Market Summary 02/01/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

જીઓ-પોલિટીકલ તંગદિલી વધતાં શેરબજારોમાં વેચવાલી જોવાઈ
નિફ્ટી 21700ની નીચે ઉતરી ગયો
હોંગ કોંગ, ચીન સહિત એશિયન બજારોમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ નરમાઈ સાથે 14.58ના સ્તરે
નિફ્ટી ફાર્મા 2.5 ટકા ઉછળી નવી ટોચે
મેટલ, એનર્જી, મિડિયામાં પણ મજબૂતી
ઓટો, આઈટી, બેંકિંગમાં નરમાઈ
લેમન ટ્રી, જેબીએમ ઓટો, લ્યુપિન, જીએસએફસી નવી ટોચે

લાલ સમુદ્રમાં યુએસ નૌકાદળે 10 હૂથી લડાકુઓને ઠાર માર્યાં પછી ઈરાન તરફથી યુધ્ધ જહાજ મોકલવામાં આવતાં તંગદિલી વકરવા પાછળ શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી. નવા કેલેન્ડરના બીજા સત્રમાં એશિયન બજારો લાલ-લાલ જોવા મળતાં હતાં. જેની અસરે ભારતીય બજાર પણ સતત તેજી પછી નરમાઈ સાથે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 379 પોઈન્ટ્સ ગગડી 71,892ની સપાટીએ જ્યારે નિફ્ટી 76 પોઈન્ટ્સ ગગડી 21,666ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જળવાયેલી રહેતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3939 કાઉન્ટર્સમાંથી 1992 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1811 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 379 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે 18 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.68 ટકા ઘટાડા સાથે 14.58ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે કામગીરીની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. જોકે, ત્યારપછી વેચવાલી ફરી વળી હતી અને જોતજોતામાં બેન્ચમાર્ક લગભગ એક ટકા જેટલો ગગડ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 21556ના તળિયે ટ્રેડ થઈ પરત ફર્યો હતો અને 21600ની સપાટી જાળવી શક્યો હતો. નિફ્ટી કેશની સામે નિફ્ટી ફ્યુચર 108 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 21754ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 148 પોઈન્ટ્સના પ્રિમીયમમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે લોંગ પોઝીશન્સમાં નોંધપાત્ર લિક્વિડેશન જોવા મળ્યું છે. આમ, નવા લોંગમાં સાવચેતી જાળવવાની રહેશે. નજીકમાં 21500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. જેની નીચે 21100નો સપોર્ટ છે. ઉપરમાં 21800નો અવરોધ જોવા મળી રહ્યો છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, કોલ ઈન્ડિયા, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, તાતા કન્ઝ્યૂમર, હિંદાલ્કો, બીપીસીએલ, ભારતી એરટેલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, કોટક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો, એચયૂએલ, ઈન્ડસઈન્ડ બેંક, ગ્રાસિમ, એનટીપીસી, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, જીએસડબલ્યુ સ્ટીલમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ, એનર્જી, મિડિયામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ઓટો, આઈટી, બેંકિંગમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં લ્યુપિન 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, બાયોકોન, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, સિપ્લા, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મામાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.3 ટકા મજબૂતી સાથે 8000ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએમસીડીસી, કોલ ઈન્ડિયા, નાલ્કો, હિંદાલ્કો, મોઈલ, વેદાંતામાં પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી એનર્જી પણ અડધા ટકા વૃદ્ધિ સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં એચપીસીએલ, બીપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રીન એનર્જી અને આઈઓસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સમાં અડધો ટકો સુધારો નોંધાયો હતો. જેના ઘટકોમાં ટીવી18 બ્રોડકાસ્ટ, નેટવર્ક 18, ઝી એન્ટરટેઈનમેન્ટમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, નિફ્ટીબેંક એક ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફિન બેંક, કોટક મહિન્દ્રા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, બંધન બેંક, એક્સિસ બેંક, એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.4 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં આઈશર મોટર્સ, અશોક લેલેન્ડ, એમએન્ડએમ, ટીવીએસ મોટર, મારુતિ સુઝુકી, મધરસન, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, સોના બીએલડબલ્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ નરમાઈ સૂચવતો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજી પણ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચયૂએલ, ઈમામી, બ્રિટાનિયા, નેસ્લે, જ્યુબિલિઅન્ટ ફૂડ અને વરુણ બેવરેજિસ ઘટાડો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આદિત્ય બિરલા ફેશન 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, લ્યુપિન, બાયોકોન, ગ્લેનમાર્ક, ડેલ્ટા કોર્પ, એનએમડીસી, ગુજરાત ગેસ, ઓરેકલ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, કોલ ઈન્ડિયા, એબી કેપિટલ, મેટ્રોપોલીસ, ડો. લાલપેથલેબ, અબોટ ઈન્ડિયા, સિપ્લા, એચપીસીએલમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, વોડાફોન, આઈશર મોટર્સ, અશોક લેલેન્ડ, ફેડરલ બેંક, એમએન્ડએમ, બાટા ઈન્ડિયા, એસ્કોર્ટ્સ કુબોટા, કોફોર્જ, લાર્સન, ટીવીએસ મોટર, એયૂ સ્મોલ, મેક્સ ફાઈનાન્સિયલ, એમ્ફેસિસ, કોટક મહિન્દ્રામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સન ફાર્મા એડવાન્સ, લેમન ટ્રી, જેબીએમ ઓટો, લ્યુપિન, જીએસએફસી, એન્જીનીયર્સ ઈન્ડિયા, ગ્લેક્સોસ્મિક્થલાઈન, રેલીસ ઈન્ડિયા, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, કિસ્ટોન રિઅલ્ટી, ગ્લેનમાર્ક, નોસિલ, જીએસપીસી, એનએમડીસી, સન ફાર્મા, કોલ ઈન્ડિયા, એનએચપીસીનો સમાવેશ થતો હતો.

દેશમાં કઠોળની આયાત છ-વર્ષોની ટોચ પર રહેવાની શક્યતાં
ચાલુ વર્ષે દેશમાં ઉત્પાદન ઓછું રહેવાથી આયાત 30 લાખ ટનને પાર કરી જશે

ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન દેશમાં કઠોળની આયાત છ-વર્ષોની ટોચ પર જોવાઈ રહી છે. જેનું કારણ સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડા પાછળ પુરવઠામાં તંગી હોવાનું ગણાવાય છે. કઠોળ પકવતાં વિસ્તારોમાં વરસાદના અભાવને કારણે ખરિફ ઉપરાંત રવિ સિઝનમાં પણ વાવેતર નીચું રહ્યું છે અને તેની અસર ઉત્પાદન પર થશે. જેને જોતાં દેશમાં આયાત 30 લાખ ટનનો આંક પાર કરી જાય તેવો અંદાજ ટ્રેડ વર્તુળો મૂકી રહ્યાં છે. જે ગયા વર્ષની 22.9 લાખ ટનની આયાત સરખામણીમાં 31 ટકા વૃદ્ધિ સૂચવે છે.
તાજેતરમાં મહિનાઓમાં કઠોળના સ્થાનિક પુરવઠામાં નોંધપાત્ર તંગી જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ હવામાનની પ્રતિકૂળતા છે. જેને જોતાં સરકારે દેશમાં પીળા વટાણાની ડ્યૂટી-ફ્રી આયાતને 31 માર્ચ, 2024 સુધી ખૂલી કરવા સાથે દાળોની આયાતને માર્ચ, 2025 સુધી લંબાવી છે. જેથી સ્થાનિક બજારમાં સપ્લાય વધે અને ભાવ નીચા જળવાયેલા રહે. ગયા વર્ષે ચણાનું ઉત્પાદન 10 લાખ ટનથી ઊંચું હતું. જ્યારે ખરિફ સિઝનમાં મગનું વાવેતર પ્રોસ્તાહક નહોતું. રાજસ્થાન ખાતે સૂકા સ્પેલને કારણે વાવેતર પર અસર પડી હતી. જેને કારણે તુવેર, અડદ સહિતની દાળો માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે એમ ઈન્ડિયા પલ્સિસ એન્ડ ગ્રેઈન્સ એસોસિએશનના ચેરમેન બિમલ કોઠારી જણાવે છે. તેમના મતે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન દેશમાં 30 લાખ ટનથી વધુ કઠોળ આયાત જોવા મળશે.
એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં દેશમાં 19.6 લાખ ટન કઠોળની આયાત થઈ ચૂકી હોવાનું ડીજીસીઆઈએસનો ડેટા જણાવે છે. જેનું મૂલ્ય રૂ. 14,057 કરોડ થવા જાય છે. આમાંથી દાળોની આયાત 10 લાખ ટનને પાર કરી ગઈ છે. ભારતે અગાઉ 2017-18માં 65 લાખ ટન કઠોળની આયાત કરી હતી. જે વખતે મોટી સંખ્યામાં પીળા વટાણાની આયાત કરવામાં આવી હતી. જોકે, ત્યારપછીના વર્ષોમાં આયાતમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જેનું કારણ સરકાર તરફથી પીળા વટાણા, મગ સહિતના કઠોળની આયાત પર પ્રતિબંધો હતાં. ચાલુ રવિ સિઝનમાં 29 ડિસેમ્બર સુધીમાં દેશમાં કઠોળનું વાવેતર ઘટી 1.42 કરોડ હેકટરમાં જોવા મળતું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.53 કરોડ હેકટર પર નોંધાયું હતું. આમ, વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આની પાછળનું મુખ્ય કારણ ચણાના વાવેતરમાં તીવ્ર ઘટાડો છે. ગઈ સિઝનમાં 105.80 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં ચણાનું વાવેતર 97.05 લાખ હેકટરમાં જ જોવા મળે છે. જેને જોતાં વેપારી વર્તુળો નવી માર્કેટિંગ સિઝનમાં ચણાનું ઉત્પાદન 10-15 ટકા નીચું રહેવાનો અંદાજ મૂકે છે.

મસ્કની સ્ટારલીંક સાથે જોડાણની વાતને વોડાફોનનો રદિયો
મંગળવારે કંપનીના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો

વોડાફોન આઈડિયાએ અબજોપતિ એલોન મસ્કના સેટેલાઈટ યુનિટ સ્ટારલીંગ સાથે જોડાણની વાતચીતનો ઈન્કાર કર્યો છે. કંપનીએ મંગળવારે એક સ્પષ્ટતામાં આમ જણાવ્યું હતું. જેની પાછળ કંપનીનો શેર 5 ટકા જેટલો તૂટ્યો હતો.
સતત બે સત્રોમાં શેરના ભાવમાં તીવ્ર સુધારા પછી એક બિઝનેસ મેગેઝિન તરફથી મસ્કની કંપની સ્ટારલીંક ભારતમાં પ્રવેશવા માટે વોડાફોનમાં હિસ્સો ખરીદવા માગે છે તેમ જણાવ્યું હતું. જેને પગલે વોડાફોને બીએસઈને સ્પષ્ટતામાં આ બાબતનો ઈન્કાર કર્યો હતો. અગાઉ, સોમવારે બીએસઈએ વોડાફોનને આ મિડિયા અહેવાલ અંગે સ્પષ્ટતા માટે જણાવ્યું હતું. વોડાફોન આઇડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની અહેવાલમાં જણાવવામાં આવેલી કંપની સાથે આ પ્રકારની કોઈ વાતચીત ચલાવી રહી નથી. તેમજ આ અહેવાલ કયા આધારે તૈયાર કરવામાં આવ્યો છે તેનો પણ અમને કોઈ ખ્યાલ નથી એમ કંપનીએ જણાવ્યું હતું. શુક્રવારે વોડાફોનના શેરમાં 21 ટકાના ઉછાળા પછી આ મિડિયા રિપોર્ટ રજૂ થયો હતો. જેને પગલે સોમવારે કંપનીના શેરમાં વધુ 6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બંને સત્રોમાં ઊંચા ટ્રેડિંગ વોલ્યુમ સાથે વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, મંગળવારે કંપનીએ મિડિયા અહેવાલનો ઈન્કાર કરતાં શેરમાં 21 ટકાનું ગાબડું પડ્યું હતું. જે દરમિયાન 100 કરોડથી વધુ શેર્સમાં કામકાજ જોવા મળ્યું હતું. યૂકે સ્થિત વોડાફોનના ભારતીય એકમના આદિત્ય બિરલા જૂથની કંપની આઈડિયા સેલ્યૂલર સાથેના મર્જર પછી વોડાફોન આઈડિયા અસ્તિત્વમાં આવી હતી. યૂકે સ્થિત વોડાફોને યૂરોપ અને આફ્રિકામાં એમેઝોનડોટકોમની કૂઈપરની હરિફ એવી એલોન મસ્કની સ્ટારલીંક સાથે ભાગીદારી કરેલી છે.

2023માં EVના વેચાણમાં 48 ટકા વૃદ્ધિ નોંધાઈ

વિતેલા કેલેન્ડરમાં ઈલેક્ટ્રિક વેહીકલ્સ(ઈવી)ના વેચાણમાં 48 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. અગાઉના વર્ષ(2022)માં 10,25,116 રજિસ્ટ્રેશન્સ સામે 2023માં કુલ 15,26,319 ઈવીનું રજિસ્ટ્રેશન થયું હતું એ વાહનનો ડેટા સૂચવે છે.
ગયા વર્ષે કુલ 72,321 ઈવી ફોર-વ્હીલર્સની નોંધણી થઈ હતી. જે અગાઉના વર્ષે જોવા મળતાં 32,260 કાર્સના રજિસ્ટ્રેશન કરતાં બમણાથી ઊંચી વૃદ્ધિ સૂચવે છે. ઈકરાના કોર્પોરેટ રેટિંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઈવી ઈકોસિસ્ટમના ભિન્ન સેગમેન્ટ્સમાં નોંધપાત્ર રોકાણ થઈ રહ્યું છે. જેમાં લેગેસી ઓઈએમ્સ અને સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે. વિવિધ ઓટોમોટીવ કોમ્પોનેન્ટ મેન્યૂફેક્ચરર્સ પણ તેમની ક્ષમતા વિકસાવવા માટે રોકાણ કરી રહ્યાં છે. બેંક્સ અને એનબીએફસી તરફથી ફંડિંગનું માહોલ થોડું સાચવેતી દર્શાવી રહ્યું છે તેમ છતાં કેટલાંક સ્ટાર્ટ-અપ્સે ચાલુ વર્ષે ફંડ્સ ઊભું કર્યું છે. રોકાણકારો દેશમાં ઈવીની વૃદ્ધિને લઈ બુલિશ જોવા મળી રહ્યાં છે. ઉપરાંત, પ્રોડક્ટ પોર્ટફોલિયો, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઈનાન્સિંગની ઉપલબ્ધિમાં સુધારાને કારણે પણ ઈવીની માગ વધી છે. બેટરીના ભાવમાં તબક્કાવાર ઘટાડો પણ આ માટેનું એક મહત્વનું વલણ છે એમ તેઓ ઉમેરે છે. સરકાર 2030 સુધીમાં પ્રાઈવેટ કાર્સમાં 30 ટકા ઈવી પેનિટ્રેશનનો ટાર્ગેટ ધરાવે છે. જ્યારે કમર્સિયલ વેહીકલ્સમાં તે 7 ટકાનો અને ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં 80 ટકા પેનિટ્રેશનનો ટાર્ગેટ ધરાવે છે.
નોંધપાત્ર બાબત એ છે કે સરકાર તરફથી ફેમ-2 સબસિડીમાં ઘટાડા છતાં ઈવી ટુ-વ્હીલર્સનું વેચાણ 2023માં 36 ટકા વધ્યું હતું. વર્ષ દરમિયાન કુલ 8,54,960 ટુ-વ્હીલર્સ રજિસ્ટર્ડ થયાં હતાં. જે અગાઉના વર્ષે 6,27,353 યુનિટ્સ પર જોવા મળતું હતું. ઈવી ઉત્પાદકો 2024માં વધુ વૃદ્ધિને લઈ આશાવાદી જોવા મળી રહ્યાં છે. 2023માં ઈવી ટુ-વ્હીલર ઉદ્યોગે 42.7 કરોડ ડોલરનું રોકાણ મેળવ્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જે દરમિયાન વાર્ષિક 100 ટકાના દરે વધારો થયો છે. કંપનીઓ નવા પ્લેટફોર્મ્સ બનાવી રહી છે. આમ, આગામી સમયગાળામાં નોંધપાત્ર પ્રોડક્ટ્સ બજારમાં લોંચ થશે.

બિટકોઈન 45 હજાર ડોલરને કૂદાવી પોણા બે વર્ષની ટોચે
કેલેન્ડર 2023માં ક્રિપ્ટોકરન્સીએ 154 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું હતું

ક્રિપ્ટોકરન્સી બિટકોઈને નવા વર્ષમાં 7 ટકાથી વધુ ઉછાળા સાથે કામકાજની શરૂઆત દર્શાવી છે. મંગળવારે બિટકોઈનનો ભાવ એક સત્રમાં જ 3 હજાર ડોલરથી વધુ ઉછળી 45 હજારની સપાટી પાર કરી ગયો હતો. જે એપ્રિલ 2022 પછીની તેની સૌથી ઊંચી સપાટી છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં તથા યુએસ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી વચ્ચે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. જેને તેજીના મજબૂત સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. બિટકોઈનમાં ઉછાળા પાછળનું કારણ એસેટ ક્લાસમાં એક્સચેન્જ-ટ્રેડેડ સ્પોટ બિટકોઈન ફંડ્સને મંજૂરીની શક્યતાં માનવામાં આવી રહ્યું છે.
મંગળવારે બિટકોઈને 45488 ડોલરની 21-મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવ્યું હતું. 2023માં બિટકોઈનમાં 154 ટકાનું તીવ્ર રિટર્ન જોવા મળ્યું હતું. જે 2020 પછીનું કોઈ એક કેલેન્ડરમાં તેનું સૌથી ઊંચું રિટર્ન હતું. નવેમ્બર 2021માં બિટકોઈને 69000 ડોલરની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારપછી તે ગગડી 20 હજાર ડોલર પર ટ્રેડ થયો હતો. જોકે, ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં તેણે નોંધપાત્ર સુધારો નોંધાવ્યો હતો. હાલમાં ક્રિપ્ટોકરન્સી રોકાણકારોની નજર યુએસ માર્કેટ રેગ્યૂલેટર પર છે. જે ટૂંક સમયમાં સ્પોટ બિટકોઈન ઈટીએફની મંજૂરી આપે તેવી પ્રબળ શક્યતાં છે. જે લાખો રોકાણકારો માટે બિટકોઈનમાં રોકાણને સંભવ બનાવી શકે છે. ટોચના મની મેનેજર્સ બિટકોઈન ઈટીએફ્સ લોંચ કરવા માટે તૈયાર છે અને હાલમાં તેઓ યૂએસ માર્કેટ રેગ્યૂલેટર એસઈસી તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. એ વાત ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સ્પોટ બિટકોઈન ઈટીએફ્સ લોંચ કરવાની માગણી કરતી અનેક અરજીઓને ફગાવી ચૂક્યું છે. તેણે હંમેશા એવી દલીલ કરી છે કે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મેનિપ્યૂલેશન આસાન બાબત છે. જોકે, તાજેતરના મહિનાઓ દરમિયાન રેગ્યુલેટરે તેના વલણમાં રાહતના સંકેતો આપ્યાં છે. જેને જોતાં ઓછામાં ઓછા 13 પ્રસ્તાવિત સ્પોટ બિટકોઈન ઈટીએફ્સ લોંચિંગ માટે તેયાર છે. તેઓ જાન્યુઆરીના શરૂઆતી તબક્કામાં પોઝીટીવ નિર્ણયની અપેક્ષા રાખી રહ્યાં છે.
ઉપરાંત, ટોચની મધ્યસ્થ બેંક્સ ચાલુ કેલેન્ડરમાં તેમના બેન્ચમાર્ક રેટ્સમાં ઘટાડો કરે તેવી વધતી અપેક્ષા પાછળ પણ ક્રિપ્ટોકરન્સિઝમાં મજબૂતી જોવા મળી રહી છે. છેલ્લાં, પાંચ વર્ષોમાં ઈમર્જિંગ માર્કેટ્સમાં ક્રિપ્ટોકરન્સી રોકાણકારોની સંખ્યામાં ઊંચો ઉછાળો જોવા મળ્યો છે. સંબંધિત રેગ્યુલેટર્સ તરફથી પ્રતિબંધો તથા ઊંચા ટેક્સેશન છતાં ક્રિપ્ટોકરન્સીઝમાં રોકાણ વધતું જોવા મળ્યું છે. જે એસેટ ક્લાસ તરફ જળવાયેલું આકર્ષણ સૂચવે છે.

HULને રૂ. 447.5 કરોડની GST નોટિસ ફટકારાઈ
વિવિઝ પાંચ ટેક્સ સત્તાવાળાઓ તરફથી વિવિધ કારણોસર ટેક્સ અને પેનલ્ટીની માગણી

અગ્રણી એફએમસીજી કંપની હિંદુસ્તાન યુનિલિવરને સોમવારે રૂ. 447.5 કરોડની ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ માગ તથા પેનલ્ટી સંબંધી નોટિસ ફટકારવામાં આવી હતી. એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં એચયૂએલે જણાવ્યું હતું કે તેણે જીએસટીની માગણી પેટે સત્તાવાળાઓ તરફથી રૂ. 447.5 કરોડની નોટિસ મેળવી છે. જોકે, કંપનીએ ઉમેર્યું હતું કે આ નોટિસ સામે અપીલ થઈ શકે છે અને કંપની હાલમાં તેનું એસેટમેન્ટ કરી રહી છે. કંપનીએ પાંચ ભિન્ન ઝોન્સના જીએસટી અધિકારીઓ તરફથી નોટિસો મેળવી છે. તેણે ડિસએલાઉન્ટસ ઓફ જીએસટી ક્રેડિટ, એક્પેટ્સને એલાઉન્સિસ સહિત ચૂકવવામાં આવેલા પગાર વગેરે જેવા મુદ્દાઓને લઈ આ નોટિસ મેળવી છે. કંપનીએ 30 ડિસેમ્બસ અને 31 ડિસેમ્બર, 2023ના રોજ ઓર્ડર્સ મેળવ્યાં હતાં. કંપનીએ નોટિસ મેળવ્યાંના પ્રથમ કામકાજી દિવસમાં ઈન્ટિમેશન રજૂ કર્યું હતું.
નોટિસમાં રૂ. 373 કરોડની રકમની માગણી એક્સપેટ્સને ચૂકવવામાં આવેલા એલાઉન્સિસ સહિતના ટેક્સ પર માગવામાં આવી છે. જ્યારે રૂ. 39.90 કરોડની પેનલ્ટીનો સમાવેશ થાય છે. જે મુંબઈ ઈસ્ટના સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝના જોઈન્ટ કમિશ્નર તરફથી કરવામાં આવી છે. જ્યારે બેંગલૂરૂ સ્થિત ડેપ્યૂટી કમિશ્નર ઓફ કમર્સિયલ ટેક્સ ઓફિસર તરફથી રૂ. 8.9 કરોડની અધિક જીએસટી ક્રેડિટ મેળવવામાં આવી હોવાની તથા રૂ. 89.08 લાખની પેનલ્ટીની માગણી કરાઈ છે. હરિયાણા સ્થિત રોહતકના એક્સાઈઝ અને ટેક્સેશન ઓફિસરે રૂ. 12.94 કરોડની ટેક્સની માગણી તથા રૂ. 1.29 કરોડની પેનલ્ટીની નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કોચી સ્થિત સેન્ટ્રલ ટેક્સ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ કમિશ્નને પણ રૂ. 8.65 કરોડની ટેક્સ તથા રૂ. 87.50 લાકની પેનલ્ટીની નોટિસ ફટકારી છે.

ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ વધ્યો, ડિઝલ-ATF પરનો ટેક્સ ઘટ્યો

ભારત સરકારે ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે. જ્યારે ડિઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પરનો ટેક્સ ઘટાડ્યો છે. સરકારે પેટ્રોલિયમ ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન રૂ. 1300થી વધારી રૂ. 2300 કર્યો છે. જ્યારે ડિઝલ પરનો 50 પૈસાનો ટેક્સ દૂર કર્યો છે. જ્યારે એટીએફ પરના ટેક્સમાં રૂ. 1નો ઘટાડો કરાયો છે. સરકારે સૌપ્રથમ જુલાઈ 2022માં દેશા ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડ્યો હતો. જ્યારે દેશમાંથી ગેસોલીન, ડિઝલ અને એવિએશન ફ્યુઅલની નિકાસ કરી ઊંચો લાભ મેળવવા ઈચ્છતાં પ્રાઈવેટ રિફાઈનર્સ પર પર ટેક્સ લાગુ પાડ્યો હતો. જોકે, ક્રૂડના ભાવમાં વધ-ઘટને આધારે દર પખવાડિયે સરકાર વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કરે છે. જેની અસર ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી દિગ્ગજ કંપનીઓ પર થાય છે.

FPIએ 2023માં ડેટ પ્રોડક્ટ્સમાં રૂ. 69 હજાર કરોડનું રોકાણ કર્યું
ત્રણ વર્ષો પછી ડેટ રોકાણમાં પોઝીટીવ ફ્લો જોવા મળ્યો

પૂરા થયેલાં કેલેન્ડર 2023માં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી ડેટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાં ઊંચું રોકાણ જોવા મળ્યું હતું. ગયા વર્ષે તેમણે ભારતીય દેવા સાધનોમાં રૂ. 68,663 કરોડનો નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. 2022માં તેમણે રૂ. 15,911 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. ભારતીય ડેટ માર્કેટમાં એફપીઆઈના ચોખ્ખા ઈનફ્લો પાછળ દેશની સરકારી જામીનગીરીઓના જેપીમોર્ગનના વૈશ્વિક ઈમર્જિંગ માર્કેટ બોન્ડ ઈન્ડેક્સમાં સમાવેશને કારણ માનવામાં આવે છે.
એનએસડીએલના ડેટા મુજબ અગાઉ 2019માં વિદેશી રોકાણકારો તરફથી ડેટ સાધનોમાં રૂ. 25,882 કરોડનો પોઝીટીવ ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારપછીના ત્રણ વર્ષોમાં તેમણે સતત વેચવાલી દર્શાવી હતી. અગાઉ 2017માં તેમણે રૂ. 1.49 લાખ કરોડનો સૌથી ઊંચો ઈનફ્લો ઠાલવ્યો હતો. જેએમ ફાઈનાન્સિયલના એમડી અને ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપ હેડના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે આગામી વર્ષે ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો શરૂ થશે. જેને જોતાં ઈમર્જિંગ અર્થતંત્રોમાં બોન્ડ યિલ્ડ્સ વધુ આકર્ષક બનશે. આમ રોકાણકારો આકર્ષાશે. ઉપરાંત, જેપી મોર્ગન ઈન્ડેક્સમાં ભારત સરકારની સિક્યૂરિટીઝનો સમાવેશ પણ એફપીઆઈ ઈનફ્લો માટે મહત્વનું ચાલકબળ છે. જૂન, 2024ની આખરમાં ભારતીય બોન્ડ્સ સત્તાવાર રીતે જેપીમોર્ગન ઈન્ડેક્સમાં સમાવેશ પામશે. જેપીમોર્ગને 22 સપ્ટેમ્બરે ભારત સરકારની બોન્ડ્સને તેના ઈન્ડેક્સમાં સમાવવામાં આવશે એમ જણાવ્યું હતું. આ નિર્ણયને કારણે ભારતના સોવરિન બોન્ડ્સમાં 30 અબજ ડોલરના વિદેશી ઈનફ્લોની શક્યતાં છે. 2023માં માર્ચ મહિના સિવાય ડેટ માર્કેટમાં એફપીઆઈ રોકાણ પોઝીટીવ જળવાય રહ્યું હતું. માર્ચ, 2023માં વિદેશી રોકાણકારોએ રૂ. 2505 કરોડની વેચવાલી દર્શાવી હતી. કેલેન્ડર 2024માં મની માર્કેટ ડીલર્સ ભારતીય બોન્ડ્સમાં 25 અબજ ડોલરથી 27 અબજ ડોલરના ઈનફ્લોની અપેક્ષા રાખી રહ્યાં છે.

ચાલુ નાણા વર્ષમાં CAD ઘટી GDPના 1 ટકા રહેશેઃ ગોલ્ડમાન સાચ
મજબૂત બાહ્ય ઈનફ્લો અને પૂરતાં ફોરેક્સ રિઝર્વ્સને જોતાં મજબૂતી
2024-25 માટે ચાલુ ખાતાની ખાધ 1.9 ટકા સામે 1.3 ટકા રહેવાની અપેક્ષા

ટોચના વૈશ્વિક બ્રોકરેજ ગોલ્ડમાન સાચના મતે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ભારતના એક્સટર્નલ બેલેન્સિસ એટલેકે બાહ્ય દેવાની સ્થિતિ અપેક્ષાથી મજબૂત જોવા મળશે. જેનું કારણ મજબૂત ઈનફ્લો હોવાનું છે. જેને કારણે વોલ સ્ટ્રીટ બ્રોકરેજ અગાઉની સરખામણીમાં ઘણી નીચી ચાલુ ખાતાની ખાધ જોઈ રહી છે. તેના મતે તે એક ટકા પર રહેશે. જેને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટમાં 39 અબજ ડોલરનું સરપ્લસ જોવા મળશે.
ગોલ્ડમાન સાચે તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે વિદેશમાંથી ફ્લો મજબૂત જોવા મળ્યો છે. જેના કારણે ફોરેક્સ રિઝર્વ્સની સ્થિતિ ઘણી સારી છે. જ્યારે બાહ્ય દેવું નીચું છે. જેને કારણે ચાલુ ખાતાની ખાધ(CAD) નીચી જળવાશે. આ બધા સાથે 2024માં ફેડ તરફથી રેટમાં ઘટાડા પાછળ નબળઓ ડોલર ભારતના બાહ્ય બેલેન્સિસ માટે મજબૂત માહોલ પૂરો પાડશે. જેને જોતાં ગોલ્ડમાન ચાર 2023-24 માટે અગાઉની 1.3 ટકાની ખાધ હવે 1 ટકો રહેશે તેવી અપેક્ષા ધરાવે છે. જ્યારે 2024-25 માટે તે અગાઉના 1.9 ટકાના અંદાજ સામે 1.3 ટકા રહેશે તેવી શક્યતાં જણાવે છે. જેનું કારણ ક્રૂડ ઓઈલના નીચા ભાવો છે. 2024માં ક્રૂડના ભાવ સરેરાસ 81 ડોલર પ્રતિ બેરલ રહેવાનો અંદાજ છે. અગાઉ તે 90 ડોલર રહેવાનો અંદાજ હતો. બીજી બાજુ, દેશની સર્વિસિઝ નિકાસ મજબૂત જળવાય રહી છે.
નવા વર્ષમાં પણ વિદેશી નાણા પ્રવાહ મજબૂત જળવાય રહેવાની અપેક્ષા છે. જેમાં ઈક્વિટી પોર્ટફોલિયો ફ્લો ઊંચો હશે. તેમજ ભારત સરકારની જામીનગીરીઓના જેપી મોર્ગનના ઈન્ડેક્સમાં સમાવેશને કારણે ડેટ ઈનફ્લો પણ મજબૂત જોવા મળશે. તેમજ એફડીઆઈ ફ્લો પણ ઊંચો રહેશે. ઊંચા કેપિટલ ઈનફ્લોને કારણે નેટ કોર્પોરેટ ડોલર બોરોઈંગ ઈનફ્સો નીચો જળવાશે. જેને કારણે 2023-24માં સમગ્રતયા બેલેન્સ ઓફ પેમેન્ટ સરપ્લસ 39 અબજ ડોલર રહેશે. જોકે, 2024-25માં તે ઘટી 27 અબજ ડોલર પર જોવા મળે તેવી અપેક્ષા છે. જાન્યુઆરીથી નવેમ્બર 2023 દરમિયાન ભારતની ક્રૂડ ઓઈલ આયાત ઘટી 164 અબજ ડોલર પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષે જોવા મળતાં 189 અબજ ડોલરની આયાત સામે 18 ટકા ઘટાડો સૂચવે છે. આ જ રીતે, સર્વિસિઝ ટ્રેડ સરપ્લસ પણ ઊંચી બાજુ જોવા મળે છે. યુએસ ખાતે આર્થિક વૃદ્ધિ દર મજબૂત જળવાય રહેવાથી સર્વિસિઝ એક્સપોર્ટ મજબૂત જળવાય રહેવાની અપેક્ષા છે. જેને કારણે સર્વિસ ટ્રેડ બેલેન્સ 148 અબજ ડોલરથી વધી 158 અબજ ડોલર રહેશે તેમ મનાય છે. આને કારણે ગોલ્ડની આયાતમાં જોવા મળેલી વૃદ્ધિને ખાળી શકાશે. 2022-23માં 37 અબજ ડોલર સામે અત્યાર સુધીમાં 39.6 અબજ ડોલરનું સોનું આયાત થઈ ચૂક્યું છે. જે વર્ષની આખર સુધીમાં 44 અબજ ડોલર સુધી પહોંચવાની ગણતરી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

આલોક ઈન્ડસ્ટ્રીઝઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેક્સટાઈલ કંપનીમાં રૂ. 3300 કરોડના નોન-કન્વર્ટિબલ રિડિમેબલ પ્રેફરન્શિયલ શેર્સ ખરીદ્યાં છે. આ પ્રેફરન્શિયલ શેર્સ પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર આપવામાં આવ્યાં છે. જે 9 ટકાનો ડિવિડન્ડ રેટ ધરાવે છે. તેમજ તેને એલોટમેન્ટના 20 વર્ષથી વધુ નહિ તેવા કોઈપણ સમયે રિડિમેબલ કરાવી શકાય છે. આ અહેવાલ પાછળ આલોક ઈન્ડસ્ટ્રીઝનો શેર 20 ટકાની અપર સર્કિટ્સમાં બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડ. કંપનીની પ્રમોટર કંપની છે. જેમાં જેએમ ફાઈનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સહ-ભાગીદાર છે.
આઈશર મોટર્સઃ ઓટોમોબાઈલ કંપનીએ રૂ. 130 કરોડની ટેક્સની માગણી કરતી નોટિસ મેળવી છે. કંપનીને વિવિધ ઓથોરિટીઝ તરફથી જીએસટી સંબંધમાં આ નોટિસો ફટકારવામાં આવી છે. જેમાં રૂ. 129.79 કરોડની કુલ રકમનો સમાવેશ થાય છે. આમાંથી રૂ. 11.8 કરોડની રકમ પેનલ્ટી પેટે માગવામાં આવી છે. કંપનીના ફાઈલીંગ મુજબ ચેન્નાઈ સ્થિત સીજીએસટી અને એક્સાઈઝના પ્રિન્સિપલ કમિશ્નર તરફથી આ નોટિસ મળી છે.
એચએફસીએલઃ ઓપ્ટિકલ ફાઈબર ઉત્પાદક કંપનીએ બીએસએનએલ તરફથી રૂ. 1127 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. તેણે દેશભરમાં ઓપ્ટીકલ ટ્રાન્સપોર્ટ નેટવર્કના ટ્રાન્સફોર્મેશન માટે આ ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટેક્નોલોજીની સ્થાપના માટે નોકિયા નેટવર્ક્સ સાથે ભાગીદારી કરી છે.
ઝોમેટોઃ ફૂડ ડિલિવરી કંપનીએ પસંદગીના માર્કેટ્સ માટે તેની ફરજિયાત પ્લેટફોર્મ ફીને રૂ. 3 પરથી વધારી રૂ. 4 કરી છે. નવી ફી 1 જાન્યુઆરીથી વસૂલવામાં આવશે. જે તમામ ગ્રાહકો પર લાગુ પડશે. કંપનીની હરિફ કંપની સ્વિગીએ પણ ગયા વર્ષે રૂ. 2ની ફી લોંચ કરી હતી. જેને પાછળથી રૂ. 3 કરી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage