Market Summary 01/04/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નવા નાણા વર્ષની શુભ શરૂઆતઃ સ્મોલ-કેપ્સમાં ભારે લેવાલી
બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચને સ્પર્શ્યાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 12.08ના સ્તરે બંધ
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો
નિફ્ટી રિઅલ્ટીમાં પણ 4 ટકાનો ઉછાળો
બેંકિંગ, એનર્જી, ફાર્મા, આઈટીમાં મજબૂતી
માત્ર ઓટો, એફએમસીજીમાં નરમાઈ
હિંદ કોપર, કોચીન શીપયાર્ડ, ઈન્ડુસ ટાવર્સ, બીએસઈ, ડીએલએફ નવી ટોચે

સોમવારથી શરૂ થયેલા નવા નાણા વર્ષ 2024-25ની શરૂઆત શેરબજારમાં પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી ટોચ પર જ બંધ જોવા મળ્યાં હતાં. સેન્સેક્સ 363 પોઈન્ટ્સ ઉછળી 74015ની સપાટીએ જ્યારે નિફ્ટી 135 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 22462ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર સમય પછી ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4058 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3212 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે માત્ર 698 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. 169 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 57 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું.
એશિયન બજારોમાં સોમવારે મિશ્ર ટ્રેન્ડ જોવા મળતો હતો. ચીન અને હોંગ કોંગ બજારો મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે જાપાન, તાઈવાનમાં નરમાઈ જોવા મળી હતી. જે વચ્ચે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શરૂઆતમાં નવી ટોચ તરફ આગળ વધ્યું હતું. જોકે, બપોર પછી તેણે ફ્લેટ ટ્રેડ જાળવ્યો હતો અને નવી ટોચ નજીક જ બંધ આપ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 149 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 22611ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં પ્રિમીયમમાં બે પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવે છે. આમ, લોંગ પોઝીશન મજબૂત ઊભી છે. જે બજારમાં વધુ સુધારાનો સંકેત છે. અલબત્ત, નિફ્ટીમાં 22500 આસપાસ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે છે. ટ્રેડર્સ 22 હજારના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મહત્વના કાઉન્ટર્સમાં જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, ડિવિઝ લેબ્સ, શ્રીરામ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, એનટીપીસી, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝ, એચડીએફસી બેંક, એપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ, ટીસીએસ, વિરો, એચયૂએલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, આઈશર મોટર્સ, ટાઈટન કંપની, નેસ્લે, બજાજ ઓટો, એલટીઆઈમાઈન્ડટ્રી, ભારતી એરટેલ, હીરોમોટોકોર્પ, તાતા કન્ઝ્યૂમર, એસબીઆઈ લાઈફમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.7 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ 12 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, નાલ્કો, વેદાંત, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, હિંદુસ્તાન ઝીંક, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 4.4 ટકા ઉછળવા સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જેના ઘટકોમાં સનટેક રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, સોભા, ડીએલએફ, હેમિસ્ફીઅર, ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 1.2 ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં તાતા પાવર, અદાણી ગ્રીન, એનટીપીસી, પાવર ગ્રીડ, આઈઓસી, ગેઈલ, ઓએનજીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, ઔરોબિંદો ફાર્મા, બાયોકોન, ડો.રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ, સન ફાર્મા, લુપિનમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ 1.51 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી, પંજાબ એન્ડ સિંધ બેંક, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ પર નજર નાખીએ તો હિંદ કોપર 11 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત, ઈન્ડુસ ટાવર્સ, એમસીએક્સ ઈન્ડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ, નાલ્કો, વેદાંત, ડીએલએફ, વોડાફોન આઈડિયા, મૂથૂત ફાઈનાન્સ, એનએમડીસી, કેન ફિન હોમ્સ, જે કે સિમેન્ટ, મણ્ણાપુરમ ફાઈ. સેઈલ, ભારત ઈલે., તાતા સ્ટીલ, ચંબલ ફર્ટિ., પીવીઆર આઈનોક્સ, આઈઈએક્સ, રામ્કો સિમેન્ટ્સ, બંધન બેંક, વોલ્ટાસ, આઈઆરસીટીસી, એયૂ સ્મોલ ફાઈ., બલરામપુર ચીની, ગોદરેજ પ્રોપર્ટીઝમાં નોંધપાત્ર ખરીદી નીકળી હતી. બીજી બાજુ, ગોદરેજ કન્ઝ્યૂમર, આઈશર મોટર્સ, ટાઈટન કંપની, ટ્રેન્ટ, એચપીસીએલ, બાલક્રિષ્ણા, નેસ્લે, બજાજ ઓટો, બર્ગર પેઈન્ટ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, ભારતી એરટેલમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં હિંદ કોપર, કોચીન શીપયાર્ડ, ઈન્ડુસ ટાવર્સ, બીએસઈ, ડીએલએફ ત્રિવેણી ટર્બાઈન, મૂથૂત ફાઈનાન્સ, ગુજરાત પીપાવાવ, સેન્ચૂરી, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટેનલેસ, અદાણી પોર્ટ્સનો સમાવેશ થતો હતો.માર્ચમાં GST કલેક્શન 12 ટકા વધી રૂ. 1.78 લાખ કરોડ નોંધાયું
2023-24માં કુલ જીએસટી કલેક્શન રૂ. 20.14 લાખ કરોડ પર જોવા મળ્યું

નાણાવર્ષ 2023-24ના આખરી મહિના માર્ચમાં ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ(જીએસટી)નું કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.78 લાખ કરોડ પર જોવા મળ્યું હોવાનું કેન્દ્રિય નાણા વિભાગે જણાવ્યું હતું. વિભાગના મતે માર્ચમાં બીજું સૌથી મોટું જીએસટી કલેક્શન નોંધાયું હતું. જેમાં સ્થાનિક ટ્રાન્ઝેક્શન્સ તરફથી ટેક્સ કલેક્શન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલ-2023માં રૂ. 1.87 લાખ કરોડનું વિક્રમી જીએસટી કલેક્શન નોંધાયું હતું.
સમગ્ર નાણા વર્ષ 2023-24 દરમિયાન કુલ રૂ. 20.14 લાખ કરોડની જીએસટી વસૂલાત થઈ હતી. જે વાર્ષિક ધોરણે 11.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ 2023-24માં માસિક ધોરણે સરેરાશ વસૂલાત રૂ. 1.68 લાખ કરોડ પર રહી હતી. જે 2022-23ની રૂ. 1.5 લાખ કરોડની સરેરાશ વસૂલાત કરતાં ઊંચી હતી.
માર્ચ મહિના માટે સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સે રૂ. 34,532 કરોડની આવક દર્શાવી હતી. જ્યારે સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સે રૂ. 43,746 કરોડની આવક નોંધાવી હતી. જ્યારે ઈન્ટિગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સે રૂ. 87,947 કરોડની આવક રળી હતી. જેમાં રૂ. 40,322 કરોડની આવક આયાતી ગુડ્ઝમાંથી જોવા મળી હતી. ફેબ્રુઆરી, 2024માં જીએસટી વસૂલાત 12.5 ટકા વધી રૂ. 1.68 લાખ કરોડ પર રહી હતી. જ્યારે જાન્યુઆરીમાં તે 10.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.72 લાખ કરોડ પર નોંધાઈ હતી.2023-24માં UPI ટ્રાન્ઝેક્શન્સ 10000 કરોડનો આંકડો વટાવી ગયા
માર્ચની આખરમાં કુલ 13100 કરોડ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા
વર્ષ દરમિયાન વિક્રમી રૂ. 199.89 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યાં 

પૂરાં થયેલા નાણા વર્ષ 2023-24માં દેશમાં કુલ 13100 કરોડ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા. જે નવો વિક્રમ હતો. પ્રથમવાર યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 10000 કરોડની સંખ્યા પાર કરી ગઈ હતી. મૂલ્યની રીતે જોઈએ તો કુલ રૂ. 199.89 લાખ કરોડના યૂપીઆઈ ટ્રાન્ઝેક્શ્સ જોવા મળ્યાં હતાં. જે અગાઉના 2022-23ના વર્ષની સરખામણીમાં 44 ટકા વૃદ્ધિ સૂચવતાં હતાં. અગાઉના વર્ષે રૂ. 139 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યાં હતાં. વોલ્યૂમની રીતે યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં 57 ટકાનો વધારો નોંધાયો હતો. માર્ચ-2024માં ટ્રાન્ઝેક્શન્સમાં 55 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 1,344 કરોડ પર રહ્યાં હતાં. જ્યારે મૂલ્યની રીતે ટ્રાન્ઝેક્શન્સ 40 ટકા વધી રૂ. 19.78 લાખ કરોડ પર રહ્યાં હતાં.
દેશમાં 2023-24માં પ્રથમવાર ટ્રાન્ઝેક્શન્સ 10000 કરોડની સંખ્યા પાર કરી ગયા હતા અને વર્ષાંતે તે 13100 કરોડ પર જોવા મળ્યાં હતાં. 2022-23ની આખરમાં તે 8400 કરોડ પર હતાં. દરમિયાનમાં, ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ(IMPS) ટ્રાન્ઝેક્શન્સમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે વેલ્યૂ સંદર્ભમાં 16 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. સમગ્ર નાણાકિય વર્ષ દરમિયાન તેમાં 9 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન્સમાં વોલ્યુમની રીતે 11 ટકા અને વેલ્યૂની રીતે 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.


મારુતિ સુઝુકીએ માર્ચમાં 15 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી
UVના વેચાણમાં વાર્ષિક 57 ટકાનો ઉછાળો નોંધાયો
અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ માર્ચ દરમિયાન તેના વાહનોના વેચાણમાં 15 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે તેના યૂપી વેચાણમાં વાર્ષિક 57 ટકાનો ઉછાળો નોંધાયો છે. કંપનીએ માર્ચ મહિનામાં કુલ 1,52,718 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું છે. જ્યારે 58,436 યૂવી વેચ્યાં છે.
નાણા વર્ષ માર્ચ, 2023 દરમિયાન મારુતિ સુઝુકીએ 1,32,763 યુનિટ્સ વાહનો વેચ્યાં હતાં. સમગ્ર 2022-23 દરમિયાન મારુતિએ 16,06,870 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે 2023-24 દરમિયાન 17,59,881 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. આમ, વાર્ષિક 9.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. મારુતિ સુઝુકીના કોમ્પેક્ટ કાર સેગમેન્ટના વેચાણમાં જોકે વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ-2023માં 83,414 યુનિટ્સ સામે માર્ચ-2024માં કંપનીએ 81,673 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આમ વાર્ષિક 2 ટકા ઘટાડો નોંધાયો હતો. કંપનીના યૂવી સેગમેન્ટના વેચાણમાં 57.7 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. યૂવી સેગમેન્ટમાં બ્રેઝા, અર્ટીગા, ફ્રોન્ક્સ, ગ્રાન્ડ વિટારા, ઈન્વિક્ટો, જીમ્ની, એસ-ક્રોસ અને એક્સએલ6નો સમાવેશ થાય છે. કંપનીએ વાર્ષિક ધોરણે 2023-24માં કુલ 6,42,296 યુવીનું વેચાણ નોંધાવ્યું હતું. જે અગાઉના વર્ષે 3,66,129 યુનિટ્સ પર હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage