બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ચોમેરથી પોઝીટીવ અહેવાલો પાછળ નિફ્ટી નવી ટોચે
નિફ્ટીએ 20268ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ આપ્યું
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજારની આગેકૂચ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ગગડી 12.38ના સ્તરે
પીએસઈ, એફએમસીજી, એનર્જી, બેંકિંગ, મેટલમાં મજબૂતી
માત્ર ઓટોમાં નરમાઈ
પીએફસી, અમરા રાજા, ડિક્સોન ટેક, આરઈસી નવી ટોચે
તમામ મોરચેથી પોઝીટીવ અહેવાલો પાછળ શેરબજારમાં મોમેન્ટમ જળવાયું હતું અને બેન્ચમાર્ક નિફ્ટીએ શુક્રવારે નવી ટોચ દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 493 પોઈન્ટ્સ ઉછળી 67481ની સપાટીએ બંધ રહ્યો હતો. જે હજુ પણ અગાઉની 67927ની ટોચથી લગભગ ચારસોથી વધુ પોઈન્ટ્સ છેટે જોવા મળતો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 135 પોઈન્ટ્સ ઉછળી 20268 પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 20292ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3872 કાઉન્ટર્સમાં ટ્રેડિંગમાંથી 2109 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1638 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. 373 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ગગડી 12.38ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. જે પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર હતા. જેમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં બે મુખ્ય રાજ્યોમાં ભાજપના વિજયની શક્યતાં, સપ્ટેમ્બર ક્વાર્ટર માટે અપેક્ષાથી નોંધપાત્ર ઊંચો જીડીપી વૃદ્ધિ દર અને વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈ પાછળ યુએસ માર્કેટમાં મજબૂતીનો સમાવેશ થતો હતો. નિફ્ટીએ ગેપ-અપ કામગીરી દર્શાવી સતત સુધારો જાળવ્યો હતો અને તે 20292ની ટોચ પર ટ્રેડ થયો હતો. જેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 92 પોઈન્ટ્સ પ્રિમીયમે 20360ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 137 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આમ, ઊંચા મથાળે થોડા પ્રોફિટ બુકિંગની શક્યતાં છે. જોકે, માર્કેટમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ છે. ટેકનિકલ બ્રેકઆઉટને જોતાં નજીકમાં 20500 સુધીના ઉછાળાની શક્યતાં છે. જે પાર થાય તો બેન્ચમાર્ક 20100 સુધીનો ઉછાળો દર્શાવી શકે છે. 3 ડિસેમ્બરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ નોંધપાત્ર બહુમતી દર્શાવશે તો માર્કેટ એક વધુ પ્રતિક્રિયા આપી શકે છે. જ્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે એક નાની તેજીની ભૂમિકા ઊભી થવાની શક્યતાં પણ છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં આઈટીસી, એનટીપીસી, એક્સિસ બેંક, લાર્સન, બ્રિટાનિયા, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, જેએસડબલ્યુ સ્ટીલ, એપોલો હોસ્પિટલ, યૂપીએલ, બજાજ ફિનસર્વ, એલટીઆઈમાઈન્ડટ્રીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, વિપ્રો, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ઈન્ડસઈન્ડ બેંક, એચસીએલ ટેક્નોલોજી, કોટક બેંકમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, એફએમસીજી, એનર્જી, બેંકિંગ, મેટલમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પાવર ફાઈનાન્સ 9 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત આરઈસી, એનએચપીસી, હિંદુસ્તાન એરોનોટિક્સ, ગેઈલ, એનટીપીસી, નાલ્કો, ઓઈલ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, કોન્કોર, ભારત ઈલે., સેઈલ, પાવર ગ્રીડ, બીપીસીએલ, એનએમડીસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી 1.6 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં કોલગેટ, આઈટીસી, બ્રિટાનિયા, ઈમામી, ગોદરેજ કન્ઝ્યૂમર, યુનાઈટેડ બ્રૂઅરીઝ, પીએન્ડબી, જ્યુબિલિઅન્ટ ફૂડ, એચયૂએલ, ડાબર ઈન્ડિયા, યુનાઈટેડ સ્પિરિટ્સમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી મેટલ એક ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં મોઈલ, જિંદાલ સ્ટીલ, વેદાંત, રત્નમણિ મેટલ, નાલ્કો, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી 1.3 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સોભા, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક પણ પોણો ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં પીએનબી, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.1 ટકા ઉછળી 43,382ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ અડધો ટકો મજબૂતી સાથે 13,249ની સર્વોચ્ચ ટોચ પર બંધ જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો પાવર ફાઈ. કોર્પો. 9 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ડિક્સોન ટેક્નોલોજી, આરઈસી, ઝી એન્ટરટેઈન્મેન્ટ, કેન ફિન હોમ્સ, પીએનબી, કોલગેટ, એપોલો ટાયર્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ભારત ફોર્મ, આઈટીસી, જિંદાલ સ્ટીલ, ગેઈલમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ અશોક લેલેન્ડ, તાતા કોમ્યુનિકેશન, એમસીએક્સ ઈન્ડિયા, મૂથૂત ફાઈનાન્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, આલ્કેમ લેબ, હિરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં પીએફસી, અમરા રાજા, ડિક્સોન ટેક, આરઈસી, બિરલો કોર્પોરેશન, એસ્ટર ડીએમ, પ્રિઝમ જ્હોનસન, સોભા, પોલી મેડિક્યોર, કોલગેટ, એનએચપીસી, એપોલો ટાયર્સ, પીબી ફિનટેકનો સમાવેશ થતો હતો.
ફ્લેર રાઈટીંગનું 66 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટીંગ
શેરબજારમાં શુક્રવારે એક વધુ પ્રિમીયમ લિસ્ટીંગ જોવા મળ્યું હતું. જેમાં ફ્લેટ રાઈટીંગનો શેર રૂ. 304ના ઓફર ભાવ સામે એનએસઈ પર રૂ. 501ની સપાટીએ લિસ્ટ થયો હતો. જ્યારે બીએસઈ ખાતે તે રૂ. 503ના લેવલે લિસ્ટ થયો હતો. અગાઉ બુધવારે તાતા ટેક્નોલોજિસ અને ગાંધાર ઓઈલે અનુક્રમે 140 ટકા અને 80 ટકાનું બમ્પર લિસ્ટીંગ દર્શાવ્યું હતું. જ્યારે મંગળવારે ઈરેડાએ પણ 56 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટીંગ નોંધાવ્યું હતું. જેને કારણે પ્રાઈમરી માર્કેટને લઈ પાર્ટિસિપેશનમાં ઓર વૃદ્ધિની અપેક્ષા રખાઈ રહી છે. સ્ટેશનરી કંપની ફ્લેર રાઈટીંગનો ઈસ્યુ કુલ 47 ગણો છલકાયો હતો. જેમાં રિટેલ હિસ્સો 13 ગણા જ્યારે એનએચઆઈ હિસ્સો 34 ગણો અને ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર્સ હિસ્સો 116 ગણો ભરાયો હતો. નવા સંવતમાં પ્રાઈમરી માર્કેમમાં પ્રવેશેલાં પાંચમાંથી ચાર આઈપીઓએ રોકાણકારોને બમ્પર લિસ્ટીંગ રિટર્ન આપ્યું છે.
IPOમાં હવેથી ત્રીજા દિવસે લિસ્ટીંગ ફરજિયાત બન્યું
અગાઉના T+6ને સ્થાને 1 ડિસેમ્બરથી T+3નો કાયદો અમલી બન્યો
માર્કેટ રેગ્યુલેટરના પ્રાઈમરી માર્કેટ ઈસ્યુને લઈ શેરના લિસ્ટીંગનો નવો નિયમ શુક્રવારથી અમલી બન્યો હતો. જે મુજબ કોઈપણ આઈપીઓનું લિસ્ટીંગ હવે T+3ની સમયમર્યાદામાં કરવાનું રહેશે. એટલેકે આઈપીઓ બંધ થયાના ત્રીજા દિવસે શેરબજાર પર કંપનીના શેર્સ લિસ્ટ થશે. આના કારણે રોકાણકારોને એલોટમેન્ટ માટે લાંબી રાહ જોવી નહિ પડે તેમજ તેઓ પ્રાઈમરી બજારમાં નાણાનું ઝડપી ચર્નિંગ કરી શકશે. અગાઉના નિયમ મુજબ આઈપીઓ લિસ્ટીંગ T+6 મુજબ કરવામાં આવતું હતું.
સેબીએ લગભગ છ મહિના અગાઉ આઈપીઓ લિસ્ટીંગ માટે નવા નિયમો રજૂ કર્યાં હતાં. જોકે, શરૂઆતી તબક્કામાં તેનું પાલન મરજિયાત રાખવામાં આવ્યું હતું. 1 સપ્ટેમ્બરથી બજારમાં પ્રવેશેલાં બે આઈપીઓએ સેબીના નવા નિયમો મુજબ ફાળવણી અને લિસ્ટીંગ કર્યું હતું. જ્યારે 1 ડિસેમ્બરથી નિયમ ફરજિયાત બનવાથી તમામ આઈપીઓનું લિસ્ટીંગ હવેથી T+3 મુજબ કરવાનું રહેશે. જેને કારણે રોકાણકાર તેના નાણાની સાઈકલને ઝડપી બનાવી શકશે. નાણાના અભાવે જેઓ એકથી વધુ આઈપીઓમાં સબસ્ક્રિપ્શન ભરી શકતાં ના હોય તેઓ હવે એ જ નાણાનો ઉપયોગ અન્ય આઈપીઓમાં કરી શકશે.
અગાઉ સેબીએ 2018માં પ્રાઈમરી માર્કેટમાં લિસ્ટીંગ માટે T+6ના નિયમો લાગુ પાડ્યાં હતાં. જે અગાઉ આઈપીઓના એલોટમેન્ટ અને લિસ્ટીંગમાં 12-15 દિવસોનો સમય લેવામાં આવતો હતો. જોકે, પાંચ વર્ષો પછી સેબી T+6ને વધુ ઘટાડી T+3ની કરી રહી છે. જેથી લિસ્ટીંગના વર્તમાન સમયમાં પચાસ ટકા ઘટાડો જોવા મળશે. આ નિયમ સાથે જ સેબીએ જો રોકાણકારને શેર્સ ના લાગે તો તેમની રકમ તત્કાળ રિફંડ કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. જેથી, રોકાણકાર તેનો અન્યત્ર ઉપયોગ કરી શકે. માર્કેટ વર્તુળોના મતે સેબીના નવા નિયમને કારણે બજારમાં આઈપીઓની ભરચક સિઝન સમયે બેંકિંગ સિસ્ટમમાં અટવાઈ જતી લિક્વિડીટીની સમસ્યામાં પણ રાહત મળશે. ગયા સપ્તાહે એક સાથે પાંચ આઈપીઓમાં રૂ. 2.6 લાખ કરોડના બીડીંગને કારણે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટી ટાઈટ બની હતી અને કોલ મની રેટ્સ વધ્યાં હતાં.
રેમન્ડના ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સે રોકાણકારોના હિતમાં વકિલ રોક્યો
કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સના મતે તેમના માટે રોકાણકારોનું હિત સર્વોપરિ છે
કંપનીના સીએમડી અને તેમના પત્નિના છૂટાછેડા પાછળ કંપનીના વેલ્યૂએશનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે
ટેક્સટાઈલ કંપની રેમન્ડના પાંચ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સે એક સ્વતંત્ર સિનિયર લોયર બેરજિસ દેસાઈની નિમણૂંક કરી છે. આ નિમણૂંક કંપનીના બોર્ડને હાલમાં પ્રમોટર પરિવારમાં ચાલી રહેલા વિવાદને લઈ સલાહ-સૂચન આપવા માટે કરાઈ છે. રેમન્ડના સીએમડી ગૌતમ સિંઘાનિયા અને તેમના પત્નિ નવાઝ મોદી વચ્ચે છૂટાછેડાનો કેસ ચર્ચામાં છે. જેને લઈ કંપનીના શેરમાં છેલ્લાં પખવાડિયામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે રોકાણકારોના હિતને આનાથી કોઈ નુકસાન ના થાય તે જોવાનું મુખ્ય બની રહે છે. નવાઝ મોદી પણ કંપનીના બોર્ડમાં હાજરી ધરાવે છે.
એક નિવેદનમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સએ કંપનીના શેરધારકોને ઉદ્બબોધીને જણાવ્યું છે કે તેઓ કોઈપણનો પક્ષ લીધાં વિના નિષ્પક્ષ રીતે કામગીરી બજાવશે. ડિરેક્ટર્સે નોંધ્યું છે કે નોન-પ્રમોટર શેરધારકો તરીકે રોકાણકારોનું હિત તેમના માટે હંમેશા સર્વોપરિ છે. કંપની સંબંધી કોઈપણ પ્રકારનું મટિરિયલ ડેવલપમેન્ટ અથવા તો ઉકેલ માટેના ઉપાયો જેની કંપની પર અસર થતી હોય તેને સંપૂર્ણપણે પારદર્શક રીતે કોમ્યુનિકેટ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી ઊભરી રહેલી સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે અને તેઓ નોન-પ્રમોટર લઘુમતી શેરધારકોના હિતોના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે. બે પ્રમોટર ડિરેક્ટર્સ વચ્ચે લગ્નસંબંધી વિવાદની કંપની પર કોઈ પ્રતિકૂળ અસર ના પડે તે માટે પૂરતાં પ્રયાસોની તેમણે ખાતરી પૂરી પાડી હતી. જોકે, કોઈપણ પ્રકારના નિયમો કે કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને આ પ્રકારના લગ્નસંબંધી વિવાદમાં ઉતરવાની કે તેની તપાસની સત્તા નથી આપતાં. જોકે, તેઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી શકે છે અને જરૂર પડ્યે આપમેળે ઉપાયો હાથ ધરી શકે છે એમ નોંધમાં જણાવ્યું છે. સિંઘાનિયા પરિવાર કંપનીનાં અડધા શેર્સ ધરાવે છે. જેના મૂલ્યમાં 13 નવેમ્બરથી અત્યાર સુધીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી ચૂક્યો છે. કંપનીના આંઠ સભ્યોના બોર્ડમાં ગૌતમ સિંઘાનિયા, નવાઝ મોદી અને એસ એલ પોખર્ણા સિવાય પાંચ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે.
ઓપેક સહિતના દેશો સ્વૈચ્છિક ક્રૂડ ઉત્પાદન માટે સહમત
જોકે, ક્રૂડમાં ઘટાડો સ્વૈચ્છિક હોવાના કારણે ઓઈલ બેન્ચમાર્ક્સ 2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં
ઓપેક તથા તે સિવાયના અન્ય ક્રૂડ ઉત્પાદકોએ સ્વૈચ્છિકપણે ક્રૂડ ઓઈલ ઉત્પાદન માટે સહમતિ દર્શાવી છે. જે મુજબ તેઓ આગામી વર્ષની શરૂઆતથી પ્રતિ દિવસ કુલ 22 લાખ બેરલ્સનું ઉત્પાદન ઘટાડી શકે છે. જોકે, આ ઘટાડો ઉત્પાદકોએ આપમેળે નિર્ધારિત કરવાનો હોવાથી વૈશ્વિક ક્રૂડ બેન્ચમાર્ક્સ 2 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. ઉપરાંત, અગાઉથી જ માર્કેટ વર્તુળો ક્રૂડમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા રાખી રહ્યાં હતાં અને તેથી આ નિર્ણયની બજારે ખાસ નોંધ નહોતી લીધી.
સાઉદી અરેબિયા, રશિયા અને ઓપેક પ્લસના અન્ય સભ્યો વિશ્વમાં 40 ટકાથી વધુ ઓઈલ ઉત્પાદન ધરાવે છે. તેમણે ગુરુવારે વૈશ્વિક ક્રૂડ સપ્લાયને લઈને ઓનલાઈન બેઠક હાથ ધરી હતી. જેપી મોર્ગનના એનાલિસ્ટના મતે ઓપેક પ્લસના નિર્ણયને માર્કેટે આપેલો પ્રતિભાવ ઉત્પાદન ઘટાડો શક્ય બનશે કે કેમ તેને લઈને શંકા સૂચવે છે. આ વખતે મિટિંગમાં બ્રાઝિલે પણ હાજરી આપી હતી. જૂથે 2024માં સંભવિત સરપ્લસ સપ્લાયની ચિંતાને જોતાં ક્રૂડ ઉત્પાદનને લઈ ચર્ચા કરી હતી. તેમજ આગામી મહિને સાઉદી અરેબિયા તરફથી પ્રતિ દિવસ 10 લાખ બેરલનો ઘટાડો પૂરો થવાનો છે. તેને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ઓપેક પ્લસ તરફથી જોવા મળતાં 4.3 કરોડ બેરલ્સ પ્રતિ દિવસના ઉત્પાદનમાં 50 લાખ બેરલ્સનો ઘટાડો અગાઉથી અમલમાં છે. જેથી ભાવને સપોર્ટ મળવા સાથે બજારમાં સ્થિરતા સ્થપાય. આ ઘટાડા પાછળ જ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, તે અલ્પજીવી નીવડી હતી અને છેલ્લાં બે મહિનામાં ક્રૂડમાં નરમાઈ જોવા મળી છે. તે સપ્ટેમ્બરની ટોચથી 20 ટકા જેટલા નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. ગુરુવારે નિર્ધારિત કરવામાં આવેલો 22 લાખ બેરલ્સ પ્રતિ દિવસનો ક્રૂડ ઘટાડો આંઠ ઉત્પાદકો તરફથી અમલી બની શકે છે એમ ઓપેકે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ આંકડો સાઉદી અરેબિયા અને રશિયા તરફથી 13 લાખ બેરલ્સ પ્રતિ દિવસના ઉત્પાદન ઘટાડા ઉપરાંતનો છે. ગુરુવારે 9 લાખ બેરલ્સ પ્રતિ દિવસના અધિક ઉત્પાદન કાપમાં રશિયા તરફથી 2 લાખ બેરલ્સની નિકાસ ઓછી કરવામાં આવશે. જ્યારે બાકીનો જથ્થો છ દેશોમાં વિભાગવામાં આવશે. રશિયન ડેપ્યૂટી વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્વૈચ્છિક ઉત્પાદન કાપમાં ક્રૂડ અને પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હશે. યૂએઈએ જણાવ્યું હતું કે નવા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે પ્રતિ દિવસ 1.63 લાખ બેરલ્સ ઘટાડા માટે તૈયાર થયું છે. જ્યારે ઈરાકે 2.2 લાખ બેરલ્સ પ્રતિ દિવસના ઘટાડા માટે તૈયાર થયું હોવાનું જણાવ્યું હતું. સાઉદી અરેબિયા, રશિયા, યૂએઈ, ઈરાક, કૂવૈત, કઝાખસ્તાન અને અલ્જિરિયાએ માર્કેટ સ્થિતિને ધ્યાનમાં લઈ પ્રથમ ક્વાર્ટરમાં ઉત્પાદન ઘટાડાને તબક્કાવાર પરત ખેંચવામાં આવશે એમ જણાવ્યું હતું. ઓપેક પ્લસે ટોચના 10 ક્રૂડ ઉત્પાદકમાંના એક બ્રાઝિલને પણ જૂથના સભ્ય તરીકે જોડાવા આમંત્રણ આપ્યું હતું. બ્રાઝિલના એનર્જી પ્રધાને જાન્યુઆરીમાં તેઓ સંગઠનમાં જોડાઈ શકે છે એવી આશા વ્યક્ત કરી હતી.
સતત બીજા મહિને રશિયન ક્રૂડ આયાતમાં ઘટાડો
ઓક્ટોબરમાં 15.5 લાખ બેરલ્સ પ્રતિ દિવસ સામે નવેમ્બરમાં 14.8 લાખ બેરલ્સની આયાત
ભારતની રશિયા ખાતેથી ક્રૂડ આયાતમાં નવેમ્બરમાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબરની સરખામણીમાં ગયા મહિને રશિયન ઓઈલના પુરવઠામાં ચાર ટકા ઘટાડો નોઁધાયો હતો એમ એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સા જણાવે છે. નવેમ્બરમાં ભારતે રશિયા ખાતેથી 14.8 લાખ બેરલ્સ ક્રૂડની ખરીદી કરી હતી. જે ઓક્ટોબરમાં 15.5 લાખ બેરલ્સ પર હતી. રશિયા ખાતેથી ક્રૂડ ઓઈલના પુરવઠામાં ઘટાડા પાછળનું કારણ રશિયન ઓઈલના ડિસ્કાઉન્ટ્સમાં ઘટાડો અને રિફાઈનર્સને નડી રહેલી પેમેન્ટની સમસ્યા જવાબદાર હોવાનું જાણવા મળે છે. રશિયન ક્રૂડની કિંમત યુએસ તરફથી લાગુ પાડવામાં આવેલાં પ્રાઈસ બેન્ડને પાર કરી જવાથી પેમેન્ટની સમસ્યા ઊભી થઈ છે.
જોકે, નવેમ્બરમાં રશિયન ઓઈલ આયાતમાં ઘટાડા છતાં તે ભારતમાં ક્રૂડ ઓઈલનો ટોચનો સપ્લાયર બની રહ્યો છે. દરમિયાનમાં ઈરાક ખાતેથી ક્રૂડની આયાત નવેમ્બરમાં તીવ્ર વૃદ્ધિ સાથે 10.3 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર રહી હતી. જે અગાઉના મહિને 7.86 લાખ બેરલ્સ પર હતી. દેશની કુલ આયાતમાં ઈરાક 23 ટકા હિસ્સો દર્શાવતું હતું. જ્યારે રશિયાનો હિસ્સો 33 ટકા પર હતો. રશિયા-યૂક્રેન યુધ્ધ અગાઉ ભારતીય ક્રૂડ ઓઈલ આયાતમા માત્ર 0.2 ટકા હિસ્સા ધરાવતું રશિયા પાછળથી દેશનો સૌથી મોટું સપ્લાયર બન્યો હતો. યુરેશિયન દેશે તેના ઓઈલ ઉત્પાદનને એશિયન દેશો તરફ વાળ્યો હતો. જેમાં ખાસ કરીને ભારત અને ચીનનો સમાવેશ થાય છે. યુરોપ અને યુએસ તરફથી મોસ્કો પર શ્રેણીબધ્ધ પ્રતિબંધો લાગુ પાડવામાં આવતાં તેણે આમ કરવું પડ્યું હતું. જોકે, રશિયન ઓઈલ માટે તાજેતરના મહિનાઓમાં ડિસ્કાઉન્ટ્સ ઘટ્યું હતું. જેને કારણે તેનો ખર્ચ 60 ડોલરની પ્રાઈસ મર્યાદા પર જતો રહ્યો હતો. નવેમ્બરમાં સાઉદી ખાતેથી ક્રૂડ આયાત 6.67 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર રહી હતી.
બાર્લ્કેઝ, સિટીએ દેશના આર્થિક વૃદ્ધિ દરને વધારી 7 ટકા નજીક કર્યો
બેંકર્સના મતે ચાલુ નાણાકિય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા જોવા મળશે
વૈશ્વિક બેંકર્સ બાર્ક્લેઝ અને સિટીગ્રૂપ ઈન્કે. શુક્રવારે ભારત માટે આર્થિક વૃદ્ધિના તેમના ટાર્ગેટમાં વૃદ્ધિ દર્શાવી હતી. તેમના મતે માર્ચ, 2024માં પૂરા થતાં નાણા વર્ષ દરમિયાન દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા જોવા મળશે. અગાઉ બાર્ક્લેઝના મતે દેશનો વૃદ્ધિ દર 6.3 ટકા જ્યારે સિટિગ્રૂપના મતે 6.2 ટકા રહેવાની ધારણા હતી. કેટલાંક અન્ય અર્થશાસ્ત્રીઓએ પણ ભારતના આર્થિક વૃદ્ધિ દરમાં છેલ્લાં સપ્તાહોમાં પોઝીટીવ સુધારો દર્શાવ્યો છે.
ગુરુવારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટેનો જીડીપી ડેટા અપેક્ષા કરતાં ઊંચો જોવા મળતાં બેંકર્સમાં આશાવાદ જોવા મળી રહ્યો છે એમ વર્તુળોનું કહેવું છે. નાણા વર્ષના બીજા ક્વાર્ટર માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.6 ટકા પર જોવા મળ્યો હતો. જે બ્લૂમબર્ગે હાથ ધરેલા અર્થશાસ્ત્રીઓના સર્વેની અપેક્ષા કરતાં ઊંચો હતો. તેમજ તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 6.5 ટકાના અંદાજથી પણ નોંધપાત્ર ઊંચો જોવા મળતો હતો. ભારતે વિશ્વમાં ઊંચો વૃદ્ધિ દર દર્શાવતાં ટોચના અર્થતંત્રોમાં અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. વૈશ્વિક મંદી વચ્ચે સ્થાનિક અર્થતંત્ર મજબૂતી દર્શાવી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષે રેટમાં છ વાર વૃદ્ધિ કરવા છતાં વૃદ્ધિ દર અંદાજથી ઊંચો જોવા મળ્યો છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણીને કારણે પણ વર્તમાન સરકાર અર્થતંત્રને મજબૂત જાળવવા માટે ઊંચો ખર્ચ કરી રહી છે. જેનો લાભ સહુને મળી રહ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરનો ઊંચો વૃદ્ધિ દર મેન્યૂફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને ચૂંટણી પહેલાં ઊંચા ખર્ચ પાછળ જોવા મળ્યો હતો. મોદી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લાખો કરોડો ખર્ચી રહી છે. તેમજ ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા ઈચ્છતી કંપનીઓને સબસિડીઝ પૂરી પાડી રહી છે. ઉપરાંત, ખાનગી સેક્ટર તરફથી પણ મૂડી ખર્ચ વધી રહ્યો છે. તેઓ નવી ક્ષમતા ઊભી કરવા સાથે વિસ્તરણ કરી રહ્યાં છે. ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રોક્સિ સમાન ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશનમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 11.04 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે અગાઉના ક્વાર્ટરમાં 7.95 ટકા પર હતી. દેશના જીડીપીમાં સૌથી ઊંચું યોગદાન ધરાવતાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ થોડો ધીમો પડ્યો હતો. જોકે, તે કોઈ મોટી ચિંતાનું કારણ નથી. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દરમાં નરમાઈ પાછળ સર્વિસ સેક્ટરને લઈ થોડી ચિંતા જોવા મળી રહી છે. જોકે, ભારતમાં સ્થાનિક સર્વિસ માગ ઊંચી છે અને તેથી તેનો દેખાવ વાજબી સ્તરે જળવાયો છે. ગયુ ચોમાસુ નબળુ રહેવાને કારણે કૃષિ ક્ષેત્રે પણ વૃદ્ધિ દર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ખરિફ પાક ગયા વર્ષ કરતાં નીચો રહેવાની શક્યતાં છે. રવિ પાકનું વાવેતર પણ મંદ જોવા મળી રહ્યું છે. કોટક મહિન્દ્ર બેંકના અર્થશાસ્ત્રીના મતે જીડીપી વૃદ્ધિ દરના આંકમાં તીવ્ર વૃદ્ધિ નવાઈ ઉપજાવે છે. આમ બનવા પાછળ નોન-એગ્રીકલ્ચર સેક્ટર્સમાં વ્યાપક માગ વૃદ્ધિ કારણભૂત છે. બીજા ક્વાર્ટરના જીડીપી આંકડા પછી સમગ્ર વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરને મોટું બળ પ્રાપ્ત થશે એમ તેઓ ઉમેરે છે. મજબૂત વૃદ્ધિ દરે આરબીઆઈને પણ રાહત આપી છે. કેમકે સેન્ટ્રલ બેંકર માટે ફુગાવાને નીચો જાળવી રાખવા સાથે વૃદ્ધિ દર ઊંચા સ્તરે જાળવવો મોટી મૂંઝવણ બની રહે છે. છેલ્લી બે સિરિઝથી સીપીઆઈ પણ પાંચ ટકા નીચે જોવા મળી રહ્યો છે. તે બેંક માટે રાહતની બાબત છે. જો, યુએસ ફેડ તરફથી રેટમાં ઘટાડાનું વલણ શરૂ થશે તો આરબીઆઈ પણ વ્યાજ દર ઘટાડી શકશે. ઉપરાંત, તાજેતરમાં ક્રૂડના ભાવમાં નોંધપાત્ર નરમાઈએ પણ મોટી રાહત પૂરી પાડી છે. જેની પાછળ આરબીઆઈ આગામી 8 ડિસેમ્બરે તેની કેલેન્ડરની આખરી રેટ સમીક્ષામાં વ્યાજ દર સ્થિર જાળવી રાખે તેવી ઊંચી શક્યતાં છે. તેમજ આગામી વર્ષે બીજા ક્વાર્ટરથી રેટ ઘટાડાનો સંકેત આપી શકે છે. એપ્રિલ-મેમાં દેશમાં લોકસભાની ચૂંટણી જોતાં આરબીઆઈ ફુગાવો બને તેટલો નીચો જળવાય રહે તે માટેના પ્રયાસો જાળવી શકે છે.
NPS સબસ્ક્રાબર્સ ત્રણેય એસેટ ક્લાસ માટે ફંડ મેનેજર પસંદ કરી શકશે
અત્યાર સુધી તેઓ ઈક્વિટી, ગવર્મેન્ટ સિક્યૂરિટી અને કોર્પોરેટ બોન્ડ્સ માટે એક જ ફંડ મેનેજર પસંદ કરી શકતાં હતાં
નેશનલ પેન્શલ સ્કિમ(એનપીએસ) સબસ્ક્રાઈબર્સ હવેથી ત્રણ ભિન્ન એસેટે ક્લાસિસ માટે અલગ-અલગ ફંડ મેનેજરની પસંદગી કરી શકે છે. અત્યાર સુધી તેઓને ઈક્વિટી, ગવર્મેન્ટ સિક્યૂરિટી અને કોર્પોરેટ બોન્ડ્સ માટે એક જ ફંડ મેનેજર પસંદ કરવાનો વિકલ્પ પ્રાપ્ય હતો. જોકે, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નેશનલ પેન્શન સ્કિમ એ વોલ્યુન્ટરી યોજના છે. તે નિવૃત્તિ માટે લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પૂરો પાડે છે. જેનું રેગ્યુલેશન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(પીએફઆરડીએ) અને કેન્દ્ર સરકાર કરે છે. સ્કિમ લોકોને તેમના નોકરીના સમયગાળા દરમિયાન નિયમત સમયાંતરે પેન્શન એકાઉન્ટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપે છે. જ્યારે નિવૃત્તિ પછી સબસ્ક્રાઈબર્સ તેના ભંડોળનો કેટલોક હિસ્સો ઉપાડી શકે છે. એનપીએસ એકાઉન્ટ ધારક તરીકે બાકીની રકમમાંથી નિવૃત્તિના સમયગાળામાં માસિક ધોરણે રકમ મળતી રહે છે. જૂના ટેક્સ રિજિમ હેઠળ રોકાણકારોને સેક્શન 80સી રૂ. 1.5 લાખ સુધીનો ટેક્સ લાભ પણ મળે છે. તેમજ 80સીસીડી(1બી) હેઠળ તેમને રૂ. 50 હજાર સુધીનો વધારાનો લાભ પણ પ્રાપ્ય બને છે.
એક વાત નોંધવાની રહે છે કે મલ્ટીપલ પેન્શન ફંડ્સની પસંદગી કરવાની સુવિધાને ત્રણ ફંડ્સ પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે. જોકે, આ વિકલ્પ વૈકલ્પિક એસેટ્સને લંબાવવામાં નથી આવ્યો. સબસ્ક્રાઈબર્સ નાણાકિય વર્ષ દરમિયાન ચાર વાર એસેટ એલોકેશનમાં ફેરફાર કરી સકે છે. એનપીએસ સબસ્ક્રાઈબર્સને પૂરી પાડવામાં આવેલી આ નવી સુવિધા કોર્પોરેટ સેક્ટર તેમજ તમામ સિટીઝ મોડેલ કેટેગરીઝને પ્રાપ્ય બનશે. હાલમાં દેશમાં 10 પેન્શન ફંડ્સ સાત પ્રાઈવેટ પેન્શન મેનેજર્સ ધરાવે છે. જેમાં એક્સિસ પેન્શન ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ પેન્શન, એચડીએફસી પેન્શન, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ પેન્શન, કોટક મહિન્દ્રા પેન્શન, મેક્સ લાઈફ પેન્શન અને તાતા પેન્શન મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. ત્રણ સરકારી માલિકીના પેન્શન મેનેજર્સમાં એલઆઈસી પેન્શન, યૂટીઆઈ પેન્શન અને એસબીઆઈ પેન્શન મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
ફંડ મેનેજરની પસંદગીની નવી સુવિધાનો લાભ લેવા માટે પીએફઆરડીએ તરફથી કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જેમાં સબસ્ક્રાઈબર્સે ઓટો મોડના બદલે એસેટ એલોકેશન માટે એક્ટિવ મેનેજમેન્ટનો વિકલ્પ પસંદ કરવાનો રહે છે. એક્ટિવની પસંદગી રોકાણકારના વિવિધ એસેટ ક્લાસિસની ફાળવણી નક્કી કરવાની છૂટ આપશે. તેમજ ઊંચું જોખમ ખેડી શકનારા રોકાણકાર માટે તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. જેઓ વોલેટિલિટીને સહન કરવા તૈયાર હશે તેમને ઈક્વિટી એસેટ્સમાં મોટી ફાળવણી માટેની છૂટ મળશે. ઓટો-ચોઈસનો વિકલ્પ રોકાણકારને ત્રણ લાઈફ-સાઈકલ ફંડ્સમાંથી એકની પસંદગીની છૂટ આપશે.
નવેમ્બરમાં વીજ વપરાશ 8.5 ટકા વધી 119.64 અબજ યુનિટ્સ નોંધાયો
ભેજવાળી આબોહવા અને તહેવારો પહેલા ઔદ્યોગિક માગ વધતાં અગાઉના ત્રણ મહિનામાં પણ વીજ વપરાશ વધ્યો હતો
દેશનો વીજ વપરાશ નવેમ્બરમાં વાર્ષિક ધોરણે 8.5 ટકા વધી 119.64 અબજ યુનિટ્સ પર નોંધાયો હતો. જેની પાછળ તહેવારોની સિઝન અને આર્થિક કામગીરીમાં વૃદ્ધિ જવાબદાર હોવાનું વર્તુળો જણાવે છે. સરકારી ડેટા મુજબ વર્ષ અગાઉ નવેમ્બર 2022માં વીજ વપરાશ 110.25 બીયૂ પર જોવા મળ્યો હતો. જ્યારે તેના વર્ષ અગાઉ તે 99.32 અબજ યુનિટ્સ પર રહ્યો હતો. નવેમ્બર દરમિયાન એક દિવસમાં સૌથી ઊંચી 204.60 ગીગાવોટની વીજ માગ જોવા મળી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં તે 187.34 ગીગાવોટ પર હતી. જ્યારે નવેમ્બર 2021માં તે 166.10 ગીગાવોટ પર હતી.
વીજ મંત્રાલયે ઉનાળામાં દેશની વીજ માગ 229 ગીગાવોટને સ્પર્શે તેવો અંદાજ મૂક્યો હતો. જોકે, એપ્રિલથી જુલાઈના સમયગાળામાં કમોસમી વરસાદને કારણે માગ આ લેવલે પહોંચી નહોતી. જોકે, જૂનમાં 224.1 ગીગાવોટનો સૌથી ઊંચો સપ્લાય જોવા મળ્યો હતો. જે જુલાઈમાં ગગડી 209.03 ગીગાવોટ પર પહોંચ્યો હતો. ઓગસ્ટમાં ફરી પીક ડિમાન્ડ 238.19 ગીગાવોટ પર પહોંચી હતી. જે સપ્ટેમ્બરમાં 240.17 ગીગાવોટ પર અને ઓક્ટોબરમાં 222.16 ગીગાવોટ પર જોવા મળી હતી. ઉદ્યોગ નિષ્ણાતોના મતે ચાલુ વર્ષે માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં વ્યાપક વરસાદને કારણે વીજ માગ પર અસર પડી હતી. જોકે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ભેજવાળા માહોલને કારણે માગ ઊંચી જોવા મળી હતી. નવેમ્બરમાં ઊંચી વીજ માગ પાછળ આર્થિક કામગીરીમાં સુધારા ઉપરાંત તહેવારોને કારણે ઊંચી માગ જવાબદાર હતું. આર્થિક કામગીરીમાં સુધારા પાછળ આગામી મહિનાઓમાં પણ વીજ માગ ઊંચી જળવાય રહેવાની સંભાવના તેઓ જણાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
કોલ ઈન્ડિયાઃ જાહેર ક્ષેત્રની કોલ ઉત્પાદકે એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળામાં 46 કરોડ ટન કોલ ઉત્પાદન નોઁધાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 11.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ 41.25 કરોડ ટન કોલ ઉત્પાદન કર્યું હતું. કંપનીનું ઉત્પાદન માગની સરખામણીમાં ઊંચું જોવા મળ્યું હતું. કંપની વાર્ષિક ધોરણે માગમાં 10.2 ટકા વૃદ્ધિ જોઈ રહી છે. કંપનીની સાતેય પેટાકંપનીઓએ વૃદ્ધિ નોંધાવી હતી.
એનએમડીસીઃ પીએસયૂ આયર્ન ઓર ઉત્પાદક કંપનીએ ચાલુ નાણા વર્ષમાં એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં 17 ટકા ઉત્પાદન વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે તેનું વેચાણ 23 ટકા ઉછળ્યું છે. 2023-24ના પ્રથમ આઁઠ મહિનામાં કંપનીએ 2.731 કરોડ ટન આયર્ન ઓર ઉત્પાદન દર્શાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળમાં 2.332 કરોડ ટન પર હતું. તેનું વેચાણ પણ ગયા વર્ષે 2.249 કરોડ ટન પરથી 23.52 ટકા ઉછળી 2.778 કરોડ ટન પર જોવા મળ્યું છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ ઓટોમોબાઈલ કંપનીએ નવેમ્બરમાં કુલ 70,576 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું છે. જે વાર્ષિક ધોરણે 21 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે 58,303 વેહીકલ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં તેણે 39,981 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીના એસયૂવી મોડેલ્સમાં ઊંચી માગ પાછળ વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, નિકાસ 42 ટકા ઘટી 1,816 યુનિટ્સ પર રહી હતી.
બજાજ ઓટોઃ ટુ-વ્હીલર્સ અગ્રણીએ નવેમ્બરમાં 4,03,003 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 3,06,719 યુનિટ્સના વેચાણ સામે 31 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ સ્થાનિક બજારમાં 2,57,744 યુનિટ્સ સાથે વાર્ષિક ધોરણે 69 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ગયા વર્ષે 1,52,883 યુનિટ્સ વેચાણ દર્શાવ્યું હતું. કંપનીની નિકાસ વાર્ષિક 6 ટકા ઘટી 1,45,259 યુનિટ્સ પર જોવા મળી હતી.
એનસીસીઃ કન્સ્ટ્રક્શન કંપનીએ નવેમ્બર મહિનામાં રૂ. 553 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. જેમાં જીએસટીનો સમાવેશ નથી થતો એમ સ્પષ્ટતા પણ કરી છે. આ તમામ ઓર્ડર્સ પ્રાઈવેટ એજન્સીઝ પાસેથી મેળવવામાં આવ્યાં છે. તેમજ તેમાં કોઈ આંતરિક ઓર્ડર્સ નથી એમ ફાઈલીંગ ઉમેરે છે.