માર્કેટ ઓપનીંગ
ડાઉજોન્સે 30000 પાર કર્યું
નિફ્ટીએ મંગળવારે 13000ની સપાટી કૂદાવ્યાં બાદ વૈશ્વિક સ્તરે ડાઉ જોન્સે પણ 30000ની સ્તરના ઐતિહાસિક સ્તરને પાર કર્યું હતું. જેની પાછળ એશિયન બજારોમાં બુધવારે મજબૂતી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કાઈ 1.5 ટકાથી વધુના સુધારા સાથે તેની વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે હેંગ સેંગ પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. મલેશિયાને બાદ કરતાં અન્ય તમામ બજારો પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટી 58 પોઈન્ટ્સ મજબૂત
સિંગાપુર નિફ્ટી 58 પોઈન્ટ્સની મજબૂતી સાથે 13141ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં પણ બેન્ચમાર્ક 13140ના સ્તર આસપાસ ખૂલી શકે છે. બજાર એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 13 હજારનું સાયકોલોજિકલ સપોર્ટ પાર કરતાં શોર્ટ કવરિંગ પાછળ તે વધુ ઉછાળો દર્શાવી શકે છે. જેમાં પ્રથમ ટાર્ગેટ 13200 અને ત્યારબાદ 13500 સુધીનો સુધારો સંભવ છે.
બ્રેન્ટ ક્રૂડે 48 ડોલરની સપાટી વટાવી
ક્રૂડમાં તેજીનો દોર જળવાયો છે. છેલ્લા બે સપ્તાહમાં ક્રૂડ 20 ટકાથી વધુ ઉછળ્યું છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં 48.5 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે અને તે 50 ડોલરને પાર કરશે તો 55 ડોલર સુધી સુધારો દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે નવેમ્બર ક્રૂડ વાયદો મંગળવારે 4 ટકાથી વધુના ઉછાળે રૂ. 3334 પર જોવા મળ્યો હતો.
સોનું-ચાંદી બેહાલ
વેક્સિનના અહેવાલો બાદ હવે જેનેત યેલેનને રેવન્યૂ સેક્રેટરી તરીકે પસંદ કરવાના જો બાઈડનના નિર્ણયને કારણે ગોલ્ડ-સિલ્વરમાં વેચવાલી ફરી વળી છે. વૈશ્વિક બજારમાં સોનુ 1800 ડોલર પર આવી ગયું છે. જ્યારે સિલ્વર 23 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે સ્થાનિક કોમેક્સ ખાતે સોનું રૂ. 48600ની નીચે ઉતરી ગયું છે. જ્યારે ચાંદી રૂ. 60000ની નીચે ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· જાપાન સિવાયના એશિયા માટે ત્રીજા ક્વાર્ટરનો જીડીપી સ્થિર જાળવવામાં આવ્યો છે. ભારતમાં -10.4 ટકા ઘટાડો જોવાઈ રહ્યો છે.
· ભારતની સુગર મિલો સબસિડી વિના 20 લાખ ટન સુગર નિકાસ કરે તેવી શક્યતા છે.
· ભારતે અલીએક્સપ્રેસ, અલીપે કેશિયર સહિત 43 વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
· યુઝ્ડ કાર માટેના સ્ટાર્ટઅપનું વેલ્યૂએશન એક અબજ ડોલરને પાર કરી ગયું છે.
· મંગળવારે વૈશ્વિક ફંડ્સે 4560 કરોડની ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે મંગળવારે 2520 કરોડની વેચવાલી દર્શાવી હતી.
· એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ગ્લેમાર્ક ફાર્મા માટે રેટિંગને અગાઉના સ્તરે જાળવી રાખ્યું છે. તેણે રેટિંગ્સને ક્રેડિટવોચમાંથી દૂર કર્યું છે.
· ડીસીડબલ્યુ 500 કરોડ સુધીની રકમ એનસીડી મારફતે ઊભી કરશે.
· ઈટાલી 2021ની શરૂમાં એસ્ટ્રેઝેનેકા ફાર્મા પાસેથી 1.6 કરોડ વેક્સિન ડોઝ મેળવવાની અપેક્ષા રાખે છે.
· ડો.રેડ્ડીઝે જણાવ્યું છે કે સ્પુટનિક વેક્સિન પ્રતિ વ્યક્તિને 20 ડોલરથી નીચેમાં પડશે. એક ડોઝની કિંમત 10 ડોલરથી નીચે રહેશે.
· ઈમર્જિંગ માર્કેટ્સની તેજીમાં બજારોએ કુલ 8 ટ્રિલિયન ડોલર માર્કેટ-કેપનો ઉમેરો કર્યો છે.