માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારો કોન્સોલિડેશનમાં
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સપ્તાહાંતે રજૂ થનારા ઈન્ફ્લેશન ડેટાની રાહમાં અટવાય પડ્યો છે. છેલ્લા કેટલાક સત્રોથી તે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યો છે. બીજી બાજુ એશિયન બજારો પણ ડલ જોવા મળી રહ્યાં છે. મે અને જૂનમાં તેઓએ નેટ ઘટાડો નોંધાવ્યો છે. આગવી ચાલ દર્શાવતાં જાપાન અને ચીનના બજારો પણ સુસ્ત જોવા મળી રહ્યાં છે. આજે ચીનના બજારમાં 0.3 ટકાના સુધારા સિવાય અન્ય બજારો રેડિશ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
ભારતીય બજાર પણ છેલ્લા ત્રણેક સત્રોથી સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. સિંગાપુર નિફ્ટી હાલમાં 4 ટકાના સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. જોકે માર્કેટમાં ક્યાંય સેલ સિગ્નલ જોવા મળ્યું નથી અને વધ-ઘટે તે 16000-16050ની રેંજમાં ટ્રેડ થતું જોવા મળી શકે છે. જે પાર થતાં 16300નો ટાર્ગેટ રહેશે.
ક્રૂડમાં બ્રેકઆઉટ
વૈશ્વિક ક્રૂડમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રેન્ટ વાયદો તેની બે દિવસ અગાઉની ટોચને પાર કરી 72.71 ડોલરની નવી દોઢ વર્ષની ટોચ પર ટ્રેડ થયો છે. જો તે 75 ડોલરના સ્તરને પાર કરશે તો તે વધુ તેજી દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે તે રૂ. 5100ની સપાટી દર્શાવશે.
ગોલ્ડમાં મજબૂતી,
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે અને તે 1897 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જેની પાછળ સ્થાનિક બજારમાં ગોલ્ડ રૂ. 49000ના સ્તરને પાર કરી ગયું છે. જોકે ચાંદીમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. કોમેક્સ સિલ્વર 28 ડોલર નીચે ટ્રેડ દર્શાવી રહી છે. જેની પાછળ સ્થાનિક બજારમાં પણ તે રૂ. 72000ની નીચે ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
• 2025 સુધીમાં દેશમાં 25 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ થશે.
• વેદાંતા જૂથને વિડિયોકોનના ટેકઓવર માટે કોર્ટની મંજૂરી.
• વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 1420 કરોડની કરેલી ખરીદી.
• સ્થાનિક ફંડ્સની પણ મંગળવારે રૂ. 1630 કરોડની ખરીદી.
• વિદેશી ફંડ્સે મંગળવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 45.6 કરોડની કરેલી ખરીદી.
• અદાણી એન્ટરપ્રાઈઝે મુંદ્રા વિન્ડટેક નામે નવા યુનિટની કરેલી સ્થાપના.
• બંધન બેંકમાં ઘોષની એમડી અને સીઈઓ તરીકે પુનઃનિમણૂંકને આરબીઆઈની મંજૂરી.
• આઈસીઆઈસીઆઈ બેંકે ડેન નેટવર્કના 24 લાખ શેર્સનું કરેલું વેચાણ.
• એન્જિનીયર્સ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 30.51 કરોડનો નફો દર્શાવ્યો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 130 કરોડનો નફો નોંધાવ્યો હતો.
• આઈનોક્સ લેઝરે ક્વિપ ઈસ્યુ માટે રૂ. 315.25ની ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કરી.
• મેક્સ ફાઈનાન્સિયલે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 62.3 કરોડનો નફો દર્શાવ્યો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 36 કરોડની ખોટ નોંધાવી હતી.
• રેલીગેર રૂ. 105.25ના ભાવે શેર ઈસ્યુ કરી રૂ. 570 કરોડ ઊભા કરશે.