Market Summary 02/01/2023

નવા કેલેન્ડરને તેજી સાથે વધાવતું શેરબજાર
જોકે નિફ્ટી 18200ના અવરોધને પાર કરવામાં નિષ્ફળ
ઈન્ડિયા વિક્સ 1.3 ટકા ગગડી 14.68ની સપાટીએ
મેટલ ઈન્ડેક્સમાં 2.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો
વૈશ્વિક બજારોમાં મિશ્ર દેખાવ
પીએનબી હાઉસિંગ, પાવર ફાઈનાન્સ વાર્ષિક ટોચ બનાવી
આવાસ, ઓરો ફાર્મા 52-સપ્તાહના તળિયે

શેરબજારે કેલેન્ડર 2023ને તેજી સાથે આવકાર્યું છે. નવા વર્ષના પ્રથમ સત્રમાં ભારતીય બેન્ચાર્ક્સ અડધા ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 327 પોઈન્ટ્સ ઉછળી 61167.79ની સપાટીએ જ્યારે નિફ્ટી 92.15 ટકા ઉછળી 18197.45ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નોંધપાત્ર લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 32 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 18 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3788 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2247 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1378 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.3 ટકા ગગડી 14.68ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા શુક્રવારે યુએસ બજારોમાં મંદી છતાં સોમવારે એશિયન બજારોમાં લગભગ પોઝીટીવ મૂડ જોવા મળ્યો હતો. જેની પાછળ ભારતીય શેરબજારે પણ પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18105ના બંધ સામે 18132ની સપાટી પર ખૂલી મોટાભાગનો સમય ફ્લેટિશ જોવા મળ્યો હતો. જોકે બંધ થતાં અગાઉ ઝડપી ખરીદી પાછળ તે 18215ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. તેમ છતાં 18200ની સપાટી પર બંધ દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સમાં પ્રિમીયમ 82 પોઈન્ટ્સ પર જોવા મળ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી નિફ્ટી 18200નું સ્તર પાર ના કરે ત્યાં સુધી વધુ સુધારાની શક્યતાં નથી. જ્યારે ઘટાડે 17900નો સપોર્ટ છે. સોમવારે બજારને મુખ્ય સપોર્ટ મેટલ સેક્ટર તરફથી સાંપડ્યો હતો. મેટલ શેરોમાં ચોતરફ ખરીદી પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.43 ટકા ઉછળીને સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 6907ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. મેટલ શેર્સમાં સેલ 8 ટકા ઉછળા સાથે ટોચ પર જોવા મળ્યો હતો. આ ઉપરાંત મોઈલ, તાતા સ્ટીલ, નાલ્કો, હિંદાલ્કો, વેદાંત, એનએમડીસી, જિંદાલ સ્ટીલ જેવા કાઉન્ટર્સ પણ 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 1.5 ટકા વધી મજબૂત જોવા મળતો હતો. જેમાં પણ મેટલ શેર્સનું યોગદાન ઊંચું હતું. આ ઉપરાંત આરઈસી, ઓઈલ ઈન્ડિયા, ઓએનજી, આઈઓસી, ભેલ, બીપીસીએલ, એનટીપીસી જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક્સમાં મજબૂતી પાછળ નિફ્ટી પીએસયૂ બેંક 0.7 ટકા સુધારો દર્શાવતો હતો. પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ ઈન્ડિયા 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતું. આ સિવાય ઈન્ડિયન બેંક, પીએનબી, યુનિયન બેંક, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક પણ પોઝીટીવ જોવા મળતા હતાં. બેંકનિફ્ટી 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ખાનગી બેંક શેર્સમાં આઈડીએફસી બેંક 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક પણ મજબૂતી જોવા મળ્યા હતાં. ફેડરલ બેંક અને કોટક બેંક નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી સાધારણ પોઝીટીવ જોવા મળી રહ્યા હતાં. જોકે નિફ્ટી ફાર્મા એકમાત્ર નેગેટિવ જોવા મળતો હતો. બાયોકોન અને ઝાયડસ લાઈફને બાદ કરતાં અન્ય તમામ કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જેમાં ડિવિઝ લેબ્સ 1.2 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, આલ્કેમ લેબ વગેરે નેગેટિવ જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સેઈલ, હિંદ કોપર, પાવર ફાઈનાન્સ, તાતા સ્ટીલ, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, નાલ્કો, પર્સિસ્ટન્ટ, અશોક લેલેન્ડ, એબી કેપિટલ, એલએન્ડટી ફાઈનાન્સ, હિંદાલ્કો, મણ્ણાપુરમ ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ એમસીએક્સ ઈન્ડિયામાં 6.2 ટકાનો સૌથી ઊંચો ઘટાડો નોઁધાયો હતો. આ ઉપરાંત ડો. લાલ પેથલેબ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઓટોમેશન, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, સિટી યુનિયન ગેસ, ડિવિઝ લેબ્સ, બજાજ ઓટો વગેરેમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં પીએનબી હાઉસિંગ, પાવર ફાઈનાન્સ, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, આરઈસી, જિંદાલ સ્ટીલ, મહિન્દ્રા સીઆઈઈ, સોલાર ઈન્ડસ્ટ્રીઝ અને કલ્પતરુ પાવરનો સમાવેશ થતો હતો. જ્યારે વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં આવાસ ફાઈનાન્સર, ઓરોબિંદો ફાર્મા, ઈપ્કા લેબ્સ અને સીઈ ઈન્ફો સિસ્ટમ મુખ્ય હતાં.

ટોરેન્ટ પાવર રિન્યૂ એનર્જી પાસેથી 1.1 GW ક્ષમતા ખરીદશે
અમદાવાદ સ્થિત ટોરેન્ટ પાવર રિન્યૂ એનર્જી ગ્લોબલ પાસેથી 1.2 અબજ ડોલરમાં 1.1 ગીગાવોટ્સની ક્ષમતા ધરાવતાં ગ્રીન પાવર પ્લાન્ટ્સ ખરીદવાની વાતચીત ચલાવી રહી હોવાનું અહેવાલ જણાવે છે. આ માટે ટોરેન્ટ પાવરે રિન્યૂની 350 મેગાવોટ સોલાર અને 450 મેગાવોટ વિન્ડ એસેટ્સ માટે 45 કરોડ ડોલરની નોન-બાઈન્ડિંગ ઓફર પણ રજૂ કરી છે. નવેમ્બર 2022માં માધ્યમોના અહેવાલો મુજબ રિન્યૂ એનર્જી તેની કેપિટલ રિસાઈકલીંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે તેની કાર્યાન્વિત ક્લિન એનર્જી ક્ષમતાનું વેચાણ કરવા વિચારી રહી છે. કંપની તેણે મેળવેલી રકમનો ઉપયોગ નવી ગ્રીન એનર્જી એસેટ્સ બાંધવામાં કરશે.
એપ્રિલથી નવેમ્બરમાં ફાર્મા નિકાસમાં 4.3 ટકા વૃદ્ધિ
ચાલુ નાણા વર્ષે એપ્રિલથી નવેમ્બરના પ્રથમ આઁઠ મહિનામાં દેશમાંથી કુલ ફાર્મા નિકાસમાં 4.31 ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને તે 16.58 અબજ ડોલર પર રહી છે. આ સમયગાળામાં વેક્સિનની નિકાસમાં તીવ્ર ઘટાડા છતાં સમગ્રતયા ફાર્મા એક્સપોર્ટમાં વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે સમાનગાળામાં કુલ નિકાસમાં 13.6 ટકા ઘટાડો નોંધાયો હતો. ફાર્માક્સિલના ડેટા મુજબ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નિકાસ સારી જળવાય છે. વર્ષના બાકીના સમયગાળામાં રશિયા ખાતે નિકાસમાં વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં છે. વર્તમાન નિકાસ રેટને જોતાં સમગ્ર વર્ષ દરમિયાન નિકાસ 27 અબજ ડોલર પર જળવાય તેવી શક્યતાં છે. જે 2021-22માં 24.62 અબજ ડોલર પર જોવા મળી હતી. દેશની કુલ ફાર્મા નિકાસમાં નાફ્ટા અને યુરોપિયન દેશો 53 ટકાનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

2022માં કાર વેચાણ 23 ટકા ઉછળી 38 લાખની વિક્રમી ટોચે પહોંચ્યું
અગાઉ 2018માં બનેલા 33.8 લાખ કાર્સના વેચાણ સામે 14 ટકા વૃદ્ધિ દર્શાવી
સ્કોડા ઓટોએ 123 ટકા સાથે સૌથી ઊંચું વૃદ્ધિ નોંધાવી
તાતા મોટર્સના વેચાણમાં 59 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી
વેચાણમાં 40 ટકા હિસ્સો રૂ. 10 લાખ કે તેનાથી વધુ મૂલ્ય ધરાવતાં વાહનોનો

કેલેન્ડર 2022માં ઓટોમોબાઈલ ઉદ્યોગે સૌથી ઊંચું પેસેન્જર વેહીકલ વેચાણ દર્શાવી નવો વિક્રમ બનાવ્યો હતો. સેમીકંડક્ટર્સની અછત ઓછી થવાને કારણે પેસેન્જર કાર વેહીકલ સેલ્સનું વેચાણ 37.93 લાખ યુનિટ્સની વિક્રમી સપાટીએ જોવા મળ્યું હતું. જે 2021ની સરખામણીમાં 23.1 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
તાતા મોટર્સ સહિતની કંપનીઓએ તેમની કાર્સના વેચાણમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવી હતી. નાનો બેઝ ધરાવતી સ્કોડા ઓટોએ 123.3 ટકાનો સૌથી ઊંચો વાર્ષિક વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો. જ્યારે તાતા મોટર્સે 58.2 ટકા, કિઆ ઈન્ડિયાએ 40.2 ટકા અને ટોયોટા કિર્લોસ્કરે 22.6 ટકા વૃદ્ધિ દર દર્શાવ્યો હતો. આ આંકડા ઓટો કંપનીઓ તરફથી ડિલર્સને ડિસ્પેચને આધારે તૈયાર થયેલો ડેટા છે. દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીનું વેચાણ 15.4 ટકાના દરે 15.79 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે 2021માં 13.68 લાખ યુનિટ્સ પર હતું. આ અગાઉ દેશમાં કેલેન્ડર 2018માં સૌથી ઊંચું હોલસેલ વેચાણ જોવા મળ્યું હતું. તે વખતે કુલ વેચાણ 33.8 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જોકે ત્યારબાદના વર્ષામાં વેચાણ ફ્લેટિશ અથવા તો ઘટાડો દર્શાવતું હતું. 2022ના આંકડા 2018ની સરખામણીમાં હોલસેલ વેચાણમાં 14 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે એમ ઓટો કંપનીના ટોચના એક્ઝિક્યૂટીવ જણાવે છે. ગયા કેલેન્ડરમાં સેમીકંડક્ટરની ઉપલબ્ધતામાં સુધારાને કારણે પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં સુધારો જોવા મળ્યો હતો. 2021માં કોવિડ પાછળ સપ્લાય ચેઈનના અવરોધો પાછળ ચીપને લઈ સમગ્ર વિશ્વમાં કાર્સના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. ચીપના સપ્લાયમાં રાહત સાથે પેન્ટ-અપ ડિમાન્ડ ઊંચી હોવાથી વેચાણ ખૂબ સારુ જોવા મળ્યું હતું. અગાઉના ત્રણ વર્ષોમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો એમ અધિકારી નોંધે છે. 2022માં એસયૂવીની ઊંચી માગ પાછળ સમગ્રતયા પર્સનલ વેહીકલ સેલ્સમાં વૃદ્ધિ જળવાય હતી. જો પ્રોડક્ટ મિક્સની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રે વેચાયેલા કુલ વાહનોમાં 40 ટકા હિસ્સો રૂ. 10 લાખ કે તેનાથી વધુ મૂલ્ય ધરાવતાં વાહનોનો હતો એમ વર્તુળો ઉમેરે છે. જોકે ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો વાહનોના વેચાણમાં મિશ્ર દેખાવ જોવા મળ્યો હતો. જેમકે ટોચની કાર ઉત્પાદકે ડિસેમ્બર 2021ની સરખામણીમાં 2022માં વેચાણમાં 9 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે તાતા મોટર્સનું વેચાણ 13 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવતું હતું. ટોયાટા અને હોન્ડા કાર્સનું વેચાણ પણ વાર્ષિક ધોરણે ઘટ્યું હતું. જ્યારે સ્કોડા ઓટોનું વેચાણ 48 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.

2022માં કાર કંપનીઓનો દેખાવ
કંપની કેલેન્ડરમાં કુલ વેચાણ વૃદ્ધિ(ટકામાં)
મારુતિ સુઝુકી 15,79,562 15.4
હ્યુન્દાઈ 5,52,511 9.4
તાતા મોટર્સ 5,26,798 58.6
કિઆ ઈન્ડિયા 2,54,556 40.2
ટોયોટા 1,60,357 22.6
હોન્ડા કાર્સ 95,022 6.6
સ્કોડા ઓટો 53,271 123.3

EV વેચાણ પ્રથમવાર 10 લાખ યુનિટ્સને પાર કરી ગયું
ગયા કેલેન્ડરમાં પ્રથમવાર ભારતનો ઈલેક્ટ્રીલ વેહીકલ ઉદ્યોગ 10 લાખ વેહીકલ્સનો આંક પાર કરી ગયો હતો. તેમજ તે કુલ ઓટોમોબાઈલ વેચાણનો 4.7 ટકા હિસ્સો ધરાવતો હતો. સરકારી વેબસાઈટ વાહનના ડેટા મુજબ 31 ડિસેમ્બર 2022 સુધીમાં વિવિધ પ્રાદેશિક ટ્રાન્સપોર્ટ ઓફિસિસ સાથે કુલ 10.03 લાખ ઈવીનું રજિસ્ટ્રેશન જોવા મળ્યું હતું. જે 2021માં કુલ ઈવી વેચાણ 3.32 લાખના ત્રણ ગણાથી વધઉ વૃદ્ધિ દર્શાવતું હતું. 2022ના આંકડામાં જોકે તેલંગાણા અને લક્ષદ્વિપના ઈવી વેચાણ આંકડાનો સમાવેશ નથી થતો. ઓક્ટોબર 2022મા પ્રથમવાર માસિક ધોરણે ઈવી વેચાણ એક લાખ યુનિટ્સને પાર કરી ગયું હતું. ડિસેમ્બરમાં ઈવી રજિસ્ટ્રેશન્સ 1.02 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ઓક્ટોબરમાં 1.15 લાખ યુનિટ્સ જ્યારે નવેમ્બરમાં 1.19 લાખ યુનિટ્સ પર નોંધાયું હતું.

ડિસેમ્બર ક્વાર્ટરમાં કેપેક્સ 44 ટકા ઉછળી 6 લાખ કરોડ પાર કરી ગયું

સરકાર અને કોર્પોરેટ જગતે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6.1 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ મુખ્યત્વે નવા રોડ્સ, ફેક્ટરીઝ અને અન્ય પ્રોજેક્ટ્સ પાછળ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં તે 44.3 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો એમ સેન્ટર ફોર મોનીટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(સીએમઆઈઈ)નો ડેટા સૂચવે છે.
ખાનગી કંપનીઓ તેમના મૂડી ખર્ચના ફ્લોને નિર્ધારિત કરવા માટે આગામી બજેટ પર ચાંપતી નજર રાખીને બેઠી છે. સરકાર માટે 2024માં લોકસભા ચૂંટણી અગાઉ આગામી બજેટ આખરી સંપૂર્ણ બજેટ હશે. ડેટા સૂચવે છે કે પૂરાં થઈ ગયેલા પ્રોજેક્ટ્સમાં 49.9 ટકાનો વાર્ષિક ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અટકી ગયેલા પ્રોજેક્ટ્સમાં 87.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નાણા વર્ષના પ્રથમ છ મહિના માટે મેનેજમેન્ટ કોમેન્ટરી સૂચવે છે કે પ્રાઈવેટ સેક્ટર કરતાં સરકાર તરફથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. કંપનીઓ જ્યાં સુધી તેમની હયાત ક્ષમતાનો સંપૂર્ણપણે ઉપયોગ ના થાય ત્યાં સુધી સામાન્યરીતે નવી ફેક્ટરીઝમાં ખર્ચ નથી કરતી. જૂન 2022ની આખરમાં દેશમાં ક્ષમતા વપરાશ 72.4 ટકા પર જોવા મળ્યો હતો એમ આરબીઆઈનો ઓર્ડર બુક્સ, ઈન્વેન્ટરીઝ અને કેપેસિટી યુટિલાઈઝેશન સર્વે સૂચવે છે.

રવિ વાવેતર વિસ્તાર 4 ટકા વૃદ્ધિ સાથે 6.45 કરોડ હેકટરે પહોંચ્યો
ઘઉંનું વાવેતર ગઈ સિઝનમાં 3.14 કરોડ હેકટર સામે 3.25 કરોડ હેકટરમાં નોંધાયું
તેલિબિયાંનું વાવેતર 95 લાખ હેકટર સામે 9 ટકા ઉછળી 104 લાખ હેકટરે
ચણાનું વાવેતર સાધારણ વૃદ્ધિ સાથે 106 લાખ હેકટર નજીક

રવિ વાવેતર સિઝન પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે તે નવો વિક્રમ બનાવે તેવી પૂરી શક્યતાં છે. ગયા શુક્રવાર સુધીમાં દેશમાં 645 લાખ હેકટરમાં શિયાળુ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 617.43 લાખ હેકટરની સરખામણીમાં 4.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. તમામ મુખ્ય શિયાળુ પાકોના વાવેતરમાં ચાલુ વર્ષે વૃદ્ધિ જોવા મળી રહી છે. સાનૂકૂળ આબોહવા તથા પાણીની સગવડને કારણે આમ બન્યું છે.
દેશમાં સૌથી વધુ વાવેતર ધરાવતાં શિયાળુ પાક ઘઉંનું વાવેતર 3.6 ટકા વૃદ્ધિ સાથે 325.10 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં 313.81 લાખ હેકટર પર જોવા મળતું હતું. મોટાભાગના ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વાવેતરમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેમકે ઘઉંનું સૌથી ઊંચું વાવેતર ધરાવતાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં વાવેતર 3.59 લાખ હેકટર વૃદ્ધિ દર્શાવે છે. આ સિવાય રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર 2.52 લાખ હેકટર ઊંચો જોવા મળે છે. મહારાષ્ટ્ર(1.89 લાખ હેકટર), ગુજરાત(1.10 લાખ હેકટર), બિહાર(0.87 લાખ હેકટર), મધ્યપ્રદેશ(0.85 લાખ હેકટર), છત્તીસગઢ(0.66 લાખ હેકટર) અને પશ્ચિમ બંગાળ(021 લાખ હેકટર)ની વાવેતર વૃદ્ધિ સૂચવે છે. ઘઉંનું વાવેતર વહેલું શરૂ થયું હોવાના કારણે જાન્યુઆરીમાં આખરી તબક્કામાં પાકના વાવેતર હેઠળના વિસ્તારમાં વિશેષ વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં કેટલાંક અધિકારી નથી જોઈ રહ્યાં. ગઈ સિઝનમાં જાન્યુઆરીમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં 17 લાખ હેકટરની વૃદ્ધિ નોઁધાઈ હતી. જ્યારે તમામ રવિ પાકોના વાવેતર હેઠળ 66 લાખ હેકટર વિસ્તારનો ઉમેરો થયો હતો. આમ ચાલુ જાન્યુઆરીમાં પણ હજુ 5-8 ટકા વાવેતર વૃદ્ધિની શક્યતાં જોવાઈ રહી છે.
રવિ પાકોમાં નોંધપાત્ર વૃદ્ધિ ડાંગરમાં જોવા મળી રહી છે. રવિ ડાંગર હેઠળનો વિસ્તાર ગયા વર્ષે 13.70 લાખ હેક્ટરની સામે 20.6 ટકા વૃદ્ધિ સાથે 16.53 લાખ હેકટરમાં જોવા મળી રહ્યો છે. કઠોળ પાકોનો વિસ્તાર પણ 153.09 લાખ હેકટરે પહોંચ્યો છે. જે ગઈ સિઝનમાં 150.10 લાખ હેકટર પર હતો. જાડાં ધાન્યોનો વાવેતર વિસ્તાર પણ વૃદ્ધિ સૂચવી રહ્યો છે. ગઈ સિઝનમાં 44.85 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં મકાઈ અને બાજરી જેવા પાકોનું ઉત્પાદન 46.67 લાખ હેકટર પર પહોંચી ચૂક્યું છે. જ્યારે રવિ તેલિબિયાંનું વાવેતર 103.60 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે વર્ષ અગાઉ 94.96 લાખ હેકટરે જોવા મળતું હતું. આમ તે 9.1 ટકા સાથે ડાંગર પછી સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. તેલિબિયાં પાકોમાં રાયડાનું વાવેતર 8.8 ટકા વધી 94.22 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં 86.56 લાખ હેકટરમાં જોવા મળતું હતું. કઠોળ પાકોમાં ચણાનું વાવેતર 105.61 લાખ હેકટરમાં સંભવ બન્યું છે. જે ગઈ સિઝનના 105.18 લાખ હેકટર સામે સાધારણ વૃદ્ધિ દર્શાવે છે. જાડાં ધાન્યોમાં મકાઈનું વાવેતર ગઈ સિઝનમાં 14.56 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 17.65 લાખ હેકટરમાં નોંધાયું છે. જ્યારે જુવારનું વાવેતર 9 ટકા ઘટાડા સાથે 21.12 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનમાં 23.20 લાખ હેકટરમાં થઈ ચૂક્યું હતું.

રવિ પાકોના વાવેતરની સ્થિતિ(વાવેતર લાખ હેકટરમાં)
પાક સિઝન 2022 સિઝન 2021
ઘઉં 325.10 313.81
ચણા 105.61 105.18
રાયડો 94.22 86.56
જુવાર 21.12 23.20
મકાઈ 17.65 14.56
ચોખા 16.53 13.70
કુલ 645.00 617.43

કોર્પોરેટ હેડલાઈન્સ

શ્રીરામ ફાઈનાન્સઃ એનબીએફસી કંપનીએ એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી 10 કરોડ ડોલરનું લોંગ-ટર્મ ફંડીંગ મેળવ્યું છે.
લાન્કો અમરકંટક પાવરઃ ડેટ રેઝોલ્યુશન હેઠળ ગયેલી કંપનીની રેઝોલ્યુશન પ્રક્રિયામાં વોટિંગ ડેડલાઈનને 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં અદાણી ગ્રૂપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી કંપનીની ખરીદી માટે રસ દર્શાવવામાં આવ્યો છે. કંપનીના લેન્ડર્સ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને યૂકો બેંકે તમામ ત્રણ પ્લાન્ટ્સની ગણતરી માટે એક્સટેન્શન માંગ્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભાગીદાર બ્રિટિશ પેટ્રોલિયમે તેમના કેજી-6 બેસીન ખાતેથી ઉત્પાદિત પ્રતિ દિન 60 લાખ એમમએમએસસીએમડી નેચરલ ગેસ માટે બીડ્સ મંગાવ્યાં છે. આ માટે 18 જાન્યુઆરીએ ઓક્શન યોજાશે જ્યારે તેનો સપ્લાય ફેબ્રુઆરીથી શરુ થશે એમ ટેન્ડર ડોક્યૂમેન્ટ જણાવે છે.
એસબીઆઈ/ICICI બેંકઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ જણાવ્યું છે કે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક એ ડોમેસ્ટીકલી સિસ્ટેમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ(D-SIBs) બની રહ્યા છે. D-SIBs એ એવી ઈન્ટરકનેક્ટેડ સંસ્થાઓ હોય છે, જેમની નિષ્ફળતાની સમગ્ર ફાઈનાન્સિયલ સિસ્ટમ પર અસર પડતી હોય છે અને તે અસ્થિરતા ઊભી કરી શકે છે.
ટ્રેકટર્સ કંપનીઃ એસ્કોર્ટ્સ કુબોટાએ ડિસેમ્બરમાં 19 ટકા વૃદ્ધિ સાથે 5573 યુનિટ્સ ટ્રેકટર્સનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 4695 યુનિટ્સ પર હતું. વીએસટી ટીલર્સે 25 ટકા વૃદ્ધિ સાથે ડિસેમ્બર 2021માં 3640 યુનિટ્સ સામે 2022માં 4559 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
આરઈસીઃ સરકારી સાહસે ડબલ્યુઆરએસઆર પાવર ટ્રાન્સમિશનમાં તેના સમગ્ર શેરહોલ્ડિંગના અદાણી ટ્રાન્સમિશનને વેચાણ માટે બોર્ડની મંજૂરી મેળવી લીધી છે. છેલ્લાં બે સત્રોથી કંપનીનો શેર વાર્ષિક ટોચ દર્શાવી રહ્યો છે.
ઝાયડસ લાઈફસાયન્સિઝઃ ફાર્મા કંપનીએ યુએસએફડીએ તરફથી ઈન્સોમ્નિયાની સારવારમાં વપરાતી ટ્રાયઝોલામના જેનેરિક વર્ઝન માટે ફાઈનલ મંજૂરી મેળવી છે. એફડીએએ ટ્રાયઝોલામની 0.125 એમજી અને 0.25 એમજી સ્ટ્રેન્થ માટે મંજૂરી આપી છે. દવાનો ઉપયોગ શોર્ટ-ટર્મ બેસીસ પર થાય છે.
એનડીટીવીઃ કંપનીના ફાઉન્ડર્સે તેમની પાસેના 27.26 ટકા હિસ્સાનું અદાણી જૂથને વેચાણ કરી રૂ. 602 કરોડની રકમ મેળવી છે. તેમણે બજારભાવથી 17 ટકા પ્રિમીયમે રૂ. 342.65 પ્રતિ શેરના ભાવે વેચાણ કરી આ રકમ પ્રાપ્ત કરી છે. આ ખરીદી બાદ અદાણી એન્ટરપ્રાઈઝની માલિકીની આરઆરપીઆર પાસે એનડીટીવીનો 56.45 ટકા હિસ્સો જોવા મળે છે.
ડીશ ટીવીઃ કંપનીના શેરધારકોએ કંપનીના 2020-21 અને 2021-22 નાણાકિય વર્ષો માટેના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ્સને સ્વીકારી લેવા માટેની મેનેજમેન્ટની માગણીને ફરી એકવાર ફગાવી છે. કંપનીની વાર્ષિક સાધારણ સભામાં ડીટીએચ કંપનીના મેનેજમેન્ટે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે ફરીવાર નિષ્ફળ રહ્યો હતો. અગાઉ 26 સપ્ટેમ્બરે યોજાયેલી સભામાં પણ આ ઠરાવને ફગાવવામાં આવ્યો હતો.
એલએન્ડટી ફાઈનાન્સઃ એલએન્ડટી ફાઈનાન્સ અને તેની સબસિડિયરી એલએન્ડટી ઈન્ફ્રા ક્રેડિટે સંયુક્તપણે રૂ. 1827.5 કરોડની ડિસ્ટ્રેસ્ડ એસેટ્સનું વેચાણ કર્યું હતું.
એનએમસીડીઃ સરકારી મિનરલ કંપનીમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનો શેર હિસ્સો 15.7 ટકા પરથી 2 ટકા ઘટી 13.7 ટકા પર રહ્યો છે.
એચજી ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપનીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી રૂ. 398.63 કરોડના બીડ સાથે સૌથી નીચા બીડર તરીકે જાહેર કરવામાં આવી છે.
મોઈલઃ સરકારી મિનરલ કંપનીએ ડિસેમ્બરમાં કુલ 1,41,321 ટનનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ ઉત્પાદન દર્શાવ્યું હતું. જે નવેમ્બર મહિનાની સરખામણીમાં 18 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
કોલ ઈન્ડિયાઃ જાહેર ક્ષેત્રના કોલ સાહસે ડિસેમ્બર મહિનામાં 10.3 ટકા વૃદ્ધિ સાથે 6.64 કરોડ ટનનું ઉત્પાદન દર્શાવ્યું હતું. જ્યારે કંપનીનો ઉપાડ વાર્ષિક 3.6 ટકા વધી 6.27 કરોડ ટન પર જોવા મળ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage