બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
માર્કેટ્સમાં સ્થિરતાના સંકેતો
છેલ્લાં બે સપ્તાહથી નોંધપાત્ર કરેક્શન અને ઊંચી વોલેટિલિટી દર્શાવ્યાં બાદ શેરબજારોમાં સ્થિરતા પરત ફરે તેવું જણાય રહ્યું છે. ગુરુવારે રાતે યુએસ બજારો તેની ટોચ પરથી ગગડીને સાધારણ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જોકે એશિયન બજારોમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં જાપાન 2 ટકાથી વધુની મજબૂતી દર્શાવે છે. જ્યારે કોરિયન માર્કેટ 1.4 ટકાનો સુધારો દર્શાવી રહ્યું છે. સિંગાપુર પણ પોઝીટીવ ટ્રેડ સૂચવે છે. જ્યારે હોંગ કોંગ, તાઈવાન અને ચીન નેગેટિવ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 10 પોઈન્ટ્સના સુધારે 17177ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર ફ્લેટથી પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 16800નું સ્તર મહત્વનો સપોર્ટ છે. જે તૂટે નહિ ત્યાં સુધી માર્કેટ કોન્સોલિડેશન સાથે બાઉન્સ દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે. જો તે 17300નું સ્તર પાર કરશે તો વધુ સુધારો દર્શાવે તેવી શક્યતાં છે. બજેટ અગાઉ હવે બે ટ્રેડિંગ સત્રો બાકી રહ્યાં છે અને તેથી બજાર સાવચેતીનો અભિગમ દાખવશે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક ક્રૂડ તેની સાચ વર્ષોની ટોચ દર્શાવી કોન્સોલિડેશનમાં જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો બુધવારે 90.47 ડોલરની ટોચ દર્શાવી ગુરુવારે 2 ટકા આસપાસની નરમાઈ પાછળ 88 ડોલર આસપાસ ટ્રેડ થયો હતો. જોકે આજે સવારે તે 88.66 ડોલર પર પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. કેટલાંક એનાલિસ્ટ્સ ક્રૂડમાં 125 ડોલર સુધીનો ઉછાળો પણ જોઈ રહ્યાં છે. તેમના મતે જો રશિયા-યુક્રેન વચ્ચે લડાઈ થશે તો ક્રૂડના ભાવ ઉછળી જશે. કેમકે રશિયા નોન-ઓપેક દેશોમાં સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે.
ગોલ્ડ ઊંધા માથે પટકાયું
યુએસ ફેડે ટૂંક સમયમાં રેટ વૃદ્ધિની શક્યતાં દર્શાવતાં તથા સ્ટીમ્યુલસને પણ બે મહિનામાં સમાપ્ત કરવાની વાત કરતાં ગોલ્ડમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો તાજેતરની 1742 ડોલરની ટોચથી 50 ડોલર જેટલો ગગડી 1790 ડોલર પર ટ્રેડ થયો હતો. આજે સવારે તે 5 ડોલર સુધારા સાથે 1798 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આગામી દિવસોમાં તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. કેમકે હાલમાં કોઈ એવું પોઝીટીવ ટ્રિગર નથી જે ગોલ્ડમાં ઝડપી બાઉન્સ લાવી શકે.
ઈડીએ કાર્વી ચેરમેનની સિક્યૂરિટી સ્કેમમાં ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ કાર્વી ગ્રૂપના ચેરમેન અને એમડી કોમાન્ડુર પાર્થસારથીની તથા સીએફઓ જી હરિ ક્રિષ્ણાની રૂ. 2 હજાર કરોડના સિક્યૂરિટી અને મની લોંન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. કોર્ટે તેમને ચાર દિવસ માટે ઈડી કસ્ટડીમાં રાખવાની છૂટ આપી છે. હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન ખાતે ફાઈલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે પાર્થસારથી સામે પ્રિવેન્શન ઓફ મની લોંડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ પોલીસના આક્ષેપ પ્રમાણે કાર્વી ડિરેક્ટર્સે ઈન્ડસઈન્ડ બેંક સાથે રૂ. 137 કરોડ અને આઈસીઆઈસીઆઈ બેંક સાથે રૂ. 562 કરોડનું કૌભાંડ આચર્યું છે. કંપનીએ તેના ગ્રાહકોની મંજૂરી વિના જ ક્લાયન્ટ સિક્યૂરિટીઝને ટ્રાન્સફર કરી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર્વીએ આ રકમ તેની ભગિની કંપનીઓ જેવીકે કાર્વી રિઅલ્ટી ઈન્ડિયામાં ટ્રાન્સફર કરી હતી. જેમાં પાર્થસારથી ડિરેક્ટર છે.
ફ્યુચર જૂથ ઈન્શ્યોરન્સ કંપનીમાંના હિસ્સાનું રૂ. 1253 કરોડમાં વેચાણ કરશે
દેવાના ડુંગરા હેઠળ દબાયેલું ફ્યુચર જૂથ નેધરલેન્ડની ઈન્શ્યોરન્સ કંપની સાથેના સંયુક્ત સાહસ ફ્યુચર જનરાલી ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાંથી તેના 25 ટકા હિસ્સાનું વેચાણ કરીને રૂ. 1252.96 કરોડ ઊભા કરશે. કંપની જનરલ ઈન્શ્યોરન્સ ક્ષેત્રે સક્રિય છે. આ ઉપરાંત કિશોર બિયાણી પ્રમોટેડ જૂથ જનરાલી સાથેના લાઈફ ઈન્શ્યોરન્સ સાહસ ફ્યુચર જનરાલી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાંના તેના હિસ્સા વેચાણની શક્યતાઓ ચકાસી રહ્યો હોવાનું જાણવા મળે છે.
મહત્વની કોર્પોરેટ હેડલાઈન્સ
• કેપીઆર મિલનું બોર્ડ 7 ફેબ્રુઆરીએ શેર્સ બાયબેકની વિચારણા માટે મળશે.
• બલરામપુર ચીનીનું બોર્ડ 2 ફેબ્રુઆરીના રોજ એનસીડી મારફતે ફંડ ઊભું કરવાની વિચારણા માટે મળશે.
• ટીવીએસ મોટરે સ્વિસ ઈ-મોબિલિટી ગ્રૂપમાં બહુમતી હિસ્સાની ખરીદી કરી.
• પીએનબીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1126.8 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 506 કરોડ પર હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 8345.8 કરોડ પરથી ઘટ રૂ. 7803.2 કરોડ પર રહી હતી.
• કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 101.2 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 76.2 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 1152.9 કરોડના સ્તરેથી વધી રૂ. 1563.8 કરોડ પર રહી હતી.
• રૂટ મોબાઈલે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 48.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 37.6 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 384.8 કરોડની સરખામણીમાં ઉછળીને રૂ. 562.7 કરોડ પર જોવા મળી હતી.
• હોમ ફર્સ્ટે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 45.9 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.9 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 110.26 કરોડ પરથી ઉછળી રૂ. 151.68 કરોડ પર જોવા મળી હતી.
• બીજા ક્રમની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર એરટેલ પ્રમોટર્સ સિવાયના ઈન્વેસ્ટર્સને પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
• ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો 2 કંપનીઓમાં રૂ. 150 કરોડનું રોકાણ કરશે. જેમાં અડોન્મોમાં રૂ. 112 કરોડમાં 19.5 ટકા હિસ્સો જ્યારે અર્બનપાઈપર ટેકમાં રૂ. 37.4 કરોડમાં 5 ટકા હિસ્સો ખરીદશે.
• ઈન્ડુસ ટાવર્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1570.8 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1558.5 કરોડ પર હતો. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે રૂ. 6876.5 કરોડ પરથી વધી રૂ. 6927.4 કરોડ પર રહી હતી.
Market Opening 28 Jan 2022
January 28, 2022