બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં નરમાઈ, એશિયામાં સુસ્તી
બુઘવારે યુએસ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅવ એવરેજ 324 પોઈન્ટ્સ ગગડી 34793ના સ્તર પર બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં ફરી સુસ્તી જોવા મળી રહી છે. જાપાન, હોંગ કોંગ અને ચીનના બજારો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. તો બીજી બાજુ સિંગાપુર, તાઈવાન અને કોરિયન બજારો અગાઉના બંધ સામે નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ચીન ખાતે કોવિડના કેસ વધી રહ્યાં છે અને તેની વૈશ્વિક બજારોના સેન્ટિમેન્ટ પર અસર પડી શકે છે. જોકે કોવિડને બજારો મહદઅંશે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે. છૂટ-પૂટ પોકેટ્સમાં કેસિસમાં વૃદ્ધિની વૈશ્વિક બજારો પર મોટી અસરની શક્યતા ઓછી છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
વૈશ્વિક બજારોમાં ડલ ટ્રેડ વચ્ચે સિંગાપુર નિફ્ટી 20 પોઈન્ટ્સના સુધારા સાથે 16280ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ફ્લેટ અથવા તો પોઝીટીવ શરૂઆત દર્શાવી શકે છે. ભારતીય બજાર માટે 16300-16500ના નવા ટાર્ગેટ્સ છે. જો કે આ માટે બજારને કોઈ પોઝીટીવ ટ્રિગર મળવું જરૂરી છે. બુધવારે બેંકિંગ ક્ષેત્રે જોવા મળેલો સુધારો જળવાય રહે તો તેજી આગળ ચાલી શકે છે.
ક્રૂડમાં ઊંચા સ્તરે વેચવાલી
વૈશ્વિક ક્રૂડમાં ઊંચા સ્તરે વેચવાલી જોવા મળી છે અને બ્રેન્ટ ક્રૂડ વાયદો 70-71 ડોલરની રેંજમાં ટ્રેડ કરી રહ્યો છે. ગયા સપ્તાહે તે 75 ડોલર પર બંધ રહ્યો હતો. જોકે ચાલુ સપ્તાહે તે સતત ઘસાયો છે. જો તે 70 ડોલર નીચે જશે તો ઝડપી ઘટાડો દર્શાવે તેવી પૂરી શક્યતા છે.
ગોલ્ડ-સિલ્વરમાં ઉછાળા ઉભરા જેવા
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં દિવસ દરમિયાન જોવા મળતો સુધારો સાંજે શમી જાય છે. બુધવારે 1830 ડોલર નજીક પહોંચેલું ગોલ્ડ સાંજે 1815 ડોલર પર પરત ફર્યું હતું. આજે સવારે તે 1813 ડોલર પર 2 ડોલર નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય બજારમાં પણ રૂ. 48000ની સપાટી પાર કરી ચૂકેલું ગોલ્ડ રૂ. 48000ની નીચે બંધ રહ્યું હતું. ચાંદી સાધારણ ઘટાડા સાથે 25.40 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી છે.
મહત્વની હેડલાઈન્સ
• કુમારમંગલમ બિરલાએ વોડાફોનનું નોન-એક્ઝિક્યૂટીવ ચેરમેન પદ છોડ્યું.
• સુગર મિલ્સે સરકાર પાસે નિકાસ સબસિડી જાળવી રાખવા માટે કરેલી માગણી.
• 4 ઓગસ્ટે ચોમાસાનો કુલ વરસાદ સરેરાશથી 2 ટકા ઓછો.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે લગભગ છ સપ્તાહ બાદ ભારતીય બજારમાં રૂ. 2830 કરોડની દર્શાવેલી ખરીદી.
• સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 411 કરોડની વેચવાલી નોંધાવી.
• વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાં ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 4030 કરોડનું વેચાણ દર્શાવ્યું.
• સંસદે એરપોર્ટ્સ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી એક્ટમાં સુધારા માટે બિલ પસાર કર્યું.
• અદાણી ટોટલનો જૂન ક્વાર્ટરનો નફો રૂ. 143 કરોડ જોવાયો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 38.91 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 201 કરોડ પરથી ઉછળી રૂ. 522 કરોડ રહી.
• એપોલો ટાયર્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 128 કરોડનો નફો નોંધાવ્યો. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 135 કરોડની ખોટ દર્શાવી હતી.
• એચપીસીએલે જૂન ક્વાર્ટરમાં રૂ. 1795 કરોડનો નફો નોંધાવ્યો. કંપનીની આવક 69 ટકા ઉછળી રૂ. 77310 કરોડ પર જોવા મળી.
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આંધ્રપ્રદેશમાં નવા પ્લાન્ટ સાથે પેટ રિસાયકલીંગ ક્ષમતાને બમણી કરશે.
• શીપીંગ કોર્પોરેશને નોન-કોર બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી છે. શેરધારકને એક શેર સામે અલગ પડેલી કંપનીનો એક શેર આપવામાં આવશે.
• ટાઈટને જૂન ક્વાર્ટરમાં રૂ. 61 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે કંપનીએ રૂ. 270 કરોડની કોટ દર્શાવી હતી.
Market Opening 5 August 2021
August 05, 2021