બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વિશ્વભરના શેરબજારોમાં નરમાઈનું માહોલ
વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી રહી છે. યુએસ ખાતે ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે એક તબક્કે 300 પોઈન્ટ્સના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે બંધ થતાં અગાઉ વેચવાલી પાછળ ગગડીને માત્ર 17.27 પોઈન્ટસના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. નાસ્ડેક તેની 16212ની ટોચ બનાવીને 15854.76ના સ્તરે 203 પોઈન્ટસ ઘટીને બંધ જોવા મળ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં હોંગ કોંગ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યું છે. જ્યારે કોરિયા, તાઈવાન અને સિંગાપુર પણ નરમ જોવા મળે છે. એકમાત્ર ચીનનું બજાર 0.35 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 95 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17351ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન શરૂઆત દર્શાવી શકે છે. બેન્ચમાર્ક નિફ્ટીને 17200ના સ્તરે 20-સપ્તાહની મૂવીંગ એવરેજનો મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો તે 34-સપ્તાહની મૂવીંગ એવરેજના 16400ના સ્તર સુધીનો તીવ્ર ઘટાડો દર્શાવી શકે છે. સોમવારે નિફ્ટીએ દર્શાવેલુ 17280નું સ્તર ટકેલું રહે તો નિફ્ટીમાં ટૂંકાગાળામાં એક બાઉન્સ સંભવ છે. ટ્રેડર્સ 17600 આસપાસ 18000ના સ્ટોપલોસ સાથે નવી શોર્ટ પોઝીશન લઈ શકે છે.
ક્રૂડમાં અન્ડરટોન નરમ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં અન્ડરટોન નરમ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.4 ટકા નરમાઈ સાથે 79.39 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે સવારે તે 78 ડોલર આસપાસ ટ્રેડ થયો હતો. જ્યાંથી બાઉન્સ થઈ 80 ડોલર પર જોવા મળ્યો હતો. જોકે ત્યાં ટકી શક્યો નહોતો અને આજે ફરી 80 ડોલર નીચે જોવા મળે છે. યુરોપમાં ઓસ્ટ્રિયા ખાતે લોકડાઉનને જોતાં ક્રૂડમાં સેન્ટિમેન્ટ નરમ બન્યું છે. જર્મનીએ પણ નિયંત્રણો લાગુ પાડ્યાં છે.
ગોલ્ડમાં ભારે વેચવાલી
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં ઊપરના સ્તરેથી ભારે વેચવાલી જોવા મળી હતી. સોમવારે કોમેક્સ વાયદો 45 ડોલર જેટલો તૂટ્યો હતો અને 1800 ડોલર નજીક ટ્રેડ થયો હતો. આજે સવારે ડિસેમ્બર વાયદો 2.15 ડોલર સુધારા સાથે 1808.45 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 1850 ડોલરનો સપોર્ટ ગુમાવ્યો હતો. જોકે 1800 ડોલરનું સાઈકોલોજિકલ લેવલ જાળવી રાખ્યું છે. જે તૂટશે તો ગોલ્ડમાં વધુ વેચવાલીની શક્યતાં છે.
મહત્વની હેડલાઈન્સ
• ભારત 2021-22માં 50 લાખ ટન સુગરની નિકાસ કરશે.
• મારુતિ સુઝુકીએ રૂ. 200 કરોડની એન્ટિટ્રસ્ટ પેનલ્ટીના કિસ્સામાં કોર્ટમાં સ્ટે મેળવ્યો છે.
• એરટેલે સપ્ટેમ્બરમાં 2.74 લાખ નવા સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કર્યો હતો. જ્યારે રિલાયન્સ જીઓએ 1.9 કરોડ સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યાં હતાં.
• આઈઈએક્સે 16 મહિનાના ગેપ પછી રિન્યૂએબલ એનર્જી સર્ટિફિકેટ્સ ટ્રેડિંગ બુધવારથી ફરી શરૂ કરશે.
• મઝગાંવ ડોકે બાંધેલા પ્રોજેક્ટ 15બી ક્લાસ ડિસ્ટ્રોયર પ્રથમ શીપને કાર્યાન્વિત કર્યું છે.
• ત્રિવેણી એન્જિનીયરિંગે એલએમ2500 ગેસ ટર્બાઈન ઉત્પાદન માટે યુએસએની જીઈએઈ ટેક્નોલોજી સાથે 10-વર્ષો માટે બિઝનેસ એગ્રીમેન્ટ કર્યાં છે.
• અજંતા સોયામાં ડોલી ખન્નાએ રૂ. 147.72 પ્રતિ શેરના ભાવે 1.4 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
Market Opening 23 Nov 2021
November 23, 2021