માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટ ફ્લેટ, એશિયામાં સાર્વત્રિક નરમાઈ
યુએસ બજાર ગુરુવારે સાધારણ 23 પોઈન્ટ્સના ઘટાડે બંધ આવ્યો હતો. જોકે એશિયન બજારો શુક્રવારે સવારે સાર્વત્રિક નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં તાઈવાન 0.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવે છે. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ, કોરિયા અને ચીન પણ રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એશિયન બજારોએ સમગ્ર સપ્તાહ દરમિયાન ડલનેસ દર્શાવી છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 3 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 15673ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. જોકે બજારમાં મોમેન્ટમને જોતાં તે ગ્રીન ઝોનમાં જળવાય તેવી શક્યતા ઊંચી છે. માર્કેટને ડિફેન્સિવ ક્ષેત્રોનો સપોર્ટ મળી શકે છે. જ્યારે બેંકિંગ પણ બજારને સપોર્ટ કરી શકે છે. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ મજબૂત જણાય રહ્યો છે. સાથે ભારતીય બજાર નજીકના વચગાળાની ટોચની નજીક હોય તેવી શક્યતા પણ છે. વેલ્યૂએશન્સની રીતે તે હાલમાં વૈશ્વિક સ્તરે મોંઘા બજારોમાંનું એક છે તે યાદ રાખવું જોઈએ. ઊપરના સ્તરે પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું જોઈએ.
ક્રૂડ મક્કમ
વૈશ્વિક બજારોમાં ક્રૂડના ભાવ મક્કમ જોવા મળી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 71 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. જે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં ક્રૂડના ભાવ તૂટવાની શક્યતા ઓછી છે. વૈશ્વિક સ્તરે આર્થિક રિકવરીના અહેવાલે ક્રૂડમાં કેટલોક વધુ સુધારો શક્ય છે. જોકે ક્રૂડ મોટી તેજી જોવામાં આવી રહી નથી.
મહત્વની હેડલાઈન્સ
· આરબીઆઈ બેન્ચમાર્ક રેપો રેટને 4 ટકાના સ્તરે સ્થિર જાળવી રાખે તેવો મોટાભાગના અર્થશાસ્ત્રીઓનો મત.
· સરકારે ટેલિકોમ ક્ષેત્રે સ્થાનિક મેન્યૂફેક્ચરિંગ એકમો માટે રાહતોની કરેલી જાહેરાત. કુલ રૂ. 12195 કરોડની રાહતો આપવામાં આવી.
· માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભારતીય મ્યુચ્યુલ ફંડ્સ માટે વિદેશમાં રોકાણની મર્યાદાને વધારીને એક બિલિયન ડોલર કરી.
· કોવિડને કારણે ભારતીય એરલાઈન કંપનીઓને 8 અબજ ડોલરના નુકસાનનો અંદાજ.
· 3 જૂન સુધીમાં દેશમાં ચોમાસાના વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં 64 ટકા વધુ.
· વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં ગુરુવારે રૂ. 1080 કરોડની ખરીદી દર્શાવી.
· સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 279 કરોડની વેચવાલી નોંધાવી.
· ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એફઆઈઆઈનું રૂ. 3550 કરોડનું ચોખ્ખું વેચાણ.
· સાઉદી અરેબિયાએ એશિયન ગ્રાહકો માટે ઓઈલના ભાવમાં કરેલી વૃદ્ધિ.
· ગુજરાત પેટ્રોનેટના માર્ચ ક્વાર્ટરના નફામાં 9 ટકાનો ઘટાડો. કંપનીએ રૂ. 206 કરોડનો નફો દર્શાવ્યો. આવક 22 ટકા ગગડી રૂ. 465 કરોડ.
· લ્યુપિને યુએસ ખાતે બ્રોવાનાના જેનેરિક વર્ઝનની કરેલી રજૂઆત.
Market Opening 4 June 2021
June 04, 2021