Market Opening 7 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

શેરબજારોમાં બ્લડબાથ સાથે સપ્તાહની શરૂઆત
એશિયન શેરબજારોમાં 3.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં હોંગ કોંગ 3.4 ટકા સાથે ઘટવામાં ટોચ પર છે. તે સિવાય તાઈવાન 3 ટકા, જાપાન 3 ટકા કોરિયા 2.5 ટકા, ચીન 1.2 ટકા અને સિંગાપુર 1 ટકાનો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે યુરોપ બજારોમાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે યુએસ શેરબજારમાં ઘટાડો પ્રમાણમાં નીચો જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 438 પોઈન્ટ્સના ઘટાડે 15806ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી જુલાઈ 2021 બાદ પ્રથમવાર 16000ની સપાટી નીચે ટ્રેડ દર્શાવશે. શોર્ટ ટર્મ માટે તે ઓવરસોલ્ડ હોવા છતાં યુક્રેન ઘટના પાછળ તે બાઉન્સ દર્શાવી શકતો નથી. એનાલિસ્ટ્સના મતે તેને 15500-15800ની રેંજમાં સપોર્ટ સાંપડી શકે છે.

ક્રૂડના ભાવમાં 10 ટકાનો તીવ્ર ઉછાળો
બ્રેન્ટ ક્રૂડના ભાવ 10 ટકા ઉછળી 130.9 ડોલરની તેની 14 વર્ષોની ટોચ પર ટ્રેડ થયાં છે. ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડના ભાવમાં ઉછાળો એક બહુ મોટી ચિંતાનું કારણ બન્યું છે. ટૂંક સમયમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળી શકે છે. આજે વિધાનસભા ચૂંટણીનો આખરી રાઉન્ડ છે અને તેને જોતાં સરકાર મોડી રાતથી ભાવ વધારો લાગુ પાડી શકે છે.
વૈશ્વિક ગોલ્ડે 2000 ડોલરની સપાટી દર્સાવી
વૈશ્વિક સોનાના ભાવ આજે સવારે 2000 ડોલરની સપાટી પર પહોંચ્યાં છે. કોમેક્સ એપ્રિલ વાયદો 2005 ડોલર પર ટ્રેડ થયા બાદ 1994 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લાં બે સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 150 ડોલરનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. એનાલિસ્ટ્સ ગોલ્ડમાં હવે 2050 ડોલરના સ્તરની શક્યતાં જોઈ રહ્યાં છે. ભારતીય બજારમાં તે રૂ. 55000ની સર્વોચ્ચ ટોચ દર્શાવી શકે છે.
અગાઉ જીઓ-પોલિટીકલ કટોકટી પાછળ ગોલ્ડમાં ઉછાળા અલ્પજિવી નીવડ્યાં
1982માં ફોકલેન્ડ આઈલેન્ડ વોરથી લઈ સપ્ટેમ્બર 2001 વખતે ગોલ્ડ ઝડપથી ઊંચકાઈ પછી પટકાયું હતું
રશિયા-યૂક્રેન ઘર્ષણને કારણે છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ગોલ્ડના ભાવમાં જોવા મળેલો ઉછાળો અલ્પજિવી નીવડે તેવી શક્યતાં કેટલાંક એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. આ માટે તેઓ છેલ્લા 50 વર્ષોમાં કોઈપણ જીઓ-પોલિટીકલ કટોકટી વખતે ગોલ્ડે દર્શાવેલા વર્તનનું ઉદાહરણ આપી રહ્યાં છે. તેમના મતે યુધ્ધ કે અન્ય ત્રાસવાદી ઘટના વખતે શરૂઆતી પ્રતિક્રિયામાં ગોલ્ડ ઉછળી જાય છે પરંતુ ઘટના પૂરી થયા બાદ પીળી ધાતુના ભાવ ઝડપથી ગગડે છે.
અગાઉ 1982માં ફોકલેન્ડ આઈલેન્ડ્સ વોર વખતે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારબાદ 9 સપ્ટેમ્બર 2001ના રોજ યુએસ ખાતે ટ્વિન ટાવર્સ પર ત્રાસવાદી હુમલા વખતે સોનુ ઉછળ્યું હતું. જોકે આ ઉછાળા અલ્પજીવી નીવડ્યાં હતાં એમ સિટિગ્રૂપ ઈન્ક જણાવે છે. તાજેતરમાં રશિયાના યુક્રેન પરના હુમલાની શરૂઆતના દિવસે 24 ફેબ્રુઆરીએ પરંપરાગત એસેટ ક્લાસ ગણાતુ ગોલ્ડ 3.4 ટકા ઉછળ્યું હતું. જોકે ત્યારબાદ કિંમતી ધાતુના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ 1975 ડોલરની વાર્ષિક ટોચ દર્શાવી ગોલ્ડ 1890 ડોલર સુધી ગગડ્યાં બાદ શુક્રવારે ફરી 1970 ડોલર પર બંધ જોવા મળ્યું હતું. આમ યુધ્ધના બાકીના દિવસોમાં તેણે કોઈ નવો સુધારો નથી દર્શાવ્યો. સામે બીજી બાજુ ક્રૂડ, બેઝ મેટલ અને કેટલીક કૃષિ કોમોડિટીઝના ભાવ સતત સુધરતાં જોવા મળ્યાં છે. રોકાણકારો ઈન્ફ્લેશન હેજ તરીકે ગોલ્ડમાં ખરીદી કરી રહ્યાં છે પરંતુ રેટમાં વૃદ્ધિની શક્યતાં જોતાં ગોલ્ડ માટે વાસ્તવિક ખતરો જોવા મળી રહ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના એનાલિસ્ટ જણાવે છે કે જીઓપોલિટીકલ ઘટના પ્રેરિત સુધારા લાંબુ ટકતાં જોવા મળ્યાં નથી. જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે સોનુ ટૂંકાગાળા માટે ઉછળી જાય છે પરંતુ પાછળથી રિસ્ક દૂર થતાં મહિનામાં જ સોનુ તમામ સુધારો ગુમાવે છે. 2022ના વર્ષમાં આગળ રિઅલ યિલ્ડ્સ કઈ દિશામાં ગતિ દર્શાવે છે તેના આધારે ગોલ્ડના ભાવમાં મૂવમેન્ટ જોવા મળશે એમ તેઓ ઉમેરે છે. સિટિગ્રૂપ એનાલિસ્ટના મતે જે જીઓપોલિટીકલ ઈવેન્ટ્સને કારણે મેક્રોઈકોનોમિક શોક્સ ઊભા થાય છે તે વખતે ગોલ્ડમાં સાતત્યભરી તેજી જોવા મળે છે. જેમાં 1970માં ઓઈલ એમ્બાર્ગો, 1980ની શરૂઆતમાં લેટીન અમેરિકી દેશોમાં સોવરિન ડેટ કટોકટી અને 2000ના દાયકાની આખરમાં વૈશ્વિક નાણાકિય કટોકટી જેવી ઘટનાઓનો તેઓ ઉલ્લેખ કરે છે
સ્ટીલ કંપનીઓએ પ્રોડક્ટ્સના ભાવમાં તીવ્ર વધારો કર્યો
રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે સપ્લાય પર અસર થવાની શક્યતાએ સ્ટીલ કંપનીઓએ વિવિધ પ્રોડક્ટ્સના ભાવમાં પ્રતિ ટન રૂ. 5000-8000ની વૃદ્ધિ કરી છે. જેમાં હોટ અને કોલ્ડ રોલ્ડ કોઈલ્સ, ટીએમટી બાર્સ અને વાઈર રોડ્સનો સમાવેશ થાય છે. સ્ટીલ કંપનીઓએ કાચી સામગ્રીના ભાવમાં જોવા મળેલી ભાવ વૃદ્ધિને હોટ-રોલ્ડ કોઈલ્સના ભાવ વિક્રમી રૂ. 65000 પ્રતિ ટન પર પહોંચ્યાં છે. યુક્રેનમાં રશિયન સૈન્યના પ્રવેશ બાદ રશિયા પર લાગુ પાડવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને કારણે ઈનપુટ ખર્ચમાં વૃદ્ધિ જોવા મળી છે. જેમાં ફ્યુઅલ્સનો સમાવેશ પણ થાય છે. રશિયા સ્ટીલનો અગ્રણી નિકાસકાર છે. જોકે આર્થિક પ્રતિબંધોને કારણે વૈશ્વિક સ્તરે સ્ટીલ સપ્લાય પર ગંભીર અસર જોવા મળશે. ફેબ્રુઆરીમાં દેશમાં ફિનિશ્ડ સ્ટીલની માગમાં 9 ટકા જ્યારે ઉત્પાદનમાં 4 ટકા ઘટાડો નોંધાયો હતો. જોકે માસિક ધોરણે નિકાસમાં 42 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 11.6 લાખ ટન પર રહી હતી. જેમાં યુરોપ તથા ચીન તરફથી ઊંચી માગનો સમાવેશ થતો હતો.
ચાલુ નાણાકિય વર્ષે વિક્રમી ઓટોમોબાઈલ નિકાસ
નાણા વર્ષ 2021-22માં ઓટો કંપનીઓના સ્થાનિક બજારના વેચાણ નબળા જોવા મળ્યાં છે. જોકે નિકાસ માર્કેટમાં ઊંચી માગ તેમને રાહત પૂરી પાડી છે. ઓટો ક્ષેત્રે તમામ કેટેગરીના વાહનોની નિકાસમાં વાર્ષિક ધોરણો નોંધપાત્ર વૃદ્ધિ સાથે નવા વિક્રમ જોવા મળી રહ્યાં છે. જેમકે ટુ-વ્હીલર્સ સેગમેન્ટની વાત કરીએ તો જાન્યુઆરી સુધીના પ્રથમ 10 મહિનામાં દેશમાંથી 37 લાખ યુનિટ્સની નિકાસ થઈ ચૂકી હતી. જે 2019-20માં 35 લાખ યુનિટ્સ તથા 2018-19માં 33 લાખ યુનિટ્સ પર જોવા મળતી હતી. જો કાર નિકાસના આંકડા જોઈએ તો મારુતિ સુઝુકીએ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 2.11 લાખ વાહનોની નિકાસ કરી છે. કંપનીએ ફેબ્રુઆરીમાં વિક્રમી નિકાસ દર્શાવી હતી અને નાણાકિય વર્ષમાં પણ તે નિકાસનો નવો રેકર્ડ બનાવે તેવી અપેક્ષા રાખે છે. બીજા ક્રમે આવતી હ્યુન્દાઈ 1.19 લાખ યુનિટ્સની નિકાસ કરી ચૂકી છે. જે ગયા વર્ષની સરખામણીમાં 30 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ વર્ષે કુલ 5.5 લાખ યુનિટ્સ પ્રાઈવેટ વેહીકલ્સ નિકાસની શક્યતા છે. જે કોવિડ અગાઉ 6.7 લાખ યુનિટ્સની સરખામણીમાં નીચો છે. જોકે તે વખતે ફોર્ડ અને જનરલ મોટર્સ વાર્ષિક 2 લાખ યુનિટ્સની નિકાસ કરતાં હતાં. જેમણે ભારતીય બજારમાંથી એક્ઝિટ લીધી છે.

RBIએ રશિયન પેમેન્ટ્સ માટે વૈકલ્પિક યંત્રણા ઊભી કરવા બેંકોને જણાવ્યું
અગ્રણી બેંક્સ સાથેની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં બેંકર્સ પાસેથી સૂચનો મંગાવ્યાં
રશિયન લેન્ડર્સ વૈશ્વિક સિસ્ટમમાંથી સંપૂર્ણપણે દૂર થાય તેની તૈયારીરૂપે બેંક રેગ્યુલેટરનું મનોમંથન

વૈશ્વિક સ્તરે રશિયા સામે મૂકવામાં આવી રહેલા આકરા પ્રતિબંધો પાછળ જો કોઈ તબક્કે તે બાકીના વિશ્વ સાથેની બેંકિંગ સિસ્ટમમાંથી સંપૂર્ણપણે સંપર્કવિહોણું થઈ જાય તેવા કિસ્સામાં વેપાર જાળવી રાખવા પેમેન્ટ કેવી રીતે કરવું તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અગ્રણી ભારતીય બેંક્સને વૈકલ્પિક યંત્રણા શોધી કાઢવા જણાવ્યું છે. છેલ્લાં દસેક દિવસોમાં રશિયા પરના પ્રતિબંધોને કારણે અનેક નિકાસકારોના પેમેન્ટ્સ અટવાઈ પડ્યાં છે.
યુએસ અને તેના સાથી દેશોએ અગ્રણી રશિયન બેંકિંગ કંપનીઓને હાલમાં વૈશ્વિક સ્તરે સ્વીકૃત ઈલેક્ટ્રોનિક મની ટ્રાન્સફર પ્લેટફોર્મ સ્વિફ્ટમાંથી દૂર કરી છે. જોકે કેટલીક રશિયન બેંક્સ હજુ પણ સ્વિફ્ટમાં હાજરી ધરાવે છે. પસંદગીની બેંક્સ સાથે ઉચ્ચ-સ્તરીય બેઠકમાં આરબીઆઈએ ટોચના બેંક અધિકારીઓને વર્તમાન સ્થિતિમાં રશિયન લેન્ડર્સ સાથે પેમેન્ટ સેટલમેન્ટ્સ હાથ ધરવા માટેના સૂચનો આપવા માટે જણાવ્યું હતું એમ વર્તુળો જણાવે છે. જોકે બેઠકમાં હાજર બેંકર્સ તત્કાળ કોઈ સૂચનો આપી શક્યાં નહોતા. યૂએસએ તાજેતરમાં નવા પ્રતિબંધોમાં રશિયાની વીટીબી બેંકિંગ પર પ્રતિબંધો મૂક્યાં છે. જેને કારણે વૈશ્વિક ફાઈનાન્સિયલ પેમેન્ટ્સ સિસ્ટમમાં રશિયન બેંકો દૂર થઈ છે. જોકે હજુ તમામ રશિયન બેંક્સ પર પ્રતિબંધો લાગુ નથી પડ્યાં પરંતુ જ્યારે આમ થાય ત્યારે ટ્રેડ ચાલુ રાખવા માટે સ્થાનિક લેન્ડર્સને તૈયાર કરવાની ઈચ્છા રેગ્યુલેટર ધરાવે છે. હાલમાં વૈશ્વિક બેંકિંગ વ્યવહારમાં સ્વિફ્ટ મહત્વનું સેટલમેન્ટ પ્લેટફોર્મ છે. તેના દ્વારા ઓફર કરવામાં આવતાં મજબૂત સિક્યૂરિટી ફિચર્સને કારણે વૈશ્વિક સ્તરે બેંક્સ આ પ્લેટફોર્મનો બહોળો ઉપયોગ ધરાવે છે. બેંક્સને ઈમેઈલ્સ મારફતે ગુપ્ત પેમેન્ટ વિગતો મોકલવામાં સુરક્ષા સંબંધિત જોખમો જણાય છે અને તેથી આમ કરવા માટે તેઓ ખચકાટ અનુભવે છે. સ્વિફ્ટના વપરાશ અગાઉ ઈન્ટર-બેંક પેમેન્ટ્સ માટે ટેલેક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારત સરકાર તરફથી બંને દેશો વચ્ચે રૂપી-રુબલ ટ્રેડ પ્લાનના વિકલ્પ અંગે થઈ રહેલી વિચારણાને જોતાં આ બેઠક મહત્વની બની રહી હતી. અગાઉ યુએસે ઈરાન સામે પ્રતિબંધો લાગુ પાડ્યા ત્યારે ભારતે યુએસ સાથે લઘુત્તમ એક્સપોઝર ધરાવતી યૂકો બેંક અને આઈડીબીઆઈ બેંકને સંબંધિત સ્થાનિક ચલણોમાં સેટલમેન્ટ્સ માટે છૂટ આપી હતી. હાલમાં પણ આ વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે. જોકે આ વિકલ્પને અપનાવવામાં નિકાસકારોને રૂબલના મૂલ્યમાં ડોલર સામે ઘટાડાનો ડર સતાવી રહ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage