સતત વેચવાલીના દબાણે શેરબજારમાં સુધારો અલ્પજીવી નિવડ્યો
નિફ્ટી 17400ની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.23 ટકા ઘટી 12.97ની સપાટીએ
રિઅલ્ટી, પીએસઈ અને એનર્જી સિવાય અન્યત્ર નરમાઈ
અદાણી જૂથ શેર્સમાં બીજા દિવસે પોઝીટીવ સેન્ટિમેન્ટ
જીંદાલ સ્ટેનસેલ, ગુજરાત પીપાવાવ વાર્ષિક ટોચે
લૌરસ લેબ્સ, સિપ્લા, રિલેક્સો 52-સપ્તાહના તળિયે
શેરબજારમાં બુધવારે જોવા મળેલો સુધારો અલ્પજીવી નીવડ્યો હતો અને બજાર ફરી ઘટાડાતરફી બન્યું હતું. વૈશ્વિક બજારોમાં પણ મિશ્ર માહોલ વચ્ચે કોઈ ચોક્કસ દિશા સંકેતના અભાવે સ્થાનિક બજારમાં વેચવાલી જળવાય હતી. બીએસઈ સેન્સેક્સ 502 પોઈન્ટ્સ ગગડી 58,909ની સપાટીએ જ્યારે નિફ્ટી 129 પોઈન્ટ્સના ઘટાડે 17,322ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ઊંચી વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 35 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યાર 15 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ થોડી સારી હતી અને બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3600 કાઉન્ટર્સમાંથી 1881 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1577 પોઝીટીવ જોવા મળતાં હતાં. 110 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 59 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.23 ટકાના સાધારણ ઘટાડે 12.97ની સપાટીએ બંધ જોવા મળતો હતો.
ગુરુવારે ભારતીય બજારની શરૂઆત નેગેટિવ જોવા મળી હતી અને સમગ્ર દિવસ દરમિયાન બજાર રેડ ઝોનમાં જ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. નિફ્ટી અગાઉના 17451ના બંધ સામે 17422ની સપાટી પર ખૂલી વધુ ઉપરમાં 17446ની ટોચ બનાવી 17306ના ઈન્ટ્રા-ડે તળિયા પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ જોવા મળ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 66 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17,388ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 90 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવતો હતો. આમ માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી હોય તેમ જણાય છે. જે બજારમાં તીવ્ર બાઉન્સની શક્યતાંને નકારે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને હવે 17255 અને 17205ના સપોર્ટ છે. જે મહત્વના છે. તે તૂટશે તો બેન્ચમાર્ક 16800 સુધી ઘટાડો દર્શાવી શકે છે. ભારતીય બજાર ડિસેમ્બર મહિનાની તેની 18800 ઉપરની ટોચ પરથી લગભગ 1500 પોઈન્ટ્સ જેટલું ગગડી ચૂક્યું છે. ચાલુ કેલેન્ડરમાં તે અન્ડરપર્ફોર્મર બની રહ્યું છે. જે આગામી સમયગાળામાં પણ જળવાય રહેવાની શક્યતાં છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, હિરોમોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ અને એચસીએલ ટેક મુખ્ય હતાં. બીજી બાજુ મારુતિ સુઝુકી 2.5 ટકા સાથે નિફ્ટી શેર્સમાં સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત એક્સિસ બેંક, ટીસીએસ, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ, ઈન્ફોસિસ, નેસ્લે, ટેક મહિન્દ્રા, સિપ્લા અને એચડીએફસી લાઈફમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો રિઅલ્ટી અને એનર્જી શેર્સને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો ઘટાડો દર્શાવતાં હતાં. રિઅલ્ટી ઈન્ડેક્સ સતત ચોથા સત્રમાં સુધર્યો હતો અને 2 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં સોભા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી અને હેમિસ્ફિઅર મજબૂત જોવા મળતાં હતાં. નિફ્ટી એનર્જી કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન એનર્જી ત્રીજા દિવસે 5 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. આ ઉપરાંત બીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસીમાં પણ મજબૂતી જોવા મળી હતી. પીએસઈ કાઉન્ટર્સમાં સમગ્રતયા મજબૂતી જોવા મળી રહી હતી. જેમાં ભેલ, કોલ ઈન્ડિયા, સેઈલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, આરઈસી, પાવર ફાઈનાન્સ અને એનએચપીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ એનટીપીસી, કોન્કોર, એનએમડીસી, નાલ્કો, ઓએનજીસીમાં ઘટાડો જોવા મળતો હતો. બેંક નિફ્ટી 0.76 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એક્સિસ બેંક 2.3 ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીએફસી બેંક, પીએનબી, ફેડરલ બેંક, એસબીઆઈ, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી આઈટી 1.3 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં ટીસીએસ 2 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી અડધો ટકો ડાઉન જોવા મળતો હતો. જેમાં ઈમામી, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર, આઈટીસી અને યુનાઈટેડ બ્રૂઅરીઝનો સમાવેશ થતો હતો. નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મા પણ સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અંબુજા સિમેન્ટ્સ 5 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળતો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, ભેલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, વોલ્ટાસ, કોલ ઈન્ડિયા, એસીસી, ટોરેન્ટ પાવર, ઈન્ડિયા સિમેન્ટ્સ, હિંદુસ્તાન પેટ્રો, જેકે સિમેન્ટ અને આઈઓસીમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ સિમેન્ટ 4 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત એસ્કોર્ટ્સ કુબોટા, ઈન્ટીલેક્ટ ડિઝાઈન, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, લૌરસ લેબ્સ, મારુતિ સુઝુકી, ગ્લેનમાર્ક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ અને એસિસ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સોનાટા, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જિંદાલ સ્ટેનલેસ, ઈક્વિટાસ બેંક અને ગુજરાત પીપાવાવનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં બ્રાઈટકોમ ગ્રૂપ, લૌરસ લેબ્સ, સિપ્લા, અવંતી ફિડ્સ, રોસારી બાયોટેક, રિલેક્સો ફૂટવેર, થાયરોકેર ટેક્નોલોજી અને ઈન્ડિગો પેઈન્ટ્સનો સમાવેશ થતો હતો.
સસ્તી જિનોમ ટેસ્ટીંગ કિટ અંબાણીનું એક વધુ ડિસ્રપ્શન
કંપની આગામી સપ્તાહોમાં બજારમાં જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કીટ બજારમાં લોંચ કરે તેવી શક્યતાં
145 ડોલરમાં કિટનો પ્રોજેક્ટ 140 કરોડ ભારતીયોનો જંગી બાયોલોજિકલ ડેટા ઊભો કરશે, જે ડ્રગ ડેવલપમેન્ટ અને રોગ નિવારણમાં ઉપયોગી બની શકે છે
એશિયામાં સૌથી મોટા ધનપતિ મુકેશ અંબાણીનું રિલાયન્સ જૂથ જેનેટિક મેપીંગમાં પ્રવેશી રહ્યું છે. જે યુએસ સ્ટાર્ટઅપ્સ જેવાકે 23એન્ડમીના રસ્તે ભારતીય હેલ્થ કેર માર્કેટમાં એક ડિસ્રપ્શન માટે તૈયાર જણાય છે.
એનર્જી-ટુ-ઈકોમર્સ કોંગ્લોમેરટ આગામી કેટલાં સપ્તાહોમાં રૂ. 12000(145 ડોલર)ના ખર્ચે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કીટ બજારમાં લોંચ કરશે એમ આ કિટને તૈયાર કરનાર સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સિઝના સીઈઓ જણાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2021માં આ કંપનીને ખરીદી હતી. હાલમાં તે કંપનીમાં 80 ટકા હિસ્સો ધરાવે છે. હાલમાં બજારમાં પ્રાપ્ય જીનોમ ટેસ્ટીંગ કિટની સરખામણીમાં 86 ટકા સસ્તાં ખર્ચે ઉપલબ્ધ ટેસ્ટ વ્યક્તિની કેન્સર્સ, કાર્ડિયાક અને ન્યૂરો-ડિજનરેટીવ બિમારીઓ તેમજ આનુવંશિક જેનેટીક ડિસઓર્ડર્સને લઈને આગોતરી વિગતો પૂરી પાડશે. આ પ્રોજેક્ટ ભારતના 1.4 અબજ લોકોને પોસાય શકે તેવા દરમાં જીન-મેપીંગ પ્રાપ્ય બનાવશે. જે સંભવિત જંગી બાયોલોજિકલ ડેટા ઊભો કરશે. જે દેશમાં ભવિષ્યમાં ડ્રગ ડેવલપમેન્ટ અને રોગ નિવારણમાં સહાયરૂપ બની રહેશે. તે અંબાણી તરફથી અગાઉ ઘણીવાર જેને ‘ન્યૂ ઓઈલ’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે તે ડેટા બિઝનેસમાં પ્રવેશવાની તેમની મહત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવશે. તેઓ તેમના 192 અબજ ડોલરના સામ્રાજ્યનું વૈવિધ્યીકરણ કરી તેને રિફાઈનીંગ ઉપરાંત કન્ઝ્યૂમર અને ડિજીટલ સર્વિસિઝમાં લઈ ગયાં છે. અંબાણી તરફથી બજારમાં રજૂ થનારી જીનોમ પ્રોફાઈલ કિટ વિશ્વમાં સૌથી સસ્તી કિટ હશે એમ કિટ ઉત્પાદ કંપનીના સીઈઓ ઉમેરે છે. તેમના જણાવ્યા મુજબ તેઓ કિટના વપરાશને વેગ આપવા માટે આક્રમક પ્રાઈસ પોઈન્ટ રાખશે, જેથી તેમને પ્રિવેન્ટિવ હેલ્થ કેર બિઝનેસ બનાવવાની તક પ્રાપ્ત બનશે. 23એન્ડમી તરફથી 99 ડોલરમાં એન્સેસ્ટ્રી રિપોર્ટ્સ ખરીદી શકાય છે. જ્યારે તેના હેલ્થ પ્લસ એન્સેસ્ટ્રી રિપોર્ટ્સ માટે 199 ડોલરનો ખર્ચ થાય છે. ભારતીય હરિફો મેપમાઈજીનોમ અને મેડજિનોમ તરફથી હેલ્થ રેડ ફ્લેગ્સ માટે સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગનો ખર્ચ 1000 ડોલરથી વધુ થાય છે. કેટલીક ચાઈનીઝ કંપનીઓ તરફથી 599 યુઆર(87 ડોલર) જેટલી સસ્તી ઓફરિંગ્સ જોવા મળે છે. જોકે તે રિલાયન્સની માલિકીની સ્ટ્રેન્ડની કિટ જેટલાં રોગોને આવરી લેતી નથી. અંબાણી માટે પ્રાઈસ ડિસ્રપ્શન નવું નથી. અગાઉ 2006માં રિટેલમાં પ્રવેશ પછી તેમણે તીવ્ર સ્પર્ધાત્મક્તા અપનાવી હતી. જ્યારે 2016માં ટેલિકોમ્યુનિકેશન્સમાં પણ તેમણે આ સ્ટ્રેટેજી અપનાવી હતી. હાલમાં રિલાયન્સ બંને સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. વૈશ્વિક જેનેટિક ટેસ્ટીંગ માર્કેટ 2019માં 12.7 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતું હતું. જ્યારે 2027માં તે 21.3 અબજ ડોલરને સ્પર્શે તેવી અપેક્ષા છે એમ અલાઈડ માર્કેટ રિસર્ચનો એક રિપોર્ટ જણાવે છે. જોકે જીનોમ મેપીંગ કિટનું સસ્તું પ્રાઈસિંગ જ લોકોને આકર્ષવા માટે પૂરતું નથી એમ એક ઈન્વેસ્ટમેન્ટ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટનું કહેવું છે. તેમના મતે દેશમાં આ પ્રકારની સેવા અને તેના લાભોને લઈને પૂરતી જાગૃતિ નથી. રિલાયન્સની ડિજીટલ સર્વિસિઝ અને તેણે તાજેતરમાં કરેલા ઈ-કોમર્સ એક્વિઝીશન્સ જીનોમ ટેસ્ટીંગ પ્રોડક્ટને બજારમાં વેગ આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. જે માટે માત્ર બ્લડ સેમ્પલ્સની જરૂરિયાત રહેશે. જેને ઘરેથી પણ કલેક્ટ કરી શકાય છે.
રિલાયન્સ કેપિટલ માટે NCALTએ એક બિડીંગ માટે વધુ રાઉન્ડની છૂટ આપી
ટોરેન્ટ ગ્રૂપ ટોચની બીડર ઉભર્યાં બાદ બીજા રાઉન્ડ સામે કોર્ટમાં ધા નાખી હતી
નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)એ નાદાર કંપની રિલાયન્સ કેપિટલ માટે એક વધુ બિડિંગ રાઉન્ડ માટે છૂટ આપી છે. આ આદેશને કારણે કંપનીના લેન્ડર્સને બે બીડર્સ-હિંદુજા ગ્રૂપ અને અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપ પાસેથી વધુ સારી ઓફર મેળવવામાં સહાયતા મળશે.
અગાઉ ટોરેન્ટ રૂ. 8640 કરોડની ઓફર સાથે સૌથી મોટા બીડર તરીકે ઉભરી હતી. જોકે ઓક્શન પૂરું થયા બાદ હિંદુજા ગ્રૂપે રૂ. 9000 કરોડ સાથે નવી ઓફર કરી હતી. જેને ધ્યાનમાં લઈ લેન્ડર્સે બીજું ઓક્શન યોજવાની વાત કરી હતી. જેને અટકાવવા માટે ટોરેન્ટ જૂથ કોર્ટમાં ગયું હતું. રિલાયન્સ કેપિટલના લેન્ડર્સે એનસીએલએટી સમક્ષ જણાવ્યું હતું કે કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ(સીઆઈઆરપી) હેઠળ કમિટી ઓફ ક્રેડિટર્સ(સીઓસી)ને શ્રેશ્ઠ પ્રાઈસ ડિસ્કવરીનો અધિકાર છે. તેમજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ હજુ સાઈન થયેલો પ્લાન સીઓસી સમક્ષ વિચારણામાં નથી એ તબક્કે તેની સત્તાની બહાર જઈ કામ કર્યું છે. એનસીએલએટીને લેખિત રજૂઆતમાં વિસ્ટારા આઈટીસીએલે જણાવ્યું હતું કે એનસીએલટીએ સત્તાની બહાર જઈ સીઓસીને ટોરેન્ટના રૂ. 8640 કરોડ અને હિંદુજાના રૂ. 8110 કરોડના પ્લાનમાંથી પસંદ કરવાની ફરજ પાડી હતી. તેણે ઉમેર્યું હતું કે એનસીએલટીએ આ પ્લાન્સ પર કોઈ નજર પણ નાખી નહોતી અને સીઓસી માટે તેનો અભિપ્રાય આપ્યો હતો. જે ઈન્સોલ્વન્સી એન્ડ બેક્ટ્રપ્સિ કોડ(આઈબીસી) હેઠળ માન્ય નથી. એનસીએલટી તરફથી એક્સટેન્ડેડ ચેલેન્જ મિકેનીઝમનો ઈન્કાર અને પ્રથમ ચેલેન્જ મિકેનીઝમ હેઠળ ડિસ્કવરી મુજબ ટોરેન્ટને રિલાયન્સ કેપિટલ એસેટ્સના વેચાણને કારણે બેંક્સને અપફ્રન્ટ મૂડીમાં રૂ. 5000 કરોડનું નુકસાન થઈ શકે છે. એનસીએલએટીને લેખિત રજૂઆતમાં લેન્ડર્સે જણાવ્યં હતું કે ટોરેન્ટ એક ખાનગી કંપની છે, જ્યારે રિલાયન્સ કેપિટલે રૂ. 25000 કરોડથી વધુના દાવાઓ રજૂ કર્યાં છે. જે પબ્લિકના નાણા છે. આ નાણામાં રૂ. 13500 કરોડના દાવા એલઆઈસી, ઈપીએફઓ અને અન્ય પ્રોવિડન્ટ અને પેન્શન ફંડ્સ અને આર્મી ગ્રૂપ ઈન્શ્યોરન્સ ફંડના છે.
એક્સિસ એમએફ ફ્રન્ટ-રનીંગ કેસમાં સેબીએ રૂ. 30.55 કરોડ જપ્ત કર્યાં
સેબીએ એક્સિસ મ્યુચ્યુલ ફંડના ફંડ મેનેજર વિરેષ જોષી અને તેમની સાથે જોડાયેલી 20 કંપનીઓને ફંડ હાઉસ સાથે જોડાયેલા ફ્રન્ટ રનીંગ કેસમાં બજારમાં ભાગ લેવાથી દૂર કર્યાં છે. રેગ્યુલેટરે ફ્રન્ટ રનીંગ પ્રવૃત્તિ મારફતે ખોટી રીતે મેળવવામાં આવેલા રૂ. 30.55 કરોડના લાભને ઓળખી કાઢ્યો છે. સેબીએ તેની તપાસમાં જાણ્યું હતું કૌભાંડમાં સંકળાયેલા રિંગ મેમ્બર્સ તેમની વોટ્સએપ ચેટમાં જોષીને ‘જાદુગર’ તરીકે સંબોધતાં હતાં. મુંબઈના માર્ગો પર લમ્બોર્ગિની લઈને ફરવાને કારણે જોષી લાઈમલાઈટમાં આવ્યો હતો. તેની લાઈફસ્ટાઈલને કારણે તે ઉઘાડો પડ્યો હતો. જોકે સેબીના આદેશમાં વ્હીસલબ્લોઅરના લેટરનો ઉલ્લેખ પણ કરાયો છે. જેમાં તેના એકાઉન્ટ્સનો કેવી રીતે દૂરુપયોગ કરાયો હતો તે જણાવાયું હતું. સેબીએ જોષી સહિત 20 અન્ય કંપનીઓના કેપિટલ માર્કેટ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં વિસા કેપિટલ, ઓલ્ગા ટ્રેડિંગનો સમાવેશ થાય છે.
સોલાર ઈન્સેન્ટિવ્સ માટે કંપનીઓએ રૂ. 19500 કરોડ માટે બીડ કર્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા પાવર સહિતના સોલાર મોડ્યુલ ઉત્પાદકોએ રૂ. 19500 કરોડના ફાઈનાન્સિયલ ઈન્સેન્ટિવ્સ માટે બીડીંગ કર્યું છે. સરકાર સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન અપવા માટે તથા ચીન ખાતેથી પેનલની આયાત પર અટકાયત માટે આ રાહત પૂરી પાડી રહી છે. ઈન્સેન્ટીવ્સમાં રસ દર્શાવનાર અન્ય કંપનીઓમાં યુએસ પની ફર્સ્ટ સોલાર ઈન્ક તથા ભારતીય કંપનીઓ જેએસડબલ્યુ એનર્જી અને આવાડા ગ્રૂપ તથા રિન્યૂ એનર્જી ગ્લોબલનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી મોટા સોલાર પેનલ ઉત્પાદક અદાણી જૂથનો જોકે બીડર્સમાં સમાવેશ નહિ થતો હોવાનું વર્તુળો જણાવે છે.
ડોલર સામે રૂપિયામાં 11 પૈસા નરમાઈ
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં ગુરુવારે 11 પૈસા ઘટાડો જોવા મળ્યો હતો અને તે 82.60ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલરમાં મજબૂતી પાછળ ઈમર્જિંગ ચલણોમાં નરમાઈ જોવા મળી હતી. ઉપરાંત સ્થાનિક ઈક્વિટીમાં પણ વેચવાલીને કારણે ફોરેક્સ માર્કેટ પર નેગેટિવ અસર જળવાય હતી. ગુરુવારે જોકે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી અદાણી જૂથ શેર્સમાં રૂ. 12 હજાર કરોડથી વધુની ખરીદી પાછળ મજબૂત ઈનફ્લો જોવા મળ્યો હતો. બુધવારે રૂપિયો 82.49ની સપાટી પર બંધ રહ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટો લેન્ડર 6 માર્ચે પૂરા થતાં લોક-ઈન પિરિયડ બાદ યસ બેંકમાં તેના ઈક્વિટી હિસ્સામાં ઘટાડો કરે તેવી શક્યતાં એક રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે. યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગ વખતે આરબીઆઈએ આ લોક-ઈન પિરિયડ નિર્ધારિત કર્યો હતો. પ્રાઈવેટ બેંકમાં શરૂઆતમાં 49 ટકા હિસ્સો ખરીદનાર એસબીઆઈ હાલમાં 26.14 ટકા હિસ્સો ધરાવે છે. જે યસ બેંકમાં સૌથી મોટો શેરધારક છે. રિકન્સ્ટ્રક્શન પ્લાન હેઠળ એસબીઆઈ ત્રણ વર્ષ સુધી 26 ટકાથી વધુ ઘટાડો કરી શકે તેમ નહોતી.
હીરો મોટોકોર્પઃ વિશ્વમાં સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં 3,94,460 યુનિટ્સ ટુ-વ્હીલર્સનું વેચાણ કર્યું હતું. જે 3.90 લાખ યુનિટ્સના અંદાજ કરતાં ઊંચું જોવા મળ્યું હતું. જેને કારણે શેરમાં 1.5 ટકા સુધારો નોંધાયો હતો.
એચએએલઃ કેન્દ્રિય કેબિનેટે ઈન્ડિયન એર ફોર્સ માટે પીએસયૂ કંપની હિંદુસ્તાન એરોનોટિસ પાસેથી 70 એચટીટી-40 બેસી ટ્રેઈનર એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી છે. આ ખરીદી માટે કુલ રૂ. 6828.4 કરોડનો ખર્ચ કરાશે. એચએએલના શેરમાં એક ટકા મજબૂતી જોવા મળી હતી.
આરવીએનએલઃ રેલ્વેની કંપની અને તેના સંયુક્ત સાહસ પાર્ટનર્સ 200 ટ્રેઈનસેટ્સના પ્રોજેક્ટ માટે એલવન બીડર તરીકે ઊભર્યાં છે. એક ટ્રેઈનસેટ્સનો ખર્ચ રૂ. 120 કરોડનો બેસે છે. આમ કંપનીએ રૂ. 2400 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
બજાજ ફિનસર્વઃ એનબીએફસી કંપનીએ મ્યુચ્યુલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી લાયસન્સ મેળવ્યું છે. કંપની બજાજ ફિનસર્વ મ્યુચ્યુલ ફંડ નામે તેનો એમએફ બિઝનેસ શરૂ કરશે. શેરના ભાવમાં 1.3 ટકા સુધારો જોવા મળ્યો હતો.
ડિવગી ટોર્કટ્રાન્સફરઃ ઓટોમોટીવ કોમ્પોનેન્ટ ઉત્પાદક કંપનીનો આઈપીઓ બીજા દિવસની આખરમાં લગભગ 40 ટકા જેટલો ભરાયો હતો. જેમાં રિટેલ હિસ્સો સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થયો હતો. કંપની રૂ. 560-590ની બેંડમાં શેર ઓફર કરી રહી છે. રૂ. 400 કરોડથી વધુનો ઈસ્યુ 3 માર્ચે બંધ થશે. ગ્રે-માર્કેટમાં શેરનું રૂ. 70 આસપાસ પ્રિમીયમ જોવા મળતું હતું.
અદાણી પોર્ટ્સઃ કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં વાર્ષિક ધોરણે 10 ટકા કાર્ગો વૃદ્ધિ નોંધાવી હતી. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી સુધીમાં કંપનીએ કુલ 30.7 કરોડ ટન કાર્ગો વોલ્યુમ હેન્ડલ કર્યું છે. જે વાર્ષિક ધોરણે 8.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો શેર છ સત્રથી પોઝીટીવ બંધ દર્શાવે છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ ભારત સરકારે એન્જીનીયરીંગ કંપની પાસેથી રૂ. 3110 કરોડના ખર્ચે 3 ટ્રેનીંગ શીપ્સની ખરીદી માટે મંજૂરી આપી છે.
ડેલ્હીવેરીઃ જાપાની કંપની સોફ્ટબેંકે લોજિસ્ટીક કંપનીમાં તેના 3.8 ટકા શેર્સનું રૂ. 954 કરોડમાં વેચાણ કર્યું હતું. જેને ખરીદવામાં સાઉદી અરેબિયન મોનેટરી ઓથોરિટી, સિટી ઓફ ન્યૂ યોર્ક ગ્રૂપ ટ્રસ્ટ, સોસાયટી જનરાલી, બીએનપી પારિબા આર્બિટ્રેડ, મોર્ગન સ્ટેનલી મોરેશ્યસ, બેઈલી ગિફ્ફોર્ડ ઈમર્જિંગ માર્કેટ્સ ઈક્વિટીઝ ફંડનો સમાવેશ થતો હતો.
આઈશર મોટર્સઃ કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં વાર્ષિક ધોરણે 21 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 59,160 યુનિટ્સની સરખામણીમાં ચાલુ વર્ષે કંપનીએ 71,544 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું.