માર્કેટ ઓપનીંગ
યુએસમાં મજબૂતી પાછળ એશિયા પણ મક્કમ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ગયા શુક્રવારે 92 પોઈન્ટ્સ મજબૂતી સાથે 31148 પર બંધ આવતાં નવા સપ્તાહે એશિયન બજારો મક્કમ જોવા મળી રહ્યાં છે. એકમાત્ર કોરિયાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં નિક્કાઈ 2.08 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. સિંગાપુર 0.6 ટકાનો સુધારો જ્યારે તાઈવાન 0.6 ટકાનો સુધારો દર્શાવે છે. ચીન પણ 0.25 ટકા પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 88 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15031 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ રીતે જ મજબૂતી સાથે ટ્રેડ દર્શાવશે. નિફ્ટી શુક્રવારે 15014ની ટોચ દર્શાવી પાછો પડ્યો હતો. જો સોમવારે તે 15000 પર બંધ આપવામાં સફળ રહેશે તો તેનું નવું ટાર્ગેટ 15500 અને 15900નું જોવામાં આવે છે.
ક્રૂડમાં મજબૂતી
બ્રેન્ટ ક્રૂડ 59.88 ડોલર પર 0.5 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જે 60 ડોલરની સપાટીને પાર કરી જાય તેવી પૂરી સંભાવના છે. સ્થાનિક એમસીએક્સ ખાતે પણ ક્રૂડના ભાવ રૂ. 4100ની સપાટી વટાવીને ટ્રેડ થઈ રહ્યાં છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ ટકેલી છે. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 3 ડોલર નરમાઈ સાથે 1810 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 0.024 ટકા નરમાઈ સાથે 26.99 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે સિલ્વર માર્ચ વાયદો રૂ. 68000 પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેમાં બુલીશ ટ્રેન્ડ યથાવત છે. જોકે સોનું રૂ. 48000ની નીચે નરમ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
મહત્વની હેડલાઈન્સ
· ડિસઈન્વેસ્ટમેન્ટનો ઉદ્દેશ આર્થિક વૃદ્ધિનો છે. નહિ કે નાણાકિય ખાધને પૂરી કરવાનો.
· સરકાર બેંક્સના પ્રાઈવેટાઈઝેશન પ્લાનના અમલીકરણ માટે આરબીઆઈ સાથે મળીને કામ કરશે.
· વેક્સિનના બજારમાં આવવા સાથે બિઝનેસ કોન્ફિડન્સમાં સુધારો જોવાયો.
· અગ્રણી પોર્ટ ટ્રસ્ટ્સ અને એરપોર્ટ ઓથોરિટિ ઓફ ઈન્ડિયા સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટ પોલિસીની બહાર હોવાનો ખુલાસો
· 29 જાન્યુઆરીના અંતે ભારતનું વિદેશી હુંડિયામણ 590 અબજ ડોલરની ટોચ પર.
· ઊંચી નાણાકીય ખાધને કારણે ભારતના સોવરિન રેટિંગ પર દબાણની શક્યતા નથી.
· રિલાયન્સ કેજી-ડી6માંથી ઉત્પાદિત ગેસનો 66 ટકા હિસ્સો ખરીદી રહ્યું છે. જ્યારે અન્ય ખરીદારોમાં ગેઈલ અને શેલ સહિત અન્યોનો સમાવેશ થાય છે.
· 2025-26 સુધીમાં નાણાકિય ખાધ જીડીપીના 4.5 ટકાના સ્તરે લાવવાનો પૂરતો વિશ્વાસ હોવાનું ખર્ચ સચિવનું નિવેદન
· બજેટ સપ્તાહના પાંચ સત્રોમાં વિદેશી સંસ્થાઓએ રૂ. 12266 કરોડની ખરીદી કરી.
· ભૂષણ પાવર રેઝોલ્યુશનમાંથી પીએનબીને રૂ. 3800 કરોડની રિકવરીની અપેક્ષા.
· કેન્દ્ર સરકારે કેરળને રૂ. 64000 કરોડના રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે જણાવ્યું.
· ડિસેમ્બરમાં ભારતની આયાતમાં 15 ટકા વૃદ્ધિ નોંધાઈ.
· ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન વીજની માગ ઊંચી જોવા મળી.
· લેબલીંગ સંબંધી ખાનીને કારણે સન ફાર્માએ યુએસ ખાતે ટેસ્ટોસ્ટેરોન ઈન્જેક્શન પરત બોલાવ્યાં.
· મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 228 ટકા વૃદ્ધિ નોંધાવી.
બજેટ સપ્તાહ દરમિયાન પસંદગીના કાઉન્ટર્સમાં 45 ટકાનો ઉછાળો નોંધાયો
પીએસયૂ ઈન્ડિયન બેંકનો શેર પાંચ ટ્રેડિંગ સત્રોમાં સૌથી વધુ સુધર્યો
એનસીસી, એસબીઆઈ, શ્રીરામ સિટી, આઈઆઈએફએલ ફાઈનાન્સ, પીએનસી ઈન્ફ્રાટેક અને બજાજ ઈલેક્ટ્રીક જેવા શેર્સમાં 25-44 ટકાનો ઉછાળો જોવા મળ્યો
ભારતીય બજારે બજેટ સપ્તાહ દરમિયાન ધુંઆધાર બેટિંગ કરી હતી તો કેટલાક ચુનંદા કાઉન્ટર્સે અડધી સદી દર્શાવી હતી. એટલેકે પાંચ ટ્રેડિંગ સત્રોમાં તેમણે 45 ટકા સુધીનો ઉછાળો નોંધાવ્યો હતો. જેમાં પીએસયૂ બેંકિંગ, એનબીએફસી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સથી લઈને ટેક્નોલોજી શેર્સનો સમાવેશ થતો હતો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીએ સમાનગાળામાં 9.5 ટકાનો છેલ્લા ઘણા વર્ષોના શ્રેષ્ઠ સાપ્તાહિક સુધારો દર્શાવ્યો હતો.
બીએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ કંપનીઓના બજેટ સપ્તાહના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે 100 જેટલા કાઉન્ટર્સે 10થી 45 ટકા સુધીનો ઉછાળો દર્શાવ્યો હતો અને એ રીતે રિટેલ રોકાણકારો માટે મહત્વના મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં આકર્ષણ જળવાયેલું રહ્યું હતું. આમાંથી 18 કાઉન્ટર્સે 20 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી. જોકે એસબીઆઈ જેવો લાર્જ-કેપ પણ ગયા સપ્તાહે અસાધારણ પરિણામ પાછળ 40 ટકા ઉછળ્યો હતો અને તેણે સ્મોલ-કેપની ગતિએ તેજી દર્શાવી હતી. સપ્તાહ દરમિયાન સૌથી સારો દેખાવ પીએસયૂ બેંક ઈન્ડિયન બેંકનો રહ્યો હતો. બેંકનો શેર સપ્તાહમાં રૂ. 50થી વધુ ઉછળ્યો હતો. તેણે રૂ. 138ની છેલ્લા બે વર્ષની ટોચ દર્શાવી હતી. માર્ચ મહિનામાં રૂ. 41ના તળિયાથી તે ત્રણ ગણો બની ગયો હતો. એસબીઆઈનો શેર રૂ. 300ની નીચેના સ્તરેથી ઉછળી રૂ. 408ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. બે અન્ય પીએસયૂ બેંક કેનેરા બેંક અને બેંક ઓફ બરોડા પણ 22 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બજેટમાં રિકેપિટલાઈઝેશન તેમજ નવા નાણા વર્ષ દરમિયાન બે બેંકોના ખાનગીકરણની જાહેરાત પાછળ પીએસયૂ બેંક શેર્સમાં તરવરાટ જોવા મળ્યો હતો. એક અન્ય નોંધપાત્ર વાત એ છે કે બજેટ તેજી લાર્જ-કેપ્સ માટે વધુ ફળદાયી રહી હતી અને તેથી બેન્ચમાર્કમાં 9.5 ટકાના સુધારા સામે બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 7.3 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 6.1 ટકા સાથે પ્રમાણમાં ઓછો સુધારો દર્શાવતાં હતાં.
ઊંચો સુધારો દર્શાવનાર ઈન્ફ્રા કાઉન્ટર્સમાં એનસીસી 41 ટકા અને પીએનસી ઈન્ફ્રા 28 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. એનબીએફસી કાઉન્ટર્સમાં શ્રીરામ સિટિ 39 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે આઈઆઈઆફએલ ફાઈ.નો શેર 36 ટકા ઉછળ્યો હતો. કન્ઝયૂમર ઈલેક્ટ્રીકલ કંપની બજાજ ઈલે.નો શેર ત્રીજા ક્વાર્ટરના અસાધારણ પરિણામો પાછળ 25 ટકા ઉછળ્યો હતો. ટેક્નોલોજી બેઝ્ડ માર્કેટ પ્લેસ ઈન્ડિયામાર્ટનો શેર 24 ટકા જ્યારે ટાયર કંપની એપોલો ટાયર્સનો શેર 22 ટકાનો ઉછાળો દર્શાવતાં હતાં.
વિતેલા સપ્તાહના સુપર સ્ટાર્સ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
ઈન્ડિયન બેંક 44.35
એનસીસી 41.09
એસબીઆઈ 39.35
શ્રીરામ સિટી 38.55
આઈઆઈએફએલ ફાઈ. 35.57
પીએનસી ઈન્ફ્રાટેક 27.54
બજાજ ઈલેક્ટ્રીકલ્સ 25.45
ઈન્ડિયામાર્ટ 23.69
બજાજ કન્ઝ્યૂમર કેર 22.76
એપોલો ટાયર્સ 21.82
કેનેરા બેંક 21.49
ટાટા મોટર્સ ડીવીઆર 21.23
બેંક ઓફ બરોડા 21.23
ઈન્ડ્સઈન્ડ બેંક 21.12