘટાડા સાથે 1733 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર 0.4 ટકા નરમાઈ સાથે 25.665 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. બંને ધાતુઓએ સોમવારે પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો હતો. એમસીએક્સ ખાતે સિલ્વર મે વાયદો સોમવારે રાતે 1.66 ટકા ઘટી રૂ. 1122 પર બંધ આવ્યો હતો. જ્યારે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 83ના ઘટાડે રૂ. 44938 પર બંધ આવ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· વધતાં વાઈરસ કેસોને કારણે આર્થિક રિકવરીમાં અવરોધ ઊભો થવાનું જોખમ.
· બોન્ડ યિલ્ડ્સને નીચા સ્તરે જાળવી રાખવા માટે આરબીઆઈ બોન્ડ ઓક્શન મોકૂળ રાખ્યું.
· દિલ્હી હાઈકોર્ટે ફ્યુચર રિટેલ અને ફાઉન્ડર્સની એસેટ્સ પર ફ્રિઝને દૂર કર્યું.
· અબજોપતિ હિંદુજા ફેમિલીએ વૈશ્વિક વેલ્થ-એડવાઈઝરી ફર્મ શરૂ કરી.
· વૈશ્વિક ફંડ્સે સોમવારે ભારતીય બજારમાં રૂ. 787 કરોડની વેચવાલી નોંધાવી હતી. સાથે તેમણે ડેરિવેટિવ્સમાં રૂ. 1775 કરોડની ખરીદી કરી હતી.
· ઈલેક્ટ્રીક વેહીકલ ઈન્વેસ્ટમેન્ટ માટે 8 અબજ ડોલરના ઈન્સેન્ટીવ્સ માટે સરકારની વિચારણા.
· બીઈએમએલના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ઘણી કંપનીઓએ દર્શાવેલો રસ.
· મહિન્દ્રા ડિફેન્સ ભારતીય આર્મીને 1300 લાઈટ વેહિકલ્સ પૂરા પાડશે.
· મારુતિ એપ્રિલ મહિનાથી તેના વાહનોની કિંમતમાં વૃદ્ધિ કરશે.
· રેલટેલ શેર દીઠ રૂ. એકનું ડિવિડન્ડ ચૂકવશે.
· ટાટા કોમ્યુનિકેશન્સના શેર્સના વેચાણમાંથી સરકારે રૂ. 8850 કરોડ ઊભા કર્યાં.
Market Opening 23 March 2021
March 23, 2021