Market Opening 26 July 2021

માર્કેટ ઓપનીંગ

 

માર્કેટ ઓપનીંગ
ડાઉ જોન્સ પ્રથમવાર 35 હજાર પર બંધ રહ્યાં છતાં એશિયન બજારોમાં ભારે વેચવાલી
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પ્રથમવાર 35000ની સપાટી પાર કરી સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હોવા છતાં એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જેમાં હોંગ કોંગનું બજાર 2.5 ટકા સાથે સૌથી વધુ દબાણ અનુભવી રહ્યું છે. ચીનનું બજાર 1.6 ટકા, કોરિયા 0.4 ટકા, તાઈવાન 0.4 ટકા અને સિંગાપુર 0.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાનનું એકમાત્ર બજાર 1.3 ટકાના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 124 પોઈન્ટ્સના ઘટાડે 15731ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નોંધપાત્ર ઘટાડા સાથે ઓપનીંગ દર્શાવશે. જોકે જ્યાં સુધી 15700નો સપોર્ટ અકબંધ છે. ત્યાં સુધી લોંગ પોઝીશન જાળવવી. અન્યથા માર્કેટમાં ટૂંકાગાળા માટે ટ્રેન્ડ રિવર્સલની શક્યતા જોવા મળી રહી છે.
રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને આઈટીસી પર ફોકસ
વિતેલા સપ્તાહાંતે ત્રણ અગ્રણી લાર્જ-કેપ્સે તેમના પરિણામો જાહેર કર્યાં હતાં. આજે બજાર પરિણામોની કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું મહત્વનું બની રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સ્ટ્રીટીની અપેક્ષાથી સારુ પરિણામ દર્શાવ્યું હતું અને તેથી તે ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. શુક્રવારે આઈસીઆઈસીઆઈ બેંક અને આઈટીસીએ રિઝલ્ટ પૂર્વે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. આમ તેઓ કેવી પ્રતિક્રિયા નોંધાવી છે તે મહત્વનું બની રહેશે.
ક્રૂડમાં નરમાઈ સાથે કામકાજની શરૂઆત
વૈશ્વિક ક્રૂડમાં નવા સપ્તાહે નરમાઈ સાથે કામકાજનો આરંભ થયો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.41 ડોલરના ઘટાડે 73.02 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે તેનો લોંગ ટર્મ ટ્રેન્ડ હજુ મજબૂતી સૂચવે છે. જ્યાં સુધી તે ગયા સપ્તાહના 68 ડોલરના તળિયા નીચે ટ્રેડ ના થાય ત્યાં સુધી ટ્રેન્ડ પોઝીટીવ ગણાશે.
મહત્વની હેડલાઈન્સ
• અંબુજા સિમેન્ટે જૂન ક્વાર્ટર માટે રૂ. 3371 કરોડની આવક નોંધાવ્યો છે. એનાલિસ્ટ્સની રૂ. 3220 કરોડની અપેક્ષા કરતાં ઊંચી છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 723 કરોડ રહ્યો છે. જે રૂ. 610 કરોડના અંદાજ સામે ઘણો ઊંચો છે.
• યુનાઈટેડ સ્પિરિસ્ટે જૂન ક્વાર્ટરમાં રૂ. 1615ની આવક દર્શાવી છે. અંદાજ રૂ. 1580 કરોડની આવકનો હતો. જ્યારે ચોખ્ખો નફો રૂ. 60 કરોડની અપેક્ષા સામે રૂ. 69 કરોડનો દર્શાવ્યો છે.
• એબીબી પાવરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 16.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.9 કરોડ હતો. કંપનીની આવક રૂ. 617 કરોડ સામે રૂ. 758 કરોડ રહી છે.
• જેએસડબલ્યુ સ્ટીલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 5900 કરોડનો વિક્રમી નફો દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 11782 કરોડ સામે ઉછળી રૂ. 28920 કરોડ પર રહી છે.

લિસ્ટેડ કંપનીઓએ મહામારીના વર્ષમાં વિક્રમી ટેક્સ ચૂકવ્યો

કોવિડને કારણે લોકડાઉનનો સામનો કરનાર નાણાકિય વર્ષ 2020-21માં દેશનો જીડીપી વૃદ્ધિ દર નેગેટિવ બન્યો હતો અને સરકારની ટેક્સની આવક પર અસર પડી હતી ત્યારે શેરબજાર પર લિસ્ટેડ કોર્પોરેટ કંપનીઓએ તેમનો અત્યાર સુધીનો વિક્રમી કરવેરો ભર્યો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક જેવા અગ્રણી ટેક્સપેયર્સનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સરકારની પર્સનલ ટેક્સની આવક પર પણ વિપરીત અસર પડી હતી.
બે ભિન્ન ડેટા સૂચવે છે કે પ્રાઈવેટ લિમિટેડ કંપનીઝ તથા નાની નોન-કોર્પોરેટ સેક્ટર કંપનીઓ પર મહામારીની અસર વધુ આકરી જોવા મળી હતી. કોર્પોરેટ ટેક્સની આવક રૂ. એક લાખ કરોડ જેટલી ઘટીને 2020-21માં રૂ. 4.57 લાખ કરોડ પર રહી હતી. જે 2019-20માં રૂ. 5.57 લાખ કરોડ પર જોવા મળી હતી. ગયા વર્ષે છેલ્લા પાંચ વર્ષનું સૌથી નીચું ટેક્સ કલેક્શન જોવા મળ્યું હતું. જ્યારે બીજી બાજુ લિસ્ટેડ કંપનીઓએ રૂ. 35000 કરોડ જેટલો વધુ ટેક્સ ચૂકવ્યો હતો. કોર્પોરેટ ટેક્સમાં લિસ્ટેડ કંપનીઓનો હિસ્સો નોંધપાત્ર હોય છે. જ્યારે બાકીનો હિસ્સો પ્રાઈવેટ લિમિટેડ કંપની, લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ કંપનીઓ તથા વન-પર્સન કંપનીઓનો હોય છે. જો ડેટા પર નજર નાખીએ તો તેમના તરફથી ટેક્સના ચૂકવણામાં રૂ. 1.35 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

જૂન ક્વાર્ટરમાં રિન્યૂએબલ એનર્જિ ક્ષમતામાં વિક્રમી વૃદ્ધિ
ડેવલપર્સ માટે પડકારો વચ્ચે જૂન ક્વાર્ટરમાં રિન્યૂએબલ એનર્જિ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષમતા ઉમેરો જોવા મળ્યો હતો. એપ્રિલ-જૂન 2021 દરમિયાન રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 2522 મેગાવોટ નવી ક્ષમતાનો ઉમેરો થયો હતો. જે કોઈપણ ત્રિમાસિક ગાળામાં થયેલી સૌથી વધુ ક્ષમતા વૃદ્ધિ છે. અગાઉ એપ્રિલ-જૂન 2019 ક્વાર્ટરમાં 2151 મેગાવોટ ક્ષમતા વૃદ્ધિ કરવામાં આવી હતી. એક વર્ષ અગાઉના સમાનગાળામાં લોકડાઉનનને કારણે તકલીફ પડી હતી અને માત્ર 592 મેગાવોટ ક્ષમતાનો ઉમેરો થયો હતો. નવી ક્ષમતામાં વૃદ્ધિ માટે સોલાર સૌથી મોટું ચાલકબળ છે. જૂન ક્વાર્ટરમાં સોલાર ઊર્જા ક્ષમતામાં 2249 મેગાવોટની મોટી વૃદ્ધિ થઈ હતી. જ્યારે 240 મેગાવોટ વાઈન્ડ પાવર ક્ષમતાનો ઉમેરો થયો હતો. સરકાર 2020ના અંત સુધીમાં દેશમાં 175 ગીગી વોટ રિન્યૂએબલ ઉર્જા ઉત્પાદનનો મહત્વાકાંક્ષી ટાર્ગેટ રાખી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage