શેરબજારમાં બીજા દિવસે સેન્સેક્સ પોઝીટીવ, નિફ્ટીમાં નરમાઈ
ઈન્ટ્રા-ડે 200 પોઈન્ટ્સની રેંજમાં નિફ્ટી અથડાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.3 ટકા તૂટી 15.73ની સપાટીએ
બ્રોડ માર્કેટમાં નવી ખરીદીનો અભાવ
આઈટી, એફએમસીજીમાં સતત મજબૂતી
મેટલ, એનર્જી, પીએસયૂ બેંક્સમાં નરમાઈ
આઈટીસી, કેપીઆઈટી ટેક સર્વોચ્ચ ઊંચાઈએ
વ્હર્લપુલ, જ્યુબિલિઅન્ટ ફૂડ વાર્ષિક તળિયા પર
ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે અસંતુલિત ટ્રેડ જોવા મળ્યો હતો. જેની પાછળ સેન્સેક્સ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જ્યારે નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 224.16 પોઈન્ટ્સના સુધારે 59932ની સપાટીએ જ્યારે નિફ્ટી 6 પોઈન્ટ્સ ઘટાડા પાછળ 17610ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટી ફ્યુચર્સ 58 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17668 પર બંધ જળવાયો હતો. જે અગાઉના દિવસની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એ છે કે માર્કેટમાં નવી લોંગ પોઝીશન ઉમેરાઈ નથી. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3627 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1926 નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1578 જ સુધારો દર્શાવી રહ્યાં હતાં. 97 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 169 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.3 ટકા તૂટી 15.73ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં યુએસ ફેડની ડોવિશ ટિપ્પણી પાછળ મજબૂતી છતાં ગુરુવારે ભારતીય બજારની શરૂઆત નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી 17616ના અગાઉના બંધ સામે 17517ની સપાટી પર ખૂલી એક તબક્કે ઉછળી 17654ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી ઊંધા માથે પટકાયો હતો અને 17455 પર ટ્રેડ થઈ સાધારણ નરમાઈ સાથે બંધ જળવાયો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી નજીકમાં 17450-17650ની રેંજમાં અટવાઈ પડ્યો છે. 17700નું સ્તર પાર કરશે તો 18000 સુધીનો સુધારો સંભવ છે. જ્યારે ઘટાડે તેના માટે 17350નું બજેટ દિવસનું બોટમ મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો 17100-17200ની રેંજ જોવા મળી શકે છે. નિફ્ટીને ગુરુવારે સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં એફએમસીજી મુખ્ય હતાં. જેમાં આઈટીસી, બ્રિટાનિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચયૂએલ, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. આનાથી ઊલટું નિફ્ટી પર દબાણ ઊભું કરનાર કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, યૂપીએલ, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ અને હીરોમોટોકોર્પ હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી અને એફએમસીજીમાં ભારે લેવાલી જોવા મળી હતી. જ્યારે મેટલ, એનર્જી અને પીએસયૂ બેંક્સમાં વેચવાલી નીકળી હતી. આઈટી ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.83 ટકા મજબૂતીએ બીજા દિવસે 30 હજારની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી સુધરવામાં ટોચ પર હતો. કંપનીનો શેર 4.55 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસ, કોફોર્જ, વિપ્રો અને એચસીએલ ટેક પણ મજબૂતી દર્શાવતાં હતાં. એકમાત્ર ટેક મહિન્દ્રા બીજા દિવસે પણ નરમ જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી 2.3 ટકા ઉછળ્યો હતો. જેમાં આઈટીસીનું યોગદાન મુખ્ય હતું. શેર 5 ટકા સુધારા સાથે રૂ. 378.60ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત બ્રિટાનિયામાં 4.6 ટકા જ્યારે હિંદુસ્તાન યુનિલિવરમાં 2.35 ટકાનો છાળો જોવા મળ્યો હતો. જોકે જ્યુબિલિઅન્ટ ફૂડ, વરુણ બેવરેજિસ, ડાબર ઈન્ડિયા, મેરિકો અને નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી. મેટલ ઈન્ડેક્સમાં ઘટાડાનું મુખ્ય કારણ અદાણી એન્ટરપ્રાઈઝ હતું. શેર 27 ટકા તૂટ્યો હતો. આ સિવાય જિંદાલ સ્ટીલ પણ 5.5 ટકા ગગડ્યો હતો. જ્યારે તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, મોઈલ, એનએમડીસીમાં પણ એક ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 2.3 ટકા ગગડ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન એનર્જી 10 ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત ગેઈલ, હિંદુસ્તાન પેટ્રો., એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી અને બીપીસીએલમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો સુધરવામાં અંબુજા સિમેન્ટ્સ ટોચ પર હતો. કંપનીનો શેર 5.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત કેન ફિન હોમ્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈડીએફસી, આઈટીસી, આરબીએલ બેંક, બ્રિટાનિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, વોલ્ટાસ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ડસઈન્ડ બેંક નોંધપાત્ર મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ બિરલા સોફ્ટ 8 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત વ્હર્લપુલ, યૂપીએલ, જિંદાલ સ્ટીલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, એચડીએફસી લાઈફ, બંધન બેંક, મેક્સ ફાઈનાન્સિયલ, મહાનગર ગેસ, ડિવિઝ લેબ્સ, ઈન્ડિયન હોટેલ્સ પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. કેટલાંક શેર્સ વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી રહ્યાં હતાં. જેમાં કેપીઆઈટી ટેક, રાજેશ એક્સપોર્ટ્સ, બ્લ્યૂસ્ટાર, આઈટીસી, બ્રિટાનિયા, પીએનસી ઈન્ફ્રા, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, પોલીકેબનો સમાવેશ થતો હતો. જ્યારે કેટલાંક વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં ટીસીઆઈ એક્સપ્રેસ, ઈપીએલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, એચડીએફસી લાઈફ, સીડીએસએલ અને ગ્લેક્સોસ્મિથલાઈનનો સમાવેશ થતો હતો.
સોનામાં ભારે તેજી પાછળ ભાવ પ્રથમવાર રૂ. 60 હજારને પાર
યુએસ ફેડ તરફથી ડોવિશ ટોન પાછળ ભારતીય બજારમાં સોનુ રૂ. 60700ની વિક્રમી સપાટીએ પહોંચ્યું
MCX ગોલ્ડ વાયદો રૂ. 58800ને પાર કરી ગયો
સિલ્વર ફ્યુચર્સ પણ રૂ. 2100 ઉછળી રૂ. 72000 નજીક પહોંચ્યો
કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 1968 ડોલરની આઁઠ મહિનાની ટોચે ટ્રેડ થયો
કેલેન્ડર 2023માં ડોલર ટર્મમાં ગોલ્ડનું આઁઠ ટકા રિટર્ન
સ્થાનિક કોમેક્સ ખાતે સોનાએ 6 ટકા વળતર આપ્યું
સોનામાં ભારે તેજી જોવા મળી રહી છે. નવા કેલેન્ડરના પ્રથમ મહિનામાં મજબૂતી દર્શાવનાર ગોલ્ડમાં બીજા મહિના દરમિયાન પણ તેજી જળવાય છે. જેમાં ગુરુવારે સ્થાનિક બજારમાં ભાવ પ્રથમવાર રૂ. 60 હજારની ઐતિહાસિક સપાટી પર જોવા મળ્યા હતાં. અમદાવાદ બુલિયન બજારમાં પ્યોર ગોલ્ડના ભાવ ઊંચામાં રૂ. 60700 સુધી બોલાયા હતા. જે બુધવારની સરખામણીમાં 10 ગ્રામે એક હજારનો સુધારો દર્શાવતાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ 1.5 ટકા મજબૂતી અથવા રૂ. 850ના સુધારે રૂ. 58826ની ઓલ-ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યાં હતાં. વૈશ્વિક બજારમાં ગોલ્ડ વાયદો 1968 ડોલરની આંઠ મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. સોના પાછળ ચાંદીમાં પણ ઝડપી તેજી જોવા મળી હતી અને તે રૂ. 72000ની સપાટી પર જોવા મળી હતી. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 2100 ઉછળી રૂ. 71900 પર ટ્રેડ થયો હતો.
ગુરુવારના સુધારા સાથે કેલેન્ડરમાં અત્યાર સુધીમાં ડોલર સંદર્ભમાં ગોલ્ડ 8 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. 2023માં વૈશ્વિક ગોલ્ડ 140 ડોલર જેટલું સુધરી ચૂક્યું છે. જે જાન્યુઆરી મહિનાના સંદર્ભમાં અસાધારણ કહી શકાય. સ્થાનિક બજારમાં ગોલ્ડમાં 6 ટકાનું રિટર્ન જોવા મળે છે. વૈશ્વિક બજારની સરખામણીમાં નીચા રિટર્નનું કારણ ડોલર સામે રૂપિયામાં મજબૂતી છે. જોકે 2022માં રૂપિયામાં નોંધપાત્ર ઘટાડાને કારણે ભારતીય બજારમાં ગોલ્ડ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યું છે. જ્યારે વૈશ્વિક બજારમાં તે 2080 ડોલરની ઓલ-ટાઈમ હાઈ કરતાં 120 ડોલર છેટે ટ્રેડ થઈ રહ્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે ગોલ્ડમાં હજુ પણ વધુ સુધારો જોઈ રહ્યાં છે. તેમના મતે વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1980-1985 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવી શકે છે. જોકે ટૂંકાગાળામાં તે ઓવરબોટ છે અને તેથી ટ્રેડર્સે નફો બુક કરવો જોઈએ અને ઘટાડાની રાહ જોવી જોઈએ. હાલમાં શોર્ટ સેલર્સ ભરાઈ પડ્યાં છે એમ બજાર વર્તુળો માની રહ્યાં છે. બુધવારે ફેડ તરફથી અપેક્ષિત 25 બેસીસ પોઈન્ટસની વૃદ્ધિ સાથે ડોવિશ ટોન પાછળ ડોલર ઈન્ડેક્સ 10 મહિનાના તળિયા પર ટ્રેડ થયો હતો. તે 101ની સપાટી નીચે ઉતરી ગયો હતો.
સ્થાનિક બુલિયન બજારમાં ઊંચા ભાવો પાછળ ઘરાકી થંભી ગઈ છે. ઉપરાંત લગ્નગાળાની સિઝન પણ ઘણી ખરી પૂરી થઈ ચૂકી હોવાથી દાગીનાની માગ ઘટી છે. બીજી બાજુ ઊંચા ભાવે પણ જૂના સોનાની આવકો પાંખી જોવા મળી રહી છે. ગોલ્ડ પાછળ ચાંદીમાં પણ બુધવારે ભારે તેજી જોવા મળી હતી. છેલ્લાં એક મહિનાથી ગોલ્ડની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર ચાંદીએ ગુરુવારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. એમસીએક્સ સિલ્વર ફ્યુચર 3 ટકા અથવા રૂ. 2100ના ઉછાળે રૂ. 71900ની છેલ્લાં એક વર્ષથી વધુ સમયની ટોચ પર ટ્રેડ થયો હતો. તેના માટે હવેનો ટાર્ગેટ રૂ. 73000નો છે. જે પાર થશે તો રૂ. 75000નું સ્તર જોવા મળી શકે છે. ચાંદીએ જુલાઈ 2020માં રૂ. 77 હજારની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારબાદ તે રૂ. 54000 પર ટ્રેડ થઈ હતી. ચાલુ કેલેન્ડરમાં ભારતીય બજારમાં તે રૂ. 3100 અથવા 4.5 ટકા જેટલું રિટર્ન દર્શાવી ચૂકી છે. જ્યારે વૈશ્વિક બજારમાં તે 2.6 ટકાનું રિટર્ન સૂચવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જો ચાંદી ડોલર ટર્મમાં 24.7 ડોલરની સપાટી પાર કરશે તો તેના માટે 27 ડોલરની ઝડપી તેજી સંભવ છે. ગુરુવારે તે 24.45 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી હતી.
અદાણી જૂથ કંપનીઓએ છ સત્રોમાં 107 અબજ ડોલરની માર્કેટ વેલ્થ ગુમાવી
ગુરુવારે જૂથ કંપનીઓમાં વેચવાલી પાછળ વધુ 16 અબજ ડોલરનું ગાબડું પડ્યું
પ્રમોટર્સની વેલ્થમા 12 અબજ ડોલરનો વધુ ઘટાડો નોંધાયો
અદાણી એન્ટરપ્રાઈઝ 27 ટકા ગગડી રૂ. 1565ના વર્ષના તળિયે બંધ રહ્યો
અદાણી ટોટલ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીનમાં સેલર સર્કિટ
અદાણી જૂથે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝની ફોલો-ઓન ઓફરને પરત ખેંચ્યાંના બીજા દિવસે ગુરુવારે જૂથ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલીનો ક્રમ જળવાયો હતો. જેમાં જૂથ કંપનીઓના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં વધુ 16 અબજ ડોલરનું ધોવાણ નોંધાયું હતું. જે સાથે છેલ્લાં છ સત્રોમાં અદાણી જૂથનું એમ-કેપ 107 અબજ ડોલરથી વધુ ગગડી ચૂક્યું છે. રૂપિયાના સંદર્ભમાં તે રૂ. 8.7 લાખ કરોડથી વધુ બેસે છે. પ્રમોટર અદાણી પરિવારની વેલ્થમાં ગુરુવારે વધુ 12 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો અને તેમની વેલ્થ 70 અબજ ડોલર નીચે ઉતરી ગઈ હતી.
ગુરુવારે માત્ર બે જૂથ કંપનીઓને બાદ કરતાં તમામ કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. અંબુજા સિમેન્ટનો શેર 5.33 ટકા સુધારે જ્યારે એસીસીનો શેર સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 26.7 ટકાના તીવ્ર ઘટાડે રૂ. 1565.25ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે ત્રીસ ટકાથી વધુ ઘટાડે રૂ. 1494.75ના સ્તરે જોવા મળ્યો હતો. આ ઉપરાંત અદાણી જૂથની અન્ય કંપનીઓના શેર્સ પાંચ ટકાથી લઈ 10 ટકાની સેલર સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. અદાણી પોર્ટનો શેર 6 ટકા ઘટાડો દર્શાવતો હતો. બુધવારે બજેટના દિવસે મોડી સાંજે અદાણી જૂથે અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓને પરત ખેંચ્યો હતો અને તમામ રકમ રોકાણકારોને પરત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ રોકાણકારોને ઉદ્દેશીને એક વિડિયોમાં જૂથની કામગીરી રાબેતા મુજબ હોવાનું જણાવવા સાથે તેમના કેપિટલ માર્કેટ પ્લાન્સને લઈને ભવિષ્યમાં નવેસરથી વિચારણા હાથ ધરાશે એમ જણાવ્યું હતું. દરમિયાનમાં બેંક રેગ્યુલેટરે દેશના લેન્ડર્સ પાસેથી અદાણી જૂથમાં તેમના એક્સપોઝરની વિગતો માગી હતી. જેને વિવિધ બેંકિંગ કંપનીઓએ રોકાણકારોની જાણ માટે જાહેર પણ કરી હતી.
અદાણી કંપનીઓનો ગુરુવારે દેખાવ
કંપની ભાવમાં ઘટાડો(ટકામાં)
અદાણી એન્ટરપ્રાઈઝ -26.50
અદાણી પાવર -4.98
અદાણી પોર્ટ -6.13
અદાણી ટોટલ -10.00
અદાણી ટ્રાન્સમિશન -10.00
અદાણી ગ્રીન -10.00
એસીસી 0.05
અંબુજા સિમેન્ટ 5.33
અદાણી વિલ્મેર -4.99
સિટિગ્રૂપ ઈન્કે પણ અદાણી જૂથની સિક્યૂરિટીઝ સામે માર્જિન લોન અટકાવી
સિટીગ્રૂપ ઈન્કે ગૌતમ અદાણીની આગેવાની ધરાવતાં અદાણી ગ્રૂપની સિક્યૂરિટીઝને માર્જિન લોન્સ પેટે કોલેટરલ તરીકે સ્વીકારવાનું બંધ કર્યું છે. યુએસની હિંડેનબર્ગ તરફથી ગંભીર આક્ષેપો બાદ ભારતીય ટાયકૂનના ફાઈનાન્સિસને લઈને વધેલી સ્ક્રૂટિનીને લઈને બેંકિંગ કંપનીએ આ નિર્ણય લીધો છે. બુધવારે ક્રેડિટ સ્વીસે પણ આ પ્રકારનો નિર્ણય લીધો હતો. સિટિગ્રૂપે એક ઈન્ટરનલ મેમોમાં જણાવ્યું હતું કે તાજેતરમાં અદાણીના શેર્સમાં નાટ્યાત્મક ભાવ ઘટાડો જોવા મળ્યો છે. જૂથની ફાઈનાન્સિયલ હેલ્થને લઈને જોવા મળી રહેલા નેગેટિવ અહેવાલોને પગલે સ્ટોક અને બોન્ડના ભાવોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે એમ બેંકે નોંધ્યું છે. બેંકે જણાવ્યું છે કે તેણે તત્કાળ અસરથી અદાણી જૂથ તરફથી ઈસ્યુ કરવામાં આવેલી તમામ લેન્ડિંગ વેલ્યૂને દૂર કરવાનો નિર્ણય લીધો છે. બેંકના અંદાજોને જોઈએ તો માર્જિન લેન્ડિંગ પોર્ટફોલિયો પર તેના નિર્ણયની કોઈ ખાસ અસર નહિ પડે. સિટિગ્રૂપના પ્રવક્તાએ કોઈ સત્તાવાર ટિપ્પણીનો ઈન્કાર કર્યો હતો. ભારતીય અબજોપતિની કંપનીના બોન્ડ્સ યુએસ ટ્રેડિંગમાં ડિસ્ટ્રસ્ડ લેવલ્સમાં પ્રવેશ્યાં હતાં. કંપનીના શેર્સમાં 92 અબજ ડોલર સુધીના તીવ્ર ધોવાણ બાદ અદાણી જૂથે બુધવારે રાતે અદાણી એન્ટરપ્રાઈઝિસના 20 હજાર કરોડના એફપીઓને પરત ખેંચ્યો હતો. પ્રતિકૂળ માર્કેટ સ્થિતિ વચ્ચે પણ કંપનીનો એફપીઓ મંગળવારે સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. જોકે ગુરુવારે પણ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર્સમાં ઘટાડો ચાલુ રહ્યો હતો અને તેઓ જંગી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે કોઈ ખાનગી બેંક લેન્ડિંગ વેલ્યૂને ઝીરો કરે છે ત્યારે ગ્રાહકે કેશ અથવા અન્ય પ્રકારનો કોલેટરલ વડે ટોપ અપ આપવું પડે છે. જેમ કરવામાં તે નિષ્ફળ રહે તો તેમની સિક્યૂરિટીઝ લિક્વિડેટ કરવામાં આવતી હોય છે.
SBIનું અદાણી જૂથ કંપનીઓને 2.6 અબજ ડોલરનું ધિરાણ
બેંકની વિદેશી શાખાઓ પણ અદાણી જૂથમાં 20 કરોડ ડોલરનું એક્સપોઝર ધરાવે છે
દેશમાં સૌથી મોટા લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અદાણી જૂથ કંપનીઓને 2.6 અબજ ડોલર(લગભગ રૂ. 21 હજાર કરોડ)નું ધિરાણ કર્યું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. બેંકે તેને કાયદેસર મંજૂરીના અડધા ભાગનું ધિરાણ કર્યું હોવાનું તેઓ જણાવે છે. એસબીઆઈના અદાણી જૂથના એક્સપોઝરમાં બેંકના વિદેશી એકમોએ આપેલા 20 કરોડ ડોલરના ધિરાણનો સમાવેશ પણ થાય છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે.
દરમિયાનમાં ગુરુવારે સવારે એસબીઆઈ બેંકના ચેરમેન દિનેશ કુમારે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ લોનની સમયસર ચૂકવણી કરી રહી છે અને હાલમાં તેમને નજીકના ભવિષ્યમાં બેંકના ધિરાણને લઈ કોઈ પડકાર જોવા મળી રહ્યો નથી. બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની બેંકોને અદાણી જૂથમાં તેમના એક્સપોઝરની વિગતો આપવા જણાવ્યું છે. હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથ શેર્સમાં જોવા મળેલા તીવ્ર ઘટાડા પાછળ આમ કરવામાં આવ્યું છે. એસબીઆઈના પ્રવક્તાએ આ અંગે સત્તાવાર કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. અદાણી જૂથની કંપનીઓને વિવિધ બેંકનું એક્સપોઝર હાલમાં સ્ક્રૂટિની હેઠળ જોવા મળે છે. કેટલી વિદેશી પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓએ અદાણી જૂથની સિક્યૂરિટીઝ પર માર્જિન લોન આપવાનું બંધ કર્યું છે. અદાણી જૂથે યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડેનબર્ગ તરફથી કરવામાં આવેલા આક્ષેપોને જૂઠાં અને પાયાવિહોણા ગણાવ્યાં છે. એસબીઆઈ ઉપરાંત અન્ય ભારતીય બેંક્સ પણ અદાણી જૂથ તેની લોન ચૂકવણી સમયસર કરી શકશે તેવો વિશ્વાસ ધરાવે છે. જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક પણ અદાણી જૂથમાં રૂ. 7000 કરોડનું એક્સપોઝર ધરાવે છે. પ્રાઈવેટ સેક્ટરની આઈડીએફસી ફર્સ્ટ બેંકે ગુરુવારે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તે અદાણી જૂથમાં બેંકના કુલ લોન પોર્ટફોલિયોના 0.1 ટકાથી નીચું એક્સપોઝર ધરાવે છે. દરમિયાનમાં ઈન્ડસઈન્ડ બેંક અદાણી જૂથમાં બેંકની લોન બુકના 0.5 ટકા એક્સપોઝર ધરાવે છે. અગાઉ એલઆઈસીએ પણ બેંકમાં તેના રૂ. 26 હજાર કરોડથી વધુનું રોકાણ હોવાની જાહેરાત કરી હતી.
ડોલર સામે રૂપિયામાં 40 પૈસાનો ઘટાડો
યુએસ ડોલર સામે સ્થાનિક રૂપિયો ગુરુવારે 40 પૈસા ગગડી 82.20ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં રૂપિયો ઘસાયો હતો. બજેટના દિવસે લગભગ ફ્લેટ બંધ દર્શાવ્યાં બાદ ગુરુવારે રૂપિયો 81.81ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 81.71ની ટોચને સ્પર્શ્યો હતો. જ્યાંથી ગગડી 82.20ના ઈન્ટ્રા-ડે લો પર ટ્રેડ થયો હતો. જ્યારે ત્યાં જ બંધ જોવા મળ્યો હતો. છ અગ્રણી કરન્સિઝ સામેનો ડોલર ઈન્ડેક્સ 101ની સપાટી નીચે 100.67ના આંઠ મહિનાના તળિયા પર ટ્રેડ થયો હતો. કેલેન્ડરમાં અત્યાર સુધી જોકે રૂપિયો ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે.
HDFCએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3,691 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો
દેશમાં ટોચના મોર્ગેજ લેન્ડરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 3,691 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 13 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મોર્ગેજ અગ્રણીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3,261 કરોડનો નફો નોંધાવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટમાં 13.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 7.01 લાખ કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.19 લાખ કરોડ પર હતી. કંપનીના એયૂએમમાં વ્યક્તિગત લોનનો હિસ્સો 82 ટકા જેટલો હતો. જ્યારે વ્યક્તિગત લોન બુકમાં 18 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીની ગ્રોસ ઈન્ડિવિડ્યુઅલ એનપીએલ ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં 1.44 ટકા પરથી ગગડી ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં 0.86 ટકા પર જોવા મળી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
અશોક લેલેન્ડઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 319 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 121.6 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6,659.8 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 10,399.7 કરોડ રહી હતી.
આરપીજી લાઈફઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 19.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા રૂ. 14.6 કરોડની સરખામણીમાં 31 ટકા ઊંચો છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 115.6 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 130.6 કરોડ રહી હતી.
બ્રિટાનિયાઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 932 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જેમાં રૂ. 371 કરોડની સિંગલ ટાઈમ એસેટ સેલ ઈન્કમનો સમાવેશ થતો હતો. કંપનીના માર્જિન 16.1 ટકાની અપેક્ષા સામે 3.3 ટકા ઉછળી 19.5 ટકા પર જોવા મળ્યાં હતાં.
કોલ ઈન્ડિયાઃ દેશની સૌથી મોટી કોલ માઈનીંગ કંપનીએ જાન્યુઆરી 2023માં 7.19 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે. જે વાર્ષિક ધોરણે 11.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
જિલેટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 74.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા રૂ. 71 કરોડની સરખામણીમાં 6 ટકા વધુ છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 563.4 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 10 ટકા વધી રૂ. 619 કરોડ રહી હતી
ઝુઆરી એગ્રોઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 69.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા રૂ. 30 કરોડની સરખામણીમાં 130 ટકા વધુ છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 959.5 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1,416.2 કરોડ રહી હતી.
ટિમકેનઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 70.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 69.8 કરોડની સરખામણીમાં સાધારણ ઊંચો છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 510 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 20 ટકા વધી રૂ. 609.4 કરોડ રહી હતી.
તાતા કેમિકલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 425 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા રૂ. 680 કરોડની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4239 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 4,148 કરોડ રહી હતી.
અજંતા ફાર્માઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 170 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા રૂ. 240 કરોડની સરખામણીમાં નોંધપાત્ર નીચો છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 838 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 972 કરોડ રહી હતી.
સિન્જિનઃ સીએમઓ કંપનીની પેરન્ટ કંપની બાયોકોને બુધવારે સિન્જિનના 4 કરોડ શેર્સનું ઓપન માર્કેટમાં વેચાણ કર્યું હતું. આ વેચાણ મારફતે કંપનીએ લગભગ રૂ. 2200 કરોડથી વધુ રકમ ઊભી કરી હતી.
ઝેડએફ કમર્સિયલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 85.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા રૂ. 32 કરોડની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 652.9 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 876.1 કરોડ રહી હતી.