બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
નવા સપ્તાહની શરૂઆત વિવિધ બજારોમાં ભિન્ન જોવા મળી રહી છે. શુક્રવારે યુએસ બજારમાં ઘટાડો અટકતાં એશિયન બજારોમાં ફ્લેટથી પોઝીટીવ શરૂઆતની અપેક્ષા હતી. જોકે એમ બન્યું નથી. જાપાન બજાર 0.84 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે સિંગાપુર 0.32 ટકા સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યું છે. હોંગ કોંગ 0.55 ટકા ઘટાડો દર્શાવી રહ્યું છે. જ્યારે લાંબા વેકેશન બાદ ખૂલેલું તાઈવાન 0.56 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે કોરિયા એક ટકો ડાઉન છે. ચીન પણ નવા વર્ષના વેકેશન બાદ ઓપન થયું છે અને તે 1.84 ટકાનો સુધારો દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 32.50 પોઈન્ટ્સના ઘટાડે 17457.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ ભારતીય બજાર પણ ઘટાડા સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. નિફ્ટી માટે 17400નો મહત્વનો સપોર્ટ ગણાવાઈ રહ્યો છે. આ સ્તર તૂટશે તો તેની નીચે 17200નો સપોર્ટ સાંપડી શકે છે. ઉપરમાં 17800નો અવરોધ છે. જેની ઉપર 18000નું સ્તર જોવા મળી શકે છે.
ક્રૂડમાં નવી ઊંચાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવ વધુ સુધારો દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ વાયદો 93.99 ડોલરની નવી સાત વર્ષોની ટોચ પર ટ્રેડ થયા બાદ અત્યારે 93.22 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સતત સાત સપ્તાહોથી ક્રૂડ મજબૂતી દર્શાવી રહ્યું છે. ગયા સપ્તાહે તેણે 5.5 ટકાનો સુધારો નોંધાવ્યો હતો. એમસીએક્સ ખાતે ક્રૂડના ભાવ ટૂંક સમયમાં તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળી શકે છે.
SBIનો નફો 62 ટકા ઉછળી રૂ. 8431.9 કરોડ
બેંકના પ્રોવિઝન્સમાં વાર્ષિક ધોરણએ 32.6 ટકા ઘટાડો નોંધાતા નફામાં ઉછાળો
દેશમાં સૌથી મોટી બેંક એસબીઆઈએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 8431.9 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 62 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકે એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં નોંધપાત્ર ઊંચો દેખાવ દર્શાવ્યો હતો. નફામાં તીવ્ર વૃદ્ધિનું કારણ વાર્ષિક ધોરણે પ્રોવિઝનીંગમાં તીવ્ર ઘટાડો હતું. બેંકે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 32.6 ટકા ઘટાડે રૂ. 6974 કરોડનું પ્રોવિઝનીંગ કર્યું હતું. સમગ્રતયા પ્રોવિઝન્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે લોન-લોસ પ્રોવિઝન્સ વધીને રૂ. 3096 કરોડ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2290 કરોડ પર હતું. કોવિડ સંબંધિત પ્રોવિઝન્સ રૂ. 6183 કરોડ પર રહ્યું હતું. કોવિડ રેઝોલ્યુશન પ્લાન-1 અને પ્લાન-2 હેઠળ બેંકની રિસ્ટ્રક્ચર્ડ બુકનું કદ રૂ. 32895 કરોડ રહેવા પામ્યું હતું. જે કુલ લોન બુકના 1.2 ટકાજેટલું હતું.
જાહેર ક્ષેત્રની બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 6.5 ટકા વધી રૂ. 30687 કરોડ પર રહી હતી. જે બજારની અપેક્ષા કરતાં નીચે હતી. કંપનીનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 6 બેસીસ પોઈન્ટ્સના સુધારે 3.4 ટકા પર જોવા મળ્યું હતું. બેંકેના જણાવ્યા મુજબ ક્વાર્ટર દરમિયાન ક્રેડિટ ગ્રોથ 8.5 ટકા પર જોવા મળ્યો હતો. જેમાં ડોમેસ્ટીક લોન્સમાં 6.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. રિટેલ લોન બુકમાં 14.6 ટકા જ્યારે હોમ લોન્સમાં 11.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. એમએસએમઈ ક્ષેત્રે પણ લોન વૃદ્ધિ જોવા મળી હતી.
બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો હતો અને ગ્રોસ એનપીએ લેવલ 4.5 ટકા પર જોવા મળ્યું હતું. જે સપ્ટેમ્બર મહિનાની આખરમાં 4.9 ટકાના સ્તરે હતું. જ્યારે નેટ એનપીએ લેવલ સપ્ટેમ્બર ક્વાર્ટરના 1.52 ટકાના સ્તરેથી ઘટી 1.34 ટકા પર રહ્યું હતું. વાર્ષિક ધોરણે બેંકના સ્લીપેજિસમાં ઉછાળો નોંધાયો હતો અને વાર્ષિક ધોરણે તે રૂ. 2334 કરોડ પર રહ્યાં હતાં. જોકે સપ્ટેમ્બરમાં નોંધાયેલા રૂ. 4176 કરોડની સરખામણીમાં તે નીચા હતાં. શુક્રવારે બેંકનો શેર 2 ટકા ઘટાડા સાથે 530.30ની સપાટી પર બંધ રહ્યો હતો.
પેટીએમની ખોટ 45 ટકા વધી રૂ. 778 કરોડ
ફિનટેક પ્લેટફોર્મ પેટીએમે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 778 કરોડની ખોટ દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 45 ટકા વૃદ્ધિ નોંધાવે છે. કંપનીની આવક 89 ટકા ઉછળી રૂ. 1456 કરોડ રહી હતી. પ્લેટફોર્મ મારફતે લોન્સની સંખ્યા વધીને 44 લાખ પર પહોંચી હતી. જે વાર્ષિક ધોરણે 401 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. લોનનું કુલ મૂલ્ય 366 ટકા ઉછળી રૂ. 2181 કરોડ પર રહ્યું હતું. જોકે કંપનીનો કન્ટ્રિબ્યુશન પ્રોફિટની રકમ ત્રીજા ક્વાર્ટરમાં 8.9 ટકાથી વધી 31.2 ટકા પર પહોંચી હતી. કન્ટ્રિબ્યુશન પ્રોફિટ એટલે પેમેન્ટ પ્રોસેસિંગ ચાર્જિસ, પ્રમોશ્નલ કેશબેક અને ઈન્સેન્ટિવ્સ તથા અન્ય ખર્ચ કાઢતાં બચતી ઓપરેશન્સમાંથી થતી આવક.
ફોરેક્સ રિઝર્વ્સમાં 4.5 અબજ ડોલરનો તીવ્ર ઘટાડો
આરબીઆઈ ડેટા મુજબ 28 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી હૂંડિયામણમાં 4.531 અબજ ડોલરનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે 629.755 અબજ ડોલર પર જોવા મળતું હતું. અગાઉ 21 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન તે 67.8 કરોડ ડોલર પર હતો. 3 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડિયામણ 642.452 અબજ ડોલરના વિક્રમી સ્તરે જોવા મળી રહ્યું હતું. ફોરેક્સમાં ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણોની અસ્ક્યામતોમાં ઘટાડા પાછળ હતો. ફોરેન કરન્સી એસેટ્સમાં 3.504 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 566.077 અબજ ડોલર પર રહ્યું હતું. ગોલ્ડ રિઝર્વ્સમાં પણ 84.4 કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 39.493 અબજ ડોલર પર જોવા મળ્યું હતું.
Market Opening 7 Feb 2022
February 07, 2022
