બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ફેડ ટેપરિંગ કરશે જ, માર્કેટ્સની ફ્લેટ પ્રતિક્રિયા
બુધવારે રાતે યુએસ ફેડે તેની એફઓએમસી બેઠક બાદ જણાવ્યું હતું કે તે નજીકમાં જ બોન્ડ બાઈંગમાં ઘટાડો કરશે. જોકે તેણે આ માટેનો ચોક્કસ સમય સૂચવ્યો નહોતો. સાથે ફેડ એફઓએમસીના 18માંથી 9 સભ્યો 2022માં રેટ વૃદ્ધિ કરવી પડશે તેમ જણાવી રહ્યાં છે. જોકે ફેડની જાહેરાત બાદ બજારોમાં કોઈ મોટી વધ-ઘટ જોવા નહોતી મળી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પોઝીટીવ ટ્રેડ થતો હતો અને તેણે પોઝીટીવ ટ્રેન્ડ જાળવી રાખી 338 પોઈન્ટ્સ સુધારા સાથે 34258ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. નાસ્ડેક પણ એક ટકો સુધરી બંધ આવ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન અને ચીન પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયન બજાર 0.61 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 93 પોઈન્ટ્સ સુધારા સાથે 17646ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 17800ની તાજેતરની ટોચનો અવરોધ છે. જ્યારે નીચે 17500 અને ત્યારબાદ 17350નો મહત્વનો સપોર્ટ છે. માર્કેટમાં જાહેર સાહસો, મિડિયા કંપનીઝ અને રિઅલ્ટી કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. રિઅલ્ટી શેર્સ બીજા દિવસે તેમનો સુધારો જાળવી રાખે તેવી શક્યતાં છે. તેઓ હાલમાં અનચાર્ટેડ ટેરિટરીઝમાં ટ્રેડ કરી રહ્યાં છે.
ક્રૂડ જુલાઈની ટોચને પાર કરવા તૈયાર
વૈશ્વિક ક્રૂડમાં મજબૂતીનો દોર ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ બુધવારે 75 ડોલરની સપાટી કૂદાવી ગયો હતો. આજે સવારે તે 0.33 ટકા સુધારા સાથે 76.44 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેણે 6 જુલાઈએ 77.8 ડોલરની જાન્યુઆરી 2020 પછીની ટોચ દર્શાવી હતી. જેનાથી તે 1.5 ડોલર છેટે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરી જોતાં તે ટૂંકમાં નવા ઝોનમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે.
ફેડની જાહેરાત બાદ ગોલ્ડમાં નરમાઈ
ફેડે વધુ એકવાર તે ટેપરિંગ કરશે તેમ જણાવતાં ગોલ્ડના ભાવમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 15 ડોલરના ઘટાડે 1764 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. ચાલુ સપ્તાહે તે લગભગ 30 ડોલરના સુધારે 1780 ડોલર સુધી સુધર્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
• ભારત અને યૂએઈ આગામી પાંચ વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરી 100 અબજ ડોલર કરશે.
• વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુએસના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને મળશે.
• ક્રૂડમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં ફ્યુઅલના ભાવ નવી ટોચ પર પહોંચ્યાં.
• એપ્રિલ-જુલાઈમાં એફડીઆઈ 62 ટકા ઉછળી 27.37 અબજ ડોલર પર જોવા મળ્યો.
• એપ્રિલ-જુલાઈ એફડીઆઈ ઈક્વિટી ફ્લો 112 ટકા ઉછળી 20.42 ટકા નોંધાયો.
• આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ કોવિડ મહામારીએ ભારતના ટેક્નોલોજી ક્ષેત્રને વેગ આપ્યો છે.
• સરકાર ઓક્ટોબર-માર્ચ સુધીના બોરોઈંગ પ્લાનને આજે નિર્ધારિત કરશે.
• સરકારે ટેલિકોમ ક્ષેત્રે રાહત આપ્યા બાદ વોડાફોન આઈડિયાનો ટૂંકમાં જ ફંડ ઊભું કરવા માટે આશાવાદ.
• એડીબીએ રિકવરીમાં વિલંબને કારણે એશિયન દેશોના જીડીપી આઉટલૂકમાં ઘટાડો કર્યો
• 22 સપ્ટેમ્બરે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં માત્ર 3 ટકા ઘટ દર્શાવતો હતો.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 1940 કરોડની વેચવાલી દર્શાવી હતી. સામે સ્થાનિક ફંડ્સે રૂ. 1850 કરોડની ખરીદી કરી હતી.
• ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વિદેશી રોકાણકારોએ રૂ. 3780 કરોડની ખરીદી દર્શાવી હતી.
• સરકાર ચીનના રોકાણકારોને એલઆઈસીના શેર્સમાં હિસ્સો ખરીદવામાંથી વંચિત રાખશે.
• ઈન્ફોસિસે એમેઝોન વેબ સર્વિસિસ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે.
Market Opening 23 September 2021
September 23, 2021