બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સપ્તાહની આખરમાં તેજીવાળાઓએ પૂરી તાકાતથી લીધેલો બદલો
નિફ્ટીએ 19400 પાર કરતાં શોર્ટ કવરિંગની શક્યતાં
સેન્સેક્સ ફરી 65 હજાર પર ટ્રેડ થયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 11.36ની સપાટીએ
મેટલ, ઓટો, આઈટી, બેંકિંગમાં ભારે ખરીદી
એકમાત્ર ફાર્મામાં નરમાઈ
મારુતિ સુઝુકીએ 10300ની સપાટી કૂદાવી
ભેલ, આઈઆરએફસી, વોડાફોન, જેએમ ફાઈ. નવી ટોચે
ટીસીએનએસ ક્લોધીંગ નવા તળિયે
સપ્તાહના આખરી સત્રમાં તેજીવાળાઓએ બરોબરનો બદલો લેતાં શેરબજાર લગભગ એક ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 556 પોઈન્ટ્સ ઉછળી 65387ની સપાટીએ જ્યારે નિફ્ટી 182 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19435ની સપાટી પર બંધ રહ્યાં હતાં. મીડ-કેપ અને સ્મોલ-કેપમાં પણ નોંધપાત્ર ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3786 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2183 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1479 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. 281 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 22 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્રે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ગગડી 11.36ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારની શરૂઆત સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. જોકે, ત્યાર પછી તેમાં સતત સુધારો જળવાયો હતો અને તે દિવસની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 19254ના અગાઉના બંધ સામે ઈન્ટ્રા-ડે 19459ની ટોચ પર ટ્રેડ થયો હતો અને તેની નજીક બંધ રહ્યો હતો. બેન્ચમાર્કે એક સાથે 19300 અને 19400ની સપાટી કૂદાવી એક પ્રકારનું બ્રેકઆઉટ આપ્યું હતું. જેની પાછળ આગામી સપ્તાહે બજારમાં શોર્ટ કવરિંગની શક્યતાં ઊભી થઈ છે. જે બેન્ચમાર્કને 19500 પાર કરાવી શકે છે. જો આમ થશે તો માર્કેટમાં તેજીવાળાઓ આક્રમક ખરીદી સાથે બજારમાં પરત ફરી શકે છે. સપ્ટેમ્બર સિરિઝના પ્રથમ દિવસે નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 85 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19520ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે માર્કેટમાં લોંગ પોઝીશન્સમાં ઉમેરો સૂચવે છે. નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટક કાઉન્ટર્સમાં એનટીપીસી, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પો, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, યૂપીઆઈ, વિપ્રો, આઈશર મોટર્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ અને તાતા મોટર્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સિપ્લા, એચડીએફસી લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, નેસ્લે, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, લાર્સન અને એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, ઓટો, આઈટી, બેંકિંગમાં ભારે ખરીદી જોવા મળી હતી અને તે તમામ એક ટકાથી ઊંચી વૃદ્ધિ દર્શાવતાં હતાં. જોકે, મેટલ ઈન્ડેક્સ તો લગભગ 3 ટકા ઉછળી તેની સર્વોચ્ચ ટોચ નજીક પહોંચ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં સેઈલ, એનએમડીસી, નાલ્કો, વેલસ્પન, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, મોઈલ, વેદાંતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 1.7 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મારુતિ સુઝુકી, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર, બોશ, મધરસન, આઈશર મોટર્સ, તાતા મોટર્સ, બજાજ ઓટો, એનએન્ડએમ, ભારત ફોર્જમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ 1.2 ટકા સુધારા સાથે તેની વાર્ષિક ટોચ નજીક પહોંચી ગયો હતો. આઈટી કાઉન્ટર્સમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ 3.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો આ ઉપરાંત ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ અને ઈન્ફોસિસમાં પણ પોઝીટવ વલણ જોવા મળતું હતું. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.6 ટકા જ્યારે નિફ્ટી બેંક એક ટકા પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક્સમાં પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી એક ટકા મજબૂતી સાથે તેની જૂન ટોચ નજીક બંધ રહ્યો હતો. તેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ વધુ 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ફિનિક્સ મિલ્સ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, સનટેક રિઅલ્ટીમાં પણ સુધારો નોઁધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ માર્કેટની વાત કરીએ તો ભેલ 12.3 ટકા ઉછળી વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત વોડાફોન આઈડિયા, ઈન્ડિયા સિમેન્ટ્સ, એમસીએક્સ ઈન્ડિયા, સેઈલ, એએમડીસી, ગેઈલ, હિંદ કોપર, નાલ્કો, એનટીપીસી, ઓએનજીસી, તાતા પાવર, પીએનબી, ઈન્ડસ ટાવર્સ, બિરલાસોફ્ટ, તાતા કોમ, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ, એચડીએફસી એએમસી, ટોરેન્ટ પાવર, એસ્ટ્રાલ, એબીબી ઈન્ડિયા, ઝાયડસ લાઈફ, મણ્ણાપુરમ ફાઈ, એબોટ, ગ્લેનમાર્કમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ભેલ, આઈઆરએફસી, વોડાફોન, જેએમ ફાઈ.નો સમાવેશ થતો હતો. જ્યારે ટીસીએનએસ ક્લોધીંગ નવા તળિયે જોવા મળ્યો હતો.
ભારત સિવાય અન્ય ઈમર્જિંગ બજારોમાંથી FPIનું ચોખ્ખું વેચાણ
ચીનમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ 12.3 અબજ ડોલરનું વેચાણ કર્યું
ભારતમાં એફપીઆઈનું રોકાણ 1.6 અબજ ડોલર નોંધાયું
વૈશ્વિક સંસ્થાકિય રોકાણકારો ઓગસ્ટ મહિનામાં ભારત સિવાય અન્ય ઈમર્જિંગ બજારોમાં ચોખ્ખા વેચવાલ બની રહ્યાં હતાં. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ 1.6 અબજ ડોલરનો નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. જેની સામે તેમણે ચીનમાંથી 12.3 અબજ ડોલર પરત ખેંચ્યાં હતાં. આ ઉપરાંત અન્ય એશિયાઈ બજારમાંથી પણ તેમણે નાણા પાછા ખેંચવાનું યોગ્ય માન્યું હતું. જેમાં તાઈવાન, દક્ષિણ કોરિયા અને ઈન્ડોનેશિયા મળીને તેમણે કુલ 6 અબજ ડોલરનો આઉટફ્લો દર્શાવ્યો હતો.
ભારતીય શેરબજારમાં એપ્રિલ મહિનાથી જોવા મળેલી તેજી પર ઓગસ્ટમાં બ્રેક લાગી હતી. બેન્ચમાર્ક નિફ્ટી ગુરુવારે પૂરી થયેલી ઓગસ્ટ સિરિઝ દરમિયાન 2 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જે એપ્રિલ સિરિઝ પછી કોઈ એક સિરિઝમાં પ્રથમ નોંધપાત્ર ઘટાડો હતો. જોકે, ભારતીય બજારમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ઈનફ્લો પોઝીટીવ જળવાયેલો રહ્યો હતો. જે મહત્વની બાબત છે. લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે ખરીદી જળવાય હતી. ભારતીય બજારમાં જૂન ક્વાર્ટરના પરિણામો અપેક્ષાથી સારા જળવાય રહેવાના કારણે વિદેશી રોકાણકારોને સેન્ટીમેન્ટમાં કોઈ ખાસ ફેર જોવા મળ્યો નહોતો અને તેમના તરફથી ઈનફ્લો જળવાય રહ્યો હતો એમ એનાલિસ્ટ્સ માને છે. જોકે, આનાથી વિપરીત હરિફ ઈમર્જિંગ બજારોમાં તેઓ ચોખ્ખાં વેચવાલ રહ્યાં હતાં. અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ તરફથી ભારતમાં રોકાણની જાહેરાતોએ પણ રોકાણકારોમાં ભારતીય બજારનું આકર્ષણ જાળવ્યું છે. જેની પાછળ ઓગસ્ટમાં દેશના શેરબજારમાં 1.6 અબજ ડોલરનો એટલેકે લગભગ રૂ. 14 હજાર કરોડથી વધુનો ઈનફ્લો જળવાયો હતો. જેની સામે ચીનના બજારમાં 12.3 અબજ ડોલરનો આઉટફ્લો નોઁધાયો હતો. જે ભારતીય રૂપિયાના સંદર્ભમાં રૂ. 90 હજાર કરોડથી ઊંચો જોવા મળે છે. તાઈવાન ખાતે પણ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી 4.5 અબજ ડોલરનું ચોખ્ખું વેચાણ દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે ઈન્ડોનેશિયા ખાતેથી 1.26 અબજ ડોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયા ખાતે 56.9 કરોડ ડોલરનું વેચાણ જોવા મળ્યું હતું. મલેશિયામાં સાધારણ 3.5 કરોડ ડોલરની ખરીદી નોંધાઈ હતી.
ઓગસ્ટમાં પોઝીટીવ ઈનફ્લો સાથે ભારતીય બજારમાં સતત છઠ્ઠા મહિને વિદેશી રોકાણકારો તરફથી ખરીદી નોંધાઈ હતી. આ સાથે તેઓ 2022માં તેમની કુલ 17 અબજ ડોલરની વેચવાલીના આંકડાની સરખામણીમાં ચાલુ વર્ષે તેટલા જ ઈનફ્લોમાં 13.7 કરોડ ડોલર છેટા જોવા મળે છે. જો આગામી મહિનાઓમાં તેમના તરફથી આટલો ઈનફ્લો જોવા મળશે તો 2022માં તેમની વેચવાલી ચાલુ કેલેન્ડરમાં સરભર થતી જોવા મળશે. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી સતત આંઠમા કેલેન્ડરમાં પોઝીટીવ સુધારો દર્શાવી રહ્યો છે. જે હરિફ એશિયન બજારોની સરખામણીમાં લાંબા સમયનું આઉટપર્ફોર્મન્સ સૂચવે છે.
ઓગસ્ટમાં ઈમર્જિંગ માર્કેટ્સમાં FPI ફ્લો(કરોડ ડોલરમાં)
દેશ રોકાણ
ભારત 157.3
મલેશિયા 3.5
ફિલિપાઈન્સ -13.1
થાઈલેન્ડ -44.3
સાઉથ કોરિયા -56.9
ઈન્ડોનેશિયા -126.3
તાઈવાન -454.9
ચીન -1230
ઓગસ્ટમાં ઓટો વેચાણના મિશ્ર આંકડાઃ મારુતિનું માસિક વિક્રમી વેચાણ
બજાજ ઓટોનું વેચાણ વાર્ષિક ધોરણે 20 ટકા ગગડી 2.85 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું
M&Mનું વેચાણ વાર્ષિક ધોરણે 19 ટકા ઉછળી 70,350 યુનિટ્સ પર નોંધાયું
દેશમા તહેવારોની સિઝન પૂર્વે ઓગસ્ટમાં ઓટોમોબાઈલ વેચાણના આંકડા મિશ્ર જોવા મળ્યાં છે. જોકે, ટોચની કંપનીઓનો દેખાવ સારો રહ્યો છે. જેમાં મારુતિ સુઝુકીએ ઓગસ્ટમાં માસિક ધોરણે વિક્રમી વેચાણ દર્શાવ્યું છે. કંપનીએ ગયા મહિને 1,89,082 યુનિટ્સનું કુલ વેચાણ હાંસલ કર્યું હતું. જે કોઈપણ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું હતું. કંપનીના વેચાણમાં 1,58,678 યુનિટ્સ સ્થાનિક બજારમાં વેચવામાં આવ્યાં હતાં. જ્યારે 5,790 યુનિટ્સનું વેચાણ અન્ય ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સને જ્યારે 24,614 યુનિટ્સની નિકાસ થઈ હતી. દેશમાં ટોચની યુટિલિટી કંપની મહિન્દ્રાનું વેચાણ પણ વાર્ષિક ધોરણે 19 ટકા ઉછળી 70,350 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
મારુતિના વિવિધ મોડેલ્સમાં યુટિલિટી વેહીકલ્સ જેવાકે બ્રેઝા, એર્ટીગા, ફ્રોન્ક્સ, ગ્રાન્ડ વિટારા, ઈન્વિક્ટો, જિમ્ની, એસ-ક્રોસ અને એક્સએલનું વેચાણ મજબૂત જોવા મળ્યું હતું. ઓગસ્ટમાં કંપનીએ 58,746 વેહીકલ્સ એસયૂવીનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 26,932 યુનિટ્સ પર જોવા મળતું હતું. ટોયોટા કિર્લોસ્કરે પણ મજબૂત વેચાણ દર્શાવ્યું હતું અને ઓગસ્ટમાં માસિક ધોરણે વિક્રમી વેચાણ કર્યું હતું. કંપનીએ કુલ 22,910 યુનિટ્સ વેચ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 14,959 યુનિટ્સની સરખામણીમાં 53 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું સ્થાનિક બજારમાં વેચાણ 20,970 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે નિકાસ બજારમાં તેણે 1940 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કુલ 70,350 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જેમાંથી 37,270 યુનિટ્સ યુટિલિટી વેહીકલ્સનું વેચાણ સ્થાનિક બજારમાં થયું હતું. જ્યારે બાકીના યુટિલિટી વેહીકલ્સનું વેચાણ નિકાસ બજારમાં જોવા મળ્યું હતું. કંપનીનું કમર્સિયલ વેહીકલ વેચાણ 23,613 યુનિટ્સ પર રહ્યું હતું.
ટુ-વ્હીલર કંપનીઓની વાત કરીએ તો બજાજ ઓટોના વેચાણમાં વાર્ષિક ધોરણે 20 ટકાનું ગાબડું પડ્યું હતું અને તે 2.85 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું હતું. કંપનીનું સ્થાનિક બજારમાં વેચાણ તીવ્ર ઘટાડો સૂચવતું હતું. જ્યારે તેની નિકાસ ઓગસ્ટમાં 2 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. સ્થાનિક બજારમાં બજાજ ઓટોનું વેચાણ ગયા વર્ષે 2,56,755 યુનિટ્સ પરથી ચાલુ વર્ષે ઓગસ્ટમાં 2,05,100 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે નિકાસમાં પણ વાર્ષિક 6 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 1,36,548 યુનિટ્સ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,44,840 યુનિટ્સ પર જોવા મળતી હતી.
દેશમાં બીજા ક્રમની કાર વેચાણકારત હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં 71,435 યુનિટ્સ વેચાણ દર્શાવ્યું હતું. જેમાંથી 53,380 યુનિટ્સ વેચાણ સ્થાનિક બજારમાં નોંધાયું હતું. જ્યારે 17,605 યુનિટ્સ નિકાસ કરવામાં આવ્યાં હતાં. કંપનીની એસયૂવીની માગ ઊંચી જોવા મળી હતી. કંપનીના નવા લોંચ એક્સટર માટે તેણે 65 હજારથી વધુ બુકિંગ્સ મેળવ્યાં હતાં. એમજી મોટર ઈન્ડિયાએ ઓગસ્ટમાં 4,185 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
સરકારે LPG આયાતને એગ્રી સેસમાંથી મુક્ત કરી
કેન્દ્ર સરકારે એલપીજી, લિક્વિડ પ્રોપેન અને લિક્વિફાઈડ બ્યટેનની આયાત પરથી 15 ટકા એગ્રી સેસને નાબૂદ કર્યો છે. સરકારે શુક્રવારથી તત્કાળ અસરથી અમલી બને તે રીતે આમ કર્યું છે. સરકારે ગયા જુલાઈમાં આ માલ-સામાન પર 15 ટકાનો એગ્રી સેસ લાગુ પાડ્યો હતો. કેન્દ્રિય નાણા મંત્રાલયે એક નોટિસમાં જણાવ્યું હતું કે એલપીજી, લિક્વફાઈડ પ્રોપેન અને લિક્વિફાઈડ બ્યૂટેનને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ(AIDC)માંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે છે. તાજેતરમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશનમાં નોંધપાત્ર વૃદ્ધિને જોતાં સરકારે આ પગલું ઉઠાવ્યું હોવાનું માનવામાં આવે છે.
કોવિડ વખતે પર્યાવરણીય નિયમોને નબળા પાડવા વેદાંતે લોબીંગ કર્યાંનો આક્ષેપ
જૂથની ક્રૂડ ઉત્પાદક કેઈર્ન ઈન્ડિયા પણ સફળ રીતે જાહેર સુનાવણી ટાળવાનો પ્રયાસ કર્યો હતો
કોવિડ મહામારી વખતે વેદાંતાએ મહત્વના પર્યાવરણ સંબંધી નિયમોને હળવા બનાવવા માટે ગુપ્ત લોબીંગ કેમ્પેઈન ચલાવ્યું હોવાનો આક્ષેપ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ(OCCRP)ના આર્ટિકલમાં કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2021માં વેદાંતા જૂથ ચેરમેન અનિલ અગ્રવાલે ભૂતપૂર્વ પર્યાવરણીય પ્રધાન પ્રકાશ જાવડેકર સમક્ષ ભારત સરકાર તરફથી માઈનીંગ કંપનીઓને કોઈપણ પ્રકારની નવી પર્યાવરણીય મંજૂરીઓ વિના ઉત્પાદનમાં 50 ટકા વૃદ્ધિ કરવા દેવાની છૂટ માટે માગણી કરી હતી એમ ઓસીસીઆરપીએ નોંધ્યું છે. વેદાંતાના ઓઈલ બિઝનેસ એવી કેઈર્ન ઈન્ડિયાએ પણ તેણે સરકારી હરાજીમાં મેળવેલા ઓઈલ બ્લોક્સમાં એક્સપ્લોટરી ડ્રીલીંગ માટે જાહેર સુનાવણીને અટકાવવામાં સફળ લોબીંગ હાથ ધર્યું હતું.
વેદાંતાએ ઓસીસીઆરપીને જણાવ્યું હતું કે ભારતમાં ટોચની નેચરલ રિસોર્સિસ કંપની તરીકે તે દેશમાં સસ્ટેનેબલ રીતે સ્થાનિક ઉત્પાદન વધે તે રીતે કામ કરે છે. જેથી આયાત પર અવલંબન ઘટાડી શકાય. જેને ધ્યાનમાં રાખીને કંપની તરફથી રાષ્ટ્રીય વિકાસના હિતમાં ઉત્પાદન વૃદ્ધિ માટે અને કુદરતી સ્રોતો માટે આત્મનિર્ભરતા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જોકે, વેદાંતા અને કેઈર્ન ઈન્ડિયા તરફથી આ અંગે કોઈ તત્કાળ પ્રતિભાવ સાંપડ્યો નહોતો. ઓસીસીઆરપી તરફથી ભારતીય કોર્પોરેટ અંગે સતત બીજા દિવસે રિપોર્ટ પ્રગટ કરવામાં આવ્યો હતો. વેદાંતા દેશમાં ખનીજ ધાતુના ઉત્પાદનમાં ટોચની કંપની છે અને તે વિવિધ રાજ્યોમાં તેની ઉત્પાદન સુવિધા ધરાવે છે. જોકે, હાલમાં જૂથ ઊંચા દેવાનો સામનો કરી રહ્યું છે. જેને લઈને સતત ચર્ચામાં પણ જોવા મળે છે.
યાર્નના ભાવમાં મજબૂતી પાછળ કોટનમાં સુધારો
યાર્ન બજારમાં સ્થિતિ સુધરી રહી છે. જેની પાછળ કોટનની માગ વધતી જોવા મળે છે. ચાલુ સપ્તાહે સ્થાનિક બજારમાં કોટનના ભાવમાં પ્રતિ ખાંડી રૂ. 900-1000નો સુધારો જોવા મળ્યો હતો. શુક્રવારે ખાંડીનો ભાવ રૂ. 61000થી 61200ની રેંજમાં ચાલી રહ્યો હતો. જે સોમવારે ખૂલતાં સપ્તાહે રૂ. 60100-60300 પર જોવા મળતો હતો. માર્કેટ વર્તુળોના મતે યાર્નના ભાવમાં પ્રતિ કિગ્રા રૂ. 5-7ની મજબૂતી જોવા મળી છે. જેની પાછળ કોટનમાં પૂછપરછો વધી છે. હજુ પણ મિલ્સ તરફથી કોઈ મોટી માગ જોવા મળી રહી નથી. કેમકે મોટાભાગની મિલ્સ અન્ડરરિકવરી દર્શાવી રહી છે. જોકે, ભાવમાં સુધારો જળવાશે તો તેઓ માલ ખરીદવા બજારમાં આવી શકે છે. હાલમાં જૂના માલો નોંધપાત્ર પ્રમાણમાં પ્રાપ્ય હોવાથી ભાવમાં કોઈ મોટી મજબૂતીની શક્યતાં નથી. પંજાબ ખાતે નવા માલોની આવક શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં પણ નવી આવકો આવી રહી છે. જોકે, તે હજુ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. જો આગામી સપ્તાહમાં વરસાદ ના આવે તો આવકો નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી શકે છે. જ્યારે વરસાદની સ્થિતિમાં વીણીમાં વિલંબ જોવા મળી શકે છે.
રિલાયન્સ રિટેલની 2.5 અબજ ડોલર ઊભા કરવા વૈશ્વિક રોકાણકારો સાથે મંત્રણા
કંપની ચાલુ મહિનાની આખર સુધીમાં ડીલની જાહેરાત કરે તેવી શક્યતાં
બિલિયોનર મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ 2.5 અબજ ડોલરનું ફંડ ઊભું કરવા માટે વૈશ્વિક રોકાણકારો સાથે ચર્ચા-વિચારણા કરી રહી હોવાનું વર્તુળો જણાવે છે. કંપની અને રોકાણકારો વચ્ચેની મંત્રણા આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે અને સપ્ટેમ્બરની આખર સુધીમાં તેને લઈ જાહેરાત થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે.
ત્રણ વર્તુળોના જણાવ્યા મુજબ કંપની 2.5 અબજ ડોલરના ફંડનો ટાર્ગેટ રાખી રહી છે. જે કંપનીના 3.5 અબજ ડોલરના ટાર્ગેટના ભાગરૂપ છે. આમાં 1 અબજ ડોલરનું રોકાણ કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(ક્યૂઆઈએ) તરફથી ગયા મહિને જાહેર કરવામાં આવી ચૂક્યું છે. જોકે, રિલાયન્સે આ નવા ફંડ રેઈઝીંગને લઈ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. તેણે જણાવ્યું હતું કે કંપની કોઈપણ પ્રકારની અફવા પર ટિપ્પણી કરતી નથી. જોકે, સાથે ઉમેર્યું હતું કે કંપની સતત આ પ્રકારની તકોનું મૂલ્યાંકન કરતી રહેતી હોય છે.
ગયા મહિને ક્યૂઆઈએ તરફથી રિલાયન્સે 100 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે એક અબજ ડોલર ઊભાં કર્યાં હતાં. આ મૂલ્યાંકન સાથે રિલાયન્સ રિટેલ દેશમાં સૌથી મોટી રિટેલ કંપની બની હતી. જે કરિયાણાથી લઈ ઈલેક્ટ્રોનિક્સ સહિતની માલસામગ્રીનું વેચાણ કરે છે. ઉપરાંત તે બરબેરી અને પ્રેટ એ મંગેર જેવી બ્રાન્ડ્સ સાથે ભાગીદારી પણ ધરાવે છે. રિલાયન્સને ફંડ એકત્ર કરવાની પ્રક્રિયામાં મોર્ગન સ્ટેનલી સલાહ આપી રહી છે એમ વર્તુળો જણાવે છે. વર્તુળોએ જોકે નવા સંભવિત રોકાણકારોના નામ આપવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, વર્તુળોમાંના એકે જણાવ્યું હતું કે રિલાયન્સ યુએસ સ્થિત બે રોકાણકારો સાથે વાતચીત કરી રહી છે. રિલાયન્સ રિટેલમાં સોવરિન વેલ્થ ફંડ્સ તરફથી રસ વધી રહ્યો છે. જો આ ઈન્વેસ્ટમેન્ટ સંભવ બનશે તો પશ્ચિમ સ્થિત પ્રાઈવેટ ઈન્વેસ્ટર્સમાં ભારતનો દરજ્જો એક ઉજળા રોકાણ સ્થળ તરીકે મજબૂત બનશે. હાલમાં પશ્ચિમ રોકાણકારો ચીન ખાતે રોકાણથી દૂર રહી રહ્યાં છે. કેમકે ચીનનું અર્થતંત્ર નબળો દેખાવ દર્શાવી રહ્યું છે. 2020માં રિલાયન્સ રિટેલે 10.09 ટકા હિસ્સા વેચાણ મારફતે 5.71 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. આ રોકાણકારોમાં કેકેઆર, સાઉદી પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ, જનરલ એટલાન્ટિક અને યુનાઈટેડ આરબ એમિરાટ્સ મુબાદલાનો સમાવેશ થતો હતો.
એર ઈન્ડિયાએ પાંચ મહિનામાં 650 પાયલોટ્સ નિમ્યાં
તાતા જૂથની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ એપ્રિલ 2023થી અત્યાર સુધીમાં 650 પાયલોટ્સની નિમણૂંક કરી હોવાનું સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું છે. ઉપરાંત, ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહથી એર ઈન્ડિયાના વાઈડબોડી બોઈંગ 777ના કાફલામાં વધુ બે વિમાનોનો ઉમેરો થશે. જે એરલાઈન કંપનીને યુએસ ખાતે સર્વિસ વધારવામાં સહાયરૂપ બનશે. એર ઈન્ડિયા ગ્રૂપમાં એર ઈન્ડિયા ઉપરાંત તેની બે પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ અન એઆઈએક્સ કનેક્ટનો સમાવેશ થાય છે. ગયા વર્ષે એર ઈન્ડિયાએ 11 બી777ને લીઝ પર લેવાની જાહેરાત કરી હતી. જે મુખ્યત્વે નોર્થ અમેરિકન રૂટ્સ પર તેની ફ્લાઈટ્સ ચલાવશે.
નેશનલ પેન્શન સિસ્ટમનું AUM વર્ષાંતે રૂ. 12 લાખ પર પહોંચશે
PFRDAના ચેરમેનના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2023માં રૂ. 10 લાખનું એયૂએમ હાંસલ થયું
નેશનલ પેન્શન સિસ્ટમ(NPS) હેઠળ એસેટ અન્ડર મેનેજમેન્ટ માર્ચ 2024 સુધીમાં રૂ. 12 લાખ કરોડની સપાટીને સ્પર્શ કરતે એમ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(PFRDA)ના ચેરમેન દિપક મોહંતીએ જણાવ્યું હતું.
મોહંતીએ ઉમેર્યું હતું કે ઓગસ્ટ 2023માં એનપીએસ હેઠળ કુલ રૂ. 10 લાખ કરોડનું એયૂએમ હાંસલ થયું હતું. સંસ્થાને રૂ. 5 લાખના એયૂએમ પરથી રૂ. 10 લાખના એયૂએમ પર પહોંચવામાં બે વર્ષ અને દસ મહિનાનો સમય લાગ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે, માર્ચ 2024 સુધીમાં એયૂએમ રૂ. 12 લાખ કરોડ પર પહોંચી જશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. એનપીએસ હેઠળ કુલ 14,027 કોર્પોરેટ્સ રજિસ્ટર્ડ હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે કુલ સબસ્ક્રાઈબર્સ 18.13 લાખ જેટલાં જોવા મળી રહ્યાં છે. આમાંથી જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓની સંખ્યા 5.2 લાખ જેટલી બેસે છે એમ પીએફઆરડીએ ડેટા સૂચવે છે. 66 જેટલા કેન્દ્રિય જાહેર સાહસો એનપીએસ હેઠળ રજિસ્ટર્ડ છે. કુલ કોર્પોરેટ અને તમામ નાગરિકો સહિત સબસ્ક્રાઈબર બેઝ 48.86 લાખ પર જોવા મળે છે. જ્યારે એયૂએમ રૂ. 1.82 લાખ કરોડ હોવાનું પીએફઆરડીએનું નિવેદન જણાવે છે. નેશનલ પેન્શન સ્કીમનો અમલ સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવ્યો હતો. તેની શરૂઆત 1 જાન્યારી 2004થી થઈ હતી. જ્યારે તમામ નાગરિકો માટે તે 1 મે 2009થી ઓપન કરવામાં આવી હતી. જ્યારે 1 જૂન, 2015થી અટલ પેન્શન યોજના શરૂ થઈ હતી. જેણે ખૂબ જરૂરી સોશ્યલ સિક્યૂરિટી સ્કિમ્સ પૂરી પાડી હતી. અટલ પેન્શન યોજના હેઠળ 85 ટકા સબસ્ક્રાઈબર્સે રૂ. 1000નો પેન્શન વિકલ્પ અપનાવ્યો છે એમ મોહાંતીએ જણાવ્યું હતું. 2022-23માં સ્કીમ હેઠળ 1.19 કરોડ નવા સબસ્ક્રાઈબર્સ નોંધાયા હતા. જ્યારે 2023-24માં અત્ર સુધીમાં 46.07 લાખ સબસ્ક્રાઈબર્સ જોવા મળી રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એનટીપીસીઃ જાહેર સાહસ એનટીપીસીએ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અન્ય જાહેર સાહસ ઓઈલ ઈન્ડિયા સાથે એમઓયૂ કર્યાં છે. જે હેઠળ બંને કંપનીઓ સાથે મળી આ ક્ષેત્રે રહેલી અપાર શક્યતાઓની ચકાસણી કરશે. એનટીપીસી 2032 સુધીમાં 60 ગીગાવોટની રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનો ટાર્ગેટ ધરાવે છે. તેમજ તે ગ્રીન હાઈડ્રોજન ટેક્નોલોજી ક્ષેત્રે ટોચની ખેલાડી બનવા માગે છે.
એચસીએલ ટેકનોલોજીઃ આઈટી સર્વિસિઝ અગ્રણીએ જર્મની સ્થિત ઓટોમોટીવ સર્વિસિઝ કંપની ASAP ગ્રૂપની ખરીદીની કામગીરી પૂરી કરી છે. કંપનીએ 12 જુલાઈએ આ કામગીરી શરૂ કરી હતી. 2010માં સ્થાપિત ASAP જર્મનીના ઈન્ગોસ્ટાટ ખાતે મુખ્યાલય ધરાવે છે અને તે ટોચની ઓટોમોટીવ ઓરિજનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો અને ટિયર-1 સપ્લાયર્સ સાથે કામ કરે છે.
ગો ફર્સ્ટઃ એનસીએએલટીએ ઉડ્ડયન કંપની ગો ફર્સ્ટના વિમાનોના ઈન્સ્પેક્શન માટે લીઝર જેકસન સ્ક્વેરને છૂટ આપી છે. અગાઉ એનસીએલટીએ ગો ફર્સ્ટના લીઝર્સની અરજિઓને ફગાવી દીધી હતી. આયર્લેન્ડની કંપનીએ ગો ફર્સ્ટને એન્જિન લીઝ કર્યાં છે. અગાઉ 18 ઓગસ્ટે એનસીએલએટીને એન્જીન લીઝ ફાઈનાન્સ બીવીને પણ આ માટે છૂટ આપી હતી.
આઈટીડી સિમેન્ટેશનઃ કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપનીએ રૂ. 3290 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપની અર્બન ઈન્ફ્રા સ્પેસમાં મજબૂત હાજરી ધરાવે છે. કંપનીને મેળવેલો નવો કોન્ટ્રેક્ટ મરીન કોન્ટેક્ટ છે. ઓર્ડરના અહેવાલ પાછળ કંપનીનો શેર 14 ટકા ઉછળ્યો હતો. એક વર્ષમાં તે 120 ટકા રિટર્ન દર્શાવી ચૂક્યો છે.
TCS: આઈટી સર્વિસિઝ જાયન્ટે ડચ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર એથોરા નેટવર્ક્સ સાથેના કોન્ટ્રેક્ટને લંબાવ્યો છે. ટીસીએસનું ઈન્શ્યોરન્સ ઓપરેશન્સ અને આઈટી નિપુણતા ડચ પ્લેયરને બિઝનેસને જાળવી રાખવામાં સહાયરૂપ બનશે. આ કરાર હેઠળ ડચ કંપનીને આઈટી ઓપરેશનમાં નોંધપાત્ર લાભ મળી રહેશે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંક્સે બેસેલ-3 કોમ્પ્લાયન્ટ ટીયર 1 બોન્ડ્સ મારફતે રૂ. 1500 કરોડ ઊભાં કર્યાં છે. આ માટે બેંકે 8.80 ટકાના કૂપન રેટ ઓફર કર્યાં છે. જાહેર ક્ષેત્રની બેંક આ બોન્ડ્સ માટે કોલ ઓપ્શન એક્સરસાઈઝ કરી શકે છે. તે 10-વર્ષોની મુદત ધરાવે છે.
જેએસડલ્યુ ગ્રૂપઃ સ્ટીલ ક્ષેત્રે અગ્રણી જૂથે તેના સિમેન્ટ બિઝનેસના વિસ્તરણ માટે રૂ. 18 હજાર કરોડના રોકાણની યોજના બનાવી છે. જે મારફતે પાંચ વર્ષોમાં કંપની તેની ક્ષમતા ત્રણ ગણી વધારી 6 કરોડ ટન પ્રતિ વર્ષ પર લઈ જશે. હાલમાં કંપની વાર્ષિક 2.1 કરોડની ક્ષમતા ધરાવે છે.