માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં સપ્તાહની નરમ શરૂઆત
શુક્રવારે યુએસ બજારોમાં મજબૂતી પાછળ સપ્તાહની પોઝીટીવ શરૂઆતની આશા ખોટી ઠરી છે. એશિયન બજારો 1.55 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. સિંગાપુર, હોંગ કોંગ, જાપાન, કોરિયા અને ચીન સહિતના બજારો નરમાઈ સૂચવે છે.તાઈવાન બજારમાં આજે કામકાજ બંધ છે. શુક્રવારે યુએસ ખાતે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં સુધારો જોવા મળ્યો હતો. નાસ્ડેક 1.64 ટકા સુધારા સાથે મજબૂત જોવા મળ્યું હતું.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 136 પોઈન્ટ્સ ઘટાડા સાથે 16524ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીમાં 16200નું ગયા સપ્તાહનું તળિયું સપોર્ટ લેવલ છે. જ્યારે ઉપરમાં 16800નો અવરોધ છે. રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ લાંબુ ચાલે તેવી શક્યતાને જોતામાં બજારમાં વધ-ઘટ પણ ઊંચી જોવા મળી શકે છે.
ક્રૂડમાં 5 ટકા ઉછાળો
બ્રેન્ટ ક્રૂડ વાયદો 4.56 ટકા ઉછળી 98.41 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. રશિયા પર સતત આર્થિક પ્રતિબંધોને કારણે ક્રૂડના ભાવ ઉછળ્યાં છે. ગયા સપ્તાહે તેણે 103 ડોલરની આંઠ વર્ષોની ટોચ દર્શાવી હતી. જોકે ત્યાંથી થોડા પરત ફર્યાં હતાં. હવે તે ફરી 100 ડોલર નજીક જોવા મળી રહ્યાં છે.
LIC IPOનો ભાવ નક્કી કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સમાં દ્વિધા
વૈશ્વિક શેરબજારોમાં વેચવાલી સાથે ઊંચી વોલેટિલિટી વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આઈપીઓને લઈને ભાવ નિર્ધારણમાં મૂંઝવણ અનુભવી રહ્યાં છે. તેમના જણાવ્યા પ્રમાણે હાલનો સમય રોકાણકારોના પ્રતિભાવને માપવા માટેનો યોગ્ય સમય નથી. રોકાણકારો કયા ભાવે આઈપીઓમાં રોકાણ માટે કમ્ફર્ટેબલ હશે તે નક્કી કરવું ખૂબ જરૂરી છે. કેમકે મોટાભાગના વિદેશી રોકાણકારો જીઓ-પોલિટીકલ તણાવો વચ્ચે તેમના વર્તમાન પોર્ટફોલિયોને નવા રોકાણ સાથે જોડવાને મહત્વ આપશે. સામાન્યરીતે કોઈપણ આઈપીઓની આકર્ષક્તા નક્કી કરવા માટે રોડશો અને ત્યારબાદ ચર્ચા-વિચારણામાં બેથી ત્રણ મહિનાનો સમયગાળો લાગતો હોય છે. જોકે એલઆઈસી આઈપીઓ માટે બેંકર્સ ખૂબ સાંકડી ટાઈમલાઈન્સ સાથે કામ કરી રહ્યાં છે. યોગ્ય વેલ્યૂએશન્સ નિર્ધારિત કરવા માટે લાંબો સમય લેવા જતાં એલઆઈસી આઈપીઓને માર્ચ મહિનાથી આગળ લઈ જવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય.
કેબિનેટે LICમાં 20 ટકા FDIની છૂટ આપી
કેન્દ્રિય કેબિનેટે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી)માં સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ) માટે મંજૂરી આપી છે. જે હેઠળ ઓટોમેટીક રૂટ મારફતે એલઆઈસીમાં 20 ટકા સુધીનું એફડીઆઈ થઈ શકશે. એફડીઆઈ સંબંધી નિયમમાં સુધારાને કારણે એલઆઈસીમાં વિદેશી રોકાણકારોને રોકાણમાં સુવિધા મળી રહેશે. શનિવારે વડાપ્રધાનની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં આ અંગે મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે વર્તમાન એફડીઆઈ પોલિસીને સરળ બનાવવા સાથે તેને વ્યાપક બનાવી હતી એમ વર્તુળો જણાવતાં હતાં.
FDI ઈક્વિટી ઈનફ્લો 16 ટકા ગગડી 43.17 અબજ ડોલર પર રહ્યો
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન દેશમાં ફોરેન ડિરેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ(એફડીઆઈ) ઈક્વિટી ફ્લો 16 ટકા જેટલો ઘટી 43.17 અબજ ડોલર પર રહ્યો હોવાનું ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડનો ડેટા જણાવે છે. ગયા નાણા વર્ષ 2020-21ના પ્રથમ નવ મહિના દરમિયાન તે 51.47 અબજ ડોલર પર જોવા મળ્યો હતો. એપ્રિલ-ડિસેમ્બર 2021 સુધીના નવ મહિનામાં કુલ એફડીઆઈ ઈનફ્લો 60.34 અબજ ડોલર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 67.5 અબજ ડોલર પર જોવા મળી રહ્યો હતો. આ ફ્લોમાં ઈક્વિટી ઉપરાંત રિ-ઈન્વેસ્ટેડ અર્નિંગ્સ અને અન્ય મૂડીનો સમાવેશ પણ થાય છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2021ના ક્વાર્ટરમાં ઈક્વિટી ઈનફ્લોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે 12 અબજ ડોલર પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 21.46 અબજ ડોલર પર હતો. ક્વાર્ટર દરમિયાન કુલ એફડીઆઈ ઈક્વિટી ફ્લો પણ 26.16 અબજ ડોલર પરથી ગગડી 17.94 અબજ ડોલર પર રહ્યો હતો.
NSEએ નિયમોમાં સુધારો કરતાં LIC મહિનામાં જ નિફ્ટીમાં પ્રવેશી શકે
એનએસઈ ઈન્ડાઈસિસ લિ.ની ઈન્ડેક્સ મેઈન્ટેનન્સ સબ-કમિટી(આઈએમએસસી)એ નિફ્ટી ઈક્વિટી ઈન્ડાસિસિમાં સમાવેશ માટેની યોગ્યતા અંગેના માપદંડોમાં ફેરફાર કરવાનું નક્કી કરતાં ઈન્શ્યોરન્સ અગ્રણી એલઆઈસીનો શેર એક મહિનાના લિસ્ટીંગ સાથે નિફ્ટી શેર્સમાં સમાવેશ પામી શકે તેવી શક્યતા ઊભી થઈ છે. હાલમાં નિફ્ટી ઈક્વિટી ઈન્ડાઈસિસમાં પ્રવેશ માટે લઘુત્તમ ત્રણ મહિનાનો લિસ્ટીંગ ઈતિહાસ હોવો જરૂરી છે. જોકે એનએસઈના એક નિવેદનમાં જણાવ્યા મુજબ આઈએમએસસીએ હવેથી તેને સુધારીને એક મહિનાનો કર્યો છે. તેણે ઉમેર્યું છે કે નિયમોમાં ફેરફાર નિફ્ટીના તમામ ઈન્ડાઈસિસને તત્કાળ લાગુ પડે છે. આ સુધારો એલઆઈસીના નિફ્ટીમાં પ્રવેશ માટે હાથવગો બની રહેશે એમ નિષ્ણાતો જણાવે છે. કેમકે લિસ્ટીંગ બાદ તે શેરબજારમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપની બની રહેશે.
FIIનું 2021-22માં 29 અબજ ડોલરનું વિક્રમી વેચાણ
યુએસ ફેડ રેટ વૃદ્ધિ, ઊંચા વેલ્યૂએશન્સને કારણે વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી
એનાલિસ્ટ્સના મતે વર્તમાન જીઓપોલિટીકલ રિસ્કને જોતાં એફઆઈઆઈને ભારતીય બજારમાં પરત ફરવામાં કેટલોક સમય લાગશે
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય બજારમાં વિક્રમી વેચવાલી નોંધાવી છે. છેલ્લાં પાંચ મહિનાઓમાં તીવ્ર વેચવાલી સાથે અત્યાર સુધીમાં 11 મહિનાઓમાં તેમણે 29 અબજ ડોલર(રૂ. 2.22 લાખ કરોડ)નું વેચાણ દર્શાવ્યું છે. અગાઉ સ્થાનિક બજારમાં આટલી ઊંચી વેચવાલી જોવા મળી નથી. વિદેશી સંસ્થાઓએ 2020-21માં ભારતીય બજારમાં 23 અબજ ડોલર અથવા રૂ. 1.73 લાખ કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.
માર્કેટ નિરીક્ષકોના મતે એફઆઈઆઈ છેલ્લાં પાંચ મહિનાથી મોટા પ્રમાણમાં વેચવાલી દર્શાવતી રહી છે. માર્કેટે ઓક્ટોબરમાં 18606ની ટોચ દર્શાવી ત્યારથી લઈ અત્યાર સુધી તેમણે અવિરત વેચાણ જાળવ્યું છે. માર્કેટમાં ઊંચા વેલ્યૂએશન્સને તેઓ વિદેશી રોકાણકારો તરફથી સતત વેચવાલીનું એક મહત્વનું પરિબળ ગણાવે છે. આ ઉપરાંત યુએસ ફેડ તરફથી રેટ વૃદ્ધિને પણ તેઓ ઈક્વિટીઝમાં વેચાણ માટેના કારણ તરીકે જોઈ રહ્યાં છે. યુએસ ખાતે 40 વર્ષોની ટોચ પર જોવા મળી રહેલા ફુગાવાને જોતાં એનાલિસ્ટ્સ 2022માં 5-7 પોલિસી રેટ વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યાં છે. છેલ્લાં એક મહિનાથી જોવા મળી રહેલા યુક્રેન-રશિયા તણાવે પણ વિદેશી રોકાણકારોને કરેક્ટેડ માર્કેટમાં ખરીદી કરતાં અટકાવ્યાં છે. હવે યુધ્ધ શરૂ થઈ જતાં વિદેશી રોકાણકારો તત્કાળ તેમનો મૂડ બદલે તેવી શક્યતાં ઓછી હોવાનું પણ તેઓ જણાવે છે. હાલમાં તેઓ નાણાને ડોલરમાં તેમજ ગોલ્ડ જેવા એસેટ ક્લાસમાં રાખવાનું પસંદ કરશે. માર્ચ મહિનાની બેઠકમાં ફેડ રિઝર્વ કેટલી રેટ વૃદ્ધિ કરે છે તથા ભવિષ્યને લઈ શું ટિપ્પણી કરે છે તેના આધારે તેઓ ઈમર્જિંગ બજારોમાં રોકાણ અંગે પુનઃવિચાર કરી શકે છે.
જોકે એનાલિસ્ટ્સનો એક વર્ગ માને છે કે હાલમાં માર્કેટ ટોચના સ્તરેથી 13 ટકા જેટલું કરેક્ટ થઈ ચૂક્યું છે. જ્યારે વ્યક્તિગત શેર્સમાં તો 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આમ વેલ્યુએશન્સ છ મહિના અગાઉની સરખામણીમાં ઘણા વાજબી જોવા મળે છે. બે ક્વાર્ટર્સમાં અર્નિંગ્સ ગ્રોથ સારો જળવાયો છે. જે વેલ્યૂએશન્સને વધુ રેશનલાઈઝ કરી રહ્યાં છે. આગામી ક્વાર્ટરમાં પણ ઊંચા અર્નિંગ્સ જોવા મળશે તો વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પરત ફરી શકે છે. ભારત જોકે તેમના માટે અગાઉની જેમ બ્લેન્કેટ બાય નહિ હોવાનું તેઓ ઉમેરે છે. કેમકે વર્તમાન સ્થિતિમાં અર્નિંગ્સ રિસ્ક ઊંચા જોવા મળી રહ્યાં છે. મોટાભાગના એનાલિસ્ટ્સ આગામી વર્ષે નિફ્ટી અર્નિંગ્સમાં 20 ટકા અને ચાલુ નાણાકિય વર્ષમાં 25-30 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યાં છે. એકવાર વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટીકલ સ્થિતિમાં સુધારો થશે અને તણાવ ઘટશે ત્યારબાદ વિદેશી મૂડી ભારતીય બજારમાં પરત ફરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.