માર્કેટ ઓપનીંગ
યુએસ બજારો ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફરવા છતાં એશિયા નરમ
યુએસ બજારોમાં મંગળવાર ભારે વોલેટાઈલ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 350 પોઈન્ટ્સથી વધુ ઘટાડે 31500નું તળિયું દર્શાવી આખરે 16 પોઈન્ટ્સ પોઝીટીવ રહી 31537 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 13004ના તળિયા પરથી સુધરી 13465 પર બંધ આવ્યો હતો. આમ નીચેના સ્તરેથી જબરદસ્ત રિકવરી જોવા મળી હતી. જોકે આમ છતાં એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 0.8 ટકા ઘટાડો સૂચવે છે. હોંગ કોંગ બજાર 0.7 ટકા, તાઈવાન 0.15 ટકા અને ચીન 0.8 ટકા નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. એકમાત્ર કોરિયા 0.3 ટકા પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટી 71 પોઈન્ટ્સની મજબૂતી સાથે 14785 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપન થશે. માર્કેટને હવે 14850નો અવરોધ નડી રહ્યો છે. જે પાર છતાં તે 15000 સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે ઘટાડે 14675 અને 14635નો સપોર્ટ છે. જે તૂટતાં 14514 સુધીનો ઘટાડો સંભવ છે. બજારમાં કેટલોક દિવસ બે બાજુની વધ-ઘટ જળવાશે અને તેથી ટ્રેડમાં સમયસર એક્ઝિટ લેનાર જ ફાવશે.
ક્રૂડમાં ટોચના ભાવથી સાધારણ નરમાઈ
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવે 65 ડોલરનો અવરોધ નડી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.20 ટકાની નરમાઈ સાથે 64 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડને 60 ડોલરનો મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો તે વધુ ઘટાડો દર્શાવશે. જો 65 ડોલરનું લેવલ પાર કરશે તો 70 ડોલર સુધી સુધરી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં સવાર-સાંજ બદલાતાં ટ્રેન્ડ
સોનુ-ચાંદી દિશાવિહિન ટ્રેડ દર્શાવી રહ્યાં છે. મંગળવારે બપોર સુધી મજબૂતી દર્શાવનાર કિંમતી ધાતુઓમાં સાંજે એકાએક નરમાઈ જોવા મળી હતી અને બંને ધાતુઓ મંગળવારે નેગેટિવ બંધ આવી હતી. એબમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ.103ના ઘટાડે રૂ. 46798 પર જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 1106 ઘટી રૂ 69326 પર બંધ રહ્યો હતો. બુધવારે સવારે વૈશ્વિક બજારમાં કોમેક્સ ગોલ્ડ વાયદો 5 ડોલર મજબૂતી સાથે 1811 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર 0.63 ટકા સુધારા સાથે 27.86 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.
મહત્વની હેડલાઈન્સ
- જેટ એરવેઝના ક્રેડિટર્સ અને સ્ટાફને આગામી પાંચ વર્ષમાં કેલરોક-જાલન કોન્સોર્શિયમ તરફથી રૂ. 1183 કરોડ ચૂકવવામાં આવશે.
- અગ્રણી રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાએ બિટકોઈન પર દેશમાં પ્રતિબંધનું સમર્થન કર્યું છે. તેમણે માર્મિક રીતે જણાવ્યું હતું કે શહેરમાં દરેક પાર્ટીમાં હું જોડાવા માગતો નથી.
- એચએસબીસીના ભારત સ્થિત પીબીટીએ 2020માં 1.78 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને તે 1.024 અબજ ડોલર જોવા મળ્યો હતો.
- માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલાએ ડેટા પ્રાઈવસી માટે વૈશ્વિક રેગ્યુલેશનની હિમાયત કરી છે.
- ભારતમાં ડેટા સેન્ટર સોલ્યુશન્સ પૂરા પાડવા માટે અદાણી એન્ટરપ્રાઈઝે એજકનેક્શે હાથ મિલાવ્યાં છે. બંને કંપનીઓએ 50-50 ટકાની ભાગીદારી કરી અદાણીકનેક્સ નામના સાહસની રચના કરી છે.
- એલેન મસ્કની સંપત્તિમાં 15 અબજ ડોલરના ઘટાડા બાદ એમેઝોનના જેફ બેઝોસ ફરી વિશ્વના સૌથી સંપત્તિવાન બન્યાં છે.
- રિલાયન્સને તેનો ઓટુસી બિઝનેસ ડિમર્જ કરવા માટે સેબીએ મંજૂરી આપી દીધી છે.
- એરટેલ અને ક્વાલકોમે દેશણાં 5જી સર્વિસ પૂરી પાડવા માટે જોડાણની જાહેરાત કરી છે.
- બ્લેકસ્ટોન સમર્થિત સોના કોમસ્ટારે રૂ. 6000 કરોડના આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું. ઓટો કોમ્પોનેન્ટ સેગમેન્ટનો સૌથી મોટો આઈપીઓ બની રહેશે.