Market Opening 3 May 2021

માર્કેટ ઓપનીંગ

શેરબજારમાં કામકાજની શરૂઆત નરમાઈ સાથે થશે
વૈશ્વિક બજારોમાં ગયા સપ્તાહાંતે સાર્વત્રિક નરમાઈ પાછળ નવા સપ્તાહની શરૂઆત પણ નેગેટિવ રહેશે તે નક્કી છે. શુક્રવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 186 પોઈન્ટ્સ નરમાઈ સાથે 33875ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે યુરોપ બજારો પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. આજે સવારે એશિયન બજારોમાં 1.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની પાછળ ભારતીય બજાર પણ નેગેટિવ ટ્રેન્ડ દર્શાવશે.
SGX નિફ્ટીનો તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 177 પોઈન્ટ્સની નરમાઈ દર્શાવી રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં પણ નિફ્ટી એક ટકાથી વધુ ઘટાડા સાથેનું ઓપનીંગ દર્શાવી શકે છે. આમ પણ નિફ્ટીએ 14700નો સપોર્ટ તોડ્યો હતો અને તેથી તે ટેકનીકલી નરમ છે. તેને 14598નો સપોર્ટ છે. જે જળવાય તો તે કોન્સોલિટેડ થઈ ફરી તેજી તરફી ગતિ દર્શાવી શકે છે.

ક્રૂડ-ગોલ્ડ-સિલ્વરમાં રેંજ બાઉન્ડ ટ્રેન્ડ

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 66-68 ડોલરની રેંજમાં અટવાઈ પડ્યો છે. તેમાં અન્ડરટોન મજબૂત છે. જોકે તે લાંબા સમયથી બ્રેકઆઉટ આપી શકવામાં નિષ્ફળ રહ્યો છે. જો 65 ડોલર તૂટશે તો તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. સોનામાં પણ 1770-1800ની રેંજમાં ટ્રેડ જોવા મળી રહ્યો છે. આજે સવારે એશિયન ટાઈમ પ્રમાણે તે 1772 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. તે ચાર ડોલરનો સુધારો સૂચવે છે. જ્યારે ચાંદી અડધા ટકા મજબૂતી સાથે 26 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. બેઝ મેટલ્સમાં નવી ટોચ જોતાં ચાંદી પણ વધ-ઘટે સુધારાતરફી જળવાય તેવી પૂરી સંભાવના છે.સોમવારે આ શેર્સ લાઈમલાઈટમાં રહેશે

ગયા શુક્રવારે બજાર બંધ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પરિણામો જાહેર કર્યાં હતાં અને તેથી આજે શેરના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. આવા જ કેટલાંક પરિણામો તથા અન્ય ન્યૂઝને કારણે ફોકસમાં રહી શકે તેવા શેર્સમાં સુપ્રીમ પેટ્રો, મારુતિ, અજંતા ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ, એમએન્ડએમ, યસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એસ્કોર્ટ્સ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ અને અમરરાજા બેટરીઝનો સમાવેશ થાય છે.ઈન્ડિયન હોટેલ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 98 કરોડની ખોટ નોંધાવી
ટાટા જૂથની હોસ્પિટાલિટી કંપની ઈન્ડિયન હોટેલ્સે માર્ચ ક્વાર્ટર માટે ખૂબ પ્રતિકૂળ પરિણામો દર્શાવ્યાં છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 97.72 કરોડનું નુકસાન નોંધાવ્યું છે. મહામારી સંબંધી પડકારો પાછળ કંપનીની કામગીરી પર અસર થઈ છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 76.29 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કામકાજી આવક રૂ. 615.02 કરોડ રહી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 1062.98 કરોડ પર હતી. જો સમગ્ર નાણાકિય વર્ષ 2020-21ની વાત કરીએ તો ઈન્ડિયન હોટેલ્સે રૂ. 795.63 કરોડની ખોટ દર્શાવી છે. તેણે અગાઉના વર્ષએ રૂ. 363.74 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. કંપનીની કુલ આવક રૂ. 1575.16 કરોડ રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 4463.14 કરોડ પર હતી. કંપનીએ 40 ટકાના ડિવિડન્ડની ભલામણ કરી હતી.
એપ્રિલમાં એમએન્ડએમના ટ્રેકટર વેચાણમાં 11 ટકાનો ઘટાડો
દેશમાં સૌથી મોટા ટ્રેકટર ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ટ્રેકટર વેચાણ એપ્રિલ મહિનામાં 11 ટકા ઘટ્યું હતું. કંપનીએ નવા નાણાકિય વર્ષના પ્રથમ મહિના દરમિયાન 27523 ટ્રેકટર્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે અગાઉના મહિને 30970 ટ્રેકટર્સ પર જોવા મળ્યું હતું. જોકે કંપનીનું પેસેન્જર વેહીકલનું વેચાણ એપ્રિલમાં 9.5 ટકા વધી 18285 પર રહ્યું હતું. જે માર્ચ મહિનામાં 16700 વાહનોના વેચાણની સરખામણીમાં 1500 વેહીકલ્સની વૃદ્ધિ સૂચવે છે. કંપનીના પેસેન્જર વેહીકલ્સ વેચાણમાં પેટાકંપની મહિન્દ્રા ઈલેક્ટ્રીક મોબિલિટીએ બનાવેલા વાહનોનો સમાવેશ પણ થાય છે. કંપનીનું કુલ સ્થાનિક કમર્સિયલ વેહીકલ વેચાણ 16147 યુનિટ્સનું રહ્યું હતું. જે માર્ચમાં જોવા મળેવા 21577 યુનિટ્સની સરખામણીમાં 25.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીના લાઈટ કમર્સયલ વેહીકલ્સના વેચાણમાં 16.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 12210 યુનિટ્સ જોવા મળ્યું હતું. જ્યારે થ્રી-વ્હીલર્સ વેચાણ 54.2 ટકા ઘટી 2043 યુનિટ્સ જોવા મળ્યું હતું. કંપનીની નિકાસમાં પણ માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલમાં 5.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ટાટા મોટર્સના એપ્રિલ વેચાણમાં 41 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો
કંપની માર્ચ મહિનામાં 36955 કમર્સિયલ વેહીકલ્સ સામે એપ્રિલમાં 14435 વેહીકલ્સ જ વેચી શકી

ટાટા મોટર્સે એપ્રિલ મહિના દરમિયાન ઘરેલુ વાહન વેચાણમાં 41 ટકાનો તીવ્ર ઘટાડા નોંધાવ્યો છે. કોવિડના વધતાં કેસિસને કારણે કેટલાંક રાજ્યોમાં લાગુ પાડવામાં આવેલા લોકડાઉનની અસર પાછળ એપ્રિલમાં કંપનીએ 39530 વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું. જે એક મહિના અગાઉ માર્ચ 2021માં જોવા મળેલા 66609 કરતાં તીવ્ર ઘટાડો દર્શાવતું હતું.
કંપનીએ જણાવ્યા મુજબ એપ્રિલ મહિનામાં કુલ વેચાણ 41739 પર રહ્યું હતું. જે અગાઉના મહિનાના 70263 વેહીકલ્સની સામે 40.6 ટકાનો ઘટાડો સૂચવે છે. આ આંકડામાં 2209 કમર્સિયલ વાહનોની નિકાસનો સમાવેશ થાય છે. જે પણ માસિક ધોરણે 40 ટકા ઘટાડો દર્શાવે છે. ટાટા મોટર્સે એપ્રિલ દરમિયાન સ્થાનિક બજારમાં 14435 કમર્સિયલ વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું. જે માર્ચમાં જોવા મળેલા 36955 કરતાં 61 ટકા નીચું હતું. કંપનીએ કમર્યિસલ વેહીકલ ડિવિઝનના દરેક સેગમેન્ટમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો છે. જેમાં મિડિયમ અને હેવી કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 55 ટકાના ઘટાડે એપ્રિલમાં 4942 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે સ્મોલ કમર્સિયલ વેહીકલ(એસસીવી) કાર્ગો અને પીકઅપ સેગમેન્ટમાં પણ માસિક ધોરણે 60 ટકા ઘટાડો નોંધાયો હતો અને 6930 યુનિટ્સ વાહનોનું વેચાણ જોવાયું હતું. કુલ પેસેન્જર વેહિકલ વેચાણની વાત કરીએ તો તેમાં 15 ટકા ઘટાડો નોંધાયો હતો અને માર્ચ મહિનામાં 29654 યુનિટ્સ સામે એપ્રિલમાં વેચાણ 15 ટકા ઘટી 25095 યુનિટ્સ પર રહ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage