માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મજબૂતી
બે સપ્તાહ દરમિયાન અવિરત વેચવાલી બાદ ચાલુ સપ્તાહની શરૂઆત શેરબજારો માટે પોઝીટીવ જોવા મળી રહી છે. યુએસ બજારોમાં શુક્રવારે તીવ્ર સુધારો નોંધાયો હતો. જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 565 પોઈન્ટ્સ ઉછળી 34725.47ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 418 પોઈન્ટ્સ અથવા 3 ટકાથી વધુ ઉછળી 13770.57ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં જાપાન, સિંગાપુર અને હોંગ કોંગ બજારો એક ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 165 પોઈન્ટ્સના સુધારે 17256.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 17300નું સ્તર પાર થશે તો તે વધુ સુધારો દર્શાવી શકે છે. જોકે મંગળવારે બજેટ જેવી મહત્વની ઈવેન્ટને જોતાં બજારમાં બે બાજુની વધ-ઘટ સંભવ છે.
ક્રૂડ નવી ટોચ ભણી
વૈશ્વિક ક્રૂડના ભાવ નવી ટોચ તરફ ગતિ કરી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.22 ટકા સુધારા સાથે 89.59ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે ગયા સપ્તાહે દર્શાવેલી 91.70 ડોલરની સાત વર્ષોની ટોચ નજીક છે. જીઓ-પોલિટીકલ ક્રાઈસિસને જોતા ક્રૂડ ત્રણ આંકડાભણી ગતિ જાળવી રાખે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.
ગોલ્ડમાં દિશાહિન ટ્રેડ
ગયા સપ્તાહે ટોચ પરથી 60 ડોલર જેટલું પટકાયા બાદ ગોલ્ડ સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. કોમેક્સ વાયદો 1788.40 ડોલર પર 3.5 ડોલરનો સુધારો સૂચવે છે. ગોલ્ડે છેલ્લાં છ મહિનામાં વારંવાર 1800 ડોલરની સપાટી કૂદાવ્યાં બાદ પડતું મૂક્યું છે. જેણે રોકાણકારોને નિરાશ કર્યાં છે.
2021માં સ્ટીલ ઉત્પાદનમાં ભારતે બીજો ક્રમ જાળવ્યો
વૈશ્વિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં કેલેન્ડર 2021માં 3.6 ટકાની સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી અને તે 1191.9 મિલિયન ટન્સ પર રહ્યું હોવાનું વર્લ્ડ સ્ટીલ એસોસિએશનનો ડેટા સૂચવે છે. જોકે ભારતમાં ઉત્પાદન 17.8 ટકા વૃદ્ધિ સાથે 118.10 મિલિયન ટન પર રહ્યું હતું અને તેણે બીજા સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતું. ભારત ઉપરાંત જાપાનમાં 14.9 ટકા અને યુએસ ખાતે 18.3 ટકા ઉત્પાદન વૃદ્ધિ જોવા મળી હતી. બ્રાઝિલ અને જર્મનીમાં પણ દ્વિઅંકી વૃદ્ધિ જોવા મળી હતી. પ્રથમ ક્રમે ચીને 3 ટકા ઉત્પાદન ઘટાડા સાથે 1032.80 મિલિયન ટન ઉત્પાદન નોંધાવ્યું હતું.
વેદાંત ફેશન્સ બજારમાંથી રૂ. 3149 કરોડ ઊભા કરશે
એથનિક વેર બ્રાન્ડ માન્યવરની માલિક વેદાંત ફેશન્સ આઈપીઓ મારફતે રૂ. 3149 કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે. કંપની 4 ફેબ્રુઆરીએ બજારમાં પ્રવેશશે. તે રૂ. 824-866ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. જેમાં પ્રમોટર્સ ઉપરાંત પીઈ ઈન્વેસ્ટર્સ તેમના હિસ્સાનું વેચાણ કરશે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 35 ટકા હિસ્સો રિઝર્વ્ડ રાખવામાં આવ્યો છે.
ફોરેક્સ રિઝર્વ્સમાં 67.8 કરોડ ડોલરનો ઘટાડો નોઁધાયો
દેશના વિદેશી હૂંડિયામણમાં 21 જાન્યુઆરીએ પૂરા થતાં સપ્તાહ દરમિયાન 67.8 કરોડ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 634.287 અબજ ડોલર પર રહ્યું હતું એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. અગાઉના 14 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 2.22 અબજ ડોલરની વૃદ્ધિ જોવા મળી હતી. ગયા સપ્તાહે ફોરેક્સ રિઝર્વ્સમાં ઘટાડાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં 1.155 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 569.582 અબજ ડોલર પર રહી હતી.
મહત્વના પરિણામો
• એસજેવીએને બિહાર માટે 25 વર્ષો માટે 200 મેગાવોટ સોલર પાવર સપ્લાયનો ઓર્ડર મેળવ્યો છે.
• ઈન્ડસઈન્ડ બેંકે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1161.27 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 852.76 કરોડ સામે 30 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 3406 કરોડ પરથી વધી રૂ. 3793.57 કરોડ રહી હતી.
• એનટીપીસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4626.11 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે 3876.36 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 27526.03 કરોડ પરથી વધી 33292.61 કરોડ પર રહી હતી.
• બીઈએલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 583.37 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 261.9 કરોડ પર હતો. કંપનીની આવક પણ રૂ. 2296.2 કરોડ પરથી ઉછળી રૂ. 3693.7 કરોડ પર રહી હતી.
• ઈન્ફો એજઃ કંપનીએ રૂ. 329.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 69.87 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 272.3 કરોડ પરથી વધી રૂ. 403.26 કરોડ જોવા મળી હતી.
• સુઝલોન એનર્જીઃ કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 37.73 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે તેણે રૂ. 118.06 કરોડની ખોટ દર્સાવી હતી. કંપનીની આવક રૂ. 959.52 કરોડ પરથી ઊછળી રૂ. 1615.01 કરોડ પર જોવા મળી હતી.
• કેમપ્લાસ્ટ સન્મારઃ કેમિકલ કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 236.86 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 159.90 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1088.38 કરોડ પરથી ઉછળી રૂ. 1451.68 કરોડ પર રહી હતી.
Market Opening 31 Jan 2022
January 31, 2022